Get The App

રાધા-કૃષ્ણના પ્રેમનું લલિત, મધુર નિરૂપણ કરતા કાવ્યગીતગોવિંદના રચયિતા મહાકવિ જયદેવ

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
રાધા-કૃષ્ણના પ્રેમનું લલિત, મધુર નિરૂપણ કરતા કાવ્યગીતગોવિંદના રચયિતા મહાકવિ જયદેવ 1 - image

- વિચાર-વીથિકા- દેવેશ મહેતા

સંસ્કૃતના મહાકવિ જયદેવ વૈષ્ણવ ભક્ત અને સંતના રૂપમાં સન્માનિત હતા. તે લક્ષ્મણ સેન શાસકના દરબાદી કવિ હતા. જયદેવ 'ગીત ગોવિંદ' અને 'રતિમંજરી'ના રચયિતા હતા. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ પછી રાધા-કૃષ્ણ લીલાની અદ્ભુત સાહિત્યિક રચના એમની કૃતિ ગીત ગોવિંદને માનવામાં આવે છે. જયદેવ સંસ્કૃત કવિઓમાં અંતિમ કવિ હતા. એવું માનવામાં આવે છે કે દિવ્ય રસના સ્વરૂપ રાધા-કૃષ્ણની રમણલીલાનું સ્તવન કરીને ભગવત્સ્વરૂપાનંદની અનુભૂતિ પ્રાપ્ત કરી હતી. ભક્તિ વિજયના રચયિતા સંત મહીપતિએ તો જયદેવને શ્રીમદ્ ભાગવતના રચયિતા વ્યાસ મુનિનો અવતાર માન્યા છે.

જયદેવના પિતાનું નામ ભોજદેવ હતું અને માતાનું નામ રમાદેવી હતું. તે નાની વયના હતા ત્યારે જ તેમના માતા-પિતાનું મરણ થઈ ગયું હતું. તે પછી તે પુરીમા ંરહેવા લાગ્યા હતા. જયદેવના લગ્ન પદ્માવતી નામની કન્યા સાથે થયા હતા. કહેવાય છે કે કન્યાના પિતાને સ્વપ્નમાં ભગવાન જગન્નાથે એ લગ્નનો આદેશ કર્યો હતો અને તેમણે જગન્નાથ પુરીમાં એક વૃક્ષ નીચે તેમની કન્યાનો હાથ જયદેવને સોંપી દીધો હતો. થોડા સમય બાદ જયદેવે મથુરા-વૃંદાવનની યાત્રા કરી. કૃષ્ણની રાસલીલાના આ ક્ષેત્રને જોઈને તે ભાવ વિભોર બની ગયા હતા. ત્યાંથી પાછા ફર્યા બદા જગન્નાથ પુરીમાં એમના અમર ગ્રંથ ગીત ગોવિંદની રચના કરી હતી.

ભક્તમાળના લેખક નાભાદાસે વ્રજભાષામાં જયદેવની પ્રશંસા કરતાં લખ્યું છે - કવિ જયદેવ કવિઓમાં સમ્રાટ છે. ત્રણેય લોકમાં એમના ગીત ગોવિંદની આભા ફેલાઈ રહી છે. આ રચના કામ-વિજ્ઞાાન, કાવ્ય, નવ રસ અને પ્રેમની આનંદમયી કલાનો ભંડાર છે. જે એમના અષ્યપદોનું અધ્યયન કરે છે એની બુદ્ધિની વૃદ્ધિ થાય છે. રાધાના પ્રેમની કૃષ્ણ એને સાંભળીને પ્રસન્ન થાય છે અને જ્યાં એ ગવાય છે તે સ્થળે તે ચોક્કસ દોડીને આવે છે. જયદેવે રાધા-કૃષ્ણની શૃંગાર રસથી પરિપૂર્ણ ભક્તિનું મહિમાગાન કર્યું અને એના પ્રચાર કર્યો.

