- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
અર્ધદાનવવૈરિણા ગિરિજાપ્યર્ધં શિવસ્યાહ્યતં
દેવેત્થં જગતીતલે પુરહરાભાવે સમુન્મીલતિ ।
ગંગા સાગરમ્બરં શશિકલા નાગાધિપ ક્ષ્માતલં
સર્વજ્ઞાત્વમધીશ્વરત્વમગમૂત્ ત્વાં માં તુ ભિક્ષાટનમ્ ।।
દાનવોના શત્રુ શિવજીએ પોતાનો અડધો ભાગ ગિરિજા (પાર્વતી)ને આપી દીધો. આ રીતે પૃથ્વી પર દેવોની વચ્ચે અર્ધનારીશ્વર રૂપ પ્રકટ થયું. ગંગાને સમુદ્ર મળ્યો, ચંદ્રકળાને આકાશ મળ્યું, નાગરાજને પૃથ્વી મળી. બધાને સર્વજ્ઞાતા અને ઇશ્વરત્વ મળ્યું પણ મને તો ભિક્ષાટન મળ્યું.
શિવ એટલે ચેતના અને શક્તિ (ગિરિજા) એટલે સ્પન્દ, ઊર્જા. શિવનો અડધો ભાગ શક્તિને મળ્યો એ બતાવે છે કે ચેતના વગર શક્તિ અધૂરી છે. પુરુષ અને પ્રકૃતિનું ઐક્ય જ સૃષ્ટિ છે. એ બન્નેના પૂર્ણ સંમિલનથી જ સર્જન થાય છે. અહીં દર્શાવાયેલા શબ્દો એ પ્રતીકાત્મક છે. ગંગાને સમુદ્ર પ્રાપ્ત થયો એનો અર્થ થાય વ્યક્તિગત ચેતનાનો બ્રહ્મમાં વિલય થઇ ગયો, ચંદ્રકલાને આકાશ પ્રાપ્ત થવું તે મનના વિસ્તારનું સૂચન કરે છે. નાગાધિપ (નાગરાજ)ને પૃથ્વી પ્રાપ્ત થવી એ સ્થિરતા અને આધારનું સૂચન કરે છે. સર્વજ્ઞાત્વ જ્ઞાાનનો અર્થ દર્શાવે છે અને અધીશ્વરત્વ સત્તા, શક્તિનું સૂચન કરે છે. કવિ કહે છે કે સંસારમાં બધાને કંઈને કંઈ તો મળ્યું - કોઈને જ્ઞાાન, કોઈને શક્તિ, કોઈને સ્થાન તો કોઈને પ્રતિષ્ઠા. પણ કવિ કહે છે કે મને તો ભિક્ષાટન (ભિક્ષા માંગવા ભટકવું) જ મળ્યું. આ બાબત અત્યંત સૂચક છે. એનો ગૂઢાર્થ છે. અહીં ભિક્ષાટન ગરીબી નથી પણ શિવજીની જેમ અહંકાર શૂન્યતા, પૂર્ણ સમર્પણ, સંસારથી અનાસક્તિ અને અલિપ્તપણું છે. શિવ સ્વયં ભિક્ષાટન કરીને નિર્વાહ કરે છે. તે પરમ સ્વતંત્રતાની દ્યોતક છે. કવિ કહે છે તેનો ધ્વન્યાર્થ છે. તે કહે છે મને તો બધા કરતાં ઉત્તમ મળ્યું. બીજા બધાને કંઈક મળ્યું, પણ મને શિવ જેવા થવાનું મળ્યું. આમાં કંઈ ના મળ્યાનો અફસોસ કે વિલાપ નથી પણ શિવત્વ જેવી સ્થિતિ મળ્યાનો આનંદ અને સંતોષ છે.
