ભગવાન વિઠ્ઠલનાથજીના પરમ ભક્ત વિરક્ત, ગૃહસ્થ સંત ગોરા કુંભાર
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
- એક દિવસ સંતીની યોજનાથી નિદ્રા વખતે ગોરા કુંભારનો હાથ રામીને અડકી ગયો. તેમણે અપરાધના દંડરૂપે પોતાના બન્ને હાથ કાપી નાંખ્યા
'કામવ્યાર્ધે કુમતિ ફણિનિ સ્વાન્તદુર્વારનીડે
માયાસિંહી વિહરણવને લોભ ભલ્લુક ભીમે ।
જન્મન્યસ્મિન્ ભવતિ વિરતિઃ સજ્જનાનાં કદાચિત્
તત્ત્વજ્ઞાાનાં વિષય વિષમાકણ્ટકાકીર્ણ પાર્શ્વે ।।
કામરૂપી વાઘવાળા, અંતઃકરણરૂપી ભયંકર
દરમાં રહેલી કુમતિરૂપી સાપણવાળા, માયા
રૂપી ફરતી સિંહણવાળા, લોભરૂપી ભયંકર
રીંછવાળા તથા વિષયરૂપી વિષમ કાંટાઓથી
વ્યાપેલા આ જન્મ અને સાંસારિક જીવનરૂપી
ભયાનક જંગલ પર તત્ત્વજ્ઞાાની સત્પુરુષોને
ક્યારેય પ્રીતિ થતી નથી.'
સંત ગોરા કુંભાર મહારાષ્ટ્રના વારકરી સંપ્રદાય સાથે જોડાયેલા વિરક્ત સંત હતા. ગોરા કુંભાર સંત જ્ઞાાનેશ્વરના સમયગાળામાં થયા. સંત ગોરા કુંભારને 'ગોરોબા' નામથી પણ ઓળખવામાં આવે છે. સર્વ સંગ્રહગાથામાં એમના નામે ૪૩ અભંગ છે. ગોરા કુંભાર ભગવાન વિઠ્ઠલનાથજીના પરમ ભક્ત હતા. તે અહર્નિશ એમનું સ્મરણ કર્યા કરતા હતા. એમની સંતી નામની એક પત્ની હતી અને બે વર્ષનું બાળક હતું. તેમણે બાળકનું નામ પણ વિઠ્ઠલ જ રાખ્યું હતું કે જેથી તે બાળકને બોલાવે તોય ભગવાન વિઠ્ઠલનું સ્મરણ થઈ જાય. એકવાર એમની પત્ની એમના બાળકને આંગણામાં મૂકી પાણી ભરવા ગઈ. ગોરા કુંભારને કહેતી ગઈ કે બાળકનું ધ્યાન રાખજો પણ પાંડુરંગ વિઠ્ઠલના ભજન-કીર્તનમાં તલ્લીન ગોરા કુંભારનું તેના તરફ ધ્યાન ન ગયું. બાળક ઢીંચણિયે ચાલતું તે માટીના ઢગલા તરફ આવ્યું અને તેમાં ખૂંપી ગયું જે માટીને ઘડા બનાવવા માટે ગોરા કુંભાર ખૂંદતા હતા અને પગથી માટી ઉપર-નીચે કરતા હતા. તે તો કીર્તનમાં એવા ધ્યાનમગ્ન હતા કે તેમના પગ નીચે બાળક આવી ગયું અને કચડાઈ ગયું તેની પણ ખબર ના રહી.
એમની પત્ની સંતી પાણી ભરીને પાછી આવી અને બાળકને ન જોતાં બધે શોધ્યું ત્યારે ખબર પડી કે તે તો માટીમાં ગોરા કુંભારના પગ હેઠળ કચડાઈને મરી ગયું છે. સંતીએ ગુસ્સે ભરાઈને ગોરા કુંભારને કહ્યું - 'આજથી તમે મને સ્પર્શ ના કરતા'. ક્યાંક એવી પણ કથા છે કે ભગવાનને કષ્ટ આપવા બદલ ગોરા કુંભારે જ સંતીને કહ્યું હતું - હવે પછી હું તને સ્પર્શ નહીં કરું. તારી સાથે પત્ની તરીકે વ્યવહાર નહીં કરું.
