Get The App

યોગમાર્ગના ગૂઢ રહસ્યો સમજાવનાર સંત યોગી ગોરખનાથ

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
યોગમાર્ગના ગૂઢ રહસ્યો સમજાવનાર સંત યોગી ગોરખનાથ 1 - image

- વિચાર-વીથિકા- દેવેશ મહેતા

ગુરુ ગોરખનાથ (ગોરક્ષનાથ) નાથ સંપ્રદાયના મહાન યોગી અને સંત પુરુષ હતા. તેમણે આખા ભારતનું ભ્રમણ કર્યું હતું અને અનેક ગ્રંથોની રચના કરી હતી. ગોરખનાથના શિષ્યનું નામ ભૈરોનાથ હતુ જેમનો ઉદ્વાર માતા વૈષ્ણોદેવીએ કર્યો હતો. પુરાણો અનુસાર ગોરખનાથજી ભગવાન શિવજીનો અવતાર હતા. ગોરખનાથ અને મત્સ્યેન્દ્રનાથ વિશે અનેક સંદર્ભો પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે મત્સ્યેન્દ્રનાથ અને જાલંધરનાથ સમસામયિક હતા. એ સાથે એવું પણ કહેવાય છે કે મત્સ્યેન્દ્રનાથ ગોરખનાથના ગુરુ હતા. મત્સ્યેન્દ્રનાથ યોગ માર્ગના પ્રવર્તક હતા. પછી સંયોગવશાત્ તંત્રના વામાચારમાં પ્રવૃત્ત થઈ ગયા હતા.

મત્સ્યેન્દ્રનાથ દ્વારા લખાયેલ 'કૌલ જ્ઞાન નિર્ણય' ગ્રંથનો લિપિકાળ ચોક્કસપણે સિદ્ધ કરે છે કે મત્સ્યેન્દ્રનાથ અગિયારમી સદીના પૂર્વવર્તી હતા. પ્રસિદ્ધ કશ્મીરી આચાર્ય અભિનવ ગુપ્તે એમના 'તંત્રાલોક'માં મચ્છંદવિભુને નમસ્કાર કર્યા છે. આ મચ્છંદ વિભૂ મત્સ્યેન્દ્રનાથ જ છે તે નિશ્ચિત છે. અભિનવ ગુપ્ત ઇસ્વીસનની દશમી શતાબ્દીના અંતમાં અને અગિયારમી શતાબ્દીના આરંભમાં પ્રવર્તમાન હતા. મત્સ્યેન્દ્રનાથ એમની પહેલાં જ પ્રગટ થયા હશે.

ઘણા વિદ્વાન સંશોધકો ગોરખનાથનો જીવનકાળ વિક્રમ સંવત ૧૧૦૦ની આસપાસનો માને છે. એમનો જન્મ પણ યોગસિદ્ધિના ચમત્કાર રૂપે થયો હતો. એમના ભાવિ ગુરુ બનવાના હતા એ યોગિરાજ મત્સ્યેન્દ્રનાથ એકવાર ફરતા ફરતા અયોધ્યા પાસે આવેલા જયશ્રી નામના નગરમાં પહોંચ્યા. ત્યાં 'ભિક્ષાન્ દેહિ'ની ટહેલ નાંખી. એક બ્રાહ્મણ સ્ત્રીએ ખૂબ આદર અને સન્માનપૂર્વક એમને ભિક્ષા આપી. તે બ્રાહ્મણસ્ત્રીના ભક્તિભાવથી પ્રસન્ન થઈ તેમણે તેને વરદાન માંગવા કહ્યું. તે બ્રાહ્મણ સ્ત્રીએ પોતાને સંતાનની પ્રાપ્તિ થાય તેવું વરદાન માંગ્યું. યોગિરાજે એમની ઝોળીમાંથી થોડી ભસ્મ બહાર કાઢી અને તેને તે આપતાં કહ્યું- 'તું આ ખાઈ લેજે એટલે તને જરૂર સંતાન થશે.' તેમના ગયા બાદ તેણે તેની પડોસણને આ વાત કહી. પડોસણે આ અંગે શંકા કરી અને મજાક પણ ઉડાવી- 'એમ કઈ ભસ્મ ખાવાથી સંતાન પ્રાપ્ત થઇ જતું હશે ?' પેલી બ્રાહ્મણી તેની વાતમાં આવી ગઈ અને તેણે તે ભસ્મ ઘરના વાડામાં જ્યાં ગાયો રાખી હતી ત્યાં ફેંકી દીધી. ગાયો બાંધવાના સ્થાન પાસે એક ગોબરના ખાડામાં એ ભસ્મ પડી.

