પગમાંથી કાંટો નીકળી જાય તો 'સ્પીડ' સરસ બની જાય, મનમાંથી અહં નીકળી જાય તો સુકૃતો શ્રેષ્ઠ બની જાય
- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
'પરોપકારપ્રવૃત્તિ જો દૂધની તપેલી છે, તો અહંકાર લીંબુના ટીપા જેવો છે. દૂધ ચાહે તેવું ગુણવત્તાસભર-પૌષ્ટિક-મધુર હોય, પરંતુ એમાં જો લીંબુના ટીપા ભળી જાય તો એ ફાટી ગયા વિના રહે નહિ. એમ પરોપકારપ્રવૃત્તિ ચાહે તેવી ઉપયોગી-ગુણવત્તાસભર હોય, પરંતુ એમાં જો વ્યક્તિ પોતાનો ઇગો-અહંકાર ભેળવી દે તો એ ફાટી ગયેલ દૂધ જેવો બન્યા વિના રહે નહિં.'
સંસ્કૃત સુભાષિતકારો પરોપકારનું મહિમાગાન કરતાં મજાની પંક્તિ લખે છે કે ''પરોપકરાય સતાં પ્રવૃત્તય:.'' મતલબ કે જેઓ સજ્જન છે તેઓ પરોપકાર માટે પ્રવૃત્તિ કરે છે. એમને સ્વાર્થમાં જરૂર પૂરતો-આવશ્કયતા ખાતરનો રસ હોય છે અને પરાર્થમાં-પરોપકારમાં પરિપૂર્ણ રસ હોય છે.
સુભાષિતકાર ઉદાહરણ આપે છે કે નદી-વૃક્ષ અને ગાયનું. નદી વહે છે અને કૈં કેટલાય ગામો હરિયાળાં થાય છે - લોકો તૃપ્ત થાય છે, વૃક્ષ વિકસ્વર થાય છે અને કૈં કેટલાય લોકોને છાંયડો-ફળો મળી રહે છે; તો ગાય દૂધ આપે છે અને કૈં કેટલાય લોકો સમૃદ્ધ થાય છે - શક્તિમાન થાય છે.
પણ...સબૂર ! ગાય-નદી અને વૃક્ષ જેવાં તત્ત્વો જે ઉપકાર કરે છે તે એમની પ્રકૃતિ છે. એ સહજતાથી આ ઉપકારો ભલે કરે, પરંતુ એમાં સમ્યક્ સમજ નામનું તત્ત્વ નથી. આથી સમજની અપેક્ષાએ એમનો ઉપકાર શ્રેષ્ઠ-ઉત્કૃષ્ટ ન ગણી શકાય. જેમનામાં ઉત્તમ સમજ છે એની ઉપકારપ્રવૃત્તિ શ્રેષ્ઠ ગણી શકાય.
આપણું જીવ પરોપકારમંડિત બને અને તેમાં એકથી એક ચડિયાતી સમ્યક્ સમજ ઉમેરાતી જાય તે માટે આપણે ગત લેખથી કુલ ચાર બાબતોની વિચારણા આરંભી છે. એમાં આજે વિચારીશુ ત્રીજા અને ચોથા ક્રમની બાબતો.
(૩) જગતની ઋણમુક્તિ :- સામાન્યત: એવું બને કે જ્યાં ઋણની-દેવાની વાત સાંભળીએ ત્યાં આપણને સંપત્તિનું-રૂપિયાનું ઋણ યાદ આવે. પરંતુ ઋણ માત્ર સંપત્તિનું જ નથી હોતું. એ સિવાયની પણ કેટલી ય મહત્ત્વપૂર્ણ બાબતો છે કે જેનું ઋણ આપણા શિરે છે. ઉદાહરણરૂપે આપણે આવાં ત્રણેક ઋણ વિચારીએ.
