Get The App

વિવેકપૂર્ણ સત્યનું દર્શન .

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
વિવેકપૂર્ણ સત્યનું દર્શન                               . 1 - image

- પ્રભાતના પુષ્પો - ગુણવંત બરવાળિયા

કાંતદ્રષ્ટા મુનિશ્રી સંતબાલજીએ ભાલનળ-કાંઠા વિસ્તારમાં પ્રયોગિક સંઘ, ખેડૂતમંડળો અને ખાદીમંડળોની સ્થાપનાની પ્રેરણા કર્યા બાદ મુંબઈની સરહદે ગુજરાત નજીક બોઈસર પાસે ચિંચણીમાં 'મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર'ની આધ્યાત્મિક અને જનહિતનાં કાર્યો માટે ૧૯૭૦માં સ્થાપવાની પ્રેરણા કરી અને ત્યાં સ્થિર થયા.

મુનિશ્રી 'તત્વાર્થ સૂત્ર'નું ગુજરાતીમાં ભાષાંતર કરતા હતા તેમના લેખનમાં મદદ કરવા ઘાટકોપરથી પ્રભાબહેન કાન્તિલાલ અજમેરા ચિંચણ આવીને રહ્યાં હતાં. એમણે એક દિવસ પોતાના એક સંબંધીને કાર્ડ લખ્યું. ટપાલ નીકળી ગયા પછી કાર્ડ લખ્યું હોવાથી બીજા દિવસે ટપાલ નીકળે એટલે એમણે કાર્ડમાં બીજા દિવસની તારીખ નાખી. એમણે એ કાર્ડ મુનિશ્રીને વાંચવા આપ્યું. કાર્ડ વાંચી મુનિશ્રીએ કહ્યું ઃ 'પ્રભા, આજે તો આ તારીખ છે, તેં કાલની તારીખ ભૂલમાં લખી લાગે છે !'

પ્રભાબહેન કહે : 'ના, ભૂલમાં નથી લખી. આજે કઈ તારીખ થઈ તે ખબર છે, પણ આજની ટપાલ તો નીકળી ગઈ છે, તેથી ટપાલ તો હવે કાલે જ નીકળવાની ને ? એટલે જ મેં કાલની તારીખ નાખી છે.'

'પત્ર લખ્યો આજે અને પત્ર લખ્યાની તારીખ લખી આવતી કાલની. સાચી તારીખ ન લખી એ અસત્ય ન ગણાય?'

મુનિશ્રીએ પ્રભાબહેનને પ્રશ્ન કર્યો. પ્રભાબહેન વિચારમાં તો પડયાં પણ દલીલ કરી. 'એમાં અસત્ય લખવાનો આશય નથી. ટપાલમાં નીકળવાની તારીખ લખી એમાં અસત્ય શાનું ?' મુનિશ્રીએ કહ્યું, 'લખ્યા તારીખ અને ટપાલમાં નાખ્યા તારીખ, એમ બન્ને તારીખ લખી શકાય ને ?'

આશ્રમના સેવાભાવી સન્નિષ્ઠ સંચાલક શ્રી મણિભાઈ પટેલની ઘડિયાળ બંધ પડી હતી. ચાલુ કરીને સમય મેળવવા મુનિશ્રીને સમય પૂછયો.

