'આષાઢસ્ય પ્રથમ દિવસે' કવિ કાલીદાસનું સહજ સ્મરણ થાય છે. જેઓએ રચેલા કાવ્યમાં એક પ્રિયતમાના વિરલની વ્યથામાં ખોવાયેલ યક્ષ વાદળ દ્વારા પોતાની પ્રિયાતમાને વિયોગની વ્યથા પહોંચાડે છે. તેવી જ રીતે અષાઢ માસનો અંતિમ દિન અષાઢ વદી અમાસને સહુ દિવાસાના મહાપર્વ તરીકે ઉજવે છે. દિવાસાને બધા જ તહેવારોનો માસો કહેવામાં આવે છે. આ દિવસે ઘરઘરમાં ખાસ કરીને ખીર બનાવી ઠાકોરજીને ધરાવી સૌ પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે. ચોમાસાની ઋતુ શરૂ થતાં જ અનેક જીવ-જંતુ પેદા થાય છે. જેમાં મક્ષિકા-માખોનો ખૂબ જ ઉપદ્રવ થાય છે. અનુભવી અને વયોવૃધ્ધ વડીલો એવુ કહેતા સંભળાય છે કે આ માખો દિવાસાની ખીર ખાદ્યા પછી જ જશે. દિવાસા પછી આ ઉપદ્રવ ખરેખર ઓછો થઈ જાય છે. સંત શ્રી પુનિત મહારાજે ૮૦ વર્ષ પહેલા દિવાસાના પર્વ વિષે એક કિર્તનની રચના કરી હતી તેના શબ્દો આ પ્રમાણે છે...
દિવાસો દિવાસો કે આજ મારે દિવાસો રે
સૌએ પરવનો માસો કે આજ મારે દિવાસો રે
રાત અંધારી અરપાનની જાતા
થાતો દિવસનો વાસો કે આજ મારે દિવાસો રે
પુનિત પ્રભુની પ્રાપ્તિ રે થાતાં
મટે આ ખોટો તમાશો કે આજ મારે દિવાસો રે
- શ્રી પુનિત પરિવાર


