- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
સંત માણિક્કવાચકર એક નવમી શતાબ્દીના તમિલ શૈવ સંત અને કવિ હતા જે પાંડય રાજાના મંત્રી હતા પણ પાછળથી ભગવાન શિવની ભક્તિમાં લીન થઈ ગયા. તેમણે તિરુવાચકમ્ અને તિરુક્કોવૈયાર જેવા ભક્તિપૂર્ણ ગ્રંથોની રચના કરી જેને શૈવ ધર્મનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. માણિક્કવાચકર મદુરાના એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા એમનું મૂળ નામ વડવૂરણ હતું.
મદુરાના રાજાને એક દિવસ ખબર મળી કે તિરુપ્પેરું તુરઇ બંદરે વિદેશથી જાતવાન ઘોડા આવ્યા છે. રાજાએ વડવૂરણ જેને બધા બ્રહ્મવેત્તા કહેતા હતા અને જે રાજાનો પ્રધાન પણ હતો તેને પૂરતું ધન આપી એ ઘોડા ખરીદવા મોકલ્યા. અનેક દિવસો બાદ તે બંદરના ગામે પહોંચ્યા. ત્યાં એક ગુરુ કદંબના વૃક્ષ નીચે બેસી શિષ્યોને વેદોનું અધ્યયન કરાવી રહ્યા હતા. તેમનું દિવ્ય ઓજસ જોઈ વડવૂરણે તેમને ગુરુ બનાવવાનું નક્કી કર્યું. તેમણે ગુરુને દંડવત કરી કૃપા કરવાનું કહ્યું. ગુરુએ કૃપા કરી અને તેમના મુખથી કવિતાઓ પ્રગટ થવા લાગી. બ્રહ્મવેત્તા વડવૂરણના મુખેથી કાવ્ય પંક્તિઓ અસ્ખલિત રીતે મણિમુકતાની જેમ નીકળવા લાગી એટલે ગુરુએ તેના મસ્તક પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને કહ્યું- તારી વાણી મણિ માણેક જેવી છે. આજથી હું તારું નામ માણિક્કવાચકર રાખું છું. તું ભવિષ્યમાં આ નામથી ઓળખાશે. તે જ વખતે માણિક્કવાચકર તેમના શિષ્ય બની ગયા.
તેમણે સાંસારિક વસ્ત્રો ઉતારી ભગવા વસ્ત્રો ધારણ કરી લીધા. અને રાજાએ ઘોડાઓ ખરીદવા જે ધન આપ્યું હતું તે શિવભક્તોને ભોજન કરાવવા માટે વાપરી નાખ્યું. રાજાના સેવકોએ મદુરા આવી રાજાને બધી વાત કરી. તેણે માણિક્કવાચકરને ઘોડા લઈને હાજર થવાનો હુકમ કર્યો. તેણે ગુરુને કહ્યું- મેં તો એ ધન શિવભક્તો માટે વાપરી કાઢયું. હવે શું કરું ? ગુરુએ કહ્યું- 'નિશ્ચિત થઈને રાજા પાસે જા. એને કહે જે કે ઘોડા 'આવણી મુલમ' ના દિવસે આવશે. માણિક્કવાચકરે ગુરુએ કહ્યું તે પ્રમાણે કર્યું. મદુરા આવી રાજાને કયે દિવસે ઘોડા આવશે એ કહ્યું. તે દિવસે ઘોડા આસપાસમાં ક્યાંયથી આવતા જણાયા નહીં. એટલે રાજાએ તેમને જેલમાં પૂરી દીધા. પણ થોડીવારમાં જ એક ચમત્કાર થયો. રાજાના દરબારમાં એક અજાણ્યો માણસ ઘોડા લઈને હાજર થયો ! રાજાએ માણિક્કવાચકરને જેલમાંથી છૂટા કરી દીધા. ઇશ્વર જ માનવીનું રૂપ લઈ રાજાએ મંગાવ્યા હતા એ પરદેશના જાતવાન ઘોડા લઈને આવી પહોંચ્યા હતા.
એકવાર કેટલાક પંડિતો માણિક્કવાચકર સાથે વાદવિવાદ કરતાં શિવ નિંદા કરવા લાગ્યા. તેમણે એ પંડિતોને કહ્યું- જે શિવ છે એમનું તમે અશિવ બોલો છો. શિવનો અર્થ થાય કલ્યાણ, શિવની નિંદા કરનારનું કલ્યાણ કઈ રીતે થાય ? તે જ વખતે પંડિતોની વાણી હરાઈ ગઈ. તે મૂંગા થઈ ગયા. લંકાના રાજાને આ વાતની ખબર પડી. તેની એક પુત્રી મૂંગી હતી. તેણે વિચાર્યું - જે સંતની અવકૃપાથી કોઈની વાણી હરાઈ જાય છે તેની કૃપા પ્રાપ્ત થાય તો મૂંગાને વાણી પ્રાપ્ત થઈ જાય એવું પણ બને જ ને ! તે એની મૂંગી દીકરીને લઈને લંકાથી ચિદમ્બરમ આવ્યો. તેણે સંત માણિક્કવાચકરને પ્રાર્થના કરી- 'મારી દીકરીને વાચા પ્રાપ્ત થાય એવી કૃપા કરો. તેમણે ભગવાનને પ્રાર્થના કરી- આ વાચરહિત કન્યાને વાચા પ્રદાન કરો. સંતનો હાથ તેના માથા પર પડતાં જ તે મૂંગી છોકરીના મુખેથી શિવ સ્તવન પ્રગટ થવા લાગ્યું. સંત માણિક્કવાચકરે તિરુવાચકમ્ ગ્રંથમાં આ પ્રસંગ વર્ણવ્યો છે.
એકવાર ભગવાન શિવ બ્રાહ્મણના રૂપે સંત પાસે આવ્યા અને કહેવા લાગ્યા- મારે તમારા બધા સ્તોત્રો લખી લેવા છે. તમે એ બોલતા જાવ અને હું એ લખતો જઉં. સંત બોલવા માંડયા અને શિવજી લખવા માંડયા. આ રીતે તિરુવાચકમ ગ્રંથ લખાઈ ગયો. પછી શિવજીએ કહ્યું- હવે નટરાજની સ્તુતિની કોઈ નવું સ્તોત્ર ગાઓ. તેમણે ગાયું અને શિવજીએ તે લખી લીધું. પછી ભગવાને પોતાના મંદિરમાં જઈ એ બધા સ્તોત્રના પૃષ્ઠો પોતાની મૂર્તિના ચરણ આગળ મૂકી દીધા. અંતે, સંત માણિક્કવાચકર પૂરેપૂરા શિવમય બની ગયા હતા. નટરાજની મૂર્તિને ભેટવા દોડયા હતા અને શિવોડહમ્ બોલતાં બોલતાં એ મૂર્તિમાં સમાઈને તેમાં વિલિન થઈ ગયા હતા.


