- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
બ્રાહ્મણા: ક્ષત્રિયા વૈશ્યા: શૂદ્રાશ્ચાન્યે।ન્ત્યભસ્તથા ।
હરિભક્તિં પ્રપન્ના યે તે કૃતાર્થા ન સંશય: ।।
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને અન્ય અન્ત્યજ લોકોમાંથી પણ જે હરિભક્તિ દ્વારા ભગવાનના શરણાગત યા તે કૃતાર્થ થઈ ગયા એમાં કોઈ સંશય નથી.
- પદ્મપુરાણ, ક્રિયાયાગ, અધ્યાય-૨૬
'માં હિ પાર્થ વ્યપાશ્ચિત્ય યે।પિ સ્યુ: પાપયોનય: ।
સ્ત્રિયો વૈશ્યાસ્તથા શૂદ્રાસ્તે।પિ યાન્તિ પરાં ગતિમ્ ।।
કિં પુનર્બ્રાહ્મણા: પુણ્યા ભક્તા રાજર્ષયસ્તથા ।
અનિત્યમસુખં લોકમિં પ્રાપ્ય ભજસ્વ મામ્ ।।
હે પાર્થ ! ગમે તેવા પાપયોનિવાળા હોય અથવા સ્ત્રીઓ, વૈશ્ય ોકે શૂદ્રો હોય તેઓ પણ મારો આશ્રય કરીને પરમગતિ પામે છે.' તો પછી પવિત્ર બ્રાહ્મણો, ભક્તો તથા રાજર્ષિઓ પરમ ગતિ પામે એમાં કહેવં જ શું ? માટે અનિત્ય અને સુખરહિત આ લોકને પામી તું મને ભજ.'
- શ્રીમદ્ ભગવદ્ ગીતા, અધ્યાય-૯, શ્લોક-૩૨,૩૩
પદ્મપુરાણમાં આલેખાયેલી ભગવાન વિષ્ણુના અનન્ય ભક્તની એક સુંદર કથા છે. દ્વાપર યુગમાં ચક્રિક નામનો એક ભીલ વનમાં રહેતો હતો. ભલે ભીલ જાતિનો હતો પણ તે પ્રાણીઓની હિંસાથી રહિત, દયાળુ, કોમળ, મધુરભાષી, સેવા પરાયણ અને ભક્તિ પરાયણ હતો. ન તો તે કોઈ વિદ્યા શીખ્યો હતો કે ન તો શાસ્ત્ર પઠન કર્યું હતું પણ અહર્નિશ ભગવત્સ્મરણ કર્યા કરતો હતો.
વનમાં એક પ્રાચીન મંદિર હતું. એમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ હતી. ચક્રિક તેની પૂજા અર્ચના કરવા જાય ત્યારે વનમાંથી ભગવાનને ધરાવવા મીઠાં-મધુરાં ફળ લઈ જતો. ભીલ જાતિની શબરીએ જેમ ચાખી ચાખીને મીઠા ફળ ભગવાન શ્રીરામને માટે રાખ્યા હતા અને ભગવાને આરોગ્યા પણ હતા તેમ આ ચક્રિક ભીલ પણ દરેક ફળ પહેલાં ચાખતો અને જો તે મીઠું હોય તો ભગવાનને ધરાવવા લઈ જતો અને ખાટું કે તૂરું હોય તો તે પોતે ખાઈ લેતો. આ ભોળા અને અભણ ભક્તને ખબર જ નહોતી કે ચાખેલું ફળ એંઠું ફળ ભગવાનને ન ખવડાવાય.
એક દિવસ વનમાં ચક્રિકને પિયાલ/ચિરોંજી (ચારોળી) વૃક્ષ પર એક પાકું ફળ મળ્યું. તેને તોડીને એનો સ્વાદ ચાખવા તેણે તે મોંમા મૂક્યું. ફળ સ્વાદિષ્ટ હતું. પણ મોંમાં મૂકતાં જ તે ગળામાં ઉતરી ગયું. 'શ્રેષ્ઠ વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ.' તેવી ચક્રિકની માન્યતા હતી. આ અતિ સ્વાદિષ્ટ ફળ તો ભગવાન વિષ્ણુને અર્પણ કરવાનું હતું. તે તો મારા ગળામાં ઉતરી ગયું. તેણે મોંમાંથી હાથ નાંખી, ગળા ને દબાવી રાખી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ તે ન નીકળ્યું. એટલે તેણે ગળું કાપી નાંખીને તે બહાર કાઢવાનો નિશ્ચય કર્યો. પદ્મપુરાણ કહે છે કે તેણે તેવો પ્રયત્ન કરવા માંડયો તે સાથે જ તે ઘવાઈને જમીન પર પડી ગયો.
ભોળા ભક્ત ચક્રિકના આવા અનન્ય સર્વાત્મનિવેદનથી ભગવાન શ્રીહરિ પ્રસન્ન થઈ પ્રગટ થઈ કહેવા લાગ્યા - 'યશા ભક્તિમતાનેન સાત્વિકં કર્મ વૈ કૃતમ્ ।
યદ્દત્વાનૃણ્યમાપ્નોમિ તથા વસ્તુ કિમસ્તિ મે ।।
બ્રહ્મત્વં વૈ શિવત્વં વા વિષ્ણુત્વં વાપિ હીયતે ।
તથા પ્યાનૃક્ષ્ય મેતસ્ય ભક્તસ્ય ન હિ વિદ્યતે ।।
આ ભક્તિમાન ભીલે જે સાત્વિક કર્મ કર્યું છે તે ફળ આપવા માટે મારી પાસે એવી કઈ વસ્તુ છે જે આપીને હું એના ઋણમાંથઈ છૂટી શકું ? બ્રહ્માનું પદ, શિવનું પદ કે વિષ્ણુનું પદ પણ હું તેને આપી દઉં તોપણ હું આ ભક્તના ઋણમાંથી મુક્ત થઈ શકું એમ નથી.'
આટલું કહ્યા પછી ભક્તવત્સલ પ્રેમાધીન પ્રભુએ ચક્રિકના મસ્તક પર અને ગળા પર હાથ મૂક્યો તે સાથે જ ચક્રિકના ગળા પર થયેલો ઘા રૂઝાઈ ગયો તેની બધી પીડા દૂર થઈ ગઈ અને તે સાજોસમો થઈ બેઠો થઈ ગયો. દેવોના દેવ ભગવાન શ્રીહરિએ પોતાના પીતાંબરથી તેના શરીરની ધૂળ ઝાપટી. પિતા પોતાના પુત્રની સંભાળ લે તેમ જગત્પિતા પરમાત્માએ એની સારસંભાળ લીધી. પછી તેને કોઈપણ તે જે ઇચ્છે તે વરદાન માંગવાનું કહ્યું. ચક્રિકે ભગવાન શ્રીહરિને કહ્યું - 'હે કૃપાનિધાન, જ્યારે મેં આપના મંગલકારી સ્વરૂપના દર્શન કરી લીધા છે ત્યારે હવે બીજું શું મેળવવાનુ બાકી રહે છે ? મારે દુન્યવી કોઈ વરદાન જોઈતું નથી. બસ, મારું મન નિરંતર તમારી અંદર તલ્લીન રહે એવી તમારી પ્રેમ ભક્તિ જીવનભર ટકી રહે એવુ ંકરો. ભગવાન તેવું વરદાન આપી અંતર્ધાન થઈ ગયા. પછી ભક્ત ચક્રિક દ્વારિકા જઈ જીવનભર ત્યાં જ ભગવત્સેવા-સ્મરણમાં તન્મય થઈ ગયો.


