Get The App

રમણ મહર્ષિનો સરળ અને સહજ યોગ

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
રમણ મહર્ષિનો સરળ અને સહજ યોગ 1 - image


- વિચાર-વીથિકા- દેવેશ મહેતા

આધુનિક સમયના મહાન ઋષિ અને સંત શ્રી રમણ મહર્ષિનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૭૯ના રોજ તામિલનાડુના તિરુચુલી ગામમાં થયો હતો અને ૧૪ એપ્રિલ ૧૯૫૦ના રોજ તે નિર્વાણને પ્રાપ્ત થયા હતા. તેમણે તામિલનાડુમાં આવેલ પવિત્ર અરુણાચલ પહાડી પર ગહન સાધના કરી હતી. વિશ્વભરમાં તેમને શાંત ઋષિ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે આત્મ-જાગરણ પર ખૂબ મહત્વ આપ્યું હતું. તે કહેતા હતા- 'ગુરુની કે સત્સંગના અવસરની રાહ જોયા કરવાને બદલે ક્યાંકથી શરૂઆત કરો અને હમણાં જ કરો.' હું કોણ છું ?' એ પ્રશ્ન સાથે સાધના શરૂ કરી દો.' સત્ય તમારી અંદર જ છે. બહારથી કશું લાવવાનું નથી. તમારે ઓરડામાં સૂર્યપ્રકાશ લાવવા માત્ર ઘરના બારી કે બારણાને ખોલી નાંખવાનું છે નાડી, કુંડલિની અને ચક્રોની ચિંતા ન કરો. તત્વજ્ઞાનની ભૂલભુલામણી અતિશય ગૂચવાડો પેદા કરશે. બધે ભટક્યા પછી છેવટે તો આત્માના ક્ષેત્રમાં જ આવવું પડશે. તો અત્યારે અહીં જ આત્મામાં કેમ ન રહેવું?

જન્મ સમયે રમણ મહર્ષિનું નામ વેંકટ રમણ અય્યર હતું. તેમનો જન્મ ભગવાન શિવના પ્રસિદ્ધ પર્વ ' અદ્ર દર્શન' ના દિવસે થયો હતો. રમણ મહર્ષિ ૧૭ વર્ષની ઉંમરના હતા ત્યારે તેમને એક આધ્યાત્મિક અનુભવ થયો હતો. એક દિવસ રમણ એકાંતમાં એમના કાકાના ઘરના પહેલા માળે બેઠા હતા. હમેશાની જેમ તે એકદમ સ્વસ્થ હતા. અચાનક તેમને મરણ કાળે થાય તેવી અનુભૂતિ થઈ. તેમને સમજ ના પડી કે આવું કેમ થઈ રહ્યું છે ? પરંતુ મૃત્યુને નજીક આવેલું જોઈ તે ગભરાયા નહીં. તેમણે શાંતિપૂર્વક વિચાર્યું કે આ સંજોગોમાં શું કરવું જોઈએ ? તે આત્મચિંતન કરવા લાગ્યા. તે શું છે જે મરણ પામી રહ્યું છે ? મરણ તો શરીરનું થાય છે. તે તત્કાળ પથારી પર સૂઈ ગયા. પોતાના હાથ-પગને સખત કરી લીધા અને શ્વાસને રોકીને હોઠ બંધ કરી લીધા. એ વખતે એમનું જૈવિક શરીર એક મડદા જેવું બની ગયું હતું. તેમની વિચારવાની ક્રિયા ચાલુ હતી કેમકે વાસ્તવમાં મરણ આવ્યું નહોતું. શરીર શબવત્ નિષ્ક્રિય કરી દીધું હતું. તે વિચારવા લાગ્યા હવે શું થશે ? આ શરીરને અગ્નિદાહ આપી દેવામાં આવશે. તે રાખ બની જશે. પણ શરીરના મરણ પછી શું હું પણ મરી જઈશ ? શું હું શરીર માત્ર છું ? આ શરીર તો શાંત અને નિષ્ક્રિય છે પણ હું તો મારી પૂર્ણ શક્તિ અને અવાજનો પણ અનુભવ કરી શકું છું. હું તો આ શરીરથી પર એક આત્મા છું. શરીર મરી જાય છે પણ આત્માને મૃત્યુ સ્પર્શી શકતું નથી. હું અમર આત્મા છું.' થોડીવાર પછી તે સામાન્ય સ્થિતિમાં આવી ગયા.

રમણ મહર્ષિએ અરુણાયલેશ્વર મંદિરમાં સાધના કરી. અત્યારે જેને પાતળલિંગમ્ કહે છે ત્યાં ઘણા દિવસ ધ્યાન અને સમાધિમાં વ્યતીત કર્યા. સમાધિ દરમિયાન તે એવી ગાઢ ધ્યાનાવસ્થામાં ઉતરી જતા કે દેહનંદ કશું અનુસંધાન રહેતું નહોતું. તેમના શરીર પર કીડા, મંકોડા, વીંછી, સાપ ફરતા તો પણ તેમને તેનું ધ્યાન રહેતું નહીં.

૧૯૦૭માં એક દિવસ પ્રસિદ્ધ સંસ્કૃત વિદ્વાન ગણપતિ શાસ્ત્રી રમણ મહર્ષિને મળવા વિરુપાક્ષ ગુફામાં આવ્યા. તેમણે રમણ મહર્ષિને પૂછયુ- તપ અને જપ શું છે ? રમણ મહર્ષિએ તેમને જવાબ આપતાં કહ્યું હતું. ' જો કોઈ એ જોઈ શકે કે 'હું' નો ભાવ ક્યાંથી ઉદ્ભવે છે તો એનું મન તે જગ્યાએ અવશોષિત થઈ જશે તે તપ છે. જો કોઈ એ જોઈ શકે કે મંત્ર બોલતી વખતે મંત્રનો ધ્વનિ ક્યાંથી ઉત્પન્ન થાય છે તો તેનું મન તે જગ્યાએ લીન થઈ જશે તો તે જ તપ છે. પૂર્વે બધા રમણ મહર્ષિને બ્રાહ્મણ સ્વામી કહેતા હતા. ગણપતિ શાસ્ત્રીએ જ બ્રાહ્મણ સ્વામીને પ્રથમ વાર ભગવાન શ્રી રમણ મહર્ષિ તરીકે સંબોધ્યા અને તેમને સુબ્રહ્મણ્યમનો અવતાર કહી એમની સ્તુતિ કરી. એમની સાથે રમણ મહર્ષિનો જે વાર્તાલાપ થયો તે 'રમણ ગીતા' તરીકે ઓળખાય છે.

બ્રિટિશ લેખક અને આધ્યાત્મિક વિચારક પોલ બ્રન્ટન ભારત આવ્યા ત્યારે અનેક યોગીઓ અને સંતોને મળ્યા હતા. તેમાં છેલ્લે તે રમણ મહર્ષિ સાથે સારો એવો સમય રહ્યા હતા અને એમનાથી પ્રભાવિત અને પ્રેરિત થયા હતા. બ્રન્ટને એમને પૂછયું હતું- ઇશ્વર પ્રાપ્તિનો માર્ગ શો છે ? તો રમણ મહર્ષિ કહ્યું હતું- વિચાર, આત્મખોજ. પોતે જ પોતાને પૂછયું- હું કોણ છું ! ( Who am I) ? તે પરમાત્માની પ્રાપ્તિ કરાવશે.'

Tags :