Get The App

જીના તો હૈ ઉસીકા જીસને યે રાઝ જાના... હૈ કામ આદમીકા ઓરોંકે કામ આના...

Updated: Jul 17th, 2019

GS TEAM

Google News
Google News


જનસેવાના અભિગમથી ચાલવાવાળા જ જલારામ બાપા, બજરંગદાસબાપા કે સાંઈબાબાને આપણે યાદ કરીએ છીએ. બાકી મારું-તારું, ઓછુ-વધતુ કરવાવાળા તો જાણે આ દુનિયામાં આવ્યા જ નથી એમ ગૂમનામ થઈ જતા હોય છે.

અ ધિકાર ફિલ્મનું રફી સાહેબે ગાયેલું આ ગીત સતસંગના પર્યાય સમુ છે. મૃત્યુપર્યત પોતાની ઉપલબ્ધિઓના જ ગુણલા ગાવામાં નિષ્ણાત માનવીની નોંધપોથીમાં બીજાને કેટલો ઉપયોગી બન્યો એની તો લેશમાત્ર નોંધ નહીં હોય. બહુ ઓછા વિરલા આ ક્રમમાં હોય છે. અરે, કોઈ ભગ્નહૃદયને ઠાલા આશ્વાસન આપવામાં પણ કંજુસાઈ માણસ કરતો હોય છે. પછી બીજી રીતે મદદરૂપ બનવાની તો વાત જ ક્યાં આવે ??

આપણે ભૂલી જઈએ છીએ કે આ દુનિયા એકમેકના સહયોગની આપલેથી ચાલે છે. શેઠને નોકરની ને નોકરને શેઠની જરૂર છે જ. તો જ ઘરમાં ચૂલો સળગે. કુદરતે કેવળ માનવીનું જ નહીં, દરેક કુદરતી ચીજ-વસ્તુઓનું સર્જન સેવા અર્થે જ કરેલ છે. આકાશ- ધરતી, હવા-પાણી, ફળ-ફુલ, ઝાડપાન, ખાનપાન.. જ્યાં જૂઓ ત્યાં બસ સેવા જ સેવા. સરકારી નોકરો કે જીવનજરૂરિયાતની આવશ્યક સેવાઓ પૂરી પાડતા સેવકો જ્યારે હડતાલ પાડતા હોય છે. ત્યારે કેવી વીતે છે એ સૌને ખબર જ છે. સૂરજ બે-ચાર દિવસ હડતાલ પાડે તો ??

તો વિચારવાની બાબત એ છે કે કોઈકને યથાશક્તિ મદદગાર બનીએ એવા કેટલાય હાથો કે આંખો આપણી તરફ મીટ માંડીને બેઠા હોય ત્યારે એમનો સેવા નહીં કરીને પરમાત્માનું કેટલું મોટું માફ ન કરી શકાય તેવું અપમાન માણસ કરી બેસતો હોય છે. શું માત્ર બાહ્ય ક્રિયાકર્મ કરવા એટલામાં જ ધર્મ સિમીત થઈ જાય છે ? પાણીના બગાડમાં ધર્મ છે કે પાણીના સદ્ઉપયોગમાં ધર્મ છે ? બીજી વાત તો છોડો આપમે ત્યાં પૈસા ખર્ચીને લાવેલા પાણીનો પણ બગાડ થાય છે. કાચના ગ્લાસમાં અપાયેલા પાણીના બે-ચાર ઘૂંટડા માર્યા બાદના પાણીને વેડફી નાખવામાં આવે છે !!! આપણે ત્યાં જવાબદારી ધર્મ કે સેવાધર્મને તો નિયમીત દેવ-દર્શન કરવાવાળા પણ નથી સમજતા.

માનવ થઈ માનવીની ઉપેક્ષા કરીએ કે રાજી ન કરીએ તો મહામાનવ રામ-કૃષ્ણ કે રહીમ ક્યાંથી રાજી રહે ? આપણી આસપાસ આપણને પુલકિત કરી શકે એવી નાની-નાની અસંખ્ય સેવાની તકો પડેલી જ હોય છે. પણ ત્યાં અંતરાત્માના અવાજને સાંભળવો પડતો હોય છે. મૂંગા પશુ-પંખી કે અસહાય- લાચાર લોકોનો બેલી ખુદ ઇશ્વર તો આવવાનો નથી.

કોક માનવી જ એનો ભગવાન બની શકે. અને આ પાઠ શીખવા કોઈ સંપ્રદાય, પંથ કે વાડાની કે શિબીરની કંઠીની જરૂર નથી. રૂપિયા હોય તો જ સેવા થાય એવું કાંઈ જરૂરી નથી. રૂપિયા તો મોટેભાગે દેખાડામાં જ વપરાતા હોય છે. પણ પરોપકાર પરમારથમાં જે આત્મગૌરવ મળે છે કે જેને દુનિયાની કોઈ તાકાત ડીસ્ટર્બ નથી કરી શકતી.

જાતને એક પ્રશ્ન પૂછવા જેવો છે કે હું અત્યારે જે છું જેવો છું. એ કોના પ્રતાપે ? કોની સેવાથી હું આટલે સુધી પહોંચ્યો ? મા-બાપથી લઈ વચ્ચે કેટલાય એવા લોકો હશે જે લખવામાં કદાચ આ કાગળે ય ઓછો પડે. તો પછી સાથે સાથે આપણને એમ પણ થવું જોઈએ કે હું કેટલાને કામે લાગ્યો કે ઉપયોગી થયો ?

બાધાઓ,માનતાઓ ને કર્મકાંડોની ખોખલી અને વેવલી ભક્તીઓ જતે દહાડે માણસને ખોખલો કરી દે છે. જ્યાં સુધી નિઃસ્વાર્થ ભાવે સેવાનું તત્વ તમારા કર્મમાં નહી જોડાય ત્યાં સુધી ઇચ્છીત ફળની આશા રાખવી વ્યર્થ છે. પ્રસન્નતાતો જ આવે જ્યારે તમે બીજાને પ્રસન્ન કરો છો. પ્રભુ તમારા દૃવ્યથી પ્રસન્ન નથી થતો.  જનસેવાના અભિગમથી ચાલવાવાળા જ જલારામ બાપા, બજરંગદાસબાપા કે સાંઈબાબાને આપણે યાદ કરીએ છીએ. બાકી મારું-તારું, ઓછુ-વધતુ કરવાવાળા તો જાણે આ દુનિયામાં આવ્યા જ નથી એમ ગૂમનામ થઈ જતા હોય છે.

આપણે સૌએ મોકાના અને ઇજ્જતદાર વ્યકિતની વ્યાખ્યા બદલવી પડશે. પદ-પ્રતિષ્ઠા કે પૈસાથી માનવ ઇજ્જતદાર કે મોકાનો નથી ગણાતો. પણ જેના આગમન માત્રથી હજારોનું ટોળું ઊંભુ થઈને સતત દશ મીનીટ તાળીઓના ગડગડાટથી વધાવી લે  અને એમને સાંભળ્યા પછી એમને મળ્યાપછી કે એમને જોયા પછી એક ચેતનાની ચિનગારી એક આનંદ લઈને, એક જોશ-જુસ્સો લઈને ઘરે જાય અને પોતાનામાં સુધારા-વધારાની શરુઆત કરવાનું મન થાય એવો સેવાભાવી જ ખરા અર્થમાં મોકાનો માણસ કહેવાય. બાકી, જીંદગી કે સફરમેં ગુજર જાતે હૈ, વો મુકામ ફીર નહીં આતે...

- દિલીપ રાવલ

Tags :