Get The App

વ્રજભાષાના અષ્ટછાપ કવિઓમાંના એક ભક્તકવિ કૃષ્ણદાસ અધિકારી

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
વ્રજભાષાના અષ્ટછાપ કવિઓમાંના એક ભક્તકવિ કૃષ્ણદાસ અધિકારી 1 - image

- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

ભક્ત કવિ કૃષ્ણદાસ અષ્ટછાપના મુખ્ય કવિ હતા. તેમનો જન્મ લગભગ ઇ.સ. ૧૪૯૫માં ગુજરાતના ચિલોતરા ગામમાં થયો હતો. ઇ.સ. ૧૫૦૯માં તે પુષ્ટિમાર્ગમાં દીક્ષિત થયા હતા. પાંચ વર્ષની ઉંમરમાં જ તે ભગવાનના લીલા કીર્તન, ભજન અને ઉત્સવોમાં સામેલ થતા હતા. બાળપણથી જ તે સત્યનિષ્ઠ અને નિડર હતા. જ્યારે તે ૧૨ વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના ગામમાં એક વણઝારો આવ્યો. તેણે તેનો માલ-સામાન વેચીને ઘણા રૂપિયા કમાઈ લીધા. કૃષ્ણદાસના પિતા ગામના પ્રમુખ હતા. તેમણે એક રાત્રે તેના રૂપિયાની લૂંટ કરાવી તે હડપ કરી લીધા. કૃષ્ણદાસના સુકોમળ માનસ પર આનાથી ખૂબ આઘાત પહોંચ્યો. તેમણે એમના પિતાની વિરૂદ્ધ વણઝારા દ્વારા ન્યાયલયમાં અભિયોગ ચલાવ્યો અને પોતે સાક્ષી આપી તેનાથી વણઝારાના રૂપિયા પાછા મળી ગયા. આને લીધે તેમના પિતાએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા. તે તીર્થયાત્રા કરવા નીકળી પડયા.

શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી તે વખતે અડેલથી વ્રજ જઈ રહ્યા હતા. તેમણે ગૌઘાટ પર બે-ચાર દિવસ પહેલાં જ સૂરદાસજીને બ્રહ્મસંબંધ આપ્યા હતા.  મહાપ્રભુજીએ મથુરાના વિશ્રામ ઘાટ પર યુવક કૃષ્ણદાસને જોયા. જોતાની સાથે જ સમજી ગયા કે બાળક સંસ્કારી છે. તેમણે પ્રસન્નતાપૂર્વક એમને દીક્ષિત કરીને બ્રહ્મસંબંધ આપ્યા. મહાપ્રભુજી થકી નામમંત્ર સાંભળતાની સાથે એમને ભગવલ્લીલાનું સ્મરણ થઈ આવ્યું. શ્રીમહાપ્રભુજીએ એમને શ્રીનાથજીના મંદિરના અધિકારી પદે નિયુક્ત કરી દીધા. એમની દેખરેખ નીચે શ્રીનાથજી પ્રભુની સેવા રાજસી ઠાઠમાઠથી થવા લાગી. એમની કીર્તિ ચોમેર ફેલાઈ ગઈ. તે શ્રીનાથજીની ભાવ-ભક્તિ સભર સેવા કરતા હતા અને સરસ પદોની રચના પણ કરતા. એમના પદ મહદઅંશે શૃંગાર-ભાવ પ્રધાન છે. પ્રેમ ભક્તિ અને શૃંગાર મિશ્રિત પ્રેમ-લીલા, રાસ-લીલાના સંબંધમાં તેમણે અનેક પદો લખ્યા. યુગલ-માન-ચરિતની રચના માધુરી અને વિશિષ્ટ કવિત્વ શક્તિથી પ્રભાવિત થઈ શ્રી વિઠ્ઠલનાથજીએ એમને અષ્ટછાપ કવિઓમાં ગૌરવપૂર્ણ સ્થાન આપી સન્માનિત કર્યા.

