Get The App

દુર્ગા દેવીની ઉપાસના તમામ આપત્તિઓ, દુ:ખો અને દારિદ્રયનું નિવારણ કરે છે

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
દુર્ગા દેવીની ઉપાસના તમામ આપત્તિઓ, દુ:ખો અને દારિદ્રયનું નિવારણ કરે છે 1 - image

- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

દુર્ગે સ્મૃતા હરસિ ભીતિમશેષ જન્તો:

સ્વસ્થૈ: સ્મૃતા મતિમતીવ શુભાં દદાસિ ।

દારિદ્રય દુ:ખ ભયહારિણી

કા ત્વદન્યા

સર્વોપકાર કરણાય સદાર્દ્રચિત્તા ।।

હે મા દુર્ગા ! તમારું સ્મરણ કરવા માત્રથી તમે બધા પ્રાણીઓના ભયને દૂર કરી દો છો. જ્યારે (શાંત મનવાળા) સ્વસ્થ લોકો તમારું સ્મરણ કરે છે ત્યારે તમે એમને શુભ બુદ્ધિ અને સારા વિચાર પ્રદાન કરો છો. તમે દરિદ્રતા, દુ:ખ અને ભયને દૂર કરનારા છો. તમારા સમાન બીજું કોણ હોઈ શકે ?

- દુર્ગા સપ્તશતી, અધ્યાય-૪, શ્લોક-૧૭

ચૈત્ર માસની અષ્ટમી દુર્ગાષ્ટમી કહેવાય છે. ચૈત્રી નવરાત્રિનો આ સર્વાધિક પવિત્ર દિવસ છે તે માતા દુર્ગાના મહાગૌરી સ્વરૂપ સાથે સંબંધિત છે. આ દિવસે કરેલી મહાગૌરીની પૂજા-આરાધનાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. બધા દુ:ખો અને દારિદ્રયો દૂર થાય છે. તમામ સંકટોનું નિવારણ થાય છે. એવી માન્યતા પ્રવર્તે છે કે આ દિવસે દેવી દુર્ગાએ ચંડ-મુંડનો વધ કરી ચામુંડા રૂપ ધારણ કર્યું હતું.

આપદિ કિમ કરણીય, સ્મરણીયં ચરણયુગલમ્બાયા: ઘોર આપત્તિમાં માનવીએ શું કરવું જોઈએ ? આપત્તિના નિવારણ માટે અંબિકા (અંબા) માતા અર્થાત્ દુર્ગાદેવીના ચરણ કમળોનું સ્મરણ કરવું જોઈએ. આદિ શંકરાચાર્યજી સ્તુતિ કરતા કહે છે - આપત્સુ મગ્ન: સ્મરણં ત્વદીયં કરોમિ દુર્ગે કરુણાર્ણવેશિ ।

નૈતચ્છઠત્વં મમ ભાવયેથા: ક્ષુધાતુષાર્તા જનનીં સ્મરન્તિ ।। હે દયાસાગર દુર્ગેશ્વરી ! હું આપત્તિ (સંકટ)માં ડૂબી ગયો છું એટલે હવે તમને યાદ કરી રહ્યો છું. હે મા, મારા આ વ્યવહારને કોઈ છળ-કપટ કે ઢોંગ ન સમજશો. જેમ ભૂખ્યું-તરસ્યું બાળક માત્ર પોતાની માતાને જ યાદ કરે છે (બીજા કોઈને નહીં) તે જ રીતે હું પણ માત્ર તમારા શરણમાં આવ્યો છું. (દેવ્યપરાધક્ષમાપન સ્તોત્રમ્ શ્લોક-૧૦)

