- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
- ભોજાભગત એમના એક પદમાં લખે છે- 'ભક્તિ શૂરવીરની સાચી રે, લીધા પછી નહિ મેલે પાછી ! ભક્તિ શિશ તણું સાટું રે, આગળ વસમી છે વાટું રે !' આ પદમાં તે કહે છે કે ભક્તે શૂરવીર યોદ્ધાની જેમ કામ, ક્રોધ, લોભ, મોહ જેવા દોષે રૂપી શત્રુઓને વાઢવાના છે.
વિજયા દશમી એ એના નામ પ્રમાણે વિજયનો ઉત્સવ છે. આ દિવસે ભગવાન શ્રીરામે અભિમાનના પ્રતીક સમા દશાનના રાવણને માર્યો એનો ભવ્ય વિજયોત્સવ ઉજવાયો હતો એની પરંપરા રૂપે નવરાત્રિની સમાપ્તિ બાદ પ્રતિ વર્ષ હિંદુ ધર્મ-સંસ્કૃતિ પ્રવર્તે છે ત્યાં તે ઉજવાય છે. કામ-ક્રોધ-લોભ-મોહ -મદ અને મત્સર (ઇર્ષા) એ ષડરિપુ અને એના અનુવર્તી અન્ય દોષો-વિકારો એ માયાની આસુરી સેનાના સૈનિકો છે. ધાર્મિક અને આધ્યાત્મિક વ્યક્તિએ એમને હરાવવાના છે અને મારવાના છે. દેવી દુર્ગાએ જેમ અસુરોને માર્યા તેમ ભગવાન શ્રીરામે રાવણને મારી અંતઃકરણને આસુરી દોષોથી મુક્ત કર્યું.
મધ્યકાલીન યુગના ગુજરાતી કવિ અને સંત શિરોમણિ જલારામ બાપાના ગુરુ ભોજાભગત એમના એક પદમાં લખે છે- 'ભક્તિ શૂરવીરની સાચી રે, લીધા પછી નહિ મેલે પાછી ! ભક્તિ શિશ તણું સાટું રે, આગળ વસમી છે વાટું રે !' આ પદમાં તે કહે છે કે ભક્તે શૂરવીર યોદ્ધાની જેમ કામ, ક્રોધ, લોભ, મોહ જેવા દોષે રૂપી શત્રુઓને વાઢવાના છે. આસુરી ભાવ ઉત્પન્ન કરનારા આ શત્રુઓને મારીને ભક્તિની ભૂમિને નિર્ભાર કરવાની છે. તેમના બીજા એક પદમાં ભક્તિની વાત કરતા તે કહે છે- હરિજન હોય તેણે હેત ઘણું રાખવું, નિજ નામ ગ્રહીને નિર્માન રહેવું- હરિ ભક્તે બધા માટે અપાર પ્રેમ રાખવો, પોતાનું નામ ગ્રહણ કર્યા પછી હમેશાં અભિમાન રહિત રહેવું. આમ, વિજયાદશમી સ્વયં પર વિજય પામવાનો સંકેત આપે છે. વ્યક્તિ એની ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખી આત્મ-સંયમ પ્રાપ્ત કરે ત્યારે જ તેને આંતર-સુખ પ્રાપ્ત થાય છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના 'સાંખ્યયોગ' નામના બીજા અધ્યાયના ચોસઠમા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - 'રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈ શ્ચરન્ । આત્મવશ્યૈ વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ ।। પોતાને વશ અંતઃકરણવાળો મનુષ્ય રાગ -દ્વેષરહિત અને સ્વાધીન થયેલી ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ કરતો હોવા છતાં અંતરઃકરણની પ્રસન્નતાને પામે છે.'
વિજયાદશમીનું એક અન્ય નામ દશેરા છે. દશેરા શબ્દ હિન્દી ભાષાના 'દશહરા' શબ્દનું અપભ્રંશ છે. જે દિવસે રાવણના દશ મસ્તક હણાઈને હરાયા તે દશહરા. અંબા માતાની આરતીમાં ગવાય છે- 'દશમી દશ અવતાર, જય વિજયાદશમી, રામે રામ્ રમાડયા, રાવણ રોળ્યો મા.' વિજયાદશમીએ રામે રાવણના રામ રમાડી દીધા, એને રોળી નાંખ્યો એનો આમાં ઉલ્લેખ છે. ભગવાન રામ ધર્મી સ્વરૂપ છે અને ધર્મની સ્થાપના કરવા અવતરિત થયા છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું જ છે. 'યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત । અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ।। હે ભારત (અર્જુન), જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃધ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. 'પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ । ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ।। સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રકટ થાઉં છું.' (અધ્યાય-૪, શ્લોક-૭/૮)
ભગવાન શ્રીરામ ભગવાન શ્રી વિષ્ણુનો અવતાર છે. તેમણે સત્ય, ધર્મ, જ્ઞાાનના અમૃતથી દેવત્વ પ્રસારિત કર્યું. આસુરી દુર્ગુણો દૂર થાય પછી જ દેવી સદ્ગુણો પ્રસ્થાપિત થાય. ગીતાના દૈવાસુરસંપદ્વિભાગેયોગ ' નામના સોળમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે- દંભો દર્પોડભિમાનશ્ચ ક્રોધ ઃ પારુષ્યમેવ ચ । અજ્ઞાાન ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરી ।। હે પાર્થ, દંભ, ગર્વ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાાન- આ ગુણો આસુરી પ્રકારના કહેવાય છે. (શ્લોક-૪) એ પછી આગળ પાંચમા શ્લોકમાં કહે છે- દૈવી સંપદ્વિમોક્ષાય નિબંધાયાસુરી મતા । દૈવી ગુણ-સંપત્તિ મોક્ષે આપનારી અને અને આસુરી ગુણ-સંપત્તિ બંધનમાં નાંખનારી માનવામાં આવે છે.'
આ રીતે નવરાત્રિ ઉપાસના નવદુર્ગાની દૈવીશક્તિથી આસુરી દુર્ગુણો દૂર કરવાનો અને વિજયાદશમી અંતરાત્મામાં રહેલા પરમાત્માનો અમૃતમય સાક્ષાત્કાર કરવાનો વ્રત-ઉત્સવ છે. નારદભક્તિસૂત્રમાં કહ્યું છે- યલ્લબ્ધ્વા પુમાન્ સિદ્ધો ભવતિ, અમૃતો ભવતિ, તૃપ્તો ભવતિ-જેને પ્રાપ્ત કર્યા બાદ માનવી સિદ્ધ બને છે, અમર બને છે અને તૃપ્ત થાય છે' એ ફલ આ વ્રત સાફલ્યમથી મળે છે.


