mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ઋષિ આરૂણિ ઉદ્દાલકે પુત્ર શ્વેતકેતુને સુંદર ઉદાહરણો સાથે બ્રહ્મજ્ઞાાન આપ્યું

Updated: Jul 10th, 2024

ઋષિ આરૂણિ ઉદ્દાલકે પુત્ર શ્વેતકેતુને સુંદર ઉદાહરણો સાથે બ્રહ્મજ્ઞાાન આપ્યું 1 - image


- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

છાં દોગ્ય ઉપનિષદની એક સુંદર, જ્ઞાાનવર્ધક કથા છે. ધૌમ્ય ઋષિના શિષ્ય આરૂણી ઉદ્દાલક મુનિનો પુત્ર શ્વેતકેતુ ગુરુકુથી શિક્ષણ પ્રાપ્ત કરી ઘેર આવ્યો. વિદ્યાના અભિમાનથી ચકચૂર તે પોતાને સર્વાધિક જ્ઞાાની સમજી ઉદ્દંડ વ્યવહાર કરવા લાગ્યો હતો. શાસ્ત્રમાં કહ્યું છે - 'વિદ્યા દદાતિ ધનાત્ ધર્મ: તત: સુખમ્ ।। વિદ્યા વિનય આપે છે, વિનયથી પાત્રતા આવે છે, પાત્રતાથી ધન આવે છે, ધનથી ધર્મ થાય છે અને ધર્મથી સુખ પ્રાપ્ત થાય છે.' પરંતુ શ્વેતકેતુની બાબતમાં એવું ના બ્યું. વિદ્યાથી વિનય આવવાને બદલે ધમંડ આવી ગયો. આર્ષદ્રષ્ટા મુનિ ઉદ્દાલક આ સમજી ગયા એટલે તેમણે શ્વેતકેતુને પૂછયું - 'વસ્ત, શું તે એ જાણ કે કે જે એકને જાણવાથી બાકીના બધાનુ જ્ઞાાન થઇ જાય છે.' (એકેન વિજ્ઞાાતેન સર્વ ઇદં વિજ્ઞાાતં ભવતિ). આ એક પ્રશ્નથી જ શ્વેતકેતુનું અભિમાન પાણીના પરપોટાની જેમ ફૂટી ગયું. તે વિચારવા લાગ્યો - આવું તો મારા ગુરુએ કશું શીખવ્યું નથી. તેણે પિતાને જવાબ આપ્યો - ના, એ પ્રશ્નનો ઉત્તર તો મારી પાસે નથી. તમે મારા ગુરુ બની મને તેનું જ્ઞાાન આપો.

આરૂણિ ઉદ્દાલક મુનિ શ્વેતકેતુને લઇને ઘરની બહાર આવ્યા અને એક વૃક્ષ નીચે બેસી ગયા. ત્યાં નીચેની ધતી પરથી થોડી માટી ઉઠાવી પોતાના હાથમાં રાખી કહેવા લાગ્યા - ' હે વત્સ । જેમ માટીના ગુણધર્મને જાણી લેવાથી એનાથી બનેલા ઘડો, કોડિયું, શકોરું વગેરે રહસ્યને જાણી લેવાય છે કે બધાના નામ અને આકાર (રૂપ) અલ અલગ છે પણ એ બધાનાં મૂળમાં તો એક સરખી માટી જ છે. આ જ પ્રકારે જેમ સોનાના ગુણધર્મને જાણી લેવાથી એમાંથી બનેલા હાર, બાજુબંધ, નૂપુર, મુદ્રિકા વગેરે અલંકારોને પણ જાણી લેવાય છે કે એમના નામ- રૂપ જુદા છે પણ તે બધા એક સમાન સોનાથી બનેલાં છે.

