આપણે ખરાબ તો સૌ ખરાબ !!
આ સારુ કે આ ખોટું, એવું નક્કી કરનાર કોણ ? ઇશ્વર કે ભગવાન તો નીમે ખરાઈ કરવા આવવાના નથી. માણસ તો શાસ્ત્રોમાં લખ્યું છે તે મુજબ માણસના કર્મોથી માણસનું મૂલ્યાંકન કરી લેતો હોય છે. પણ અગત્યની વાતતો એ છે કે દરેક માણસના મનમાં સામેની વ્યકિતની છબી અત્યારસુધીના પોતાના અનુભવોથી જ અંકિત થયેલી હોય છે.
આ છબી શરુઆતમાં હતી તેવી અંતે ન પણ હોય. કારણકે વ્યકિત વ્યકિત સાથેના સંબંધો કશાક સ્વાર્થ અને ઉપયોગિતાના ત્રાજવે તોલતો હોય છે. અને સંબંધોમાં આવતી આ ભરતી અને ઓટ માણસ ખરાબ છે કે સારો એ નક્કી કરતી હોય છે. ઉપયોગિતા મુખ્ય ભાગ ભજવે છે. સ્ટેમ્પ મારવામાં.
દરેક વ્યકિત દરેક વ્યકિત માટે સારો નથી હોતો તેમ દરેક વ્યકિત દરેક માટે ખરાબ પણ નથી હોતો. આવું કેમ ?
આવું એટલા માટે છે, કેમ કે દરેકનો સ્વભાવ અલગ અલગ છે. જે ખરેખર સારા સ્વભાવનો છે એને બધા સારા જ લાગશે અને જે ખરાબ સ્વભાવનો હશે એને આખી દુનિયા ખરાબ જ લાગવાની. 'આપણે સારા તો સૌ સારા' એવું સુત્ર માણસે ભલે ગોખી માર્યું હોય પણ હજુ અમલમાં મૂકવા તો કદાચ સાત ભવ પણ ઓછા પડશે.
મતલબ એવો નથી કે દુનિયામાં સારા માણસો નથી. છે પણ જે ખરેખર સારા છે એને જ એ મળવાના બાકી ખરાબ માણસને સારો માણસ મળે તો ય એને એ ખરાબ જ કહેવાનો. આગળ કહ્યું ને તેમ ત્રાજવું સૌનું પોતિકું છે. દરેક વાતમાં મારો જ ક્કકો સાચો એવું તો સાવ ન ચાલે ને ભૈ.'
આપણે ઝિણવટથી જોઈશું તો આપણી આજુબાજુ આપણા કુટુંબમાં, સમાજમાં, ધર્મમાં આવા કેટલાય સારા-ખોટા માણસોનો અનુભવ થતો હોય છે. જે ખરાબ હશે એને મોટેભાગે કોઈનાથી નહીં બને. પોતાના ઘરમાં, કુટુંબમાં, આડોશ-પાડોશમાં, સગાસબંધીઓમાં અપડાઉનમાં નોકરીના સ્થળે, અજાણ્યાઓ સાથે... એવી કોઈ જગ્યા જ નહીં બચી હોય કે જ્યાં ' આ ભાઈ કે બહેને કોઈને સારા કહ્યા હોય !! અને એટલે જ કહેવાનું મન થાય છે કે' આપણે ખરાબ તો સૌ ખરાબ .
જ્યાં એક વ્યકિતને બહુમતિ વર્ગ ખરાબ જણાતો હોય તો એ તો શક્ય જ નથી ને. કદાચ એના કહેવાથી એકાદ બે જણને ખરાબ માનીએ ચલો, પણ બધા તો ન હોઈ શકે ને ? આ વાતમાં દરેક સમજદાર વ્યકિતને બહુમતિ વર્ગને ખરાબ કહેનારો વ્યકિત જ ખરાબ લાગે. ખરાબી ખુદમાં છે. પીળિયો થયો હોય એને બધુ પીળું જ દેખાય એમ તેથી જ સ્તો મરીઝ સાહેબે લખેલ છે.
ખુદને ખરાબ કહેવાની
હિંમત નથી રહી...
તેથી જ બધા કહે છે
જમાનો ખરાબ છે...
સારા-સરસ માણસોનો જમાનામાં તોટો નથી. આપ ભલા તો જગ ભલા એ ન્યાયે જાતમાં જગત શોધવું પડે. માણસે પોતાની વૃત્તિઓ અને વિચારો વિશે આત્મમંથન કરવું જોઈએ. જેમ ખરાબ ખરાબ વિચારો આવે છે, એમ સારા-સારા વિચારો પણ આવવા જોઈએ.
ઇશ્વરે રચેલી આ અદ્ભૂત દુનિયા આટલી સુંદર અને સુખના સાગર જેવી હોય તો એમાં તો માણસ પણ આવી ગયોને ? એ કેવી રીતે ખરાબ હોઈ શકે ? ના,ના. જરાય ન હોઈ શકે. ઇશ્વરની કૃતિ શ્રેષ્ઠ જ હોય. પણ બાળકના આગમન પછી ઘડતરમાં કચાશ રહી જતી હોય છે. પહેલી પાઠશાળા એટલે 'ઘર'.
આ ઘરની શાળામાંથી, મા-બાપના વાણી-વર્તનમાંથી તથા ઘરના, શાળાના અને આજુબાજુના વાતાવરણમાંથી સંસ્કારોનું સિંચન થતું હોય છે અને તે મુજબ એનામાં સારા-ખોટાની સમજ ઊભી થતી હોય છે જે આગળ જતાં વકરતી હોય છે યા તો વિકસિત હોય છે. આ માણસ ખરાબ કે આ માણસ સારો એવી ટીકાટિપ્પણી કરવાનો એક સારા માણસને અધિકાર નથી જ. જેવું જે વાવશે એવું લણશે.
- દિલીપ રાવલ