- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
- જ્યારે એમણે જોયું કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના પુત્રોના મરણનો શોક હજુ દૂર થયો નથી અને કુંતી પણ પુત્ર વિયોગથી દુ:ખી થઈ રહી છે ત્યારે તેમણે એક અદ્ભૂત ચમત્કાર કર્યો હતો.
- વ્યાસજીને ગંગાની અંદર જઈને એક ડૂબકી મારી. પછી જળમાંથી માથું બહાર કાઢી ત્યાં જ ઊભા રહીને યુદ્ધમાં મરણ પામેલા યોદ્ધાઓને બીજી દુનિયામાંથી ગંગામાં આવીને બહાર નીકળવાં આહવાન કર્યું.
'નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે
ફુલ્લારવિન્દાયતપત્રનેત્ર ।
યેન ત્વયા ભારત તૈલ પૂર્ણ:
પ્રજવાલિતો જ્ઞાનમય પ્રદીપ: ।।
હે વ્યાસ મુનિ, તમને નમસ્કાર છે. તમે મહા બુદ્ધિમાન છો તમારા નેત્ર પૂર્ણ રૂપે ખિલેલા કમળની પાંખડી જેવા વિશાળ છે. તમારા થકી જ મહાભારત રૂપી તેલથી ભરેલો જ્ઞાન રૂપી દીવો પ્રજ્વલિત કરાયો છે.
ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોમાંના એક એવા મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ પરાશર મુનિ અને મત્સ્ય કન્યા સત્યવતીના સંયોગથી આષાઢી પૂર્ણિમાના રોજ થયો હતો. પૌરાણિક કથા અનુસાર એમનો જન્મ એક નદીના નિર્જન દ્વીપ પર થયો હતો અને તે શ્યામ વર્ણના હતા એટલે એમનું નામ કૃષ્ણ દ્વૈપાયન પડયું હતું. ભગવાન વિષ્ણુના અંશાવતાર કે કલાવતાર હોવાથી તે અનેક યોગસિદ્ધિઓ અને દૈવી સામર્થ્ય ધરાવતા હતા.
જ્યારે પાણ્ડવો વનમાં રહેતા હતા ત્યારે તેમણે એક દિવસ તેમની પાસે આવી અર્જુનને પ્રતિસ્મૃતિ નામની એક વિદ્યા પ્રદાન કરી હતી. જેનાથી એનામાં દિવ્ય દર્શનની ક્ષમતા આવી ગઈ હતી. એના થકી તે દૂરદર્શન-દૂર બનતી ઘટનાઓને જોઈ શકતો હતો આ વિદ્યા વેદવ્યાસજીએ સંજયને પણ આપી હતી જેના થકી તેણે મહાભારતના યુદ્ધ વખતે કુરુક્ષેત્રના મેદાનમાં શું બની રહ્યું છે તે પ્રત્યક્ષ જોતો હોય તેમ જોઈ શકતો હતો અને તેનું ધૃતરાષ્ટ્રને વર્ણન કરતો હતો. આ પ્રતિસ્મૃતિ વિદ્યાના પ્રભાવથી સંજયે ભગવાન શ્રીકૃષ્ણના વિશ્વરૂપના તથા ચતુર્ભુજ સ્વરૂપના દર્શન પણ કર્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદમાંથી પ્રકટ થયેલી ગીતાના શ્લોકોનું યથાર્થ શ્રવણ કરવા પણ તે સમર્થ બન્યો હતો. આ ગીતા ઉપદેશ રણમેદાનમાં અર્જુન સિવાય બીજું કોઈ સાંભળી શક્યું નહોત. પણ સંજય પાસે વ્યાસજીએ આપેલી એ વિદ્યા રૂપી દિવ્ય ક્ષમતા હતી એટલે તે તેનું શ્રવણ કરી શક્યો હતો.
