- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
હિંદુ ધર્મમાં પંચદેવનું પૂજન શ્રેયસ્કર માનવામાં આવ્યું છે. આ પંચદેવો છે- વિષ્ણુ, શિવ, સૂર્ય, દુર્ગા અને ગણેશ. સિધ્ધિ અને ઋદ્વિના દાતા ગણેશનું પ્રમુખ અને અંગ્ર સ્થાન છે. શાસ્ત્રોમાં ગણેશના ૫૧ સ્વરૂપોનું વર્ણન છે જેમ કે બાલ, તરુણ, વિઘ્નરાજ, હેરમ્બ, નૃત્ય વગેરે. મત્સ્યપુરાણમાં ગણેશના અનેક નામોનો નિર્દેશ છે. 'શારદાતિલક'માં પણ ગણેશના અનેક નામો દર્શાવેલા જોવા મળે છે જેમ કે - વિઘ્નરાજ, ગણપતિ, શક્તિ-ગણેશ, વક્રતુણ્ડ, હેરમ્બ, મહાગણપતિ, વિરિ-ગણપતિ, ઉચ્છિષ્ટ-ગણપતિ વગેરે.
નૃત્ય ગણપતિના રૂપમાં શ્રીગણેશજી સંગીત, કલાના પ્રતીક છે. દક્ષિણ ભારતમાં નૃત્ય-ગણપતિની અનેક મૂર્તિઓ ઉપલબ્ધ થઈ છે. મૈસૂરના હલેવિદના હોયલેશ્વર- મંદિરમાં નૃત્ય-ગણપતિની અષ્ટભુજાવાળી અત્યંત દર્શનીય મૂર્તિના હાથોમાં પરશુ, પાશ, મોદકપાત્ર, દંત, સર્પ અને કમળ સુશોભિત છે. તો બીજા બે હાથ ગજહસ્ત-મુદ્રા અને વિસ્મયહસ્તની મુદ્રામાં છે. તંજોરના મંદિર, ભેડાઘાટમાં આવેલા મંદિરમાં શ્રીગણેશની કલાત્મક મૂર્તિઓ પ્રાપ્ત થાય છે. ઉડીસા (ઓરિસ્સા)ના મયૂરભંજમાં પ્રાપ્ત નૃત્ય ગણપતિની મૂર્તિની સૌમ્ય મુદ્રા અત્યંત આકર્ષક અને સંમોહિત કરી દે તેવી છે. દ્વિક્મલ પર બિરાજમાન અષ્ટભુજાવાળી મૂર્તિ નૃત્ય મુદ્રામાં છે. ખજુરાહોમાં ચર્તુભુજ, અષ્ટભુજ અને ષોડશભુજ (સોળ હાથવાળી) ગણપતિની મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે. મૈસૂરમાં મળેલી નૃત્ય ગણપતિની મૂર્તિના હાથોમાં અક્ષમાળા, મોદક વગેરે છે તો જમણો હાથ વરમુદ્રામાં છે. પગના વળાંકથી નૃત્યની કલાત્મક ભાવ ભંગિમાનો ઇશારો કરે છે. બંગાળથી મળેલી મૂર્તિમાં ગણપતિ આંબાના વૃક્ષ નીચે નૃત્ય કરતા દર્શાવાયા છે. કલકતા સંગ્રહાલયમાં નૃત્ય ગણપતિની અનેક મધ્યકાલીન મૂર્તિઓ સુરક્ષિત સચવાયેલી છે. કાશી વિશ્વ વિદ્યાલયના ભારત-કલા ભવનમાં સંગ્રહાયેલી મૂર્તિમાં નૃત્ય મુદ્રામાં વાંકા-ત્રાંસા ઉભા રહેલા ગણેશ પ્રસન્નતાનો ભાવ વ્યક્ત કરતા જોવા મળે છે.
નૃત્ય મુદ્રામાં કંડારાયેલા કે ચિત્રિત ગણપતિને સંગીતના ક્ષેત્રે વીણાવાદિની સરસ્વતી, વેણુવાદન કરતા શ્રીકૃષ્ણ અને નૃત્ય સાથે ડમરુ વગાડતા શિવ સાથે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થયું છે. મહાન સંગીતકારોએ એમના ઇષ્ટદેવ ગણપતિને સમર્પિત ૨૧ માત્રાવાળા 'ગણેશ તાલ'ની રચના પણ કરી છે. અકબરના દરબારના સંગીત રત્ન તાનસેને એમની ધ્રુપદ રચનાઓમાં સંગીત કાવ્યકલા ગણેશના ચરણકમળોમાં અર્પિત કરી દીધી છે. 'એકદંત ગજબદન વિનાયક, વિઘ્ન વિનાશન હૈ સુખદાઈ લંબોદર ગજાનન જગબંદન સિવ-સુત ઢુંઢિરાજ સબ બરદાઈ ગૌરીસુત ગનેસ મુસકવાહન ફરસાધર શંકરસુવન રિદ્ધિ-સિધ્ધિ નવ નિધિ દાઈ ।।
'તાનસેન' તેરી અસ્તુતિ કરત કાટે કલેસ પ્રથમ બંદન કરત દ્વન્દ્વ મિટ જાઈ ।।
તાનસેનની જેમ તેમના સમકાલીન બૈજુ બાવરાએ પણ ગણેશને સર્વોચ્ચ પ્રતિષ્ઠા પ્રદાન કરી છે. તેમણે ગાયું છે- પ્રથમ નામ ગણેશકો લીજિયે, જા સુમિરે હોએ સિદ્ધિ કામ.' એ રીતે ગોપાલ નાયડે । જય સરસ્વતી મહેશ કહીને સરસ્વતી અને શિવજી સાથે ગણપતિની સ્તુતિ કરી છે.
સરસ્વતીની જેમ ગણપતિ પણ બુધ્ધિ, સિધ્ધિ અને કલા પ્રદાન કરનારા સિધ્ધેશ્વર આરાધ્ય છે. જેમનું માનવો, દેવો, મુનિજનો, ગુણીજનો, ગંધર્વો અને જ્ઞાાનીજનો સ્મરણ કરે છે. તુમ હો ગનપતિ દેવ બુદ્ધિદાતા, સીસ ઘરે ગજ-સુંડ, જેઇ જેઇ ધ્યાવૈ તેઇ-તેઇ પાવૈ, ચંદન લેપ કિયે ભુજદંડ । સિદ્ધેશ્વર નામ તુમારો કહિયત જે વિદ્યાધર તિન લોક મધ્ય સપ્ત દ્વીપ નવ ખણ્ડ । તાનસેન તમુકો નિત સુમિરત સુર-નર-મુનિ-ગુનિ- ગંધર્વ-પંડિત ।।
શ્રી ગણપતિને કલા, સંગીત અને ઉત્સવોના દેવતા માનવામાં આવે છે. નૃત્ય ગણપતિના સ્વરૂપની પૂજા કરનાર કલાકારો, નર્તકો અને સંગીતકારોને તેમના ક્ષેત્રમાં સફળતા, સિધ્ધિ અને ઉન્નતિ પ્રાપ્ત થાય છે.


