વૈમનસ્યનું વિસર્જન એટલે 'મિચ્છામિ દુક્કડંમ'
- વૈમનસ્ય, શત્રુભાવને દૂર કરી, તેમની મન-વચન, કર્મથી ક્ષમા યાચવામાં આવે છે. આના માટેનો દિવ્ય, ભવ્ય, સુંદર ભાવ પ્રદર્શિત કરતો મંત્રાક્ષર રૂપ શબ્દ એટલે ' મિચ્છામિ દુક્કડં' આનો અર્થ થાય છે. મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ..' જેનો ભાવાર્થ છે, મન, વિચાર, વચન અને વ્યવહારથી કરેલા દોષ માટે હું ક્ષમા પ્રાથું છું. સર્વે પ્રત્યે મૈત્રીભાવ પ્રસ્તુત કરું છું.
જૈ ન દર્શનના લોકોત્તર પર્વોમાં શિરમોર સમાં પર્વ પર્યુષણા તથા સંવત્સરી છે. શ્રી પર્યુષણા પર્વ એટલે બાહ્ય ચારેય દિશામાંથી આત્માને પરતવાળીને 'સ્વ'માં વસવાનો બોધ આપતું પર્વ. મનુષ્યનાં આત્માનું મૂળ સ્વરુપ છે, સમ્યક દર્શન, જ્ઞાાન, ચરિત્ર, તપ, શક્તિને ક્ષીણ કરતા અજ્ઞાાન, મિથ્યાત્વ, અતિરતિ, અતિ આહાર, આદિથી પરત ફરીને સ્વની સાધના કરવાનું આ પર્વ છે.
પર્યુષણ પર્વમાં શ્રી જિનપ્રતિમાજીનાં દર્શન દ્વારા દર્શન શુદ્ધિ કરવામાં આવે છે. તો 'કલ્પસૂત્ર' ગ્રંથના શ્રવણ દ્વારા જ્ઞાાનગુણની આરાધના કરવામાં આવે છે, તો પૌષધવ્રત દ્વારા શુધ્ધ-ચારિત્ર્યની સાધના કરાય છે. આ પર્યુષણપર્વ, બાહ્ય અને અભ્યંતરતપ, આયંબિલ, આહાર સંજ્ઞાા પર ઉપવાસ દ્વરા વિજ્યપ્રાપ્ત કરવાનું પર્વ છે. તો આ સમયકાળમાં, સર્વજીવોને અભયદાન, પૂ.ગુરુ મહારાજની વિશેષ સેવા ભક્તિ, તથા ધર્મદ્રવ્યની વૃધ્ધિ સાથે દાન ધર્મની પૂજા કરવામાં આવે છે.
પર્ષુષણ પર્વમાં પ્રત્યેક ક્ષણે જાગૃત રહીને અપ્રતિમ ભાવની સ્તવના કરવામાં આવે છે, તો સર્વે જીવરાશિ સાથે મૈત્રી ભાવ રાખીને દ્વેષ અને વેરવૃત્તિ ત્યાગ કરાય છે. જાણતાં અને અજાણતાં થયેલાં સર્વે દુષ્કૃત્યોને શુદ્ધ કરીને ક્ષમા પાઠવવાનું 'સંવત્સરી' પર્વ છે. આ દિવસે સર્વજીવો પ્રત્યે મન, વચન અને કાયાથી જાણતા- અજાણતાં રાખેલા વેરભાવનું વિસર્જન કરી, મૈત્રીભાવ અર્જન કરવાનું આ પર્વ છે.
જૈન અધ્યાયોમાં વિદિત કર્યું છે, કે માનવજીવને સંસારના પરિભ્રમણ દરમિયાન મૂઢ આઠ કર્મો તથા તેના એકસો અઠ્ઠાવન પેટા સ્વરુપ કર્મ માનવીનાં આત્માને પ્રભાવિત કરે છે. ત્યારે આ સર્વે કરવાની ક્રિયારુપી દિવસ અને રાત્રિનાં પ્રતિક્રમણનો આદેશ છે. આ પ્રતિક્રમણથી દુષ્ભાવોનું નિર્મૂલન થાય છે. પરંતુ જો નિત્ય પ્રતિક્રમણ નહીં કરવામાં આવે તો પાપની તીવ્રતામાં વધારો થતો હોય છે.
આવા વૈમનસ્ય, શત્રુભાવને દૂર કરી, તેમની મન-વચન, કર્મથી ક્ષમા યાચવામાં આવે છે. આના માટેનો દિવ્ય, ભવ્ય, સુંદર ભાવ પ્રદર્શિત કરતો મંત્રાક્ષર રૂપ શબ્દ એટલે ' મિચ્છામિ દુક્કડં' આનો અર્થ થાય છે. મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ..' જેનો ભાવાર્થ છે, મન, વિચાર, વચન અને વ્યવહારથી કરેલા દોષ માટે હું ક્ષમા પ્રાથું છું. સર્વે પ્રત્યે મૈત્રીભાવ પ્રસ્તુત કરું છું.
હૃદયનાં ઉંડાણથી પ્રગટ થતો આ મહામંત્ર કેટલો અદ્ભુત છે. સૌ વ્યક્તિઓ પણ વર્ષભરમાં એક વખત પણ આ 'ક્ષમાપના' પર્વને સાચા હૃદયથી ઉજવશે, તો પરસ્પરનાં સ્નેહભાવ વધારે મજબૂત થશે. તથા સમાજમાં સુખ- શાંતિ વધારે ફેલાશે !
- પરેશ અંતાણી