- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
યોગવાસિષ્ઠ રામાયણમાં ૭૭ થી ૧૧૦ સુધીના ૩૪ અધ્યાયો અને ૧૬૫૦ શ્લોકોમાં રાણી ચૂડાલા અને રાજા શિખિધ્વજની કથાનું સુંદર વર્ણન કરાયેલું છે. આ કથા વસિષ્ઠ મુનિ ભગવાન રામને કહે છે.
દ્વાપર યુગમાં માલવ દેશમાં શિખિધ્વજ નામનો એક રાજા હતો. એની પત્ની સૌરાષ્ટ્રની રાજકન્યા હતી. તેનું નામ ચૂડાલા હતું. લગ્ન પછી ઘણો સમય બન્ને સાંસારિક ભોગ-વિલાસમાં ડૂબેલા રહ્યા. પછી તેમના મનમાં આત્મ જ્ઞાનની ઇચ્છા ઉદ્ભવી. બન્ને પોત પોતાની રીતે એ માટે પ્રવૃત્ત થયા. રાણીએ ટૂંક સમયમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. આત્મા નથી જન્મ લેતો કે નથી મરણ પામતો. આત્મા પરમાત્માનો અંશ છે અને તે દરેક પ્રાણીઓના અંત:કરણમાં રહેલો છે. સંસારના સુખો મૃગજળ જેવા ભ્રામક છે. પર બ્રહ્મ સાથે જોડાયેલા રહેવાથી જ સાચો આનંદ અનુભવ થાય છે. બ્રહ્મજ્ઞાન અને આત્મ સાક્ષાત્કાર પછી ચૂડાલા સદૈવ આનંદમાં રહેલા લાગી. તે શિખિધ્વજને પણ આ વિશે જ્ઞાન આપતી પણ પત્ની પાસેથી આ જ્ઞાન ગ્રહણ કરવું તેમના પુરુષ તરીકેના અભિમાનને અનુકૂળ ન આવ્યું. સ્ત્રી પ્રત્યે હીન ભાવના રાખવાને કારણે તે એની વાત તરફ ધ્યાન આપતા નહોતા.
રાજા શિખિધ્વજને થયું. હું પણ કંઈક કરું. તે કર્મકાન્ડને લગતી તપશ્ચર્યામાં વિશ્વાસ ધરાવતા હતા એટલે એક દિવસ કોઈને કહ્યા વગર રાત્રે મહેલ છોડીને વનમાં જતા રહ્યા. રાણી ચૂડાલાએ યોગબળથી આ જાણી લીધું અને તેણે પોતે જ રાજકારભાર પોતાના હાથમાં સંભાળી લીધો. તેણે લોકોને જણાવ્યું કે રામ થોડા સમય માટે પ્રવાસે ગયા છે. એક દિવસ તેને રાજા શું કરે છે તે જોવાની ઇચ્છા થઈ તેથી તે સૂક્ષ્મ શરીરથી ત્યાં પહોંચી ગઈ. તેણે ઋષિકુમારનું રૂપ ધારણ કર્યું અને રાજાને કહ્યું- હું બ્રહ્માનો પૌત્ર અને નારદનો પુત્ર છું. મારું નામ કુંભ છે. રાજા સાથે તે જ્ઞાન ચર્ચા કરતો. સંધ્યાનો સમય થયો એટલે તે દુ:ખી થઈને કહેવા લાગ્યો- મને દુર્વાસાનો શાપ લાગ્યો છે. દિવસે હું પુરુષ હોઉં છું અને રાત્રે સ્ત્રી થઈ જઉં છું. તો રાત્રે હું તમારી પાસે કેવી રીતે રહીશ ?
