નવદુર્ગાના નવ સ્વરૂપોનો મહિમા
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
- શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. પિતા દક્ષ પ્રજાપતિ થકી એમના પતિ શિવજીનું અપમાન થતાં સતીએ યોગ-અગ્નિથી પોતાનો દેહત્યાગ કરી દીધો હતો અને નવો જન્મ હિમાલય અને મેનાને ત્યાં લઈ શૈલપુત્રી નામ ધારણ કર્યું હતું. કઠોર તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કરી તેમના પતિ રૂપે પ્રાપ્ત કર્યા હતા
નવરાત્રિ એટલે નવરાત્રિઓનો સમૂહ. આ નવરાત્રિએ દરમિયાન દુર્ગાદેવીના નવ સ્વરૂપોની ભક્તિપૂર્વક ઉપાસના કરવામાં આવે છે. આ નવસ્વરૂપો છે. ૧. શૈલપુત્રી ૨. બ્રહ્મચારિણી ૩. ચંદ્રઘણ્ટા ૪. કુષ્માંડા ૫. સ્કંદમાતા ૬. કાત્યાયની ૭. કાલરાત્રિ ૮. ગૌરી ૯. સિદ્ધિદાત્રી. તંત્ર આગમ અનુસાર આદ્યાશક્તિ સંસારના પ્રાણીઓને દુર્ગતિ અને દુ:ખમાંથી મુક્ત કરે છે એટલે જ તેમણે દુર્ગા દુર્ગતિનાશિની અને દુ:ખહારિણી કહેવામાં આવે છે. શાસ્ત્રમાં કહેવાયું છે- 'ઇચ્છાધિકમપિ સમર્થા વિતરણે- અર્થાત્ દુર્ગાદેવી ઇચ્છાથી પણ વધારે ફળ આપવા સમર્થ છે.'
શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. તેમની સ્તુતિ કરતાં કહેવાયુ છે. 'વંદે વાંછિતલાભાય ચંદ્રાર્ધકૃત શેખરામ્ । વૃષારુઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।। હિમાલય પર્વત (શૈલ)ને ત્યાં જન્મ લીધો હોવાથી એમનું નામ શૈલપુત્રી રખાયું. પર્વતના પુત્રી હોવાથી પાર્વતી નામથી પણ પ્રસિધ્ધ થયાં. 'બૃહસ્પતિ સવ્' યજ્ઞામાં એમના પિતા દક્ષ પ્રજાપતિ થકી એમના પતિ શિવજીનું અપમાન થતાં સતીએ યોગ-અગ્નિથી પોતાનો દેહત્યાગ કરી દીધો હતો અને નવો જન્મ હિમાલય અને મેનાને ત્યાં લઈ શૈલપુત્રી નામ ધારણ કર્યું હતું. કઠોર તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કરી તેમના પતિ રૂપે પ્રાપ્ત કર્યા હતા. શૈલપુત્રીનું વાહન બળદ છે. એમના જમણા હાથમાં ત્રિશૂળ છે અને ડાબા હાથમાં કમળ છે. એમના મસ્તક પર અર્ધચંદ્ર છે. જે આ સ્વરૂપને વંદન કરે છે તેને મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.
બ્રહ્મચારિણી એ નવદુર્ગાનું બીજું સ્વરૂપ છે. તેમની સ્તુતિ કરતાં કહેવાયું છે - 'દધાના કર પદ્માભ્યા મક્ષમાલાકમણ્ડલ્ । દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા ।। બ્રહ્મચારિણી એટલે બ્રહ્મચર્યનું પાલન કરનારી તપસ્વિની નવરાત્રિની બીજી રાત્રિએ આ સ્વરૂપની પૂજા કરાય છે. આ સ્વરૂપના જમણા હાથમાં જપ માળા છે. અને ડાબા હાથમાં કમંડળ છે. પાર્વતીએ શિવજીને પતિ રૂપે પુન:પ્રાપ્ત કરવા કઠોર તપશ્ચર્યા કરી બ્રહ્મચારિણી રૂપ ધારણ કર્યું હતું. આ સ્વરૂપ તપ કરવાનું મનોબળ અને મનની પવિત્રતા પ્રદાન કરે છે. મૂલાધાર ચક્રમાં શૈલપુત્રી- પાર્વતીનું સ્વરૂપ બિરાજમાન છે. સ્વાધિષ્ઠાન ચક્રમા બ્રહ્મચારિણી સ્વરૂપ બિરાજે છે. ચંદ્રઘણ્ટા દુર્ગાદેવીનું ત્રીજું સ્વરૂપ છે જે ત્રીજી રાત્રિએ પૂજાય છે. તેમની સ્તુતિ કરતાં કહેવાયું છે- 'પિંડજ પ્રવરારુઢા ચણ્ડકોપાસ્ત્રકૈર્યુતા । પ્રસાદં તનુતે મહય ચંદ્રઘણ્ટેતિ વિશ્રુતા ।। એમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે એટલે એમને ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવે છે. તેમને દસ ભુજાઓ છે જેમાં ખડગ, ત્રિશૂળ, ગદા વગેરે અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરાયેલા છે.
