- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય
લમ્બોદરાય સકલાય જગદ્વિતાય ।
નાગાનનાય શ્રુતિયજ્ઞાવિભૂષિતાય
ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે ।।
વિઘ્નેશ્વર, વરદાન આપનારા દેવોને પ્રિય, લંબોદર (વિશાળ પેટવાળા), કલાઓથી પરિપૂર્ણ, જગતનું હિત કરનારા, હાથીનું મુખ ધરાવનારા અને વેદ તથા યજ્ઞાથી વિભૂષિત પાર્વતીપુત્ર હે ગણપતિ । તમને વારંવાર નમસ્કાર છે.
ગણેશપુરાણના ઉપાસના ખણ્ડના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની પ્રથમ પંક્તિમાં કહેવાયું છે- નમઃ તસ્મૈ ગણેશાય બ્રહ્મવિદ્યાપ્રદાયિને । બ્રહ્મવિદ્યા પ્રદાન કરનારા તે ગણપતિને નમસ્કાર છે. ગણેશ શબ્દ ત્રણ બાબતોનું સૂચન કરે છે. ગ અક્ષર બ્રહ્મવિદ્યા અર્થાત્ પરમજ્ઞાાનનું દ્યોતક છે. ણ અક્ષર નિર્વાણ, મુક્તિ, આનંદનું સૂચન કરે છે અને ઇશ પરમેશ્વરનું સૂચન કરે છે. ગણેશ- ગણપતિ શબ્દનો બીજો અર્થ ગણોના અધિપતિ- શિવજીની સેનાના અધ્યક્ષ એવો પણ થાય છે.
ભગવાન શ્રી ગણેશ ગણતંત્રના આદિ પ્રણેતા અને બધા દેવોના સર્વોપરી નેતા છે. ગણપતિ સંઘભાવના પ્રથમ પ્રવર્તક છે. તેમણે બધાને સંગઠનના સૂત્રમાં બાંધી એકત્રિત કરી ઉન્નત કર્યા. તે ગણ રાષ્ટ્રના શ્રેષ્ઠ, આદર્શ અધિપતિ છે. આવા અધિપતિ જ રાષ્ટ્રને રિદ્ધિ-સિદ્ધિ- સમૃદ્ધિથી પરિપૂર્ણ કરી શકે અને પરમ તત્ત્વ તરફ લઈ જઈ શકે. ગણપતિ રાષ્ટ્રની ઉન્નતિના આદર્શ છે. ગણરાષ્ટ્રના અભ્યુદય માટે અનુકરણીય છે. એમનું સ્વરૂપ, નામ અને કર્મ ઉત્કૃષ્ટ બોધ આપનારા અને સુખ પ્રદાન કરનાર છે. તે વિવેક જ્ઞાાન પ્રદાતા છે. વિવેક બુદ્ધિ સદ્-અસદ્નો ભેદ કરે છે. જીવનમાં નીરક્ષીરવિવેક સિદ્ધ થયો હોય તો જ માંગલ્ય અને કલ્યાણ આવે છે.
ભગવાન ગણપતિના સ્વરૂપ સાથે સંકળાયેલ બાબતો સૂચક છે. ગણપતિનું હાથીનું મસ્તક બ્રહ્મવિદ્યા, જ્ઞાાન અને વિવેકબુદ્ધિનું સૂચન કરે છે. ગણપતિના નાના-ઝીણા નેત્ર સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિનું સૂચન કરે છે. એમના સૂપડા જેવા મોટા કાન વિશાળ શ્રવણ શક્તિ રાખવાનો બોધ આપે છે. કલ્યાણ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાએ બધાનું બધું સાંભળવું એવું સૂચન કરે છે. ગણપતિ લંબોદર એટલે મોટા પેટવાળા છે. તે સર્વસ્વીકૃતિ રાખવી એવો બોધ આપે છે. જગતમાં બધાને રહેવાનો, જીવવાનો અધિકાર છે. એ સમજી એમનો સ્વીકાર કરવો. સંગચ્છછાં સંવદધ્વની સર્વૈકયની ભાવના કેળવવી. ગણપતિનું વાહન ઉંદર (મૂષક) સૂચવે છે કે જ્યાં જરૂર હોય ત્યાં ગુપ્તતા રાખવી. પોતાની યોજના વિશે ગુપ્તતા રાખી એ વિશે મૌન રાખવું. વાણીનો સંયમ- વિવેક રાખવો. ઉંદર સતત પ્રવૃત્તિશીલતા, પરિશ્રમનું પણ સૂચન કરે છે. 'ચરાતિ ચરતો ભગ' જે ફરે છે, દોડે છે એનું ભાગ્ય પણ ફરે છે અને દોડે છે એ ન્યાયે જીવનને ગતિશીલ રાખવું.
'ગણપત્યુપનિષદ'માં કહેવાયું છે- 'ત્વં યોગિનો ધ્યાયન્તિ નિત્યમ્ । ત્વં શક્તિ ત્રયાત્મકમ્ ।' તમે મૂલાધાર ચક્રમાં નિત્ય નિવાસ કરો છો. તમે ઇચ્છા, જ્ઞાાન અને ક્રિયા ત્રણે શક્તિઓમાં વ્યાપ્ત છો. યોગીપુરુષો નિત્ય મારું ધ્યાન ધરે છે.' ૩૩ કરોડ દેવતાઓમાં શ્રીગણેશનો મહિમા વિલક્ષણ છે. કોઈપણ દેવની પૂજાના આરંભમાં ગણપતિની પૂજા પ્રથમ કરાય છે. કોઈપણ મંગલ કાર્યના આરંભમાં ગણપતિનું સ્મરણ, પૂજન- અર્ચન અવશ્ય કરવામાં આવે છે.
'ઓમકારમાદ્યં પ્રવદન્તિ સન્તો' સંતો- માહાત્માઓ જેમને આદિ ઓમકાર કહે છે, વેદોની વાણી જેમની સ્તુતિ કરે છે. સમસ્ત દેવગણો જેમના ચરણારવિંદમાં પ્રણામ કરે છે, અર્ધચંદ્ર જેમના ભાલપ્રદેશનું આભૂષણ છે તે ભગવાન ગજાનન ગણેશને હું ભજું છું.' આ શબ્દોથી શ્રીગણેશજીનો અનુપમ મહિમા વર્ણન કરાયો છે. ઓમ્-નાદબ્રહ્મથી ગણપતિનું રૂપ પ્રગટ થયું છે. એવું શાસ્ત્રો કહે છે. એટલે ગણપતિની આકૃતિ પણ ઓમ આકાર જેવી જ દેખાય છે. શાસ્ત્રકારો કહે છે કે માંગલ્યનું ચિહ્ન એવો સ્વસ્તિક (સાથિયો) પણ ગણપતિના સ્વરૂપથી ઉત્પન્ન થયો. સાથિયાના ચાર પાંખિયા એ ગણપતિના ચાર હાથનું જ પ્રતીકાત્મક આલેખન છે. એટલે જ સ્વસ્તિકને 'ચતુર્ભુજ ઓંકાર' કહેવામાં આવે છે.