મહર્ષિ વેદવ્યાસની દિવ્ય શક્તિ અને યોગસિદ્ધિનું એક બીજું ઉદાહરણ મહાભારતના આશ્રમવાસિક પર્વમાં જોવા મળે છે. યુદ્ધ પછી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વનમાં રહેતા હતા ત્યારે મહારાજ યુધિષ્ઠિર એમના પરિવાર સાથે ધૃતરાષ્ટ્રને મળા ગયા હતા એ સમયે વ્યાસ મુનિ પણ ત્યાં પધાર્યા હતા. જ્યારે એમણે જોયું કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના પુત્રોના મરણનો શોક હજુ દૂર થયો નથી અને કુંતી પણ પુત્ર વિયોગથી દુ:ખી થઈ રહી છે ત્યારે તેમણે એક અદ્ભૂત ચમત્કાર કર્યો હતો. તેમણે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પૂછયું હતું - તમારો શોક દૂર થાય તે માટે હું તમે જે કહો તે કરવા તૈયાર છું.
તેમણે જવાબમાં જણાવ્યું - 'અમારા પુત્રો, સગા-સંબંધી મિત્રો વગેરે જે બધા યુદ્ધમાં મરણ પામ્યા છે. એમની મરણ બાદ શું ગતિ થઈ હશે ? હું તો આંખે અંધ છું અને મારી ધર્મપત્નીએ આંખે પાટા બાંધી રાખ્યા છે એટલે અમે એ બધાને જોઈ શક્યા નથી. અમારે એમને એક વખત જોવા છે. મહર્ષિ વેદવ્યાસે ગાંધારીને કહ્યું - તમારી ઇચ્છા હું પૂરી કરીશ. આ દુનિયામાં ભલે તમારા સંતાનો અને સ્વજનોનું મરણ થયું છે પણ બીજી દુનિયામાં તે બધા જીવે છે. મરણ થવાથી તેમનો સર્વનાશ થઈ ગયો નથી. આજે સાંજે હું તમને એ બધાને ફરીથી જીવતા રૂપે બતાવીશ. માત્ર જીવતા બતાવીશ એટલું જ નહીં, તમારી સાથે એમનો મેળાપ કરાવીશ. એ તમારી સાથે થોડો સમય વીતાવશે, હળશે, મળશે, વાતો કરશે. તમે બધાં સાંજે ગંગાના તટ પર આવજો.
તે બધા સાજે ગંગાના તટ પર એકઠાં થયા. વ્યાસજીને ગંગાની અંદર જઈને એક ડૂબકી મારી. પછી જળમાંથી માથું બહાર કાઢી ત્યાં જ ઊભા રહીને યુદ્ધમાં મરણ પામેલા યોદ્ધાઓને બીજી દુનિયામાંથી ગંગામાં આવીને બહાર નીકળવાં આહવાન કર્યું. એ પછી એ કિનારે બધાની સાથે આવીને ઊભા રહ્યા. થોડી પળો બાદ ગંગાજળમાં કુરુક્ષેત્રના મેદાનમાં થતો હતો એવો કોલાહલ સંભળાવા લાગ્યો. ગંગાના જળમાંથી ભીષ્મ, દ્રોણાચાર્ય અને બીજા કૌરવો બહાર આવવા લાગ્યા. યુદ્ધ વખતનો ગણવેશ અને શસ્ત્રોથી તે સજ્જ હતા. તે જ રીતે પછી ગંગાના જળમાંથી પાંડવો પણ બહાર આવ્યા. યુદ્ધના મેદાનમાં એકમેકના શત્રુ થઈને લડતાં લડતાં મરણ પામેલા કૌરવ-પાંડવ અને એમના સ્વજનો એ સમયે ક્રોધરહિત, અહંકાર રહિત અને વેર ભાવ વિનાના બનીને એકમેકને મળવાનો અનેરો આનંદ અભિવ્યક્ત કરી રહ્યા હતા. વ્યાસ મુનિએ ધૃતરાષ્ટ્રને દિવ્ય દ્રષ્ટિ આપી એટલે તેમણે પણ તેમના પુત્ર-પૌત્રો-સગાં-સંબંધીને જીવનમાં પહેલી વાર જોયાનો આનંદ લીધો હતો. ગાંધારીએ પણ આંખેથી પાટા છોડીને તે મૃતાત્માઓને જીવત રૂપમાં જોયા હતા. બધાએ મળી લીધું એ પછી એ પાછા ગંગાજળમાં ઊતરીને અન્ય લોકમાં ચાલ્યા ગયા હતા.