પહેલું છે સંસ્કારોનું ઋણ. મુખ્યત્વે આ ઋણ માતા-પિતા-હિતસ્વી વડિલો અને સદ્ગુરુભગવંતનું હોય છે. આપણાં જીવનમાં દયા-કરૂણા-નીતિમત્તા-પ્રામાણિકતા-પરોપકાર જેવા જે જે ગુણો યત્કિંચિત્ પણ ઝળહળતા હોય એનું પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ કારણ ઉપરોક્ત વ્યક્તિત્ત્વો છે...બીજું છે અભ્યાસનું ઋણ. એ વ્યાવહારિક શિક્ષણ અને શ્રુતોપાસનારૂપે છે. આ ઉભયરીતના અભ્યાસનું ઋણ અધ્યાપક અને સદ્ગુરુભગવંત દ્વારા સર્જાય છે...ત્રીજું છે સદ્ધર્મપ્રાપ્તિનું ઋણ. ભવભ્રમણને સાવ સીમિત કરે તેવું આ ઋણ સૌથી મહાન છે અને એ સદ્ગુરુભગવંત તથા કલ્યાણમિત્ર દ્વારા સર્જાતું હોય છે...આ સિવાય સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે ય કૈં કેટલા ઋણ આપણા શિરે ચડતા હોય છે. ભલે એ ઋણ વેતનના બદલામાં હોય, 'પેઇડ' સ્વરૂપે હોય, પરંતુ એનું ય આપણાં જીવનમાં અસરદાર સ્થાન હોઈ શકે છે.
આવાં આવાં ઋણોથી યત્કિંચિત્ પણ મુક્તિ થાય તે માટે પરોપકારમાં ઋણમુક્તિનું દૃષ્ટિબિંદુ ખીલવવું જોઇએ. આ ઋણમુક્તિનું દૃષ્ટિબિંદુ કેળવાયું હશે તો આપણો પરોપકાર વધુને વધુ નિ:સ્વાર્થ બનતો જશે, વધુને વધુ કૃતજ્ઞાતાસભર બનતો જશે, વધુને વધુ સક્રિય-ઉદ્યમશીલ બનતો જશે. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો આ મજેદાર ઘટના :
રાજમાર્ગ પર ટહેલવા નીકળેલ યુવાન એક દૃશ્ય નિહાળતાં ક્ષણભર થંભી ગયો. કારણ કે પંચ્યાશી વર્ષના વૃદ્ધ માર્ગની એક તરફ નાનકડું ખોદકામ કરી રહ્યા હતા. કુતૂહલથી એ ત્યાં પહોંચી વૃદ્ધની પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવા માંડયો. વૃદ્ધ મહાશયે નાનો ખાડો ખોદી એમાં એક ગોટલીનું વાવેતર કરવા માંડયું હતું. યુવાને પેલા વૃદ્ધને પૂછયું : ''તમે અહીં સર્વિસ પર છો કે આ વાવેતર કરી રહ્યા છો ?''
''ના, હું 'સર્વિસ'નો માણસ નથી.'' પેલા વૃદ્ધ મહાશયે કહ્યું.
''તો પછી આ ખોદકામ-વાવેતરની મહેનત કેમ કરો છો ? તમને એના વળતરરૂપે કાંઇ જ મળવાનું નથી.'' ઉતાવળા યુવાને કહ્યું.
''કેમ તમે એમ માનો છો?'' વૃદ્ધે શાંતિથી પૂછયું.
''જુઓ, તમે 'સર્વિસ' પર નથી. એથી આ મહેનતના વળતરરૂપે કોઇ રૂપિયા મળવાના નથી. રહી વાત ગોટલીમાંથી બનનાર વૃક્ષની. હજુ આ ગોટલી ધરતીમાં ગરમીથી ક્યારે ફાટશે, એમાં નવા અંકુર ક્યારે ખીલશે, એ છોડરૂપે ક્યારે ધરતીમાંથી બહાર આવશે, એ વૃક્ષરૂપે ક્યારે જામશે અને ક્યારે એના પર ફળ આવશે ? આ સમગ્ર પ્રક્રિયા વર્ષોનાં વર્ષોની છે. ત્યાં સુધીમાં તમે પરલોકમાં ક્યાં ય પહોંચી જશો એનો પત્તો નહિ લાગે. એટલે તમને તમારી આ મહેનતના ફળરૂપે એક કેરી ય મળવાની નથી. માટે મેં કહ્યું કે તમને એના વળતરમાં કાંઇ મળશે નહિ.''
