ભક્ત ગંગાધરદાસ અને તેમની પત્ની શ્રિયા ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિનું પુત્ર ભાવથી લાલન-પાલન કરતા
- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
' अनन्याश्चिन्तयन्तो मां ये जनां पर्युपासते ।
तेषां नित्याभियुत्कानां योगक्षेमं वहाम्यहम् ।।'
જે અનન્યભાવે મારું ચિંતન કરતા મને નિષ્કામ ભાવથી ઉપાસે છે, તે નિત્ય મારામાં જોડાયેલાઓના યોગક્ષેમ (અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્ત થયેલાના રક્ષણ)નો ભાર હું ઉઠાવું છું.'
- શ્રીમદ્ ભગવદગીતા, અધ્યાય-૯, શ્લોક-૨૨
પુરુષોત્તમ ક્ષેત્ર- જગદીશપુરીમાં રાજા પ્રતાપરુદ્રના સમયમાં ગોવિંદપુર ગામ એક મુખ્ય તીર્થસ્થળ હતું. તે ગામમાં ભક્ત ગંગાધરદાસ રહેતા હતા. એમની પત્નીનું નામ શ્રિયા હતું જે સદ્ગુણ સંપન્ન સાધ્વી સતી હતી. બન્ને એકમેકને પ્રેમ કરતા અને એકબીજાનો આદર કરતા હતા. ભક્ત ગંગાધરદાસ સામાન્ય વાણિજય-વેપાર કરી જીવનનિર્વાહ ચલાવતા અને શ્રિયા સાથે ભગવત ભજનમાં સમય વીતાવતા. લગ્ન બાદ વર્ષો વીત્યા પછી પણ તેમના ઘેર સંતાનનો જન્મ થયો નહોતો.
એક દિવસ સગા-સંબંધી અને ગામવાસીઓના મહેણાં-ટોણાંથી કંટાળીને તેણે તેના પતિને કહ્યું- ' આપણા ભાગ્યમાં સંતાન નથી તો હવે કેટલી રાહ જોવાની ? મારાથી આ દુ:ખ સહન નથી થતું. તમે કોઈ ઉત્તમ બાળકને દત્તક લઈ લો. એના આવવાથી આપણું ઉત્તર જીવનતો સારું જશે.' ગંગાધરદાસને કોઈ એવો ઉત્તમ બાળક મળ્યો નહીં. જેને તે દત્તક તરીકે લઈ શકે. તે બજારમાંથી જઈ રહ્યા હતા ત્યાં તેમણે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિઓ વેચતો એક વેપારી જોયો. તે તેની દુકાનમાં ગયા તો તેમણે એક અતિ સુંદર, પ્રસન્ન ચહેરો ધરાવતી શ્રીકૃષ્ણની એક મૂર્તિ જોઈ. તેમને થયું કે સર્વ ગુણ સંપન્ન તો ભગવાન શ્રીકૃષ્ણ જ છે. સર્વોત્તમ સ્વરૂપ આનંદમાત્ર કરપાદમુખોદરાદિ શ્રીકૃષ્ણને છોડીને હવે બીજે કયાં શોધું ? આ શ્રીવિગ્રહ જ ખરીદી લઉં છું. તેમણે તે મૂલ્યવાન મૂર્તિ ખરીદી લીધી. તેને લઈને ઘેર આવ્યા અને પત્ની શ્રિયાને કહેવા લાગ્યા- કોઈ લૌકિક બાળક તો મને ઉત્તમ અને સર્વગુણસંપન્ન ના મળ્યું. એટલે શ્રીકૃષ્ણનું આ સુંદર બાળસ્વરૂપ લઈ આવ્યો છું. આપણે એનું એ રીતે જ લાલન-પાલન કરીએ જે રીતે નંદ અને યશોદાએ કૃષ્ણનું કર્યું હતું.
તેમણે ભગવાનના સ્વરૂપને સિંહાસન પર બિરાજમાન કરી તે જાણે બાળકૃષ્ણ જ હોય તે રીતે તેનું પુત્રવત્ વાત્સલ્ય ભાવથી અર્ચન-પૂજન અને સેવા કરવા માંડી.' દિન દિન બઢત સવાયોદુનો' એ પ્રકારે ભાવ અને સ્નેહ વધતો જ ગયો. ભગવાન શ્રીકૃષ્ણ પણ એમના વાત્સલ્ય પ્રેમ અને લાડ-કોડથી પ્રસન્ન થતા.
એક દિવસ ભક્ત ગંગાધરદાસ બાજુના ગામમાંથી પોતાના ગામમાં આવી રહ્યા હતા. કોઈ કારણ વશાત્ રસ્તામાં પડી ગયા અને એમના પ્રાણ નીકળી ગયા. ગામના પાદરે જ આવું બન્યું એટલે એમને માટે વૈદ બોલાવી લાવ્યા તો તેણે નાડી અને હૃદયના ધબકારા બંધ જોઈને કહ્યું- ' ગંગાધરદાસ મૃત્યુ પામ્યા છે.' આ સમાચાર તેમના ઘેર તેમની પત્ની શ્રિયાને આપવામાં આવ્યા. આ સાંભળી તે તો હૈયાફાટ રૂદન કરવા લાગી અને ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા પાસે જઈને કહેવા લાગી- 'બેટા કનૈયા, આ લોકો કહે છે કે તારા પિતાનું મરણ થઈ ગયું છે. હવે હું શું કરું તે મને કહે.' શ્રીકૃષ્ણે પ્રતિમામાંથી પ્રગટ થઈને કહ્યું- મા, તું ચિંતા ન કર. હું બેઠો છું ને ? તું ગામને પાદર જયાં પિતાજી સૂતા છે ત્યાં જઈને એમને કહે - 'ઉભા થાવ. કનૈયો, તમારો પુત્ર ઘેર તમારી રાહ જુએ છે. તે તમને બોલાવે છે. શ્રિયા ઝડપથી ગામને પાદર પહોંચી. જોયું તો તેના પતિ મૃત્યુ પામેલા છે. લોકો થોડે દૂર શોક સંતપ્ત ઉભા છે. તે મૂંઝાઈ ગઈ. મરણ પામેલાને હું કઈ રીતે સંદેશો આપું. એમ કનૈયાએ જે સંદેશો આપ્યો હતો તે તેમના મૃતદેહ પાસે જઈને બોલવા લાગી- સ્વામી, ઉભા થાવ. તમારો પુત્ર કનૈયો તમારી રાહ જુએ છે. તે તેમને ત્યાં બોલાવે છે.' આ બોલાયું એ સાથે જ ભક્ત ગંગાધરદાસ જાણે ઊંઘમાંથી ઉઠયા હોય તેમ બેઠા થઈ ગયા. ગામના લોકો તો તેમને મરેલામાંથી જીવતાં થયેલા જોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા. બધા ભગવાન શ્રીકૃષ્ણનો જયજયકાર કરવા લાગ્યા. તે બન્ને પ્રસન્નચિત્તે ઘરે આવ્યા અને આ ચમત્કાર પછી ભગવાન શ્રીકૃષ્ણની ઉત્કટભાવે સેવા કરવા લાગ્યા. ભગવાન પણ તેમને મૂર્તિમાંથી પ્રકટ થઈ સાકાર રૂપે દર્શન આપતા અને તેમનો વાત્સલ્ય પ્રેમ સ્વીકારતા હતા.