Get The App

દક્ષિણના કબીર તરીકે ઓળખાતા સંત કવિ તિરુવલ્લુવર

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
દક્ષિણના કબીર તરીકે ઓળખાતા સંત કવિ તિરુવલ્લુવર 1 - image

- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

- સંત તિરુવલ્લુવરે જીવનનો સાચો માર્ગ બતાવતા નાની નાની અનેક કવિતાઓ લખી હતી એનું સંકલન જ આ તિરુક્કુલર ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ એક એવો ગ્રંથ છે જે નૈતિકતાનો પાઠ ભણાવે છે

દક્ષિણ ભારતના મહાનતમ સંત તિરુવલ્લુવર માનવ ધર્મના પરમ હિમાયતી હતા. જે જીવન મૂલ્યોને તેમણે મહત્વ આપ્યું તે સંત કબીરમાં પણ હતા. આ કારણે કબીરને ઉત્તર ભારતના તિરુવલ્લુવર કહેવાય છે અથવા તિરુવલ્લુવરને દક્ષિણ ભારતના કબીર કહેવાય છે. શૈવ, વૈષ્ણવ, બૌદ્ધ અને જૈન બધા જ તિરુવલ્લુવરને પોતાના મતાવલંબી માને છે. જો કે એમની રચનાઓ પરથી આવો કોઈ સ્પષ્ટ નિર્દેશ મળતો નથી. તે સંપ્રદાય, નાત-જાત એવા કોઈ ભેદભાવોમાં માનતા નહોતા. તે આત્મ-ધર્મ અને માનવ-ધર્મને મહત્વ આપતા હતા.

સંત કવિ તિરુવલ્લુવરના સમય ગાળા વિશે જુદા જુદા મત પ્રવર્તે છે. કેટલાક એમને ઇ.પૂ. ૩૦ થી ૨૦૦ વર્ષ દરમ્યાન જન્મેલા માને છે તો કેટલાક એમને ઇસુની બીજી સદીમાં જન્મેલા માને છે. કબીરની જેમ તેમનો જન્મ પણ એક દલીત વણકર કુટુંબમાં થયો હતો. એવું મનાય છે કે તે ચેન્નઈના મયિલાપુરથી હતા પણ એમનું મોટાભાગનું જીવન મદુરામાં વીત્યું હતું. કેમકે ત્યાં પાંડયવંશી રાજાઓ દ્વારા તામિલ સાહિત્યને પોષિત કરાતું હતું. અને એમના દરબારમાં બધી ભાષાના વિદ્વાનોને આશ્રય અપાતો હતો. ત્યાનાં દરબારમાં જ એમની કવિતાના ગ્રંથ તિરુક્કુલરને એક મહાન ગ્રંથ રૂપે માન્યતા મળી હતી.

સંત તિરુવલ્લુવરે વ્યક્તિને જીવનનો સાચો માર્ગ બતાવતા નાની નાની અનેક કવિતાઓ લખી હતી એનું સંકલન જ આ તિરુક્કુલર ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ એક એવો ગ્રંથ છે જે નૈતિકતાનો પાઠ ભણાવે છે. કોઈ ધર્મ કે સંપ્રદાય વિશેષથી એનો સંબંધ નથી. આ ગ્રંથ કેવળ તમિલ ભાષીઓનો જ નથી, તે આખા દેશમાં વંચાય છે. એ કવિતાઓનો અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે - એમાં 'ગાગરમાં સાગર'ની જેમ જીવન દર્શન સમાવિષ્ટ થયેલું છે. આ અતિપ્રસિદ્ધ ગ્રંથ ત્રણ ખણ્ડોમાં વહેંચાયેલો છે. (૧) અરમ (આચરણ/સદાચાર), (૨) પરુલ (સંસારિકતા/સંવૃદ્ધિ), (૩) ઇન્બમ (પ્રેમ/આનંદ).

સંત કવિ તિરુવલ્લુવર એમના એક કાવ્યમાં કહે છે - આ દુનિયા અજબ પ્રકારની છે. ગઈકાલે અહીં જે વ્યક્તિ હતી, બની શકે કે અહીં આજે તે હયાત પણ ન હોય. બીજી પળે જીવતા હોઈશું એની કોઈ ખાતરી નથી છતાં માનવીના મનમાં લાખો ઇચ્છાઓ, યોજનાઓ મનમાં ઉદ્ભવતી રહે છે. એની કદી સમાપ્તિ થતી નથી. આત્મા પંખી જેવો છે અને શરીર પંખીના માળા જેવું છે. પંખી આકાશની સહેલ માણવા ખુશીથી માળો છોડી ઊડી જાય છે !'

સંત તિરુવલ્લુવરના જીવનના અનેક પ્રેરક પ્રસંગો છે. એમાંનો આ એક પ્રસંગ એમના ધૈર્ય, તિતિક્ષા, વિવેક, વિનય સદાચારનો સુપેરે પરિચય કરાવે છે.

તિરુવલ્લુવર ગરીબ અને વ્યવસાયે વણકર હતા. એક દિવસ તે એમણે વણેલું કાપડ વેચવા રસ્તા પર બેઠા હતા. એટલામાં એક ધનવાન યુવાન ત્યાં આવ્યો તેણે તે કાપડ જોયું અને તેની કેટલી કિંમત છે તે વિશે પૂછપરછ કરી. તિરુવલ્લુવરે ખૂબ શાંતિથી વિનયપૂર્વક તેની સાથે વાત કરી. પેલા ઉદ્દંડ, ઉદ્ધત યુવાને માત્ર મજાક અને મશ્કરી જ નહીં, સાવ અઘટિત વર્તન કર્યું. તેણે તે કાપડ અને બાજુમાં રાખેલી કાતર ઉઠાવી લીધી અને તે કાપડના બે ટુકડા કરી નાંખ્યા. સંત તિરુવલ્લુવરે કોઈ ગુસ્સો કે નારાજગી ના બતાવી. એટલે પેલા યુવાને તેને ચીડવવા તે બન્ને ટુકડાના પાછા બીજા બે ટુકડા કરી નાંખ્યા. સંત શાંત અને પ્રસન્ન જ રહ્યા. પેલા યુવાને તે બધાની નાની નાની ચિંદરડીઓ કરી નાંખી. તો પણ સંત મૌન જ રહ્યા. પેલા યુવાને કાપડની જે કિંમત સંતે કહી હતી તે કાઢી તેમના હાથમાં મૂકી. સંત તિરુવલ્લુવરે તે પૈસા તેને પાછા આપ્યા. યુવાને આવી અપેક્ષા રાખી નહોતી. યુવાને તેમને પૂછયું - 'તમે કેમ પૈસા લેતા નથી ?' સંતે કહ્યું - 'તેં કાપડ ખરીદ્યું નથી એટલે હું પૈસા કેવી રીતે લઉં ? તેં તો વગર ખરીદ્યે તેને ફાડી નાંખ્યું, કશા કામમાં ન આવે એ રીતે બરબાદ કરી નાંખ્યું. ઠીક છે જે કર્યું તે. પણ એક વાત ધ્યાનમાં રાખજે. ભગવાને આપેલી આ મહામૂલી જિંદગી છે એનું મૂલ્ય સમજજે. એને કાપડની ચિંદરડીઓ કરી વેડફી ના નાખતો.' આ સાંભળી તે યુવાનની આંખ ખૂલી ગઈ અને એણે તેના દુર્ગુણો દૂર કરી તેની જિંદગી સુધારી લીધી.