વૃદ્ધ મહાશયે જરા ય વિચલિત થયા વિના સવાયો ઉત્તર આપ્યો : ''ભાઈ ! હું ભલે આ આંબાની કેરી ન વાપરી શકું. પરંતુ અન્યો તો એની કેરી વાપરશે ને ? એ વાપરશે એમાં મને મારી મહેનતનું વળતર મળી જશે. માત્ર વળતર નહિ, મને યત્કિંચિત્ ઋણમુક્તિનો આનંદ પણ મળશે. કારણ કે હું જ્યરે નાનો-બાળક હતો ત્યાર કો'કે રોપેલ આંબાની કેરી આરોગતો હતો. આ મારા વાવેલ આંબાની કેરી કો'ક આરોગશે તો મને ઋણમુક્તિનો આનંદ મળશે.''
યુવાન વિસ્મિત થઇ ગયો આ વૃદ્ધ મહાશયના ઉદાત્ત વિચારોથી...
ઋણમુક્તિની આ ભાવના હૈયે તીવ્રતાથી ઘુંટાય ત્યારે પરોપકારમાં અન્ય તમામ બાબતો કેવી ગૌણ બની જાય તેની અભિવ્યક્તિ કરતી પંક્તિઓ સાથે આ વિષયનું સમાપન કરીએ કે :
આદર મળે કે ના મળે એ જાણવા ઇચ્છા નથી,
ફળ મળે કે ના મળે એની કદી પરવા નથી;
કર્તવ્ય કરવા જન્મ આ દિન-રાત એમાં રત રહી,
ઋણમુક્ત વિશ્વતણા થવા કર્તવ્ય કરવું છે અહીં.
(૪) અહંકાર મુક્તિ :- પરોપકારપ્રવૃત્તિ જો દૂધની તપેલી છે, તો અહંકાર લીંબુના ટીપા જેવો છે. દૂધ ચાહે તેવું ગુણવત્તાસભર-પૌષ્ટિક-મધુર હોય, પરંતુ એમાં જો લીંબુના ટીપા ભળી જાય તો એ ફાટી ગયા વિના રહે નહિ. એમ પરોપકારપ્રવૃત્તિ ચાહે તેવી ઉપયોગી-ગુણવત્તાસભર હોય, પરંતુ એમાં જો વ્યક્તિ પોતાનો ઇગો-અહંકાર ભેળવી દે તો એ ફાટી ગયેલ દૂધ જેવો બન્યા વિના રહે નહિ. ફાટી ગયેલ દૂધ જેવો એટલે? લોકનજરમાંથી એ પરોપકારપ્રવૃત્તિ ઊતરી જાય-ટીકાપાત્ર બની જાય અને પરોપકારનો જે આત્મિક સ્તરનો લાભ થવો જોઇએ એનાથી વ્યક્તિ વંચિત રહી જાય.
ખબર છે પેલું મસ્ત સુવાક્ય ? એ કહે છે કે ''પગમાંથી કાંટો નીકળી જાય તો ગતિ એકદમ સરસ થઇ જાય, મનમાંથી અહંકાર નીકળી જાય તો દરેક સુકૃત એકદમ સરસ બની જાય.'' એ દરેક સુકૃતમાં પરોપકારનો ય સમાવેશ થઇ જાય. જેઓ આ વિધાનને ગંભીરતાથી સમજે છે તેઓ એટલે જ પરોપકારનો કોઇ વ્યાજબી યશ પણ પોતાના શિરે લેવા તૈયાર નથી હોતા : અહંકારનું ભૂત માથે સવાર ન થઇ જાય માટે જ તો !
