Get The App

યુગદિવાકર આ.ભ. ધર્મસૂરીશ્વરજી મ.સા.ને 122માં જન્મપર્વે શ્રદ્ધાભીની ગુણાંજલિ

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
યુગદિવાકર આ.ભ. ધર્મસૂરીશ્વરજી મ.સા.ને 122માં જન્મપર્વે શ્રદ્ધાભીની ગુણાંજલિ 1 - image


- અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- ''બોરીવલી-જામલીગલી, શાંતાક્રુઝ, પાયધુની-ગોડીજી વગેેરે ઉપાશ્રયો એવા છે કે જે આજે બસો ક્રોડ રૃા.ના ખર્ચે ય  ન બની શકે. તે કાળે આવાં વિરાટ સ્થાનો કરાવી એમાં સાધારણનું એક રૂપિયાનું દેવું ન રહે તેવી તત્પરતા દાખવી. ક્યાંક સ્વયં ઘીની બાધા લઈ અને ટ્ર્સ્ટીઓને આપી એ જવાબદારીઓ અદા કરી, તો ક્યાંક પુણ્યપ્રભાવશાળી પરમગુરુદેવની હાજરીમાત્રથી એ ભગીરથ કાર્યો થયા. જામલીગલી સંઘમાં પરમગુરુદેવે કદી ચાતુર્માસ કર્યું નથી. માત્ર આઠ દિવસની સ્થિરતામાં ત્યાંના આલીશાન ઉપાશ્રયનું આયોજન અને ફંડ થયું હતું. ભાયંદરમાં તો તેઓએ માત્ર એક જ દિવસની સ્થિરતા કરી. છતાં ત્યાં વિરાટ બાવનજિનાલયતીર્થનું આયોજન સાકાર થયું.''

ઉત્તમ અને ઉત્કૃષ્ટપણે આત્મકલ્યાણનું મંગલ માર્ગદર્શન કરાવતાં જૈન દર્શનમાં દેવતત્ત્વને જેવું શ્રેષ્ઠ સ્થાન-માન અપાયું છે એવું જ અને ચોક્કસ અપેક્ષાએ એથી ય અધિક શ્રેષ્ઠ સ્થાન-માન ગુરુતત્ત્વને અપાયું છે ! હા, દેવતત્ત્વ સંપૂર્ણ અને સર્વાંગશુદ્ધ પરમાત્મદશા પ્રાપ્ત કરી ચૂક્યું છે અને ગુરુતત્ત્વ હજુ એ અવસ્થા સર કરી નથી શક્યું એ વાસ્તવિકતા પિછાણવા છતાં ય જૈન દર્શન આ પ્રસ્તુતિ કરે છે એમાં એની ગજબનાક વિવેકદૃષ્ટિ અને વિચારશીલતા પ્રતિબિંબિત થાય છે જે ''તત્ત્વેષુ સર્વેષુ ગુરુ: પ્રધાન'' જેવી પંક્તિઓમાં નિહાળાય છે.

મહાન જૈન સારસ્વત કલિકાલસર્વજ્ઞા હેમચન્દ્રાચાર્યે એમના 'ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર' ગ્રન્થમાં લખેલ પંક્તિ ગુરુતત્ત્વના મહિમા સંદર્ભમાં ખાસ યાદ કરવા જેવી છે કે ''સ્વાધ્યાયાવશ્યકસમો, ગુરૂણાં હિ ગુણસ્તવ:.'' ભાવાર્થ કે મુમુક્ષુ સાધક માટે સ્વાધ્યાય અને પ્રતિક્રમણાદિ યોગો જેટલા આવશ્યક-અવશ્ય કર્તવ્ય છે એટલો જ આવશ્યક યોગ ગુરુનો ગુણસંસ્તવ છે ! પ્રતિક્રમણ જેવી અત્યંત આવશ્યક ક્રિયાની બરાબરીએ ગુરુના ગુણાનુવાદનું આ વિધાન એ સમજાવવા સમક્ષમ છે કે જૈન દર્શનમાં ગુરુતત્ત્વનો મહિમા કેવો ઉચ્ચત્તમ છે.

આવો, આજે આપણે અહીં શ્રી હેમચન્દ્રચાર્યની ઉપરોક્ત પંક્તિના નિર્દેશ અનુસાર કરીશું પરમગુરુદેવ મહાન શાસનજ્યોતિર્ધર યુગદિવાકર આ.ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજના ગુણાનુવાદ. કારણ કે આ શ્રાવણ શુદિ-૧૧, તા. ૫-૮-૨૫ના એમના ૧૨૨માં જન્મપર્વ નિમિત્તે અમારા ચાતુર્માસસ્થાન પંકજ જૈન સંઘ સહિત અમદાવાદના પચીશ સંઘો તેમજ મુંબઈ-વડોદરા વગેરે સ્થળે ઠેર ઠેર ગુરુપર્વોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ ગુણાનુવાદ આત્મકલ્યાણનું ઉમદા નિમિત્ત બનવા સાથે એ ગુરુ પર્વોત્સવોને પણ અનુરૂપ રહેશે.

