For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભગવાન શ્રીકૃષ્ણના અનન્ય ભક્ત શ્રી આશુધીરજીની ભેટ ગંગામૈયાએ સ્વયં પ્રગટ થઈ પોતાના હાથે ગ્રહણ કરી !

Updated: Nov 23rd, 2022

ભગવાન શ્રીકૃષ્ણના અનન્ય ભક્ત શ્રી આશુધીરજીની ભેટ ગંગામૈયાએ સ્વયં પ્રગટ થઈ પોતાના હાથે ગ્રહણ કરી !

- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

પ્રે મલક્ષણા ભક્તિમાં રમમાણ ભગવાન શ્રીકૃષ્ણના અનન્ય ભક્ત શ્રી આશુધીરજીનો જન્મ વિક્રમ સંવત ૧૪૮૦ ની આસપાસ સારસ્વત વંશમાં થયો હતો. ભક્ત આશુધીરજીને ભગવાન શ્રીકૃષ્ણની લીલાસ્થળી વૃંદાવન પર અપાર પ્રીતિ હતી અને તે યમુના તટ પર જ વધારે સમય પસાર કરતા હતા. 

શહેનશાહ અકબરના નવરત્નોમાંના એક એવા ગાયક શિરોમણિ તાનસેનના ગુરૂ સ્વામી હરિદાસજી તો એમનો એક દોહો સાંભળીને જ એમના સર્વસ્વનો ત્યાગ કરી એમના શિષ્ય બની ગયા હતા. અંતે અગવત્સાંનિધ્યને પણ પ્રાપ્ત કરી લીધું હતું. હરિદાસજી યુવાન હતા તે વખતની ઘટના છે. તે એક પાણીદાર અશ્વ પર બિરાજમાન થઈ વૃંદાવનમાં ભ્રમણ કરી રહ્યા હતા. વેગવાન ઘોડાના પગલાની ટાપથી વૃંદાવનના માર્ગ ધમધમી રહ્યા હતા. તે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યાં એમના કાને ભક્ત આશુધીરજીનો મધુર કંઠે ગવાતો દોહો પડયો - 

નહિં પાવત બ્રહ્માદિ સુર વિલસત જુગલ સિહાય ।

અસ કલ કોમલ ભૂમિ પ તુરંગ ફિરાવત હાય ।।

દોહો સાંભળતાની સાથે જ હરિદાસજીએ લગામ ખેંચી ઘોડાને ચાલતો રોકી દીધો. તેમના આંતરચક્ષુ ખૂલી ગયા. તેમને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ. તેમણે ઘોડા પરથી ઉતરીને ભક્તવર્ય શ્રી આશુધીરજીના ચરણ પકડી લીધા. એમના સાંનિધ્યમાં ભગવદ્ ભક્તિ વધતી જ ગઈ અને શ્રીકૃષ્ણ રસાનુભૂતિ પાંગરતી રહી. અંતે શ્રીરાધા-કૃષ્ણની નિકુંજ લીલાના પ્રત્યક્ષ દર્શન કર્યા. વૃંદાવનની ભૂમિ તેમને દિવ્ય-રત્નજડિત દેખાવા લાગી. તેમને એના કણ કણમાં વેણુધારી, એના વૃક્ષ, લતા, પર્ણ સર્વમાં વાસુદેવના દર્શન થવા લાગ્યા. શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં દશમ સ્કંધના ૨૧મા અધ્યાયના દસમા શ્લોકમાં ગોપી એની સખીને વૃંદાવનનો મહિમા દર્શાવતા કહે છે -