ભિક્ષાટન સર્વસ્વનો ત્યાગ કરી સર્વસ્વીકૃતિનો ભાવ પ્રાપ્ત કરી સત્યમાં જીવવાની ધન્યતાનો અર્થ દર્શાવે છે. દુન્યવી દ્રષ્ટિએ જે ઓછું લાગે છે તે આધ્યાત્મિક દ્રષ્ટિએ સર્વાધિક લાગે છે. જેને કશું નથી જોઈતું તે બધાનો સ્વામી છે. 'જિસકો કછું ન ચાહિએ વહ હૈ શાહન કા શાહ '. શિવ પૂર્ણ કામ છે અને આત્મારામ છે. તે રીતે સાચો શિવભક્ત પણ અહીં એવી સ્થિતિ પ્રાપ્ત કર્યાનો પરિતોષ વ્યક્ત કરે છે.
'ન ગૃહં ગૃહમેવાસ્ય ન વાસો વાસ એવ ચ ।
વૈરાગ્યં ચ ગૃહસ્થત્વં શિવે લોકે પ્રતિષ્ઠિતમ્ ।।
શિવનું કોઈ કાયમી ઘર નથી, ન કોઈ જગ્યાએ કાયમી નિવાસ. તેમ છતાં વૈરાગ્ય અને ગૃહસ્થ જીવન એ બંનેમાં તે પ્રતિષ્ઠિત છે.
શિવ વૈરાગ્ય અને ગૃહસ્થીનો અદ્વિતીય સમન્વય છે. તે ન કેવળ યોગી અને તપસ્વી છે, પણ ગૃહસ્થ જીવનનું પણ આદર્શ પ્રતીક છે. શિવ પરિવાર અદ્ભુત અને વિલક્ષણ છે. તે વિવિધતામાં એકતા, સંતુલન અને પરસ્પર વિરોધી પ્રવૃત્તિઓમાં સામંજસ્ય સાધવાનું સર્વોચ્ચ પ્રતીક છે. શિવ પરિવારમાં વૈરાગ્ય (શિવ) અને ગૃહસ્થ જીવન (પાર્વતી)નું અદ્ભુત મિલન છે. તે સંતુલન અને પ્રેમમાં જીવવાનું શીખવે છે. શિવનું આભૂષણ સર્પ છે અને તેમના પુત્ર કાર્તિકેયનું વાહન મોર છે જે સાપનો જન્મજાત શત્રુ છે. ગણપતિનું પણ વાહન ઉંદર (મૂષક) છે જે સાપનું ભોજન છે. માતા પાર્વતીનું વાહન સિંહ છે જે શિવના વાહન નંદી (બળદ)નો શિકાર કરનારો છે. તેમ છતાં આ પ્રેમ ભરેલા પરિવારમાં બધા વેર-ઝેર-વિરોધ-શત્રુતા અને વૈમનસ્ય ભૂલીને હળીમળીને શાંતિ અને સંતોષથી રહે છે. શિવ છે કલ્યાણ સ્વરૂપ અને પાર્વતી છે પ્રેમ સ્વરૂપ. જ્યાં કલ્યાણ કરવાની સદ્ભાવના હોય અને પ્રેમ પ્રદાન કરવાનું સત્કર્મ હોય નિરંતર સુખ અને આનંદ ટકી રહે છે. ગણપતિ વિવેક બુદ્ધિ અને કાર્તિકેય શૂરવીરતાનું પ્રતિક છે. શિવ પરિવાર પ્રેમ, સંપ, એકતા અને સુમેળ જાળવી રાખવાનો સદ્ધર્મ શિખવે છે. તે સર્વને સ્વીકૃત કરે છે. બધાનો હસતે મુખે અંગીકાર કરે છે. અલગ-અલગ વિચાર, વૃત્તિ, સ્વભાવ અને ક્રિયાઓ હોવા છતાં પ્રેમના પ્રગાઢ બંધનમાં બંધાયેલા તે સુખ-શાંતિ પૂર્વક એકસાથે રહે છે.


