શિવાજીના ગુરુ સમર્થ રામદાસજીને ભગવાન શ્રીરામે સ્વયં દીક્ષા આપી રામદાસજી નામ આપ્યું હતું !
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
- આત્મ-સાક્ષાત્કાર થયા બાદ સમર્થ રામદાસ તીર્થયાત્રા કરવા નીકળી ગયા હતા. હિમાલયનું પવિત્ર વાતાવરણ જોયા બાદ વિરકત સ્વભાવના રામદાસજીના મનમાં વૈરાગ્ય ભાવ જાગૃત થઇ ગયો હતો.
સ મર્થ રામદાસ મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત હતા. તે છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ હતા. તેમણે 'દાસબોધ' નામના એક ગ્રંથની રચના પણ કરી હતી. જે મરાઠી ભાષામાં છે. 'હિન્દુ પદ પાદશાહી'ના સંસ્થાપક શિવાજીના ગુરુ રામદાસજીનું નામ સાધુ-સંતો અને વિદ્ધદ્ સમાજમાં શિરમોર સ્થાન પર છે. મહારાષ્ટ્ર અને આખા દક્ષિણ ભારતમાં તો પ્રત્યક્ષ ભગવાન હનુમાનના અવતારના રૂપમાં એમની પૂજા કરવામાં આવે છે.
સમર્થ રામદાસજીનો જન્મ જાલના જિલ્લાના જાંબ નામના સ્થાને રામનવમીના દિવસે મધ્યાહ્નના સમયે જમદગ્નિ ગોત્રના ઋગ્વેદી બ્રાહ્મણ પરિવારમાં શક ૧૫૩૦ ઇસ.૧૬૦૮માં થયો હતો. તેમના સૂર્યાજી પંત હતું. તે ભગવાન સૂર્યના પરમ પણ ઉપાસક હતા અને દરરોજ 'આદિત્યહૃદય' સ્ત્રોતનો પાઠ કરતા હતા. તે ગામના પટવારી હતા પમ તેમનો મોટાભાગનો સમય ભગવાનની ઉપાસનામાં જ વીતતો હતો. તેમની માતાનું નામ શણુબાઇ હતું. તે સંત એકનાથજીના પરિવારના દૂરની સંબંધી હતી. સૂર્યદેવની કૃપાથી સૂર્યાજી પંતને બે પુત્રો હતા. એક ગંગાધર સ્વામી અને બીજા નારાયણ. નારાયણ જ આગળ જતાં સમર્થ રામદાસજી તરીકે ઓળખાયા.
નારાયણ એટલે કે રામદાસ પાંચ વર્ષના હતા ત્યારે તેમને ઉપનયન સંસ્કાર આપવામાં આવ્યા હતા. તે નિત્યનું બ્રહ્મકર્મ પણ જલદી શીખી ગયા. નારાયણ નિત્ય ૨૦૦૦ સૂર્ય નમસ્કાર કરતા. આઠ વર્ષની ઉંમરે તેમણે હનુમાનજીને પ્રસન્ન કર્યા હતા અને ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન પણ કર્યા હતા. એ અદભૂત પ્રસંગે ભગવાન શ્રી રામચંદ્રજીએ પોતે જ એમને દીક્ષા આપી હતી અને તેમનું નામ 'રામદાસ' રાખ્યું હતું.
આત્મ-સાક્ષાત્કાર થયા બાદ સમર્થ રામદાસ તીર્થયાત્રા કરવા નીકળી ગયા હતા. હિમાલયનું પવિત્ર વાતાવરણ જોયા બાદ વિરકત સ્વભાવના રામદાસજીના મનમાં વૈરાગ્ય ભાવ જાગૃત થઇ ગયો હતો. તીર્થયાત્રા કરતાં જ્યારે તે શ્રીનગર આવ્યા ત્યારે ત્યાં તેમની મુલાકાત શિષ્યોના ગુરુ હરગોવિંદજી મહારાજ સાથે થઇ હતી. તેમણે રામદાસને ધર્મરક્ષાના હેતુથી શસ્ત્ર સજ્જ રહેવાનું માર્ગદર્શન આપ્યું હતું. આ તીર્થ યાત્રા દરમિયાન તેમણે લોકોની જે દુર્દશા અને દુ:ખ જોયા તેનાથી તેમનું હૃદય દયાર્દ્ર બની સંતપ્ત થઇ ગયું હતું. તેમણે મોક્ષસાધનાની સાથે સાથે પોતાના જીવનનું લક્ષ્ય સ્વરાજની સ્થાપના દ્વારા આતતાથી શાસકોના અત્યાચારોથી લોકોને મુક્તિ અપાવવાનું પણ રાખ્યું હતું.
સંવત ૧૭૦૭માં રામદાસજી પાલીમાં આવીને રહેવા લાગ્યા ત્યારથી તે સ્થાન સજ્જનગઢ તરીકે પ્રસિદ્ધ થયું. શિવાજી મહારાજ પણ વારંવાર એમના દર્શન કરવા ત્યાં આવતાં. સંવત ૧૭૧૨માં જ્યારે શિવાજી સાતારામમાં હતા ત્યારે એકવાર રામદાસજી કરજગાંવથી ચાલીને એમના રાજદ્વાર પર ભિક્ષા માંગવા ગયા. શિવાજી મહારાજે તેમને પ્રણામ કરી એક પત્ર તેમની ભિક્ષાની ઝોલીમાં પધરાવી દીધો. તેમાં તેમણે એમનું રાજ્ય અને બધી સંપત્તિ કરી દીધી હોવાનો નિર્દેશ કર્યો. બીજે દિવસે તે રામદાસજીની સાથે ઝોળી લઇને ભિક્ષા માંગવા પણ નીકળી પડયા. પણ રામદાસજીએ એમને રાજધર્મ અદા કરવાની જ આજ્ઞાા કરી. રાજ્ય અને પ્રજાના હિત માટે તે ધર્મમુક્ત શાસન ધુરા ધારણ કરી રાખે તે જરૂરી હતું. તેથી શિવાજીએ તેમની આજ્ઞાા માથે ચડાવી દીધી હતી.
સમર્થ રામદાસજી સિદ્ધ યોગી પણ હતા. તે નાસિક પાસે ટાફલી ગામમાં ગોદા અને નંદિની નામની નદીઓના સંગમ સ્થાને તપ કરતા હતા. ત્યારે એક સ્ત્રીને સહજ પ્રણામ કરતાં આશીર્વાદ આપી દીધા - 'અષ્ટપુત્રા, સૌભાગ્યવતી ભવ.' તે સ્ત્રીએ કહ્યું - આ કેવી રીતે શક્ય બને ? હું તો મારા પતિનું મરણ થવાને લીધે સતી બનવા નીકળી છું. ત્યાં દર્શન કર્યા એટલે તમને પ્રણામ કર્યા. સમર્થ રામદાસજીએ કહ્યું - 'મારા મુખેથી નીકળેલું વચન મિથ્યા નહી બને.' તેમણે તે સ્ત્રીના પતિના મૃતદેહ પાસે જઇ સિદ્ધ રામમંત્ર બોલી અભિમંત્રિત તીર્થ જળ તેના પર છાટયું. તે સાથે જ તેનો મૃત પતિ જીવતો થઇ ગયો હતો. તેના થકી તે આઠ પુત્રોની માતા બની હતી. એ પછી બીજા બે પુત્રોના આશિષ આપતાં તે દસ પુત્રોની માતા બની હતી. તેનો મોટો પુત્ર ઉદ્ધવ ગોસાવી તેણે રામદાસજીને સમર્પિત કરી દીધો હતો.