ગીતગોવિંદના ૧૨ સર્ગ છે અને ૨૪ ગીત કે પદ છે. આરંભમાં વિષ્ણુના દશાવતારની સ્તુતિ છે, તે પછી એની શરૂઆત થાય છે. જયદેવે દરેક સર્ગના વિવિધ નામ આપ્યા છે જેમ કે મુગ્ધ મધુસૂદન, સ્નિગ્ધ મધુસૂદન, ઘૃષ્ટ વૈકુંઠ, મુગ્ધ મુકુંદ, મુગ્ધ માધવ, સાનંદ ગોવિંદ અને સુપ્રિત ગોવિંદ. મુગ્ધ માધવ નામના દસમા સર્ગમાં એક નાનું ગીત છે. એમાં કૃષ્ણ રાધાને મનાવતા કહે છે - હું તારા પગને ઉબટન લગાડું. તારા પદપલ્લવ (ચરણકમળ)નો સ્પર્શ મને પીડા આપી રહેલા પ્રેમ વિષનો નાશ કરશે અને મારા મસ્તક પર મૂકેલો તારો ચરણ માર મસ્તકની શોભા બની રહેશે. (સ્મરગરલખણ્ડનમ્ મમ શિરસિ મણ્ડનમ્ દેહિ પદપલ્લવમ્ ઉદારમ્ ।)

આ શ્લોક રચતી વખતે એ પંક્તિ જયદેવના મનમાં આવી તો ખરી જેમાં કૃષ્ણ રાધાને કહે છે કે તારા પગ મારા માથા પર મૂક પણ એવી પંક્તિ લખાય ખરી ? ભગવાન વિષ્ણુનો અવતાર કૃષ્ણ આવું કહે તે યોગ્ય લાગે ? તે દ્વિધામાં પડી ગયા. તેમણે આ અંગે તેમની પત્નીની સલાહ લીધી. પત્નીએ કહ્યું - 'તમે નદીએ સ્નાન કરી આવો. પછી ભોજન લો. ત્યાં સુધીમાં મનમાં સ્પષ્ટ થશે કે તે પંક્તિ કાવ્યમાં લખવી કે ના લખવી. જયદેવ નદીએ સ્નાન કરવા ગયા તે પછી તરત ભગવાન શ્રીકૃષ્ણ જયદેવનું રૂપ લઈને આવ્યા. પદ્માવતીએ આટલી જલદી કેવી રીતે પાછા આવી ગયા એમ વિસ્મય સાથે પૂછયું તો તેમણે કહ્યું - મને કવિતાની પંક્તિ સ્ફુરી એટલે તરત પાછો આવી ગયો. પછી જયદેવ જે ઓરડામાં કાવ્ય લખતા હતા તેમાં જઈ, તેનું બારણું બંધ કરી અંદર લખવા બેસી ગયા. એટલી વારમાં સાચા જયદેવ નદીએથી સ્નાન કરીને આવ્યા. પત્નીએ પોતાના આવતાં પહેલાં જમી લીધેલું જોઈ નવાઈ પામ્યા અને એવું કેમ કર્યું તે પૂછવા લાગ્યા. પદ્માવતી પણ તેમને બહારથી આવતા જોઈ આશ્ચર્ય પામ્યા અને કહેવા લાગી - 

તમે તો જમીને અંદર ઓરડામાં લખતા હતો તો બહારથી કેવી રીતે આવ્યા ? જયદેવે કહ્યું - હું નદીએ સ્નાન કરીને અત્યારે જ આવું છું.  તેમણે ઓરડાનું દ્વાર ખોલીને જોયું તો અંદર કોઈ નહોતું. જયદેવનું રૂપ લઈને આવેલા કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા હતા પણ તેમણે કવિ જયદેવે જે પંક્તિ લખવા વિચારી હતી અને તે જગ્યા ખાલી છોડી હતી ત્યાં એ જ પંક્તિ કૃષ્ણે પોતાના હાથે લખી નાંખી હતી. તેમણે દર્શાવ્યું કે મારી પ્રિયતમા રાધા મારા મસ્તક પર એનો ચરણ મૂકે તેનાથી મારું માન ઘટતું નથી પણ વધે છે. પ્રેમની તમામ અભિવ્યક્તિ ઉત્તમ છે. તેમાં કશું અયોગ્ય નથી. જયદેવ અને પદ્માવતી સમજી ગયા કે જયદેવનું રૂપ લઈને ભગવાન શ્રીકૃષ્ણે જ એ કાર્ય કર્યું છે.