Get The App

ભગવાન શિવજીના સ્વરૂપ સાથે સંબંધિત પ્રતીકોનું તાત્પર્ય

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
ભગવાન શિવજીના સ્વરૂપ સાથે સંબંધિત પ્રતીકોનું તાત્પર્ય 1 - image


- વિચાર-વીથિકા- દેવેશ મહેતા

ભગવાન શિવજીના બે સ્વરૂપો છે- એક નિરાકાર અને બીજું સાકાર. શિવલિંગ એ ભગવાન શિવજીના નિર્ગુણ અને નિરાકાર સ્વરૂપનું પ્રતીક છે. તે બ્રહ્મ, આત્મા અને આખા બ્રહ્માંડનું ચિહ્ન છે. શિવપુરાણ વિદ્યેશ્વર સંહિતામાં કહેવાયું છે કે શિવલિંગ પ્રણવ (ઓમકાર) છે. તે બધી કામનાઓ પૂર્ણ કરનાર છે. શિવજીના સાકાર સ્વરૂપની સ્તુતિ કરતાં કહેવાયું છે- 'શૂલં વજ્ર ચ ખડગં પરશુમભયદં દક્ષભાગે વહનાં નાગં પાશં ચ ઘણ્ટાં પ્રલયહુતવહં સાઙકુશ વામભાગે । નાના લઙકારયુક્ત સ્ફટિકમણિનિભં પાર્વતીશં નમામિ ।। શિવ જે શાંત સ્વરૂપ છે, પદ્માસનમાં બિરાજમાન છે, મસ્તક પર ચંદ્રનો મુકુટ ધારણ કરનારા છે, જેમના પાંખ મુખ છે, ત્રણ નેત્રો છે, જે એમના જમણાભાગની ભુજાઓમાં શૂળ, વજ્ર, ખડગ, પરશુ અને અભય મુદ્રા ધારણ કરે છે, અને ડાબા ભાગની ભુજાઓમાં સર્પ, પાશ, ઘંટ, પ્રલયાગ્નિ અને અંકુશ ધારણ કરે છે તે વિવિધ અલંકારોથી વિભૂષિત અને સ્ફટિક મણિ જેવા શ્વેત વર્ણ (રંગ) વાળા છે તે પાર્વતિપતિ ભગવાન શિવને હું નમસ્કાર કરું છું.

શિવજીના સાકાર સ્વરૂપ સાથે બીજી અનેક વસ્તુઓ સંકળાયેલી જોવા મળે છે. તે બધાનો આધ્યાત્મિક અર્થ છે. શિવ આરાધનામાં તે બધાનું વિશેષ તાત્પર્ય છે. ઋગ્વેદના પુરુષ સૂક્તમાં કહેવાયું છે- ' ચન્દ્રમા મનસો જાત : અર્થાત્ ચંદ્ર મનથી ઉત્પન્ન થયો છે' એ રીતે ચંદ્ર મનનું પ્રતીક છે. અપ્રગટ, અગોચર અવસ્થાને પ્રગટ, ગોચર જગતમાં લાવવા મનની જરૂર પડે છે. બ્રિટિશ ખગોળ-ભૌતિકવિજ્ઞાની સર આર્થર એડિંગ્ટન કહે છે - ંરી જંેકક ર્ક ંરી ર્ુઙ્મિઙ્ઘ ૈજ દ્બૈહઙ્ઘ જંેકક- જગત બંધારણની સામગ્રી મનનું તત્ત્વ છે. આ ચંદ્રને શિવજીએ મસ્તક પર ધારણ કર્યો છે એટલે એમનું નામ ચંદ્રશેખર કે ચંદ્રમૌલિ પણ છે. એમના મસ્તક પર રહેલો ચંદ્ર મનને ધ્યાન-યોગથી નિયંત્રિત કરવાનું સૂચન કરે છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે- વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા (૨-૬૧) જેની ઇન્દ્રિયો સાથે એનું મન એના વશમાં હોય છે. એની બુદ્ધિ સ્થિર થાય છે.