પરમગુરુદેવ પૂજ્યશ્રીનાં યશસ્વી જીવનનો મુખ્ય અને આંકડાકીય આલેખ નિહાળીએ તો વિ.સં. ૧૯૬૦ના શ્રાવણ શુદિ-૧૧ના વઢવાણ શહેરમાં જન્મ, ૧૬ વર્ષની વયે વિ.સં. ૧૬૭૬ના મહા શુદિ-૧૧ના દીક્ષા, માત્ર ચૌદ વર્ષના સંયમ પર્યાયમાં છ હજાર શ્લોકપ્રમાણ સંસ્કૃત નવતત્ત્વ સુમંગલાટીકા ગ્રન્થનું સર્જન, પંચકર્મગ્રન્થ-ષટ્ત્રિશિંકાચતુષ્કપ્રકરણ-ક્ષેત્રસમાસ-વંદિત્તુસૂત્ર અર્થ દીપિકાટીકા વગેરે ગ્રન્થોનું વિદ્વત્તાતપૂર્ણ વિવેચન, ભગવતી સૂત્ર જેવા ગહન આગમ પરના અભ્યાસપૂર્ણ પ્રવચનો દ્વારા 'દ્રવ્યાનુયોગના વિરલ વ્યાખ્યાતા' રૂપે પ્રસિદ્ધિ, ભાયંદર બાવનજિનાલયતીર્થ-ચેમ્બુરતીર્થ-કાંદિવલી ચતુર્િંવશતિજિનાલય વગેરે કુલ એકસો પાંત્રીશ જિનાલયોનું ઉપદેશલબ્ધિથી નિર્માણ, બોરીવલી જામલીગલી-ગોડીજી પાયધુની-શાંતાક્રૂઝ વગેરે કુલ ચોર્યાશી ઉપાશ્રયોનાં નિર્માણ, બે હજાર યાત્રિકોયુક્ત બહોંતેર દિવસીય શત્રુંજય મહાતીર્થ પદયાત્રા સંઘ વગેરે યાત્રાસંઘો, જૈન સાધર્મિકો માટે ક્રોડો રૂ.ના સેવા કાર્યો, પ્રભુ મહાવીરદેવની પચીશમી નિર્વાણશતાબ્દીની શકવર્તી ઉજવણી, બાસઠ વર્ષની સંયમયાત્રા અને અઠયોતેર વર્ષની જીવનયાત્રાના અંતે વિ.સં. ૨૦૩૮ના ફાગણ શુદિ-૧૩ છ ગાઉયાત્રા મહાપર્વદિને કાલધર્મ, અઢીલાખની માનવમેદનીથી છલકાતી એકવીશ કિલોમીટર સંપૂર્ણ પગપાળા અંતિમયાત્રા, સાતસો પેજના વિરાટ 'યુગદિવાકર' જીવનચરિત્ર ગ્રન્થનું તથા અન્ય પાંચ જીવનપ્રસંગ પુસ્તકોનું પ્રકાશન અને ચોપન સ્થળે ગુરુમંદિરોનાં નિર્માણ : આ છે પરમગુરુદેવની જીવનયાત્રાના બાહ્ય 'માઇલ સ્ટોન.'

હવે આપણે નિહાળીશું એણની ગુણગરિમાસંપન્ન અભ્યંતર વિશેષતા દર્શાવતી જીવનયાત્રાને ત્રણ ઋતુના ગુણધર્મો દ્વારા :