તે સિંહ કે વાઘ પર સવારી કરે છે. તેમના શરીરનો વર્ણ સુવર્ણા જેવો દૈદીપ્યમાન છે. તેમની કૃપાથી અલૌકિક દર્શન થાય છે અને દિવ્ય સુગંધનો અનુભવ થાય છે. મણિપુર ચક્ર સાથે આ સ્વરૂપનો સંબંધ છે. તેમની કૃપાથી આ ચક્ર જાગૃત થાય છે અને દૈવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. કૂષ્માંડા નવ-દુર્ગાનું ચતુર્થ સ્વરૂપ છે જે ચોથી રાત્રિએ પૂજાય છે. એમનો સ્તુતિ મંત્ર છે- સુરાસંપૂર્ણકલશં રુધિરાપ્લુતમેવ ચ । દધાના હસ્તાપદ્માભ્યાં કૂષ્માંડા શુભદાસ્તુ મે ।। અષ્ટભુજાવાળું આ સ્વરૂપ અત્યંત તેજસ્વી છે. તેનો અનાહત ચક્ર સાથે સબંધ છે. તે જાગૃત થતાં અતીન્દ્રિય શક્તિથી દૂર દર્શન- દૂર શ્રવણ વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
સ્કંદમાતા દુર્ગાદેવીનું પાંચમું સ્વરૂપ છે જેની પાંચમી રાત્રિએ પૂજા થાય છે. તેમનો સ્તુતિમંત્ર છે. 'સિંહાસનગતા નિત્યં પદ્માશ્રિતકરદ્વયા । શુભદાસ્તુ સદા દેવી સ્કંદમાતા યશસ્વિની ।। સ્કંદ અર્થાત્ કુમાર કાર્તિકેયની માતા હોવાથી આ નામ પડયું છે. બાળક કાર્તિકેય એમની ગોદમાં બિરાજે છે. સ્કંદમાતાનો સંબંધ વિશુધ્ધિ ચક્ર સાથે છે. આ ચક્ર જાગૃત થતાં ગળા-ગરદનના રોગ મટે છે. થાઈરોઈડની સમસ્યા હોય તો તે દૂર થાય છે. રચનાત્મક અભિવ્યક્તિ શ્રેષ્ઠ બને છે. માઇન્ડફુલનેસની વૃદ્ધિ થાય છે. કાત્યાયની દુર્ગા દેવીનું છઠ્ઠું સ્વરૂપ છે જેની નવરાત્રિની છઠ્ઠી રાત્રિએ પૂજા કરાય છે. કાત્ય ગોત્રના મહર્ષિ કાત્યાયને દુર્ગાદેવીની આરાધના કરી ત્યારે એમને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થયા હતા.
ભગવાન શ્રીકૃષ્ણને પતિરૂપે પ્રાપ્ત કરવા ગોપીઓએ યમુનાના તટ પર કાત્યાયની વ્રત કરી એમની આરાધના કરી હતી. આ સ્વરૂપનો આજ્ઞાચક્ર સાથે સંબંધ છે. કાલરાત્રિએ નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે. આ સ્વરૂપનો વર્ણ રાત્રિ જેવો શ્યામ છે. તે દુષ્ટ લોકોનો નાશ કરનારી કાળશક્તિ છે. આ સ્વરૂપ સહસ્રાર ચક્રને જાગૃત કરી કુંડલિની શક્તિને સદા શિવ સાથે જોડે છે. મહાગૌરી એ નવદુર્ગાનું આઠમું સ્વરૂપ છે. આ સ્વરૂપ ચતુર્ભુજ છે અને બળદ પર આરુઢ છે. તે શુભદા અને વરદા છે. તે શિવને પણ આનંદ આપનારી શક્તિ છે. સિદ્ધિદાત્રી એ નવદુર્ગાનું નવમું સ્વરૂપ છે. જેની નવમી રાત્રિએ પૂજા-અર્ચના- આરાધના થાય છે. એમનો સ્તુતિમંત્ર છે- સિદ્ધગંધર્વયક્ષાદ્યૈરસુરૈરમરૈરપિ । સેવ્યમાના સદા ભૂયાત્ સિદ્ધિદા સિદ્ધિદાયિની ।। સિદ્ધો, ગંધર્વો, યક્ષો, અસુરો અને દેવી બધા એમની સેવા કરે છે. તે બધા પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરે છે. આ ચતુર્ભુજ સ્વરૂપ કમળના આસન પર બિરાજમાન છે.