mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજીના સેવક પ્રભુદાસ જલોટાએ પ્રભુને આરોગવા આપેલા મીઠા દહીંના બદલામાં ભરવાડણને મુક્તિ આપી!

Updated: Feb 28th, 2024

શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજીના સેવક પ્રભુદાસ જલોટાએ પ્રભુને આરોગવા આપેલા મીઠા દહીંના બદલામાં ભરવાડણને મુક્તિ આપી! 1 - image


- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

- 'જા, હું તને આટલા સરસ દહીંના બદલામાં એક ટકો અને મુક્તિ બન્ને આપું છું. તું જલદી દહીં આપ. મારે મોડું થાય છે. ભરવાડણે કહ્યું - હું તે કેવી રીતે માનું કે મને મુક્તિ મળી ગઇ છે ? 

શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના અનન્ય સેવક પ્રભુદાસ જલોટાને ભગવત્સેવા અને સ્મરણથી ભગવાન શ્રીકૃષ્ણનો વારંવાર સાનુભાવ, સાક્ષાત્કાર થતો. તેમને વૃક્ષે વૃક્ષે વેશુધારી અને પત્રે પત્રે ચતુર્ભુજના દર્શન થતાં. શ્રીમદ્ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના ત્રીસમાં શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - 'થોમાં પશ્યતિ સર્વત્ર સર્વ ચ મયિ પશ્યતિ । તસ્યાહં પ્રકાશ્યામિ સ્ ય્ મે ન પ્રણાશ્યતિ ।। જે વ્યક્તિ મને બધે જુએ છે અને બધામાં મને જુએ છે હું એનાથી દૂર થતો નથી અને મારાથી દૂર થતો નથી.' શ્રી મહાપ્રભુજીના સંબંધથી અને ભગવાન શ્રી ગોવર્ધનનાથજીની કૃપાથી તેમનામાં પણ અલૌક્કિ સામર્થ્ય પ્રગટ થયું હતું.

એકવાર શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજી શ્રી ગોવર્ધનધરના મંદિરમાં શ્રીઠાકોરજીનો શૃંગાર કરતા હતા. તે દિવસ 'દાન એકાદશી'નો હતો. શ્રી ઠાકોરજીના ભોગમાં તે દિવસે દહીં ધરાવવાનો મહિમા છે. ભગવાન દાણ લીલા કરતા. વ્રજનારીઓ દહીં વેચવા મથુરા જતી ત્યારે ભગવાનને દહીં - માખણ વગેરેનું દાણ આપવું પડતું જે ભગવાન અન્ય બાળકોને વહેંચી દેતાં.  વ્રજનાથીઓ પોતાના બાળકોને તે ન ખવડાવતા પૈસાના લોભે મથુરાના કંસના મલ્લોને વેચી આવતી. તેથી બાળકૃષ્ણે બાળકોને તે ખવડાવવા આ યુક્તિ કરી હતી. ભગવાન શ્રીકૃષ્ણની બાળ લીલાઓમાં આ દાણલીલાનું સુંદર પદ છે - 'મેરી ભરી રે મટુકિયા લે ગયો રી, આપુન ખાત ગ્વાલ હી ખવાવત, રીતિ કર મોહે દે ગયો રી ।' વૃંદાવન કી સઘન કુંજ મેં, ઊંચી નીચી મોસો કહ ગયો રી । પરમાનંદ વ્રજવાસી સાંવરો અંગુષ્ઠ દિખાય રસ લે ગયો રી ।।' શ્રી મહાપ્રભુજીને તે દિવસે ભગવાનને દહીં ધરાવવાની ઇચ્છા થઇ. તેમણે પ્રભુદાસને ક્યાંયથી પણ દહીં લાવવા બહાર મોકલ્યા. પ્રભુદાસ ઉતાવળે ત્યાંથી દહીંની શોધમાં નીકળ્યા.

