- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
તુકારામ મહારાષ્ટ્રના એક મહાન સંત અને કવિ હતા. તે તત્કાલીન ભારતમાં ચાલી રહેલા ભક્તિ આંદોલનના મુખ્ય સ્તંભ હતા. તેમને તુકોબા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ ક્યારે થયો તે વિશે વિદ્વાનોમાં મતભેદ પ્રવર્તે છે. જો કે તે ઇ.સ.૧૫૯૮નું વર્ષ હોવાનું મનાય છે. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલા દેહૂ ગામમાં તેમનો જન્મ થયો હતો. તુકારામને ચૈતન્ય નામના સાધુએ 'રામકૃષ્ણ હરિ' મંત્રનો સ્વપ્નમાં ઉપદેશ કર્યો હતો. તેમના મુખેથી સમય સમય અનુસાર સહજ રૂપે પ્રગટ થનાર 'અભંગ' વાણી સિવાય અન્ય કોઈ વિશેષ સાહિત્યિક કૃતિ ઉપલબ્ધ નથી. એમના જીવનના ઉત્તરાર્ધમાં એમના દ્વારા ગવાયેલા અને તે જ વખતે તેમના શિષ્યો દ્વારા લખી લેવાયેલા લગભગ ૪૦૦૦ અભંગ અત્યારે ઉપલબ્ધ છે. તુકારામે એમની સાધક અવસ્થામાં સંત જ્ઞાનેશ્વર અને નામદેવ એ પૂર્વકાલીન સંતોના ગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કર્યો હતો. આ ત્રણેય સંત કવિઓના સાહિત્યમાં એક જ અધ્યાત્મ સૂત્ર પરોવાયેલું છે.
ઇ.સ.૧૬૨૯માં અતિવૃષ્ટિ થઈ, ૧૬૩૦માં અનાવૃષ્ટિ થઈ અને ૧૬૩૧માં પછી અતિ વૃષ્ટિ થઈ આમ લીલો-સુકો દુકાળ સતત ત્રણ વર્ષ ચાલુ રહ્યો એમાં તુકારામનો કારોબાર અને ગૃહસ્થ જીવન બરબાદ થઈ ગયું. પશુધન નષ્ટ થઈ ગયું, શાહૂકારી ડૂબી ધંધો બેસી ગયો. એમની પ્રથમ પત્ની રખમાબાઈ અને એક માત્ર દીકરો સંતોબા કાળના મુખમાં કોળિયો બની ગયા. આવી સ્થિતિમાં પણ તુકારામ પોતાનું દુ:ખ, દુર્દશા ભૂલી દુષ્કાળગ્રસ્ત પીડિતોની સેવામાં, એમને મદદ કરવામાં લાગી ગયા હતા.
એમની બીજી પત્ની કર્કશા, ઝગડાખોર સ્વભાવની હતી. પારિવારિક કલહથી કંટાળી તુકારામ સંસારથી અલિપ્ત અને અનાસક્ત થઈ ગયા હતા. તે અભંગ રચીને ભગવાનનું કીર્તન કરી ભક્તિ કરવા લાગ્યા હતા. તુકારામ સાચા સંત હતા એટલે એમનામાં દયા, કરુણા, ક્ષમા, પરોપકાર વૃત્તિ અને સહનશીલતા હતી. એક દિવસ એમની પત્નીએ ગામની બહાર આવેલા ખેતરમાંથી શેરડીના સાંઠા લઈ આવવા કહ્યું. તે લઈને તે ગામમાં પ્રવેશતા હતા ત્યારે રસ્તામાં કેટલાક બાળકો મળ્યા. બાળકો સંત તુકારામની દયાળુ વૃત્તિથી પરિચિત હતા એટલે તે એમની પાસે શેરડીના સાંઠા માંગતા ગયા અને તે તેમને એક પછી એક આપતા ગયા. તે ઘેર પહોંચ્યા ત્યારે તેમની પાસે માત્ર એક જ સાંઠો બચ્યો હતો. પત્નીએ એક જ સાંઠો કેમ છે એનું કારણ પૂછયું તો તેમણે તે જણાવી દીધું. બાળકોને શેરડીના સાંઠા વહેંચી દીધાની વાત જાણી તેના ગુસ્સાનો પાર ના રહ્યો. તેણે ક્રોધના આવેશમાં એ શેરડીનો સાંઠો તુકારામના બરડામાં જોરથી ફટકાર્યો એનાથી એ તૂટી ગયો અને તેના બે ટુકડા થઈ ગયા. આ જોઈ તુકારામ હસી પડયા અને કહેવા લાગ્યા. 'વાહ, ભાગ્યવાન, તું કેટલી ઉદાર છે. તેં એકલીએ શેરડીનો સાંઠો ના ખાધો, એના બે ભાગ કરી દીધા. એક તારા માટે અને બીજો મારા માટે ! તું ધર્મને કેટલો સમજે છે. ઇશ્વરે જે આપ્યું છે એને વહેંચીને ખાવું જોઈએ.'
