Get The App

દરેક નાની વાતને 'લેટ ગો' કરીએ... દરેક મોટી વાતને 'લેટ ગોડ' કરીએ

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
દરેક નાની વાતને 'લેટ ગો' કરીએ... દરેક મોટી વાતને 'લેટ ગોડ' કરીએ 1 - image

- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- ''જીવનમાં સર્જાતી દરેક શુભ-સારી બાબત માટે જે તે જવાબદાર વ્યક્તિત્વનો આભાર માનવાની વૃત્તિ વિકસ્વર કરવી જોઈએ. અંધકારમાં કોઈએ ખૂબ ઊંચાઈ પરથી પટકાતા બચાવી લેવાનો જબરજસ્ત ઉપકાર કર્યો તો ય આભાર, અને બસમાં સીટ પર સાથે જગ્યા આપવાનો સાવ સામાન્ય ઉપકાર કરનારનો ય આભાર. આવી 'થેંક્સ ગીવીંગ' વૃત્તિથી જીવનમાં કૃતજ્ઞાતાગુણ-ઋણ સ્વીકારનો ગુણ વિશિષ્ટ બને અને અને વિચારોમાં 'પોઝેટીવનેસ' આવે.''

રૂપિયાની થપ્પી પાસે હોય અને વ્યક્તિ અજાણ્યા શહેરમાં-અપરિચિત ક્ષેત્રમાં જાય તો ય એને વ્યવસ્થા ઊભી કરવામાં ચિંતા-ભય નથી નડતો. એ ગેસ્ટહાઉસમાં કે હોટેલમાં રહીને ય ઉત્તમ વ્યવસ્થા પામી શકે છે. કારણ ? એની પાસે પૈસાનો 'પાવર' છે.

પૈસો જેમ દુન્યવી વ્યવહારો માટે અગત્યનું પુરવાર થતું પરિબળ છે, તેમ કેટલીક બાબતો સરેરાશ દરેક માનવીને એવી મળી છે કે જેમાં બાહ્ય-અભ્યંતર જીવન માટે અગત્યનું પરિબળ બની રહે. પરંતુ તકલીફ ત્યાં છે કે મહદંશ માનવીઓને એ બાબતોની મહત્તાની માહિતી નથી હોતી. એથી એના પ્રત્યે એ ગાફેલ-બેદરકાર બની રહે છે. 'સ્' અક્ષરથી શરૂ થતી આવી પાંચ બાબતોની વિચારણા આપણે છેલ્લા લેખોથી કરી રહ્યા છીએ. આજે એમાં વિચારીશું પાંચમી બાબત.

(૫) સમજ :- સમજ એક એવું અદ્દભુત પરિબળ છે કે એ હોય તો પૂર્વલેખોમાં દર્શાવેલ ચાર પરિબળો સાર્થક નીવડે, એના વિના નહિ. સમજ હોય તો આત્મકલ્યાણનું લક્ષ્ય કેળવાઈ શકે અને સમજ હોય તો આનંદનું ય અવતરણ જીવનમાં થઈ શકે, સમજ હોય તો પરમાત્મભક્તિમાં મન પરોવાઈ શકે અને સમજ હોય તો પરોપકારમાં ઉમદા કાર્યો ય થઈ શકે, સમજ હોય તો સંઘર્ષની શક્યતા વચ્ચે સમાધાન શોધાઈ શકે અને સમજ હોય તો સહયોગ-સંવાદિતા ય સર્જાઈ શકે.

સમજનું ક્ષેત્ર એટલું વ્યાપક છે કે હર કોઈ બાબતના સંદર્ભમાં એને સરસ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. પરંતુ આ લેખના કદના ઉપલક્ષ્યમાં આપણે સમજને ફક્ત બે બાબતોના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરીશું. એ બાબતોમાં એક છે દાન અને બીજી બાબત છે સ્વભાવ. પહેલા લઈને દાન.

