Get The App

ભગવાન શ્રીકૃષ્ણની આહ્લાદિની પરમ પ્રેમ સ્વરૂપા શક્તિ - શ્રી રાધા

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
ભગવાન શ્રીકૃષ્ણની આહ્લાદિની પરમ પ્રેમ સ્વરૂપા શક્તિ - શ્રી રાધા 1 - image

- વિચાર-વીથિકા- દેવેશ મહેતા

કિશોરી ! દે વૃન્દાવન બાસ ।

રસિકન કે ચરણમેં પ્રીતિ, યહ રાખૂં ઉર આસ ।।

તુમરો નામ રર્ટૂ નિશિવાસર, બઢે દરશકી પ્યાસ ।।

સેવા હિત ચિત રહે નિરન્તર, મન મેં ઉમંગ હુલાસ ।

રહે દીનતા ભાવ સબન સોં, હોય મોહ મદ નાસ ।।

'રૂપ માધુરી' કી યહ વિનતી, સુનો પ્રિયા સુખરાસ ।।

- શ્રીરૂપમાધુરીજી કી વાણી, પદાવલી (૧૦૨)

ઋગ્વેદના ઉપનિષદ ભાગમાં 'રાધિકોપનિષદ' આવે છે. તેમાં સનકાદિ મુનિઓએ બ્રહ્માને પ્રશ્ન કર્યો- 'સર્વ પ્રધાન દેવ કોણ છે ? એમની શક્તિઓ કઈ છે ?' બ્રહ્માજીએ તેમને જવાબ આપતાં કહ્યું હતું- ભગવાન શ્રી હરિ, શ્રીકૃષ્ણ જ પરમ દેવ છે. તે ઐશ્ચર્ય, વીર્ય, યશ, શ્રી જ્ઞાાન અને વૈરાગ્ય એ ષડૈશ્ચર્ય પરિપૂર્ણ છે. શ્રીકૃષ્ણનું જ એક સ્વરૂપ નારાયણ છે જે સમસ્ત બ્રહ્માણ્ડોના  અધિદેવતા છે. એમની આહ્લાદિની, સંઘિની, જ્ઞાાન, ઇચ્છા અને ક્રિયા વગેરે શક્તિઓ છે. એ બધામાં આહ્લાદિની મુખ્ય છે. તે જ અતરંગભૂતા શ્રી રાધા છે. ભગવાન શ્રીકૃષ્ણ એમની આરાધના કરે છે અથવા એ ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરે છે એટલે એમનું નામ 'રાધા' છે. ભાગવતમાં 'અનયા રાધિતો (આરાધિતો) ભગવાન' એમ કહેવામાં આવ્યું છે તે રાધા ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરે છે તેનો નિર્દેશ છે.

'કૃષ્ણકે આહ્લાદે તાતે નામ આહ્લાદિની અર્થાત્ જે કૃષ્ણને આનંદ આપે તે રાધા. રાધા-કૃષ્ણ બન્ને એકમેકને આનંદ અને પ્રેમ પ્રદાન કરે છે. 'આહ્લાદનીર સાર અંશ પ્રેમ તાર નામ । અર્થાત્ જે એનો સાર અંશ છે એનું નામ પ્રેમ છે.' જ્યાં પ્રેમ છે ત્યાં આનંદ છે અને જ્યાં આનંદ છે ત્યાં પ્રેમ છે. આ પ્રેમનો જે પરમ સાર છે તે છે રાધાનો મહાભાવ. રાધા મહાભાવની અધિષ્ઠાત્રી શ્રીરાધા પ્રેમની મહાદેવી છે. તે ધનીભૂત પરમ પ્રેમનું સાકાર રૂપ છે. એણે જ રાધારૂપ ધારણ કરી લીધું છે.

શ્રી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પરમ ઉત્કૃષ્ટ પ્રિયતમા છે. એ રીતે ભગવાન શ્રીકૃષ્ણ શ્રીરાધાના પરમ ઉત્કૃષ્ટ પ્રિયતમ છે. ભગવાન શ્રીકૃષ્ણ શ્રીરાધાની અનન્ય આરાધના કરે છે એમ શ્રીરાધા શ્રીકૃષ્ણની અનન્ય આરાધના કરે છે. એટલે પ્રેમની પરાકાષ્ઠામાં રાધા કૃષ્ણ બની જાય છે અને કૃષ્ણ રાધા બની જાય છે. તેથી જ કહેવાયું છે. શ્યામ શ્યામ રટત પ્યારી, આપ હિ શ્યામ ભઇ ! પૂછત નિજ સખિયન સોં પ્યારી કર્હાં ગઈ ।।

ભક્ત કવિ સૂરદાસજી એમના પદમાં કહે છે- રાધા માધવ ભૈંટ ગઇ ! રાધા માધવ માધવ રાધા, કીટ-ભંગ- ગતિ હોઈ જો ગઈ ।। માધક રાધા પ્રતિ નિરંતર, રસના કહી ન ગઈ ।। વિહંસી કહ્યૌ હમ તુમ નહીં, અંતર યહ કહિ વ્રજ પઠઇ । 'સૂરદાસ' પ્રભુ રાધા માધવ વ્રજ વિહાર નિત નઇ નઇ ।।

શ્રીરૂપ ગોસ્વામી રચિત 'વિદગ્ધમાધવ' નાટકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે.

'રાધા પુર : સ્ફુરતિ પશ્ચિમતશ્ય રાધા

રાધાધિસવ્યમિહ દક્ષિણતશ્ય રાધા ।

રાધા ખલુ ક્ષિતિતલે ગગને ચ રાધા 

રાધામયી મમ બભુવ કુતસ્ત્રિલોકી ।।

અર્થાત્ મારી આગળ રાધા છે, પાછળ રાધા છે, મારી ડાબી તરફ રાધા છે, જમણી તરફ રાધા છે, મને પૃથ્વી પર બધે રાધા દેખાય છે, આકાશમાં પણ રાધા દેખાય છે. અરે ! ત્રણેય લોક રાધા જ બની ગયા છે કે શું ?'

શ્રી રાધાજીનો પ્રાદુર્ભાવ યમુના પાસે 'રાવલ' નામના ગામમાં ભાદરવા સુદ ૮ 'રાધાષ્ટમી'ના દિવસે વૃષભાનું નામના ગોપ અને કીર્તિ નામની ગોપી થકી થયો હતો. શાસ્ત્રોમાં નિર્દેશ છે કે બ્રહ્માજીએ વૃંદાવનમાં રાધાના લગ્ન વિધિપૂર્વક ભાંડીરવનમાં કરાવ્યા હતા. આ લગ્નનો ઉલ્લેખ બ્રહ્મવૈવર્ત પુરાણ અને ગર્ગસંહિતામાં પ્રાપ્ત થાય છે. રાધા-કૃષ્ણના લગ્ન થયા હતા તે સ્થળ અત્યારે પણ 'રાધા-કૃષ્ણ વિવાહ સ્થલી' રૂપે વ્રજમંડળમાં પ્રખ્યાત છે. ઉત્તર ભારતના મથુરા જિલ્લાના બરસાના અને વૃંદાવનમાં રાધા-કૃષ્ણના અનેક મંદિરો છે. ભગવાન શ્રીકૃષ્ણ મહાવિષ્ણુનો અને શ્રીરાધા મહાલક્ષ્મીજીનો અવતાર છે.