- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
'સદા વૈકુણ્ઠનિલયા
હરિકીર્તન તત્પરા: ।
લીલામૃતરસોન્મત્તા:
કથા માત્રૈક જીવિન: ।।
હરિ: શરણમેવં હિ
નિત્યં યેષાં મુખે વચ: ।
અત:કાલસમાદિષ્ટા
જરા યુષ્માન્ન બાધતે ।।
તમે સદા ભગવાનમાં લીન રહેનારા, હરિકીર્તન કરવામાં તત્પર રહેનારા, ભગવાનનાં કથા-શ્રવણ વગેરે કાર્યોમાં જીવન ગાળનારા અને ભગવાનની લીલારૂપી અમૃતના રસાસ્વાદમાં ઉન્મત્ત રહેનારા છે. તમારા મુખમાં 'હરિ: શરણમ્' આ વચન સદાય રહેલું હોવાથી કાળ-મૃત્યુનો સમાદેશ આપનારી વૃદ્ધાવસ્થા તમને કષ્ટ આપતી નથી.'
- શ્રીમદ્ ભાગવત માહાત્મ્ય, અધ્યાય-૨, શ્લોક-૪૭, ૪૮
સનકાદિ ઋષિઓ બ્રહ્માના ચાર પુત્રો સનક, સનંદન, સનાતન અને સનત્કુમાર છે. તે બ્રહ્માના અયોનિજ સંતાનો છે. એમને માનસ પુત્રો પણ કહેવાય છે. ભગવાન વિષ્ણુના અવતારોમાં તે પ્રથમ અવતાર છે. તેમની ઉંમર હમેશા પાંચ વર્ષ જ રહે છે. તે કુમાર અવસ્થામાં જ સ્થિર રહે છે એમને યૌવન, પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થા કદી આવતી નથી. બ્રહ્માજીએ એમને સૃષ્ટિ વધારવાનું કામ કરવા કહ્યું પણ તેમણે કહ્યું- 'પિતાજી ક્ષમા કરો. અમે સંસારની માયામાં પડવા માંગતા નથી. અમે ભગવાનની ઉપાસના કરતાં વધુ મોટી કોઈ વસ્તુ માનતા નથી. એટલે અમે કેવળ એમની ભક્તિ જ કરીશું.' નારદજીને તેમણે ભાગવત સંભળાવ્યું હતું અને તેમણે સ્વયં ભગવાન શેષનારાયણ પાસેથી ભાગવત સાંભળ્યું હતું.
એકવાર સનકાદિ કુમારો ભગવાન વિષ્ણુના દર્શન માટે વૈકુંઠ ધામમાં ગયા. ત્યાંના સુંદર સ્થળો નિહાળતા ભગવાન વિષ્ણુના મહેલમાં જવા છ દરવાજા પસાર કરી અંદર સાતમા દરવાજા પાસે આવ્યા. ત્યાં જય અને વિજય નામના દ્વારપાળો ઉભા હતા. સનકાદિ કુમારો તો ભગવાનનું નામ સંકીર્તન કરતાં અંદર જવા માંડયા કારણકે એમને તો બધે જ જવાની અનુમતિ હતી. પણ પેલા જય-વિજયે એમને રોક્યા અને કહ્યું ભગવાન વિષ્ણુ પરવાનગી આપે પછી જ તમે અંદર જઈ શકો. પણ સનકાદિ કુમારોએ એમની વાત કાને ધરી નહીં. તેમણે કહ્યું- ભગવાને તો અમને સદાકાળ સંમતિ આપેલી છે. તે અંદર જવાનો પ્રયત્ન કરવા લાગ્યા એટલે જય-વિજયે એમને અટકાવવા એમની લાકડી આડે ધરી. એમની ધૃષ્ટતા જોઈ સનકાદિ કુમારો બોલી ઉઠયા. આ તો વૈકુંઠ લોક છે. જ્યાં કોઈના હૃદય કુંઠા ન હોય તે વૈકુંઠ કહેવાય. તમે અમને લાકડી દેખાડો છો. અમારી આડે લાકડી ધરી અમને અટકાવો છો. તમે વૈકુંઠ જેવા દિવ્ય, પવિત્ર ધામમાં રહેવાને લાયક નથી. તમે સાત જન્મ સુધી નિમ્ન લોકમાં પડીને અસુર યોનિમાં જન્મ લો.'
તે વખતે ભગવાન વિષ્ણુ એમના પાર્ષદો સાથે બહાર આવ્યા. સઘળી હકીકત જાણ્યા બાદ તે સનકાદિ મુનિઓને કહેવા લાગ્યા- મારા દ્વારપાળોએ આપની સાથે અનુચિત વ્યવહાર કર્યો તે બદલ ક્ષમા માંગુ છું. સેવકે કરેલા અપરાધ બદલ એના સ્વામી પણ દોષભાગી બની જાય છે. એટલે મને પણ ક્ષમા કરી. બ્રાહ્મણ મને સદાય પ્રિય છે, ઋષિ-મુનિ મારે માટે વંદનીય છે. એટલે એમનો શ્રાપ મિથ્યા તો નહીં થવા દઉં. તમારે ૭ જન્મ સુધી અસુર યોનિમાં ન રહેવું હોય અને ૩ જન્મમાં જ વૈકુઠ લોકમાં પાછા ફરવું હોય તો હું તે કરી શકું છું. તમે સનકાદિ મુનિઓની માફી માંગી છે અને ભારે પશ્ચાત્તાપ કરી રહ્યા છો તેથી તમારી સજા હળવી કરી શકું છું. તેમણે તે પ્રમાણે કરવા પ્રભુને પ્રાર્થના કરી.
ભગવાન વિષ્ણુએ જય-વિજયને કહ્યું- તમે નીચેના લોકમાં પતન પામો ત્યારે મારું તીવ્રપણે સતત સ્મરણ કરજો તો ૩ જન્મ બાદ વૈકુંઠ આવી શકશે. સતત સ્મરણ બે સ્થિતિમાં થાય. અથવા જેના તરફ અત્યંત નફરત અને શત્રુતા હોય તેનું વધારે સ્મરણ થાય. તમે અસુર યોનિમાં હશો એટલે મારા માટે પ્રેમ ભાવ રાખવાનું મુશ્કેલ બનશે. તો તમે મારા કટ્ટર શત્રુ બની મારા પ્રત્યે વેરભાવ રાખજો. એનાથી પણ મારું તીવ્ર સ્મરણ થશે. એ રીતે ભગવાન વિષ્ણુએ જ કરેલી યોજના પ્રમાણે પહેલા જન્મમાં જય હિરણ્યાક્ષ અને વિજય હિરણ્યકશિપુ બન્યો. બીજા જન્મમાં જય રાવણ અને વિજય કુંભકર્ણ બન્યો. ત્રીજા જન્મમાં જય શિશુપાલ અને વિજય દંતવક્ત્ર બન્યો. તેમણે ભગવાન સાથે શત્રુતા કરી એમના જ હાથે મરણ પામી ત્રણ જન્મો બાદ ફરી વૈકુંઠ ધામમાં ગમન કર્યું.