એક વાર કૃષ્ણદાસ કોઈ ખાસ કાર્ય માટે આગ્રા ગયા હતા. તે સમયે આગ્રા ઐશ્વર્ય, કલા-કારીગરીનું કેન્દ્ર હતું. તે બજારમાં કોઈ વસ્તુનો સોદો કરી રહ્યા હતા તે વખતે અચાનક તેમની નજર એક વેશ્યા પર પડી. તે મધુર, સરસ અને કોમળ કંઠે ગીત ગાઈ રહી હતી. ભગવદ્ ભક્તના હૃદયમાં સાત્વિક ભાવ જાગૃત થઈ ગયા. તેમણે વિચાર્યું કે આ અભિશાપ પામેલ દૈવી જીવ છે. જો તેના હૃદયમાં કૃષ્ણ ભક્તિનો પ્રાદુર્ભાવ થાય અને ત્રિભુવન સુંદર રસરાજ ભગવાન શ્રીકૃષ્ણને રીઝવવા એમની સન્મુખ પદગાન કરે તો ચોક્કસ તેનો ઉદ્ધાર થઈ જાય. તેમણે તેને પૂછયું - 'શું તું શ્રીનાથજી પ્રભુની સન્મુખ ગાયન કરીશ ?' તેણે હા પાડી એટલે તે તેને આગ્રાથી વ્રજમાં લઈ આવ્યા.

તે વેશ્યાએ વિધિપૂર્વક સ્નાન કર્યું, પવિત્ર વસ્ત્રો ધારણ કર્યા. કૃષ્ણદાસે તેને કહ્યું - 'તેં અત્યાર સુધી વિષયી જીવોને રાજી કરવા ગીત ગાયા છે અને નૃત્ય કર્યું છે. આજે પરમાત્માને પ્રસન્ન કરવા તારે તન્મય બની ગાયન કરવાનું અને નૃત્ય કરવાનું છે. આમ કરવાથી તારો જન્મ સફળ થઈ જશે. તે વેશ્યાના અનેક જન્મોના પુણ્ય પ્રગટ થઈ ગયા. શ્રીનાથજીની ઉત્થાપન ઝાંખીનો સમય હતો. કૃષ્ણદાસે તે વેશ્યાને પોતાનું રચેલું એક પદ ગાવા આપ્યું. 

'મો મન ગિરિધર છબી પૈ અટક્યૌ। લલિત ત્રિભંગ ચાલ હૈ ચલિ કૈ, ચિબુક ચારુ ગડિ ઠટક્યૌ ।। સજલ સ્યામ ઘન બહન લીન હૈ, ફિરિ ચિત અનત ન ભટક્યૌ । કૃષ્ણદાસ પ્રિય પ્રાન નિછાવરિ, યહ તન જગ સિર પટક્યૌ ।। સાતેય સ્વર એક સાથે એના નૂપુર નાદ પર નૃત્ય કરવા લાગ્યા. મૃદંગ, ઝાંઝ, વીણા અને કરતાલના તાલ સાથે રણઝણી ઉઠયા. આખું વાતાવરણ રસોદ્રેકથી ઉલ્લસિત થઈ ગયું. રસરાજ શ્રીકૃષ્ણ પ્રસન્ન થઈ ગયા.

ગાયન-નર્તન પૂરું થયું તે સાથે શ્રીનાથજીના સ્વરૂપમાંથી દિવ્ય પ્રકાશનો શેરડો પ્રગટ થયો અને તે વેશ્યાના શરીર તરફ આગળ ધપવા લાગ્યો. બધાની નજર સામે તે વેશ્યા તે દિવ્ય પ્રકાશમાં સમાઈ ગઈ. આમ, કૃષ્ણદાસના થોડા સમયના સત્સંગથી શ્રીનાથજીનો ભાવાત્મક સંબંધ કરી એમના ચરણોમાં પ્રેમભક્તિસભર ગાયન-નર્તન કરી તેનો ઉદ્ધાર થઈ ગયો.