રાજા શિખિધ્વજે તેને જવાબ આપતાં કહ્યું- આત્મા પુરુષ નથી કે સ્ત્રી નથી. કોઈ મોટું નથી, કોઈ ડરવા જેવી કોઈ વાત નથી. હે કુંભ, તમે મારા મિત્ર બની ગયા છો. રાત્રે સ્ત્રી બની જાવ તો ય શું ? પ્રસન્નતાપૂર્વક મારી સાથે રહો. રાત્રે કુંભ સ્ત્રી રૂપે ફેરવાઈ ગયો. સવારે પાછો તે પુરૂષ બની ગયો. આમ, કેટલાય દિવસો વીતી ગયા. ઋષિ કુમાર રૂપે ચૂડાલા અને શિખિધ્વજ વચ્ચે જ્ઞાનની વાતો થતી. એક દિવસ કુંભે કહ્યું- બ્રહ્માને મેં પ્રશ્ન કર્યો હતો કે જ્ઞાન અને કર્મમાં વધારે શ્રેષ્ઠ શું ગણાય ? તેમણે ઉત્તર આપ્યો હતો- જ્ઞાનથી મોક્ષ મળે છે અને કર્મનો ત્યાં સુધી ત્યાગ ન કરવો જોઈએ જ્યાં સુધી જ્ઞાનની પ્રાપ્તિ ન થઈ જાય.'
શિખિધ્વજે કહ્યું- 'મેં તો બધું જ ત્યાગી દીધું છે. કુંભે કહ્યું- રાજ-પાટ, ધન-દોલત એ બધું છોડયું એ પછી બીજું ઘણું છોડવાનું છે. રાજાએ કહ્યું- એમાં શું મોટી વાત છે. મારી પર્ણકુટિ, મૃગચર્મ, જપ કરવાની માળા આ બધું પણ હમણાં જ છોડી દઉં છું. તેણે એ બધાને આગ લગાડી દીધી. કુંભે કહ્યું- હજુ પૂરો ત્યાગ થયો નથી. તેણે કહ્યું- 'હવે તો આ શરીર જ બાકી છે. એનો પણ ત્યાગ કરી દઉં.' એમ કહીને તે પર્વતની ટોચ પરથી પડવા તૈયાર થયો. ત્યારે કુંભે કહ્યું- એનો ત્યાગ કરવાની ક્યાં જરૂર છે ? શરીર છૂટયા પછી પણ મન અને સૂક્ષ્મ શરીરમાં સંસ્કારો રહી જશે. એ મનમાં રહેલા આસક્તિનો ત્યાગ કરો. અહંતા-મમતાનો ત્યાગ કરો એટલે આત્મજ્ઞાન, બ્રહ્મ-સાક્ષાત્કાર થઈ જશે.'
વનમાં બન્નેની મિત્રતા પ્રગાઢ બની. એક રાત્રે ઋષિકુમાર કુંભ સ્ત્રીના રૂપમાં પરિવર્તિત થઈ ગયો હતો ત્યારે તેણે કહ્યું- અત્યારે મારી અંદર પ્રબળ કામભાવ ઉત્પન્ન થયો છે. તમારી સાથે શારીરિક સમાગમ કરવાની ઇચ્છા થઈ છે. રાજા શિખિધ્વજે તેને જવાબ આપતાં કહ્યું- ' આત્મા તો અલિપ્ત છે. તેના પર કુસંસ્કારો અને દુર્ભાવોનું આવરણ ન ચડે તો શરીર ક્રિયાઓમાં કોઈ દોષ નથી. આમ, તેમનું કામ-ક્રીડા પ્રકરણ ચાલવા લાગ્યું. રાજાને કોઈ ખેદ નહોતો કે કોઈ પશ્ચાત્તાપ નહોતો. આત્મજ્ઞાન થતાં તે સ્ત્રી-પુરુષને સમાન સમજવા લાગ્યા હતા. એ પછી ઋષિકુમાર કુંભે પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને કહ્યું- હું તમારી પત્ની ચૂડાલા જ છું. તમારા મનમાં સ્ત્રી પ્રત્યે હીન ભાવ હતો તે દૂર કરવા જ મેં યોગ પ્રક્રિયાથી આ રૂપ ધારણ કર્યું હતું. તેણે વિવાહિત, ગૃહસ્થ જીવનનો મહિમા સમજાવ્યો અને તે બન્ને મહેલમાં પાછા આવી અલિપ્ત-અનાસક્ત ભાવે દાંપત્ય જીવન જીવવા લાગ્યાં. વસિષ્ઠ મુનિ કહે છે- ' હે રામ ! આત્મા એક છે. શરીર સ્ત્રી કે પુરુષનું હોય એનાથી કોઈ અંતર નથી પડતું. આત્માની એકતાનું જ્ઞાન થઈ જતાં બધા ભેદભાવો ભૂલાઈ જાય છે અને માનવી બ્રહ્મજ્ઞાની થઈ જાય છે.