વૃંદાવન સખિ ભુવો વિતનોતિ કીર્િંત યદ્

દેવકીસુત પદાંબુજલબ્ધલક્ષ્મી । ગોવિન્દ વેણુ મનુમત્ત 

મયૂર નૃત્યં, પ્રેક્ષ્યાદ્રિસાન્વપરતાન્ય સમસ્ત સત્ત્વમ્ ।।

હે સખી ! આ વૃંદાવન પૃથ્વીની કીર્તિને સ્વર્ગની કીર્તિ કરતાં પણ અધિક બનાવે છે કેમ કે તેણે દેવકીપુત્ર શ્રીકૃષ્ણનાં ચરણકમળો વડે શોભા પ્રાપ્ત કરી છે અને અહીં શ્રીકૃષ્ણનો વેણુનાદ સાંભળી મદોન્મત્ત થયેલા મોર નૃત્ય કરે છે તે જોઈને ત્યાં પર્વતોમાં શિખરો પર રહેલા બીજા બધાં પ્રાણીઓ પોતપોતાના કામકાજ ત્યજી દે છે. તે વેણુનાદનું શ્રવણ કરી, વેણુ વગાડતા શ્રીકૃષ્ણના અલૌકિક રૂપ સૌંદર્યના દર્શન કરતા રહે છે. શ્રી આશુધીરજીને પણ વૃંદાવન સ્વર્ગ કરતાં પણ વધારે સુંદર લાગતું અને તેમાં ભગવાનની સુંદર, મધુર વ્રજલીલાઓના દર્શન થતા હતા.

એકવાર પ્રયાગમાં કુંભમેળો ભરાયો હતો. વૃંદાવનથી અને સંતો, મહાત્માઓ દર્શન અને સ્નાન માટે જઈ રહ્યા હતા. શ્રી આશુધીરજીએ એમના એક પરિચિત સાધુને પાંચ સોપારી આપી અને તેમને કહ્યું - 'આ ગંગા મૈયાને આપી દેજો.' તે સાધુએ એક વસ્ત્રમાં તે પાંચેય સોપારીઓ બાંધી દીધી અને તે પોતાની સાથે લઈને કુંભમેળાના દર્શન કરવા પહોંચી ગયો. તે ગંગાજીમાં સ્નાન કર્યા બાદ ગંગા તટ પર ઊભા રહીને વિચારવા લાગ્યો - 'મહાત્મા આશુધરજીએ મને પાંચ સોપારી આપી ત્યારે એમ નહોતું કહ્યું કે આ ગંગાજીમાં પધરાવી દેજો. તેમણે તો એમ કહ્યું હતું કે મારી આ ગંગાજીને પ્રદાન કરવાની ભેટ રૂપ પાંચ સોપારી ગંગામૈયાને આપી દેજો. એટલે તે ગંગાજીને બોલાવવા લાગ્યા અને કહેવા લાગ્યા - 'હે ગંગામૈયા, ભક્તરાજ આશુધીરજીએ તમને આ પાંચ સોપારીઓ આપવાનું કહ્યું છે તો આપ પધારીને તે સ્વીકારો.' તે સાધુની આજુબાજુમાં સ્નાન કરી રહેલા લોકો તેના તરફ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા - 'એમ કંઈ ગંગા મૈયા જાતે પધારીને એ થોડી લેશે ?'

એ જ વખતે ગંગાજળમાં થોડો ખળભળાટ થયો. ગંગાજી આધિદૈવિક, પ્રત્યક્ષ સ્વરૂપે જળમાંથી બહાર પ્રકટ થયા. તેમણે પોતાનો જમણો હસ્ત તે સાધુ તરફ આગળ ધરી દીધો અને તે સાધુએ તેમની હથેળીમાં ભક્તરાજ આશુધીરજીએ મોકલેલી ભેટ સ્વીકારી લીધી. કિનારે ઊભેલા લોકોએ ગંગાજીનો જય જયકાર કર્યો. આમ, આશુધીરજી એવા અનન્ય શ્રીકૃષ્ણ ભક્ત હતા જેમનું વચન સિદ્ધ કરવા ગંગાજીએ સ્વયં પધારી એમની ભેટ સ્વીકારી હતી. શ્રી આશુધીરજીના બાવન શિષ્યો હતા, જેમાં સ્વામી હરિદાસજી મુખ્ય હતા. સંગીત સમ્રાટ તાનસેન તેમની પાસેથી સંગીત શીખ્યા હતા.

Gujarat