Updated: Mar 15th, 2023
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
- ના રે ના, તમે અવિદ્યાના સાગર નહીં, વિદ્યાના સાગર છો. વિદ્યયા અમૃતં અશ્નુતે-વિદ્યાથી અમૃત પ્રાપ્ત થાય છે.
એ કવાર રામકૃષ્ણ પરમહંસ ઇશ્વર ચન્દ્ર વિદ્યાસાગરને મળવા એમના ઘેર ગયા. એમની સાદગી અને આધ્યાત્મિકતા જોઈ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા- ' આજે તો હું ખરેખર સાગરને મળ્યો હોઉં એમ લાગે છે. અત્યાર સુધી નાના ખાબોચિયા, ઝરણાં કે નદીને મળ્યો હોઈશ. પણ સદ્વિદ્યા અને જ્ઞાાનનો સાગર તો આજે જોયો. ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર અત્યંત વિનમ્ર અને નિરાભિમાની હતા. આ પ્રશંસાથી તે ફુલાઈ ગયા નહીં. તેમણે કહ્યું- 'તમે સાગરને મળ્યા એનાથી શું થશે ? એનાથી થોડું ખારું પાણી મળી જશે !' રામકૃષ્ણ પરહંસે હસીને કહ્યું- 'ના રે ના, તમે અવિદ્યાના સાગર નહીં, વિદ્યાના સાગર છો. વિદ્યયા અમૃતં અશ્નુતે-વિદ્યાથી અમૃત પ્રાપ્ત થાય છે. એટલે તમારા થકી ખારું પાણી નહીં પણ વિદ્યાનું અમૃત મળશે. તમે ક્ષીર સાગર છો. તેનાથી આત્મ-જ્ઞાાનનું અમૃત પ્રાપ્ત થાય એમ છે. તમારું કર્મ જ્ઞાાન અને ભક્તિજનિત છે. તે સાત્વિક ભાવથી ઉત્પન્ન થયેલું છે.'
'મુક્તસઙગોડનહવાદી ધૃત્યુત્સાહસમન્વિતઃ।
સિદ્ધ ય સિદ્ધયો ર્નિવિકાર: કર્તા સાત્વિક ઉચ્યતે ।। જે કર્તા આસક્તિરહિત, અહંકાર ન રાખનાર, ધૈર્યવાન અને ઉત્સાહસભર છે તેમ જ કાર્ય સિદ્ધ થાય કે ન થાય તેમાં હર્ષ-શોક રહિત, નિર્વિકાર છે તે સાત્વિક કર્તા કહેવાય છે.' શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢારમાં અધ્યાયના છવ્વીસમાં શ્લોકમાં કહેલી આ સાત્વિક કર્તાની આ વ્યાખ્યા ઇશ્વરચંદ્રને પણ બિલકુલ યોગ્ય રીતે લાગુ પડે છે. તે સાત્વિક કર્તા હોઈ અનાસક્ત બની નિરાભિમાની રહી વિદ્યાદાન, અન્નદાન વગેરે કરતા તેની રામકૃષ્ણદેવે પ્રશંસા કરી હતી. આવા પ્રકારના નિષ્કામ કર્મ જ સાત્વિક સુખ પ્રગટ કરે છે. આ સાત્વિક સુખ કેવું હોય તેની સમજ આપતા ગીતાના અઢારમાં અધ્યાયના સાડત્રીસમાં શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - 'યત્તદગ્રે વિષમિવ પરિણામેડમૃતોપમમ્ ।
તત્સુખં સાત્વિકં પ્રોક્તમાત્મબુદ્ધિપ્રસાદજમ્ ।।
જે સુખ શરૂઆતમાં ઝેર જેવું લાગે પણ પરિણામે અમૃત સમાન હોય તે આત્મજ્ઞાાનની પ્રસન્નતા ઉપજેલું સુખ સાત્વિક કહેવામાં આવ્યું છે.
બ્રહ્મજ્ઞાાનની ચર્ચા થઈ ત્યારે રામકૃષ્ણ પરમહંસે કહ્યું હતું- 'બ્રહ્મ નિર્ગુણ અને નિરાકાર છે ઇશ્વર એનું સાકાર રૂપ છે. તે અનિર્વચનીય છે. શબ્દોથી તેનું વર્ણન કરી શકાય તેમ નથી. ઇશ્વર કે બ્રહ્મનો સાક્ષાત્કાર કરવો હોય તો પહેલાં હૃદય મંદિરમાં તેની સ્થાપના કરવી જોઈએ. એની સાથે ઇન્દ્રિયો અને મનને જોડવા પડે. કેવળ બ્રહ્મ, બ્રહ્મ કે ઇશ્વર, ઇશ્વર બોલવાથી શો લાભ થાય ? આનંદના સાગર રૂપ બ્રહ્મ સાથે ઇન્દ્રિયો જોડાય તો જ તેને આનંદની અનુભૂતિ થાય. એટલે જ આદિ શંકરાચાર્યજી કહે છે- 'યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્ત નંદતિ નંદતિ નંદત્યવે જેનું ચિત્ત બ્રહ્મમાં રમણ કરે છે તે આનંદ પામે છે, આનંદ પામે છે, પરમ આનંદ જ પામે છે.
એક ગામમાં પદ્મલોચન નામનો છોકરો રહેતો હતો. લોકો તેને પટુઆ કહીને બોલાવતા. તે ગામમાં એક જીર્ણ મંદિર હતું. પણ એની અંદર તે સમયે દેવતાની કોઈ મૂર્તિ નહોતી. મંદિરમાં કરોળિયાના જાળા બાઝી ગયા હતા. ચામાચીડિયાએ એમાં ઘર બનાવી દીધા હતા. તેમાં કોઈની અવરજવર નહોતી. એક દિવસે સંધ્યાના સમયે મંદિર તરફથી શંખ ફૂંકવાનો અવાજ સંભળાયો. ગામના લોકોને લાગ્યું કે મંદિરમાં દેવમૂર્તિની પ્રતિષ્ઠા થઈ ગઈ હશે. અત્યારે સંધ્યા આરતી થઈ રહી હશે.
લોકો મંદિર તરફ જવા લાગ્યા. તેમાં જઈને જુએ છે તો પદ્મલોચન એક તરફ ઉભો રહીને શંખ વગાડી રહ્યો છે. મંદિર તો એવું ને એવું છે. એમાં ભગવાનની મૂર્તિનની પ્રતિષ્ઠા થઈ નથી કે મંદિરમાં સાફસૂફ થઈ નથી. લોકોએ પદ્મલોચનને પૂછયું- મંદિરમાં માધવ ક્યાં છે ? માધવને રાખવા જેવું મંદિર પણ ક્યાં ચોખ્ખું કરાયેલું છે ? પટુઆ તેં તો ખાલી ખાલી શંખ વગાડીને ધમાલ મચાવી દીધી. બસ આ રીતે આપણા હૃદય મંદિરને કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર જેવા વિકારોને દૂર કરી શુધ્ધ કરવું જોઈએ. તો એમાં પરમાત્માની પ્રતિષ્ઠા થાય. જેમાં પરમાત્મા બિરાજતા ના હોય એને મંદિર કેવી રીતે કહેવાય ? ખાલી શંખ વગાડવાથી, ઘંટારવ કરવાથી કે મંત્રોચ્ચાર કરવાથી શું થાય ? હૃદયમાં ઇશ્વરને પધરાવો તો જ આનંદની અનુભૂતિ થાય.