સંતીએ વિચાર કર્યો - કોઈ બીજી સ્ત્રી લગ્ન કરીને આવશે તો પતિને તકલીફ પડશે એટલે તેણે તેની બહેન રામીના લગ્ન ગોરા કુંભાર સાથે કરી દીધા. લગ્ન બાદ વિદાય વખતે માતાએ કહ્યું - 'ગોરાજી, તમે મારી મોટી દીકરી સાથે પણ રાખજો.' સાસુના વચનથી ગોરા કુંભાર મુશ્કેલીમાં મૂકાયા. તે સંતી સાથે તો પત્ની તરીકેનો વ્યવહાર રાખતા નહોતા, હવે રામી સાથે પણ તેમ કરવું પડશે. તે વિરક્ત મનથી રામી સાથે પણ પત્ની તરીકેનો વ્યવહાર કરતા નહોતા. એક દિવસ સંતીની યોજનાથી નિદ્રા વખતે ગોરા કુંભારનો હાથ રામીને અડકી ગયો. તેમણે અપરાધના દંડરૂપે પોતાના બન્ને હાથ કાપી નાંખ્યા.
કહેવાય છે કે ભગવાન વિઠ્ઠલનાથ કમલાનાથ નામ ધારણ કરી, લક્ષ્મી અને ગરૂડ સાથે ગોરા કુંભારને ત્યાં આવી કુંભારનું કામ કરવા લાગ્યા હતા. થોડા સમય બાદ આષાઢી એકાદશી આવી ત્યારે સંત જ્ઞાાનેશ્વરજી અને સંત નામ દેવજીની સંત મંડળી પંઢરપુર જવા નીકળી. રસ્તામાં ગોરા કુંભારનું ગામ આવતા જ્ઞાાનેશ્વરે ગોરા કુંભાર અને તેમની પત્નીઓને સાથે લઈ આગળ યાત્રા કરવા માંડી. ગરૂડ પાર નામની જગ્યાએ નામદેવજીનું કીર્તન હતું. જ્ઞાાનેશ્વર સાથે આખી સંતમંડળી કીર્તન સાંભળવા બેઠી. કીર્તન સમયે લોકો તેમના હાથ ઊંચા કરી તાળી વગાડવા લાગ્યા અને વિઠ્ઠલના નામનો જય જયકાર કરવા લાગ્યા. તે વખતે ગોરા કુંભારે પણ તેમના લૂલા હાથ ઉપર કરી દીધા. તે સમયે બધાના દેખતાં ચમત્કાર થયો. તેમને લૂલા હાથને હાથ આવી ગયા. ગોરા કુંભારના હાથ પહેલા હતા તેવા થઈ ગયા. આ જોઈ બધા સંતો હર્ષોદ્ગાર કરી ભગવાન વિઠ્ઠલનો જયઘોષ કરવા લાગ્યા.
ગોરા કુંભારની પત્ની સંતીએ ભગવાનને કહ્યું - હે પંઢરીનાથ, મારો પુત્ર વિઠ્ઠલ પતિના પગ હેઠળ કચડાઈને મરણ પામ્યો. હું બાળક વિના દુઃખી છું. મને બાળક આપો. એ વખતે એમનો એ જ પુત્ર માટીથી ખરડાયેલી દશામાં જમીન પર જીવિત દશામાં પ્રગટ થયો. ભગવાન વિઠ્ઠલના કહેવાથી ગોરા કુંભારે તેમની બન્ને પત્નીઓ સંતી અને રામી સાથે પતિ તરીકેનો વ્યવહાર શરૂ કર્યો. ગૃહસ્થ જીવન જીવતાં જીવતાં ભગવાન વિઠ્ઠલનાથજીની અનન્ય ભક્તિ કરી જીવન કૃતાર્થ કર્યું.