મુનિશ્રીએ કહ્યું, 'લગભગ... આસપાસ થયા હશે.' મણિભાઈને મનમાં પ્રશ્ન થયો કે 'મહારાજશ્રી પાસે ઘડિયાળ છે, તેમાં જોઈને ચોક્કસ સમય કહી શકતા હતા. પછી 'લગભગ અને આસપાસ' કેમ કહેતા હશે ?' એટલે ફરી પણ એ જ પ્રશ્ન કરીને સમય જાણવા માગ્યો. ફરીથી પણ મુનિશ્રીએ આ જ મતલબનો જવાબ આપ્યો. એટલે મણિભાઈએ 'લગભગ અને આસપાસ' શબ્દ શા માટે વપરાયા તે જાણવા માગ્યું. મુનિશ્રીએ ખુલાસામાં એ મતલબનું કહ્યું કે, 'ભારતના સ્ટાન્ડર્ડ સમય પ્રમાણે જ આ ઘડિયાળ છે એની ખાતરી મને નથી. તમે સમય પૂછયો. ઘડિયાળના કાંટા પ્રમાણે જ સમય કહું તો સ્ટાન્ડર્ડ સમય કરતા કદાચ તેમાં થોડો ફરક હોઈ પણ શકે. અંદાજે કે આસપાસ કહીએ તો અસત્ય કહ્યું એમ ન ગણાય.

પ્રવાસની તારીખો નક્કી થઈ હોય તેમાં એક ટાંક નીચે ઉમેરાતી હોય કે ખાસ સંજોગોમાં કદાચ થોડો ફેરફાર થાય. જો કે, અપવાદ કોઈ જ અનિવાર્ય હોય ત્યારે જ લેવાતો અને તે ફેરફારની જાણ લાગતા-વળગતાઓને તરત કરવામાં આવતી. કહ્યા પ્રમાણે સમયપાલનનો આગ્રહ અચૂક રખાતો. કાબૂ બહારનાં કારણોથી થતા ફેરફારનું પ્રાયશ્ચિત્ત પણ લેતા.

જૈન સંતો કદી ચોક્કસ નિશ્ચયાત્મક વચન ના ઉચ્ચારે. સંઘો ચાતુર્માસ માસે વિનંતી કરે ત્યારે જવાબમાં કહે કે, 'તમારી વિનંતી ઝોળીમાં ઝીલી લીધી છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ પ્રમાણે ક્ષેત્ર સ્પર્શના અવસરે. આમ, સત્યનું પાલન મનથી, વચનથી અને વર્તનથી કરવાના આગ્રહને લઈને મુનિશ્રીના પ્રયોગકાર્યના સાથી મિત્રો કેટલીક વખત અકળાતા. અલબત્ત, સાથી મિત્રોને એમણે આ બાબતમાં ટોક્યા નથી. પોતાના જ આચરણથી જે અસર થાય, કોઈક વાર તો સમૂહ પ્રાર્થનાની શરૂઆત નિશ્ચિત સમયે કોઈ જ હાજર ન હોય તોયે પોતે એકલા જ પ્રાર્થનાની શરૂઆત કરી દેતા.

આ સંદર્ભે અંતેવાસી અંબુભાઈ શાહ કહેતા કે, 'સેનાપતિ યુદ્ધ જીતવા માટે લશ્કરને લક્ષ સુધી પહોંચાડવા સારુ માર્ગ પર સૈનિકો આગેકૂચ જારી રાખે તે માટે તે હુકમ લાદેલો જ હોય છે. હુકમનું પાલન, ફરજિયાત ન કરે તો રાજા, સેનાપતિ માર્ગદર્શક ખરા, પણ તેના માર્ગે ચાલવામાં મૃત્યુ સુધીનું જોખમ.' જ્યારે સંતપુરુષ માર્ગદર્શન આપે છે તેમાં પોતાને લાગતા સાચા રસ્તે ચાલવાનો માત્ર ઇશારો કે અણસાર જ હોય છે. સાંભળનાર તે માર્ગે જાય કે ન જાય. શ્રદ્ધા હોય તે માર્ગે ચાલવા માંડે તો કદાચ મોક્ષ સુધી પહોંચી શકે. સંત સાવ નિર્લેપ તે માર્ગ સાંભળનાર ન પકડે તોયે સંતને સહેજ પણ વસવસો ન થાય. આવા સાચા સંતના સમાગમમાં રહીને કેટલાય સાધક કક્ષાના કાર્યકરોએ પોતાના જીવનમાં ઘટતા ફેરફારો કરવાના પ્રયાસો કરીને જીવન ધન્ય બનાવ્યું છે.