બાર વર્ષ બાદ યોગી મત્સ્યેન્દ્રનાથ તેના ઘેર ફરી આવ્યા અને તેના દીકરાને જોવા માંગ્યો. તેણે સાચી હકીકત કહી દીધી. મત્સ્યેન્દ્રનાથે તેને તે જગ્યાએ લઈ જવા કહ્યું જ્યાં તેણે ભસ્મ નાખી દીધી હતી. મત્સ્યેન્દ્રનાથે ત્યાં જઈ દિવ્ય મંત્રોચ્ચાર કર્યો. એ પૂરો થતાંની સાથે એ જગ્યાએથી ૧૨ વર્ષનો તેજસ્વી, દિવ્ય બાળક ત્યાંથી પ્રગટ થયો. તે જ ગોરખનાથ. ગાયોએ એની રક્ષા કરી હોવાથી તે 'ગોરખનાથ' કહેવાયો. જેના પરથી આગળ જતાં ગોરખનાથ તરીકે પ્રસિદ્ધિ થયો.

મહાયોગી મત્સ્યેન્દ્રનાથે એને શિષ્ય બનાવી યોગવિદ્યાનું પૂર્ણ જ્ઞાન આપ્યું. તેના થકી પ્રબળ સાધના કરી મહાસિદ્ધિઓ પ્રાપ્ત કરી તે ગુરુથી પણ સવાયો બન્યો. ગોરખનાથ અનેકવિધ યોગસિદ્ધિઓ ધરાવતા હતા. ગોરક્ષવિજય ગ્રંથમાં ઉલ્લેખ છે કે તે યોગાસન ભગાવી આકાશ માર્ગે વિચરણ કરી શકતા હતા. બાજની જેમ ઊડતાં ઊડતાં એક દેશથી બીજે દેશ જતા હતા.

ગોરખસંહિતા, ગોરખવિજય, અમરૌધ શાસન અને કાયાબોધ જેવા એમના ગ્રંથોમાં તેમણે તંત્ર અને યોગનું ગહનજ્ઞાન આલેખ્યું છે. તેમણે હઠયોગની પણ સુંદર સમજૂતી આપી છે. યોગિરાજ ગોરખનાથજી કહે છે- 

ગગન મંડલમેં ઉંધા કૂવા, વહી  અમૃતકા વાસા ।

સગુરા હોઈ સુ ભરિ ભરિ પીવૈ, નિગુરા જાઈ પિયાસા ।।

શૂન્ય ગગન અર્થાત્ બ્રહ્મરન્ધ્રમાં ઊંધા મુખવાળો અમૃતનો કૂવો છે. જેમાંથી અમૃત બહાર આવતું રહે છે જે અમર બની જાય છે. જ્ઞાનથી આ અમૃત પ્રાપ્તિનો ઉપાય કરી લે છે તે અમર બની જાય છે. અને જે આ કુંડલિની યોગનું જ્ઞાન ગ્રહણ કરતો નથી તે તરસ્યો રહે છે. યોગી ગોરખનાથે તંત્ર, હઠયોગ, કુંડલિની શક્તિના ગૂઢ રહસ્યો પદોમાં અનાવૃત કર્યા છે.