તુકારામના અભંગના કીર્તન સાંભળવા અનેક લોકો આવતા. મંબાજી નામના બ્રાહ્મણ સાધુને તેની અદેખાઈ થતી. તે લોકોને કહેતો - 'તુકારામ કણબી, શૂદ્ર છે. એને ઉપદેશ આપવાનો કોઈ અધિકાર નથી. કોઈએ એના કીર્તનમાં જવું નહીં. જે જશે એને પાપ લાગશે.' પણ કોઈ તેની વાત માનતા નહિ. તે કહેતા- ' ધર્મને લગતો ઉપદેશ તો કોઈપણ આપી શકે. ભગવાનનું કીર્તન સાંભળવાથી તો પુણ્ય મળે.' લોકોએ મંબાજીની વાત માની નહીં. એટલે તે ક્રોધે ભરાયો અને તેણે કાંટાળી જાડી ડાળીથી તુકારામને જોરથી ફટકાર્યો. તુકારામે ઉદારતા દાખવી એ માર ખાઈ લીધો. તેને એક પણ શબ્દ ના કહ્યો.
સાંજે તુકારામ કીર્તન ગાવા બેઠા ત્યારે કોઈએ એવું કહ્યું કે મંબાજી અત્યારે બીમાર પડી ગયો છે. કીર્તન પૂરું થયા બાદ તુકારામ તરત તેના ઘેર ગયા અને તેની ખબર અંતર પૂછવા લાગ્યા. એટલું જ નહીં. તેને પ્રણામ કરી તેની સેવા-શૂશ્રૂષા કરવા બેસી ગયા. સવારે જેમને પોતે કાંટાળી ડાળીથી માર માર્યો હતો તે અત્યારે પોતાની સેવા કરી રહ્યા છે તે નુકારામની ઉદારતા, ક્ષમાશીલતા જોઈ મંબાજીનો શત્રુભાવ દૂર થઈ ગયો. તે તેમના સંતત્વના ગુણધર્મોથી દ્રવિત થઈ ગયો. તેણે માફી માંગી અને તે તેમનો શિષ્ય થઈ ગયો.
તુકારામ મરાઠીમાં અભંગ કાવ્યો રચતા, રામેશ્વર ભટ્ટ નામના વિદ્વાને એમનો વિરોધ કર્યો અને કહ્યું- 'કવિતા સંસ્કૃતમાં જ રચાય. આ કાવ્યોની પુસ્તિકાઓ નદીમાં ફેંકી દે.' તુકારામે તેમની વાત માની એ ઇન્દ્રાયણી નદીમાં ફેંકી દીધી. પણ વિઠોબાએ ચમત્કાર કર્યો. પ્રભુએ તુકારામને કહ્યું- ' તારી કવિતાની પુસ્તિકા નદીના જળ પર તરે છે. તેને તું લઈ આવ.' તે બધાની સાથે ત્યાં ગયા અને જોયું તો તેમના અભંગની પુસ્તિકાઓ પાણી પર તરતી હતી અને કાગળો સહેજ પણ પલળ્યા નહોતા.