અરે ! ઇતિહાસના પૃષ્ઠો પર એવી કેટલી ય ઘટનાઓ સુવર્ણાક્ષરે અંકિત છે કે જેમાં તે તે પરોપકારી વ્યક્તિની તે તે પરોપકારના સંદર્ભની અહંકારશૂન્યતા-વિનમ્રતા ઊડીને આંખે વળગે. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો આ અદ્ભુત પ્રેરણાસ્પદ ઘટના :
વિક્રમની તેરમી શતાબ્દીનો સમય. એમાં સળંગ ત્રણ વર્ષનો વિકરાલ દુષ્કાળ સર્જાયો. મેઘરાજા જાણે રીસાયા હોય એમ સમ ખવા પૂરતું એકવાર પણ એમણે આગમન ન કર્યું. માનવો તો ઠીક, પશુઓ પણ જલ વિના-ચારા વિના ટળવળતા હતા. પીવાના પાણીની વ્યવસ્થા પહોંચાતી ન હતી. ત્યાં ખેતી માટે પાણી મળે જ ક્યાંથી ? અને ખેતી ન હોય તો ખાવા માટે ધાન મળે ક્યાંથી ? ભયંકર ભૂખમરો સર્જાય એવા એંધાણ વર્તાતા હતા. રાજાઓ-મહારાજાઓ અને દીલ્હીના બાદશાહને ય ચિંતા થઇ પડી હતી કે ભૂખમરાને મારી હટાવવા કરવું શું ?
એમાં એકદમ વિશ્વસનીય સમાચાર મળ્યા કે શાહ સોદાગર જગડૂશાહે દેશદેશાવરમાં ગંજાવર કોઠારોમાં અનાજનો તોતિંગ સંગ્રહ કર્યો છે. એમના પ્રદેશના રાજાએ જગડૂશાહને બોલાવીને કહ્યું : ''તમે એ અનાજ રાજ્યને યોગ્ય કિંમતે આપો. લાખો લોકોનાં જીવનનો સવાલ છે.'' જગડૂશાહે નવી જ વાત કરી કે ''મારી માલિકીના કોઇ અન્નભંડાર છે જ નહિ.'' રાજાને લાગ્યું કે આખર વાણિયાની જાત. કદાચ મોં માંગ્યા મૂલ વસૂલવા શ્રેષ્ઠી આમ કહેતા હશે. રાજાએ પોતાના જ નગરમાં એક અન્નભંડાર હોવાનો પુરાવો આપ્યો. સ્મિત વેરતા જગડૂશાહ રાજાને એ અન્નભંડાર સુધી લઇ ગયા. તાળાં ખોલાવ્યા તો મુખ્યદ્વાર પર તામ્રપત્ર પર લખાયું હતું કે, ''આ અનાજની માલિકી દેશની પ્રજાની છે !'' રાજા સ્તબ્ધ થઇ ગયા જગડૂશાહના અકલ્પ્ય ઔદાર્ય પર. જગડૂશાહે પૂર્ણ નમ્રતાથી કહ્યું : ''દેશદેશાવરના અનાજનો એક પૈસો તો લેવાનો નથી, એ અન્નભંડાર મારા છે તેવો અહંકાર પણ રાખતો નથી. હું તો છું માત્ર સેવક-વ્યવસ્થાપક!'' જગડૂશાહનું દાન આ વિનમ્રતાનાં કારણે ચાર ચાસણી ચડી ગયું.
છેલ્લે પરોપકારના સંદર્ભમાં એક શાયરી યાદ કરીને સમાપન કરીએ કે :-
લાખો આતે લાખો જાતે, કોઇ નહિ નિશાની હૈ;
જિસને કુછ કર કે દિખલાયા, ઉનકી અમર કહાની હૈ.