દુર્ગાદેવીના મહિમાનું નિરૂપણ કરતી એક પુરાણ કથા છે. અયોધ્યામાં ભગવાન રામની પંદરમી પેઢીમાં ધ્રુવસંધિ નામના રાજા થયા. એમની પટરાણીનું નામ મનોરમા હતું. એમનો પુત્ર સુદર્શન બાલ્યાવસ્થાથી અંબિકા દેવીનો પરમ ભક્ત હતો. રાજા ધ્રુવસંધિ એક દિવસ જંગલમાં શિકાર કરવા ગયા ત્યારે એક સિંહે તેમના પર હુમલો કરી તેમને મારી નાંખ્યા. મંત્રીઓએ સુદર્શનને રાજા બનાવવાની ઇચ્છા કરી. પરંતુ યુધાજિત નામના ઉજ્જૈનીના રાજાએ એમની દીકરીના પુત્રનો પક્ષ લઈ સુદર્શનની તરફેણ કરનારાને મારી નાંખ્યા. આ યુદ્ધમાં સુદર્શનના નાના (માતાના પિતા) કલિંગ નરેશ વીરસેન પણ વીરગતિને પ્રાપ્ત થયા એટલે મહારાણી મનોરમા સુદર્શનને લઈ નગર છોડી પ્રયાગમાં આવી ભરદ્વાજ ઋષિના આશ્રમમાં રહેવા લાગી. યુધાજિત એમની પાછળ એમને પકડવા પ્રયાગ સુધી ગયો પણ ભરદ્વાજ મુનિના દિવ્ય પ્રભાવ આગળ એનું કંઈ ચાલ્યું નહીં. એટલે ત્યાંથી પાછો જતો રહ્યો.

મહર્ષિ ભારદ્વાજે સુદર્શનને વિવિધ કલાઓ અને ધનુર્વિદ્યા શીખવી. મા અંબાની સાધના કરવાની રીત શીખવી. તેણે એ સાધના કરી મા અંબાની કૃપા પ્રાપ્ત કરી. મા અંબિકાએ પ્રસન્ન થઈ તેને દિવ્ય ધનુષ્ય અને અખૂટ બાણ આપ્યા. એ ગાળામાં કાશી નરેશ સુબાહુએ એમની કન્યા શશીકલાનો સ્વયંવર રચ્યો. મા અંબાએ શશીકલાના સ્વપ્નમાં આવીને તેને કહ્યું - તારા માટે સર્વાધિક યોગ્ય વર સુદર્શન જ છે. એટલે તું તેની સાથે જ લગ્ન કરજે. શશીકલાએ દેવી માતાની આજ્ઞાા શિરોધાર્ય કરી માતા-પિતાનો વિરોધ હોવા છતાં સુદર્શન સાથે લગ્ન કરી લીધા. એનો સાવકો ભાઈ શત્રુજિતના નાના યુધાજિતને લઈ મોટી સેના સાથે યુદ્ધ કરવા આવ્યો.

સુદર્શન પણ દુર્ગાદેવીએ આપેલા દિવ્ય ધનુષ્ય બાણ લઈ એનો સામનો કરવા આવી પહોંચ્યો. એણે દુર્ગા દેવીનું ધ્યાન ધર્યું અને એમના મંત્રનો જાપ કરવા લાગ્યો. તેણે હાથમાં ધનુષ્ય ઉઠાવ્યું અને એના પર બાણ ચડાવે તે પહેલાં જ ચંડ-મુંડ વિનાશિની, મહિષાસુર મર્દિની દુર્ગા દેવી એની આગળ પ્રગટ થઈ ગયા. સિંહવાહિની દેવીના રૌદ્ર રૂપના હુંકાર માત્રથી યુધાજિતની સેનાએ પીછેહઠ કરી અને તમામ યોદ્ધાઓ સિંહને જોઈને શિયાળ ભાગે એમ ભાગવા લાગ્યા. પરામ્બિકાની કૃપાથી સુદર્શન અખંડ ભૂમંડલનો ચક્રવર્તી સમ્રાટ બની ગયો. આ દિવ્ય ઘટના જ્યાં બની હતી તે જ સ્થળ છે કાશીનો દુર્ગાકુણ્ડ. સુદર્શને દેવી દુર્ગાને અહીં સદા કાળ બિરાજમાન રહેવા પ્રાર્થના કરી હતી એટલે દેવી પશ્ચિમાભિમુખ બેસી કાશી નગરીની રક્ષા કરતા રહે છે. આ ઘટનાનું વર્ણન દેવી ભગવત, કાલિકા પુરાણ અને રઘુવંશ જેવા અનેક ગ્રંથોમાં જોવા મળે છે.