- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
સોળ સંસ્કારોમાંનો એક અંત્યેષ્ટિ સંસ્કાર છે જે વ્યક્તિત્વથી મરણ સમયે થાય છે. એ પછી મરણોત્તર વિધિ અને શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. શ્રાદ્ધ શબ્દની ઉત્પત્તિ શ્રદ્ધા પરથી થઈ છે - શ્રાદ્ધની વ્યાખ્યામાં આ બાબત સ્પષ્ટ કરાઈ છે - શ્રદ્ધયા દીયતે યસ્માત્ તત્ શ્રાદ્ધમ્ । શ્રદ્ધયા કૃતં સંપાદિત ઇદં તત્ શ્રાદ્ધમ્ । મરણ પામેલા પિતૃઓના સમુદાયને પ્રસન્ન અને સંતુષ્ટ કરવા માટે શ્રદ્ધાપૂર્વક જે કર્મ કરાય તેને શ્રાદ્ધ કહેવાય. એટલે જ શ્રાદ્ધમાં તર્પણની વિધિ આવે છે. તર્પણ શબ્દ 'તર્પ' ક્રિયાપદ પરથી બન્યો છે એનો અર્થ થાય છે - પ્રસન્ન કરવું કે સંતુષ્ટ કરવું.
મહર્ષિ મરીચિ શ્રાદ્ધની પ્રક્રિયા સમજાવતા કહે છે - પ્રેતાન્ પિતૃનપ્યુદ્દિશ્ય ભોજ્ય યત્પ્રિયમાત્મનઃ । શ્રદ્ધયા દીયતે પ્ણશ્ર ણણ જ્ઞ્ફ્રહ્રશ્ર પરિકીર્તિતમ્ ।। મૃત પિતૃઓને સંતુષ્ટ કરવાના હેતુથી એમને પ્રિય ભોજન શ્રદ્ધાયુક્ત થઈને જેમાં આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. એવું કહેવાયું છે - જીવતો વાક્ય કરણાત્ ક્ષયાહે ભૂરિ ભોજનાત્ । ગયાયાં પિણ્ડદાનેન ત્રિભિઃ પુત્રસ્ય પુત્રતા ।। અર્થાત્ માતા-પિતા કે અન્ય પૂર્વજોની નિર્વાણ તિથિએ ગયા તીર્થમાં કરેલું પિણ્ડદાન, બ્રાહ્મણ ભોજન અને તર્પણ કરવાથી પુત્રનું પુત્રપણું સિદ્ધ થાય છે તેને પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે.
એવું કહેવાય છે કે ભગવાન શ્રીરામ અને સીતાજીએ રાજા દશરથના આત્માની શાંતિ માટે ગયા તીર્થમાં પિંડદાન સાથે શ્રાદ્ધ કર્યું હતું. ગરુડ પુરાણમાં એક સુંદર શ્લોક આવે છે - ગૃહાચ્ચલિત માત્રસ્ય ગયાયાં ગમનં પ્રતિ । સ્વર્ગારોહણ સોપાનં પિતૃણાં તુ પદે પદે ।। ગયા તીર્થ જવા માટે ઘેરથી નીકળતી વખતે ચાલનારા એક એક પગલાં પિતૃઓનાં સ્વર્ગારોહણ માટે સીડીના એક એક પગથિયાં બની જાય છે.
પુરાણોમાં દર્શાવ્યા પ્રમાણે નિમિ ઋષિએ શ્રાદ્ધની સૌથી પહેલી શરૂઆત કરી હતી. અત્રિ મુનિએ નિમિને શ્રાદ્ધને લગતી જાણકારી આપી હતી. નિમિ ઋષિના પુત્રનું આકસ્મિક મરણ થઈ ગયું એટલે તે ખૂબ વ્યથિત અને દુઃખી થઈ ગયા હતા. નિમિએ શ્રાદ્ધ કરી પિતૃઓનું આહ્વાન કર્યું હતું. એ વખતે પિતૃઓ એમની સન્મુખ સાકાર દેહે પ્રકટ થયા હતા.
તેમણે નિમિને જણાવ્યું હતું કે તમારો પુત્ર અમારી પિતૃઓ અને દેવોની સાથે સ્થાન પામી ગયો છે કેમકે એના મરણ બાદ તમે એના આત્માના સંતોષ માટે પિતૃયજ્ઞા અર્થાત્ શ્રાદ્ધ કર્યું છે. તે વખતથી મરણ બાદ શ્રાદ્ધ ક્રિયા કરવાની શરૂઆત થઈ હતી એવું માનવામાં આવે છે. ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુધીના સોળ દિવસોને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે. એમાં પિતૃઓ પિતૃલોકથી પૃથ્વી લોક પર સૂક્ષ્મરૂપે આવીને એમના વંશજો દ્વારા અર્પણ કરાયેલા ભોજ્ય પદાર્થો અને જળને સ્વીકારે છે, યાજ્ઞાવલ્ક્ય સ્મૃતિમાં કહેવાયું છે - આયુઃ પ્રજા ધનં વિદ્યા, સ્વર્ગ, મોક્ષ, સુખાનિ ચ । પ્રયચ્છન્તિ તથા રાજ્યં પ્રીતા નૃણાં પિતામહઃ ।। અર્થાત્ માનવો પર પ્રસન્ન થયેલા પિતૃઓ તેમને લાંબું આયુષ્ય, સંતતિ, ધન-સંપત્તિ, વિદ્યા, સુખ, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરે છે.