પ્રભુદાસને માર્ગમાં એક ભરવાડણ મળી. તેમણે તેને પૂછયું - તારી પાસે દહીં છે ?' તેણે જવાબ આપતાં કહ્યું - હા, આજે તો મારી પાસે સરસ મીઠું દહીં છે. તમે મને તેના બદલામાં શું આપશો ? 'તેમણે તેને કહ્યું - તું જે માંગે તે આપીશ. પ્રભુને ધરાવવા માટે આ દહીં લઇ જવાનું છે.' ભરવાડણે વિચાર્યું - આમ તો આટલું દહીં એક ટકો (પૈસો) લઇને હું વેચું છું. એટલે તે બોલી ઉઠી - એક ટકો આપજો. પછી વિચારવા લાગી- આ તો કોઇ પરમ ભગવદીય લાગે છે. તેમના ચહેરા પર દિવ્ય તેજ છે. તેથી હું ભવફેરામાંથી છુટકારો મળે એવું જ માંગુ. તે કહેવા લાગી - શું આ દહીંના બદલામાં મને મુક્તિ આપી શકો ? મારે ટકો નથી જોઈતો.

પ્રભુદાસે તેને જવાબ આપતા કહ્યું - 'જા, હું તને આટલા સરસ દહીંના બદલામાં એક ટકો અને મુક્તિ બન્ને આપું છું. તું જલદી દહીં આપ. મારે મોડું થાય છે. ભરવાડણે કહ્યું - હું તે કેવી રીતે માનું કે મને મુક્તિ મળી ગઇ છે ? તમે મને તે કાગળ પર લખી આપો.' પ્રભુદાસે તેને કાગળ પર લખી આપ્યું. 'શ્રી ગોવર્ધનાથ પ્રભુને આરોગવાના આ ભરવાડણે જે મીઠું, સરસ દહીં આપ્યું છે તેના બદલામાં તેને મુક્તિ આપવી.' તેણે પ્રભુદાસને દહીં આપી દીધું. પ્રભુદાસે તેને એક ટકો અને પેલો કાગળ આપી દીધો. તે ભરવાડણ ઘેર પાછી આવી ત્યારે બધાને તે કાગળ બતાવી કહેવા લાગી આજે તો હું દહીંના બદલામાં મુક્તિ લઇને આવી છું. થોડા વખત પછી તેનો દેહ છુટયો ત્યારે વિષ્ણુદુતો આવ્યા અને તેને દિવ્ય વિમાનમાં બેસાડી વિષ્ણુલોકમાં લઇ ગયા અને તેને ભવફેરામાંથી મુક્તિ મળી ગઇ.

શ્રી ગોવર્ધનધરના મંદિરથી પાછા ફર્યા બાદ શ્રી મહાપ્રભુજીએ પ્રભુદાસને કહ્યું - તમે આજે જે દહીં લઇ આવ્યા હતા તે પ્રભુને બહુ જ ભાવ્યું. તમે દહીંનું શું આપ્યું ? તેમણે કહ્યું - મહારાજ, આજનું દહીં બહુ મોઘું આવ્યું છે. તે દહીંના બદલે એક ભરવાડણને એક ટકો અને મુક્તિ આપી છે. શ્રી મહાપ્રભુજીએ મધુર મુસ્કાન સાથે કહ્યું - પ્રભુને પ્રસન્નતા પ્રાપ્ત થાય એની આગળ કશું જ મોઘું નથી. પણ તે ભગવત્સ્વરૂપાનંદનો અનુભવ કરાવાનાર ગોપીઓ જેવી ભકિત કેમ ના આપી ? આવી ભક્તિ આગળ મુક્તિ તો તુચ્છ છે. પ્રભુદાસે કહ્યું મહારાજ ! મુક્તિ તો તેણે પોતે જ માંગી હતી. જો તેણે પ્રેમલક્ષણા, પુષ્ટિ ભક્તિ માંગી હોત તો તે આપત. આમ, પ્રભુદાસ જેવા કૃપાપાત્ર ભગવદીયના ઘડી - બે ઘડીના સંગથી મુક્તિ કે ભક્તિ જેવું સર્વોત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થઇ જાય છે.

Gujarat