- વિચાર-વીથિકા - દેવેશ મહેતા
નબ બૃંદાબન નબ નબ તરુગન,
નબ નબ વિકસિત ફૂલ ।
નબ બસંત નબલ મલયાનિલ,
માતલ નબ અલિ ફૂલ ।।
બિહરઇ નબલ કિસોર ।
કાલિંદી-પુલિન કુંજ બન શોભન,
નબ નબ પ્રેમ-વિભોર ।।
નબલ રસાલ-મુકુલ- મધુ માતલ,
નબ કોકિલ કુલ ગાય ।
નબ જુ બતી ગન ચિત ઉમતાઅઇ,
નબ રસ કાનન ધાય ।।
નબ જુબરાજ નબલ બર નાગરિ,
મીલએ નબ-નબ ભોતિ ।
નિતિ નિતિ એસન નબ-નબ ખેલન,
વિદ્યાપતિ મતિ માતિ ।।
વસંત આગમનને કારણે વૃંદાવન નવીન દેખાઈ રહ્યું છે. એમાં નવી કૂંપળોથી સુશોભિત નવા નવા વૃક્ષો ઉગ્યા છે. અને અનેક પ્રકારના નવા નવા પુષ્પો ખીલ્યા છે. વસંત નવીન છે અને મલયથી ઉદ્ભવેલો પવન પણ નૂતન છે. ભ્રમરોનો સમુદાય પણ ઉન્મત થઈ રહ્યો છે. આ નૂતન પ્રાકૃતિક સૃષ્ટિમાં સુંદર કુંજોના વનમાં, અભિનવ પ્રેમમાં વિભોર થઈને યમુનાના તટ પર નવયુવક કૃષ્ણ વિહાર કરી રહ્યા છે. નવીન કોયલોનો સમૂહ નવીન આમ્રમંજરીની સુગંધથી ઉન્મત થઈને ગાયન કરી રહ્યો છે. નવયુવતીઓનું મન ઉન્મત થઈ રહ્યું છે અને તે નવીન રસની આકાંક્ષાથી વનમાં દોડી આવે છે. નવયુવક શ્રેષ્ઠ શ્રીકૃષ્ણ અને અભિનવ શ્રેષ્ઠ સુંદરી રાધા બન્ને નવા-નવા પ્રકારથી મળી રહ્યા છે. વિદ્યાપતિ કહે છે કે દરરોજ આ પ્રકારની ક્રીડાઓની નૂતનતાને કારણે રાધા-કૃષ્ણ પોતાના હૃદયને ઉન્મત કરતા રહે છે.
- વિદ્યાપતિ
મૈથિલ કોકિલ કવિના વિશેષણથી વિભૂષિત વિદ્યાપતિ મૈથિલી અને સંસ્કૃત ભાષાના કવિ, સંગીતકાર, દરબારી, અને રાજપુરોહિત હતા. તે શિવ ભક્ત હતા, તેમ છતાં તેમણે રાધા કૃષ્ણના પ્રેમ ગીત અને વૈષ્ણવ ભક્તિગીતો પણ લખ્યા. વિદ્યાપતિ (૧૩૫૨-૧૪૪૮) ભારતીય સાહિત્યની શૃંગાર પરંપરાના મુખ્ય સ્તંભોમાંના એક અને મૈથિલીના સર્વોપરિ કવિ માનવામાં આવે છે. તેમને વૈષ્ણવ-શૈવ અને શક્તિ ભક્તિના સેતુ રૂપે પણ જોવામાં આવે છે. વિદ્યાપતિના કેટલાક પદોમાં શૃંગાર રસની સાથે આધ્યાત્મિક પ્રેમનો પણ સમાવેશ થાય છે. એમના શૃંગાર પદોને હિન્દી સાહિત્યના ગીતિ - કાવ્યનો શૃંગાર માને છે અને એમની સરખામણી અભિનવ જયદેવ તરીકે કરાય છે. જેમણે ગીતગોવિંદની રચના કરી હતી.
વિદ્યાપતિ મિથિલાના રાજા શિવસિંહના દરબારમાં રાજકવિ હતા. એમનું જીવન ગહન આધ્યાત્મિકતા, સંગીત, શિવભક્તિથી સભર હતું. એમના શિવ ભજન આજે પણ અત્યંત લોકપ્રિય છે. તેમની શિવ સાથે અદ્ભુત નિકટતા, અંતરંગતા અને આત્મીયતા હતી. ચૈતન્ય મહાપ્રભુ વિદ્યાપતિના જન્મ પછી લગભગ ૧૦૦ વર્ષ બાદ જન્મ્યા તેમ છતાં વિદ્યાપતિનો પ્રભાવ સર્વાધિક સ્પષ્ટ રૂપે તેમના પર દેખાય છે. ચૈતન્ય મહાપ્રભુ વિદ્યાપતિના રાધા-કૃષ્ણ પદો અત્યંત ભાવ વિભોર બનીને ગાતા હતા. તે ભક્તોને વિદ્યાપતિના ગીતો સંભળાવતા અને કહેતા- વિદ્યાપતિના પદોમાં રાધા-કૃષ્ણનું અમૃત છુપાયેલું છે.' ચૈતન્ય મહાપ્રભુના ભક્ત નરોત્તમ ઠાકુરે પણ વિદ્યાપતિના પદોને સંગીતબધ્ધ કર્યા હતા. વિદ્યાપતિના પદોએ રવીન્દ્રનાથ ટાગોર પર પણ પ્રભાવ ઉત્પન્ન કર્યો હતો. પદાવલી, કીર્તિલતા, કીર્તિપતાકા, પુરુષ પરીક્ષા અને શૈવસ્તોત્ર એમની મુખ્ય રચનાઓ છે. ભક્ત કવિ વિદ્યાપતિ ભારતીય ભક્તિ સાહિત્યના એ મહાન કવિઓમાંના એક છે. જેમની ભાષામાં સંગીત છે, ભાવમાં પ્રેમ છે અને શબ્દોમાં ભક્તિનો રસ છે. રાધા-કૃષ્ણની પ્રેમ લીલાઓ પર એમની રચનાઓ એટલી લલિત મધુર છે કે એવું કહેવાય છે કે વિદ્યાપતિ વગર રાધાકૃષ્ણનો શૃંગાર અધૂરો છે. એમની મિષ્ટ મૈથિલી, રાધાકૃષ્ણનો રસ અને શિવ પ્રત્યેની આત્મીય ભક્તિએ એમને અમર બનાવી દીધા છે.