ભગવાન શિવના સ્વરૂપ સાથે ડમરુ જોડાયેલું છે. ડમરુ બ્રહ્માંડનું પ્રતીક છે. ખગોળવિજ્ઞાન દર્શાવે છે કે બ્રહ્માડ સતત વિસ્તરનું, ફેલાતું અને પછી સંકોચાઈને વિલિન થતું રહે છે ડમરુનો આકાર આ જ બાબતનું સૂચન કરે છે. શરૂઆતમાં એનો આકાર ફેલાયેલો-પહોળો-વિસ્તીર્ણ હોય છે પછી ધીમે ધીમે તે સંકોચાયેલો-પાતળો થતો જાય છે. એમાંથી પાછો એ પહોળો- વિસ્તીર્ણ થઈ જાય છે. તે બ્રહ્માંડના સર્જન-સ્થિતિ-સંહારનો ખ્યાલ આપે છે. ડમરું ધ્વનિનું ઉત્પત્તિ સ્થાન છે. ધ્વનિ લય અને ઊર્જા બન્ને છે. ભૌતિકવિજ્ઞાન કહે છે કે બ્રહ્માંડ તરંગોથી બનેલું છે. ડમરુમાંથી જ ભગવાન શિવજીએ સંગીતના સાત સૂર પ્રગટ કર્યા છે. તેમાંથી જ વર્ણમાળાના અક્ષરો ઉત્પન્ન થયા છે. એમાંથી શબ્દો બન્યા છે. સંગીતના નાદને બ્રહ્મ જ કહેવામાં આવ્યો છે.

શિવજીએ ગળામાં વાસુકિ નાગ હાર તરીકે પહેર્યો છે. શિવજીએ કુંડલિની યોગ અને તંત્ર શાસ્ત્રનું જ્ઞાન પાર્વતીનો આપ્યું હતું. કુંડલિની શક્તિને સર્પિણીનું રૂપક આપવામાં આવ્યું છે. તે ષડ્ચક્ર ભેદન કરવા ઉપર ઉઠે છે. ગળામાં વિશુધ્ધિ ચક્ર રહેલું છે જે બહારના ઝેરી પ્રભાવોને શુધ્ધ કરે છે. પછી કુંડલિની શક્તિ આજ્ઞા ચક્ર અને સહસ્રાર ચક્ર ભેદવા ઉપર જાય છે. શિવજીનું ત્રિશૂળ જાગૃત, સ્વપ્ન અને સુષિપ્તિ ત્રણ અવસ્થાથી ઉપર તુરીય દશામાં જવાનો અને સત્વ, રજસ્, તમસ્ ત્રણેય ગુણોથી રહિત ત્રિગુણાતીત બનવાનો નિર્દેશ કરે છે. શિવજીના શરીર પરની ભસ્મ જીવનની ક્ષણભંગુરતા અને નિ:સારતાનો બોધ કરાવે છે. ભસ્મીભૂત બનનાર દેહનો મોહ ન રાખવો એ સંદેશ આપી ચિત્તને વૈરાગ્ય યુક્ત રાખવાનો નિર્દેશ કરે છે.

ભગવાન શિવજીનું વાહન બળદ નંદી છે. નંદી પવિત્રતા, વિવેકબુધ્ધિ, જ્ઞાન, ભક્તિ અને કર્મનું પ્રતીક છે. શિવાલયમાં શિવલિંગની સામે નંદીની મૂર્તિ પ્રસ્થાપિત કરાય છે. નંદીની આંખો ભગવાન શિવજીની સામે જ રહે છે. તે શિવ- સન્મુખ રહેવાનું અને એકાગ્ર નજરે શિવ-સ્વરૂપના દર્શન કરી ધ્યાન કરવાનું સૂચન કરે છે. શિવજી મોટેભાગે ધ્યાન અને સમાધિમાં મગ્ન હોય છે. એટલે એમના ભક્તોની પ્રાર્થના નંદી સાંભળે છે અને એ સમાધિમાંથી બહાર આવે ત્યારે તેમને તે પહોંચાડે છે. આ કારણથી શિવાલયમાં ભક્તો નંદીના કાનમાં પોતાની ઇચ્છા, પ્રાર્થનાના શબ્દો કહેતા હોય છે. એ પ્રાર્થના પોતાના પ્રિય સખા નંદી થકી કહેવામાં આવી હોવાથી શિવજી એને અચૂક પૂર્ણ કરે છે. શિવાલયમાં નંદીની જેમ કૂર્મ (કાચબા)ની મૂર્તિ પણ પ્રસ્થાપિત કરાય છે. નંદી ધર્મ અને આચારનું પ્રતીક છે. તે શારીરિક કર્મનું સૂચન કરે છે. કાચબો સંકલ્પ અને વિચારનું પ્રતીક છે. તે માનસિક ચિંતન, મનોબળ સાથે જોડાયેલો છે. કાચબો સંયમ, સંતુલન, સુદ્રઢ આધાર અને ભગવાનનો સુદ્રઢ આશ્રય ધારણ કરી રાખવાનો બોધ આપે છે.

Tags :