તે પછી મુનિ ઉદ્દાલ કે શ્વેતકેતુને વડના વૃક્ષનું ફળ લઇ આવવા કહ્યું. તે તેને લઇ આવ્યા એટલે તેમણે તેને તોડવાનું જણાવ્યું તેણે તે તોડયું તો તેમાંથી અનેક બી નીકળ્યા. મુનિએ શ્વેતકેતુને બી તોડવાનું કહ્યું તો તેણે તે તોડયું. મુનિએ કહ્યું - હવે એની અંદર શું છે તે મને જણાવ. શ્વેતકેતુએ જણાવ્યું - બી એટલું સૂક્ષ્મ છે કે તેની અંદર શું છે તે દેખાતું નથી.' મુનિએ તેને હસીને કહ્યું - આ સૂક્ષ્મ બીજ જેને તું જોઇ શકતો નથી. તેમાંથી જ આ વિશાળ વડનું વૃક્ષ એની અનેક વડવાઇઓ, પાંદડા વગેરે સાથે ઊગ્યું છે. તે જ રીતે એ શુદ્ધ ચેતન તત્વ જને તું જોઇએ શકતો નથી. તેમાંથી જ આ વૈવિધ્ય સભર જગત ઉત્પન્ન થયેલું છે. એ રીતે એક મધપૂડા પ ઊડતી મધમાખીઓ તરફ આંગળી વીધી તેમણે કહ્યું - આ મધમાખીઓ જુદા જુદા પુષ્પોમાંથી અર્ક ગ્રહણ કરી મધ બનાવે છે. શું એ મધ પરથી ખબર પડી શકે કે તે ક્યાં પુષ્પના અર્ક બનેલું છે ? શ્વેતકેતુએ કહ્યું - 'ના, તે ખબર ના પડી શકે.' ઉદ્દાલક મુનિએ જણાવ્યું - બસ એ જ રીતે વ્યક્ત પરમ ચેતના, પર બ્રહ્મ સાથે એકરૂપ થઇ જાય છે ત્યારે તેની વ્યક્તિગત ઓળખ વિલિન થઇ જાય છે. નદીઓ સમુદ્રને મળીને પોતાનું નદી નામ ગુમાવીને સમુદ્ર બની જાય છે. તે રીતે બ્રહ્મ પરમ તત્વનું સાચું જ્ઞાાન થતાં વ્યક્તિ પોતાનું અલગ, પૃથક્ અસ્તિત્વ ભૂલીને બ્રહ્મરૂપ બની જાય છે. 'બ્રહ્મવિદ્ બ્રહ્મૈવ ભવતિ' બ્રહ્મને જાણનાર બ્રહ્મ જ બની જાય છે.  એક જ તત્વમાંથી બનેલી જુદી જુદી વસ્તુઓ એકનું જ્ઞાાન થવાથી જણાઇ જાય છે. એકને જાણવાથી બધું જણાઇ જાય છે. એકેન વિજ્ઞાાતેન સર્વમિદં વિજ્ઞાાતં ભવતિ ।

તે પછી છેલ્લે ઉદ્દાલક મુનિએ શ્વેતકેતુને એક જળપાત્રમાં મીઠાનો ગઠ્ઠો (ગાંગડો) નાંખીને લાવવાનું કહ્યું. થોડીવાર પછી તેમણે શ્વેતકેતુને તે મીઠાનો ગઠ્ઠો પાણીમાંથી શોધીને આપવા કહ્યું. તેણે તેમાં તે શોધ્યો પણ મીઠું પાણીમાં ઓગળી જવાથી તે મળ્યો નહીં. તેણે કહ્યું - આમાં ગઠ્ઠો નથી. મુનિએ કહ્યું - 'આમાં તે છે જ, પણ તેનું રૂપ બદલાઇ ગયું છે તેથી તે દેખાતો નથી. તું આ પાત્રનું ઉપરનું જળ પીને કહે કે તે કેવું છે ? એ રીતે વચ્ચેથી અને નીચેથી પણ જળ લઇને તે ચાકીને મને કહે કે તેનો સ્વાદ કેવો છે ? શ્વેતકેતુએ બધી જગ્યાએથી જળ લઇને ચાખ્યું તો તે એકસરખું ખારો સ્વાદ ધરાવતું હતું. મુનિ ઉદલકે આના ઉપરથી જ્ઞાાન આપતાં કહ્યું - જેમ મીઠાનો ગઠ્ઠો પાણીમાં ગઠ્ઠાના રૂપે દેખાતો નથી પણ ઓગળીને બધા જળમાં ભળી ગયો છે. એવી રીતે આ સત્, બ્રહ્મ, પરમ તત્વ આખા જગતમાં સર્વત્ર વ્યાપીને રહેલું છે. તે દેખાતું નથી પણ આત્મ-સાક્ષાત્કારથી જાણી અને અનુભવી શકાય છએ. તે સત્ તત્વ જ આત્મા છે. હે શ્વેતકેતુ, તત્વમસિ - તે આત્મા તું જ છે.' તું તે પરમાત્માનો જ અંશ છે. તેું તે જ છે. સર્વમિદં ખલુ બ્રહ્મ - અહીં જે છે તે બધું જ ખરેખર બ્રહ્મ જ છે. પિતા ઉદ્દાલક મુનિએ પ્રત્યક્ષ ઉદાહરણ સાથે આપેલા બોધથી શ્વેતકેતુનું અજ્ઞાાન અને અભિમાન દૂર થઇ ગયું. તે વિવેક, વિનય અને સદ્ગુણોથી સંપન્ન થઇ ગયો.

Gujarat