સમાજમાં સર્વત્ર એ માન્યતા વ્યાપક છે કે દાન આપનાર વ્યક્તિ દાન લેનાર પર ઉપકાર કરે છે અને દાન લેનાર વ્યક્તિ કે સંસ્થા દાતાથી ઉપકૃત થાય છે. બાહ્ય દ્રષ્ટિએ આ માન્યતામાં તથ્ય છે. પરંતુ જો દાતા દાન દ્વારા આત્મિક લાભ ઉત્તમ મળે એમ ચાહતો હોય તો આ વિચાર અહંકારાદિરૂપે એને આત્મિક લાભ પામવામાં બાધક બને. દાતાની સાચી સમજ આ હોવી જોઈએ કે : ''હું દાન આપીને યાચક પર ઉપકાર નથી કરતો. યાચક મારું દાન સ્વીકારીને મારા પર ઉપકાર કરે છે ! જો કોઈ દાન સ્વીકારનાર યાચક જ ન હોય તો હું દાન કરી શકત ક્યાંથી ? ખેડૂતે બીજરૂપે આપેલ દાણા ધરતી સ્વીકારે છે તો જ ભાવિમાં ખેડૂતને મબલખ પાકરૂપ લાભ મળે છે. તેમ મેં દાનરૂપે આપેલ સંપત્તિ આદિ વ્યક્તિ કે સંસ્થા સ્વીકારે છે તો જ ભાવિમાં મને દાનનો ઉત્તમ આત્મિક લાભ મળશે.'' આ વિચારણા એકદમ સરસ સમ્યગ્ વિચારણા છે. કેમ કે આનાથી દાતા આસાનીથી અહંકારાદિથી મુક્ત રહી શકે છે. આ સમ્યગ્ વિચારણા મહાન જૈન ગ્રન્થ તત્ત્વાર્થશાસ્ત્રના એક સૂત્રમાંથી મળી રહે છે. ત્યાં લખાયું છે કે ''અનુગ્રહાર્થં સ્વસ્યાતિસર્ગોદાનમ્.'' આ સૂત્ર ફરમાવે છે કે પોતાની જાત પર ઉપકાર કરવાની વૃત્તિથી સંપત્તિનો કરાતો ત્યાગ, એ દાન છે. આમાં સ્પષ્ટપણે ''સામી વ્યક્તિ પર ઉપકાર કરવા દાન કરું છું'' આવી અહંવૃત્તિનો છેદ ઊડી જાય છે !

હવે લઈએ દાન અંગેની બીજી સમ્યક્ સમજ. કેટલાક શ્રીમંતો એવા મખ્ખીચૂસ કંજૂસ હોય છે કે સમૃદ્ધિનો ઢેર હોવા છતાં કાંઈ આપે નહિ. આવાઓને જોરદાર ઝટકો આપે તેવી આ બીજી સમ્યક્ સમજ આ છે કે :- ''કુદરતે દરેક વ્યક્તિને સંપત્તિ માટે બે જ વિકલ્પ આપ્યા છે : કાં તો આપીને જાવ, કાં તો મૂકીને જાવ. આ સિવાય પરલોકમાં લઈ જવાય તેવો કોઈ વિકલ્પ સંપત્તિ માટે નથી જ નથી. તો પછી સંપત્તિ પર આસક્તિ કરી પાપનાં પોટલાં શા માટે બાંધવા ? એનું ઉદારભાવે દાન કરી પુણ્યનું ભાતું કેમ ન બાંધવું ?'' આ થઈ સંગ્રહવૃત્તિનો છેદ ઉડાડતી બીજી સમ્યક્ સમજ.

દાનસંબંધી ત્રીજી સમ્યક્ સમજ હવે એવી લઈએ કે જે થીયરીરૂપે નહિ દ્રષ્ટાંતરૂપે વિલસતી હોય. આ રહ્યું એ દ્રષ્ટાંત :

એક રાજા દાનના એવા પ્રેમી હતા કે યાચકોને-ચારણોને ખોબે ખોબે સોના-ચાંદીના સિક્કા આપે. મંત્રીને ચિંતા થઈ કે રાજા જો આમ ને આમ દાન આપ્યા કરે તો તો ખજાનો ખાલી થઈ જશે. રાજા પર અણધારી મુસીબત આવે ત્યારે ખાલી ખજાને કરવું શું ? આથી મંત્રીએ રાજાના શયનખંડના દ્વારે ચૂપકીદીથી પંક્તિ લખી કે ''આપદર્થે ધનં રક્ષેત્.'' ભાવાર્થ કે આપત્તિમાં ઉપયોગી થાય એ માટે સંપત્તિ બચાવી રાખવી સારી.

રાત્રે રાજા શયનખંડ પાસે આવ્યા. સંસ્કૃત પંક્તિ વાંચતા જ એ વિચક્ષણ રાજા સમજી ગયા કે કોઈ હિતેચ્છુની ભૂમિકા ધરાવતી વ્યક્તિએ આ સૂચના લખી છે. પરંતુ રાજાની વિચારધારા ખૂબ ઉદાત્ત હતી. આવી દલીલોથી એ વિચલિત થાય તેમ ન હતા. એમણે બે પલ વિચારીને નીચે બીજી એવી જ સંસ્કૃત પંક્તિ લખી કે ''ભાગ્યભાજાં કપ ચાપદ:.'' મતબલ કે ભાગ્યશાળી વ્યક્તિને આપત્તિ આવે ક્યાંથી ? ન જ આવે.

