- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
ગોકુલ મેં બાજત કહાં બધાઈ
ભીડ ભઈ હૈ નંદ જુ કે દ્વારે
અષ્ટમહાસિદ્ધિ આઈ ।
બ્રહ્માદિક રુદ્રાદિક જાકી, ચરન રેનુ નહીં પાઈ ।
સોઈ નંદ જુ કો પુત્ર કહાવત, કૌતુક સુનો મોરી માઈ ।
ધ્રુવ અંબરીષ પ્રહલાદ વિભીષણ, નિત નિત મહિમા ગાઈ ।
સોઈ હરિ પરમાનંદ કો ઠાકુર, બ્રિજજન કે હિત આઈ ।।
શ્રાવણ વદ અષ્ટમીની મધ્યરાત્રિએ પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીહરિએ શ્રીકૃષ્ણ રૂપે અવતાર લઈ ભક્તોને પોતાની મધુર લીલા દ્વારા પ્રેમ અને આનંદનું દાન કર્યું. તેની સાથે દુષ્ટ દાનવોનો સંહાર કરી ભૂભારહરણ પણ કર્યું. ભગવાન શ્રીકૃષ્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણના મહાત્મ્યના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં મુનિઓ કહે છે - સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે । તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ ।। વિશ્વની ઉત્પત્તિ વગેરેના કારણરૂપ, આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક દુઃખોનું શમન કરનારા, સદ્-ચિદ્ અને આનંદ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણને અમે નમન કરીએ છીએ.ળ
ભગવાન શ્રીકૃષ્ણે મથુરાની કંસની જેલમાં વસુદેવ-દેવકી થકી પ્રગટ થયા. અદ્ભુત અલૌકિક કર્મ કરનારા ભગવાન પ્રગટ થયા તે જ વખતે કારાગૃહના તાળા ખૂલી ગયા, વસુદેવ-દેવકીના હાથ-પગની બેડીઓ તૂટી ગઈ. બીજા બાળકોની જેમ કંસ મારી ન નાંખે એવા ભયથી વસુદેવજી બાળકૃષ્ણને ટોપલામાં મૂકી, યમુના પાર કરી ગોકુળમાં નંદ-યશોદાના ઘેર જઈ ત્યાં તેમને યશોદાની સોડમાં મૂકી, યોગમાયા રૂપ બાળકીને ટોપલામાં મૂકી પાછા મથુરા આવી ગયા. શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજી સુબોધિનીમાં કહે છે તે પ્રમાણે ભગવાને વસુદેવ-દેવકીથી પ્રગટ થયેલું બાળસ્વરૂપ અંતર્ધાન કરી દીધું અને બીજે દિવસે સવારે યશોદાજી થકી નંદ-યશોદાના પુત્રરૂપે પ્રગટ થયા. પૂર્વ ભગવાને દ્રોણ નામના વસુ અને તેમની પત્ની ધરાને વરદાન આપ્યું હતું કે હું તમારા ઘેર પુત્રરૂપે પ્રગટ થઈશ. તે જ નંદ અને યશોદા રૂપે જન્મ્યા હતા. તેમને ત્યાં પ્રગટ થઈ આ વચન પૂર્ણ કર્યું.
શ્રીમદ્ ભાગવત ના દશમ સ્કંધના પાંચમા અધ્યાયના આરંભમાં શુકદેવજી કહે છે - 'નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાતાહ્લાદો મહામનાઃ । આહૂય વિપ્રાન્ વેદજ્ઞાાન સ્નાતઃ શુચિરલંકૃતઃ ।। પોતાને ત્યાં પુત્ર જન્મ થયો છે તેની જાણ થતાં ઉદાર નંદજી સ્નાન કરી પવિત્ર થયા. અલંકારો ધારણ કર્યા.વેદના જાણનારા બ્રાહ્મણોને બોલાવી પુત્રના જાતકર્મ સંસ્કાર અને સ્વસ્તિવાચન કરાવ્યાં.
ગોકુળ અને વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણે બાળ અને કિશોર લીલાઓ કરી વ્રજભક્તોને અપાર સુખ પ્રદાન કર્યું. માખણ ચોરીની અનુપમ લીલા કરી તેમનામાં સ્વસ્વરૂપનું ષડવિધ ઐશ્વર્ય દાન કર્યું. ગોપીઓ ફરિયાદ કરતાં કહે છે - 'મેરી ભરી રે મટુકિયા લે ગયો રી । આપુન ખાત ગ્વાલ હિ ખવાવત, રીતિ કર મોહે દે ગયો રી । વૃંદાવન કી સઘન કુંજ મેં, ઊંચી-નીચી મોસો કહ ગયો રી । પરમાનંદ વ્રજવાસી સાંવરો અંગુષ્ઠ દિખાય, રસ લે ગયો રી ।।
વ્રજ સખાઓ શ્રીકૃષ્ણને પણ હેરાન પરેશાન કરે છે, ચિઢાવે છે અને રડાવે પણ છે. તે કૃષ્ણની વ્હાલી કાળી કામળી સંતાડી દે છે. તેની ફરિયાદ કરતાં કૃષ્ણ યશોદાજી આગળ રડવા પણ લાગે છે. સૂરદાસજી આ મધુર લીલાનું વર્ણન કરતાં કહે છે - 'મૈયા મોરી કામરી કૌન લઈ, ગાય ચરાવન જાત વૃંદાવન ખિરક મેં બાજી ગઈ. એક કહે હમ કામરી દેખી, સુરભિ ખાય ગઈ, એક કહે તોરી કારી કામરિયા, જમુના મેં જાત બહી. એક કહે નાચો હમ આગે, કામરી દેહૂઁ નહીં. સૂરદાસ પ્રભુ જ સુમતિ આગે, અઁસવન ધાર વહીં.
ભગવાને ગાયો ચરાવી ગોવાળનું કામ કર્યું, વેણુગીત પ્રગટ કરી સ્વરૂપાનંદનું દાન કર્યું, અનેક અસુરોને માર્યા. ઉદ્ધવને અદ્ભુત ઉપદેશ આપ્યો, મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો, મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને ગીતાનો ઉપદેશ આપી તેનો વિષાદ દૂર કર્યો, તેના સારથી બની તેનું રક્ષણ કર્યું.
મિત્ર સુદામા દ્વારિકા આવી તેમના મહેલમાં મળવા આવ્યો ત્યારે અદ્ભુત પ્રેમ અને આદર આપી તેને વગર માંગ્યે પોતાના જેવો જ મહેલ અને ધનભંડારો આપી દીધા. આ રીતે ભગવાન શ્રીકૃષ્ણે અદ્ભુત અવતાર કાર્યો કર્યા.


