Get The App

ભગવાન બુધ્ધે એક પ્રેરક કથા દ્વારા દર્શાવ્યો મનોબળનો મહિમા

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
ભગવાન બુધ્ધે એક પ્રેરક કથા દ્વારા દર્શાવ્યો મનોબળનો મહિમા 1 - image

- વિચાર-વીથિકા - દેવેશ મહેતા

એકવાર ભગવાન ગૌતમ બુદ્ધ એમના ભિક્ષુઓ સાથે વિહાર કરતા શાલ્યવન પહોંચ્યા. ત્યાં એક વટવૃક્ષ નીચે બેસી તે બધા ધર્મચર્ચા કરવા લાગ્યા. તે વખતે એક ભિક્ષુએ ભગવાન બુધ્ધને પ્રશ્ન કર્યો- 'હે ભગવન્, કેટલાય લોકો દુર્બળ અને સાધન વગરના હોવા છતાં ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીને મહાન કાર્યો સિદ્ધ કરી દેતા હોય છે. જ્યારે સબળ અને સાધન સંપન્ન હોય તોય ઘણા સફળતા અને સિદ્ધિથી રહિત રહે છે. આનું કારણ શું હોઈ શકે ? શું એમના પૂર્વજન્મના કર્મો અવરોધક બનતા હશે ?'

ભગવાન બુદ્ધે એનો જવાબ આપતાં કહ્યું- ' ના, એનું કારણ પૂર્વજન્મના કર્મો નથી. આના જવાબમાં હું તમને એક પ્રેરક કથા કહું, વિરાટનગર રાજા સુકીર્તિ પાસે લોહશાંગ નામનો હાથી હતો તે અપાર શક્તિશાળી હતો. એના પર સવાર થઈને રાજાએ અનેક યુદ્ધોમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. બાળપણથી જ લોકશાંગને એ રીતે પ્રશિક્ષિત કર્યો હતો કે તે યુદ્ધકળામાં પ્રવીણ થઈ ગયો હતો. યુદ્ધ સમયે પર્વતની વિશાળ શિલાના આકાર જેવો લોહશાંગ સેનાની આગળ ચાલતો અને નિડર બનીને ચીંઘાડતો ત્યારે શત્રુ સૈનિકોના શરીરમાંથી કંપારી વછૂટી જતી. કેટલાક ઘોડેસવારો તો તેને જોતાની સાથે પાછા ભગવા માંડતા.

વર્ષોના વ્હાણા વીત્યા. ધીમે ધીમે દરેક પ્રાણીમાં ઘડપણ આવતા શક્તિ ઓસરવા માંડે તેમ લોકશાંગની બાબતમાં પણ બન્યું. તેનામાં નબળાઈ વર્તાવા લાગી. તેના શૌર્ય અને પરાક્રમમાં ઓટ આવી ગઈ. મોટેભાગે તેને હાથીઓને રહેવાની જગ્યા હસ્તિશાળામાં જ રખાતો. તેનો ખોરાક પહેલાં કરતાં ઘણો ઓછો થઈ ગયો. તેની દેખભાળ માટે નિયુક્ત કરાયેલો મહાવત, સેવક કેટલીકવાર બેદરકારી પણ દાખવે. એકવાર ભૂખ્યો-તરસ્યો થઈ ગયેલો લોહશાંગ હસ્તિશાળામાંથી નીકળી જૂના સરોવર પાસે પહોંચી ગયો. જ્યાં તેને પહેલા લઈ જવામાં આવતો હતો. સરોવરમાં ઉતરીને તેણે પાણી પીને તેની તરસ છિપાવી. પછી સ્નાન કરવા ઊંડા જળમાં ઊતર્યો. તે સરોવરમાં કીચડ ઘણો થઈ ગયો હતો. તે વૃધ્ધ હાથી તેમાં ફસાઈ ગયો. જેટલો પણ તે તેમાંથી નીકળવાનો પ્રયાસ કરતો એટલો તો વધારે ફસાતો. એમ કરતાં તે ગરદન સુધી કાદવમાં ખૂંપી ગયો.

આ સમાચાર રાજા સુકીર્તિ સુધી પહોંચ્યા. તે ખૂબ દુઃખી થઈ ગયો. તે તરત તે તળાવ પાસે આવી પહોંચ્યો. તેણે હાથીને બહાર કઢાવવા ઘણા પ્રયત્નો કર્યા. પણ તેમાં સફળતા ન મળી. ધીમેધીમે મૃત્યુના મુખમાં પડી રહેલા હાથીને જોઈને બધાને બહુ દુઃખ થયું. તે સમયે રાજાના એક ચતુર, બુધ્ધિશાળી મંત્રીને એક યુક્તિ સૂઝી. તે પ્રમાણે હાથીને બહાર કાઢવાનો પ્રયત્ન કરનારાને પાછા બોલાવવામાં આવ્યા અને તેમને યુદ્ધ સૈનિકોનો પોશાક પહેરાવવામાં આવ્યો. યુદ્ધ વખતે વગાડવામાં આવતા વાદ્યો મંગાવવામાં આવ્યા. યુદ્ધ ચાલતું હોય તેવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું. ઢોલ અને વાદ્યો વગાડવામાં આવ્યા. સૈનિકોના મારો-કાપો એવા નારાઓ હવામાં વહેવા લાગ્યા.

સૈનિકોનો વેશ પહેરેલા લોકો એ રીતે કૂચ કરવા લાગ્યા જે રીતે તે શત્રુપક્ષ તરફથી લોહશાંગ તરફ આગળ વધતા ના હોય ? લોહશાંગ એકદમ સતર્ક થઈ ગયો. તેનામાં જોર અને જોસ વધી ગયા. તેના યૌવનકાળમાં હતી એવી શક્તિનો સંચાર થઈ ગયો. તે જોરથી ચિંઘાડયો અને શત્રુ સૈનિકો પર આક્રમણ કરવા પૂરી શક્તિથી કાદવમાંથી બહાર આવી ગયો. મહાવતે બહુ મહેનત કરી તેને નિયંત્રિત કર્યો.

આ કથા સંભળાવી તથાગત બુદ્ધે કહ્યું- 'ભિક્ષુઓ ! જગતમાં મનોબળ જ સૌથી ઉપર છે. તે જાગૃત થઈ જાય તો અસહાય અને લાચાર પ્રાણી પણ અસંભવ લાગતા કામ સંભવ કરી દે છે. મનોબળ અને આત્મબળ સંકલ્પ ઉત્પન્ન કરી સિદ્ધિ પ્રાપ્ત કરાવી દે છે.' આપણા સુભાષિતમાં કહ્યું જ છે- ક્રિયા સિદ્ધ સત્વે ભવતિ મહર્તા નોપકરણે- મહાપુરુષોની ક્રિયા સિદ્ધિ તેમના આત્મબળ, સત્ત્વમાં રહેલી છે, એમના સાધન-સરંજામમાં નથી હોતી.' અપ્રાપ્યં નામ નેહાસ્તિ ધીરસ્ય વ્યવસાયિન ઃ । અર્થાત્ જે વ્યક્તિ ધીરજવાળી અને પરિશ્રમી છે એના માટે કોઈપણ લક્ષ્ય અપ્રાપ્ત નથી.'