બીજા દિવસે પ્રભાતે કુતૂહલવૃત્તિથી ત્યાંનું દ્રશ્ય નિહાળવા મંત્રી આવ્યા તો બીજી પંક્તિ લખાયેલ વાંચી. રાજાના વિચારો શું છે તે મંત્રી સમજી ગયા. છતાં રાજાની દાનવૃત્તિ પર લગામ તાણવા મંત્રીએ નવી દલીલ કરતી પંક્તિ લખી કે ''કદાચિત્ કુપિતે દેવે.'' ભાવાર્થ કે આમ ભલે ભાગ્યશાળીને આપત્તિ ન આવે. પરંતુ ક્યારેક ભાગ્ય રૂઠે તો ભાગ્યશાળીને ય આપત્તિઓ આવે જ છે.

સાંજે રાજા એમના ખંડ તરફ આવ્યા ને નવી પંક્તિ વાંચી. એમને મનોમન વિચાર થયો કે આ હિતેચ્છુ હજુ એની વાત છોડતો નથી. તો મારે ય મારા ઉમદા વિચાર શા માટે છોડવા જોઈએ ? લખનાર ભલે મારા માટે અજ્ઞાત હોય. પણ એનું હ્ય્દયપરિવર્તન થઈ જાય એવું લખવું જોઈએ. રાજાએ અંતિમ પંક્તિરૂપે સચોટ વાત લખી કે ''સંચિતમપિ નશ્યતિ'' મતલબ કે જો ભાગ્ય રૂઠશે તો સંચિત કરેલ સંપત્તિ પણ યેનકેન પ્રકારે નષ્ટ થઈ જશે. જો એ વ્યાજે રાખી હશે તો વ્યાજે રાખનાર એ લઈને પલાયન થઈ જશે, તિજોરીમાં રાખી હશે તો ચોરો લૂંટી જશે ને ધરતીમાં દાટી હશે તો ધરતીકંપ ભરખી જશે. ભાગ્ય જ રૂઠયું હોય તો આવું બધું અવશ્ય બનશે. 

રાજાની આ જડબેસલાખ દલીલ સામે મંત્રીએ નિરુપાય થઈ જવું પડયું. એમણે માની લીધું કે રાજાની દાનભાવનાને કોઈ ઉપાયે રોકી શકાશે નહિ. કેમ કે એ ભીતરની સમ્યક્ સમજમાંથી પ્રગટેલી છે... 

પહેલી બાબત છે 'થેંક્સ ગીવીંગ' વૃત્તિ. જીવનમાં સર્જાતી દરેક શુભ-સારી બાબત માટે જે તે જવાબદાર વ્યક્તિત્વનો આભાર માનવાની વૃત્તિ વિકસ્વર કરવી જોઈએ. અંધકારમાં કોઈએ ખૂબ ઊંચાઈ પરથી પટકાતા બચાવી લેવાનો જબરજસ્ત ઉપકાર કર્યો તો ય આભાર, અને બસમાં સીટ પર સાથે જગ્યા આપવાનો સાવ સામાન્ય ઉપકાર કરનારનો ય આભાર. આવી 'થેંક્સ ગીવીંગ' વૃત્તિથી જીવનમાં કૃતજ્ઞાતાગુણ-ઋણસ્વીકારનો ગુણ વિશિષ્ટ બને અને વિચારોમાં 'પોઝેટીવનેસ' આવે. 'પોઝેટીવનેસ'નું એક ઉદાહરણ લઈએ તો, ધારો કે એક વ્યક્તિને સિત્તેર વર્ષની વયે કેન્સર થયું. એ જો થેંક્સ ગીવીંગ વૃત્તિવાળી નહિ હોય તો સીધી જ પ્રભુને ફરિયાદ કરવા માંડશે કે ''મેં કોઈનું બગાડયું નથી, તો પછી મારા પર આ જુલમ શા માટે ?'' આ જ વ્યક્તિ જો થેંક્સ ગીવીંગ સ્વભાવની હશે તો પ્રભુને એમ કહેશે પહેલા કે ''સિત્તેર સિત્તેર વર્ષ સુધી મને નખમાં ય રોગ ન આપ્યો એ માટે તારો આભાર. હવે જે આ છ-બાર મહિનાનું કષ્ટ આવ્યું છે એ તારા પર શ્રદ્ધા રાખીને પાર કરી જઈશ.''

સ્વભાવની બીજી બાબત છે 'લેટ ગો' વૃત્તિ. દરેક અણગમતી વાતોમાં તમે ઝઘડયા કરશો તો તમારી શક્તિનો દુર્વ્યય થશે. શક્તિઓનો શુભમાં સદ્દવ્યય કરવા માટે તમારે કેટલીક ઓછી મહત્ત્વની વાતોમાં 'લેટ ગો' વૃત્તિ રાખવી જ જોઈશે. એક સરસ વાક્ય આ સંદર્ભમાં યાદ રાખીએ કે ''દરેક નાની વાતને'' લેટ ગો કરીએ અને દરેક મોટી વાતને 'લેટ ગોડ' કરીએ.