(૧) જિજ્ઞાસુઓ માટે જિનવાણીવર્ષા : આગમશાસ્ત્રો-પ્રકરણગ્રન્થો અને મખ્યત્વે દ્રવ્યાનુયોગના તાત્ત્વિક વિષયોનાં તલસ્પર્શી અધ્યયન અને સચોટ અભિવ્યક્તિનાં કારણે પરમગુરુદેવનાં વ્યાખ્યાનો તેમજ વાચનાઓ સાંભળવાની તે કાળના તત્ત્વરસિક શ્રોતાઓને ઝંખના રહેતી. વિ.સં. ૨૦૦૬ના મુંબઈ-ગોડીજીના મુખ્ય ધર્મકેન્દ્રમાં તેઓએ ચાતુર્માસ કર્યું ત્યારે શ્રી ભગવતીસૂત્ર પરના પ્રવચનો સવાર-બપોર બે વાર યોજાતા. સવારે તો ખરું જ, પરંતુ બપોરે પણ નિત્ય પ્રવચન શરૂ થતાં પૂર્વે વિશાલ હોલ ચિક્કાર થઇ જતો. ત્યારનાં એ પ્રવચનો અને વાચનાનો ઉલ્લેખ કરતાં વિદ્વાન તત્ત્વપિપાસુ ફત્તેહચંદ ઝવેરભાઈ નામે શ્રાવક લખે છે કે :- ''સવિશેષપણે તેઓનો પરિચય અમો તથા સ્વ. સુરચન્દ્ર પી. બદામીજી (બી.એ.એલ.એલ.બી. - રીટાયર્ડ સ્મોલ કોઝીઝ જજ) તેમની પાસે કમ્મપયડી ગ્રન્થ બપોરે વાંચતા હતા ત્યારે થયો. તે પ્રસંગે કર્મવર્ગણાના સૂક્ષ્મ રસસ્પર્ધકો વગેરેની તેમની સૂક્ષ્મ સમજાવટ શક્તિથી અમને આનંદ થતો હતો. કર્મપ્રકૃતિનું સૂક્ષ્મ જ્ઞાન તેઓશ્રી અમોને આપતા હતા. શ્રી ભગવતીસૂત્રનું વાચન સવારે અને બપોરે, બે વખત એમણે રાખ્યું હતું. તેનો લાભ અમોએ શ્રી સુરચન્દ્રભાઈએ અને મુંબઈના જૈન સંઘે હજારોની સંખ્યામાં લીધો હતો. જે બાબત આજે પણ મુંબઈની પ્રજા વારંવાર યાદ કરે છે.'' પછીના વર્ષોમાં તેઓનો 'ભગવતીસૂત્રનાં પ્રવચનો' નામે વિશાલ ગ્રન્થ પ્રકાશિત થયો હતો. આશ્ચર્ય એ થાય કે તત્ત્વજ્ઞાનખચિત એ ગ્રન્થ હોવા છતાં એની એક-બે નહિ, સાત સાત આવૃત્તિઓ પ્રકાશિત થઇ છે ! એણના તલસ્પર્શી બોધની અને સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે તેવી પ્રરૂપણાશક્તિની આ કમાલ હતી. આ જ રીતે તેઓશ્રીએ લખેલ 'શ્રમણ ભગવાન મહાવીર' પુસ્તકની પણ છ-છ આવૃત્તિઓ પ્રગટ થઇ છે. આ બન્ને ઉદાહરણો એણનાં પ્રવચનનાં-લેખનનાં કૌશલ્ય દ્યોતક છે.

હવે નિહાળીએ એમની પ્રરૂપણાની અસરકારકતાનો એક પ્રસંગ. પરમગુરુદેવની જન્મશતાબ્દી ઉજવણી પ્રસંગે અમારા ગુરુદેવ આચાર્યપ્રવર સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજે ઉપરોક્ત 'ભગવતીસૂત્રનાં પ્રવચનો' ગ્રન્થની છટ્વી અને સાતમી આવૃત્તિ સંપાદિત કરી. એ ગ્રન્થનાં માધ્યમે ઠેર ઠેર 'ઓપન બુક એક્ઝામ' લેવાઈ. તેમાં સીતારામ ડોંગરે નામે બ્રાહ્મણ પંડિતે વડોદરાથી પરીક્ષા આપી ત્યો એક અલગ પત્ર અમને લખી એ ભાવનું જણાવ્યું કે, ''આ ગ્રન્થમાં બટાટા વગેરે કંદમૂળ, દૂધી વગેરે વનસ્પતિઓથી કઈ રીતે અલગ છે એના જૈન શાસ્ત્રીય ઉપરાંત જે અન્ય કારણો દર્શાવ્યા છે તે બુદ્ધિમાં એકદમ બેસી જાય તેમ છે. હું એવું માનતો થઇ ગયો છું કે કંદમૂળભક્ષણમાં ખૂબ જીવહિંસા છે.''

એક અજૈન વ્યક્તિને પણ આવી સચોટ અસર થઇ જાય એ પ્રવચનની-પદાર્થ પ્રરૂપણાની ક્ષમતા કેવી ગજબનાક હશે એ સહજ કલ્પી શકાય...વર્ષાઋતુમાં જેમ પાણી વરસે, તેમ પરમગુરુદેવનાં મુખેથી જિનવાણી વર્ષા થતી. એથી એમનું જીવન વર્ષાઋતુના આ ગુણધર્મથી સમૃદ્ધ હતું એમ અવશ્ય માની શકાય.

(૨) સંઘો-સંયમીઓ માટે શીલતા :- શાસનના નાયક આચાર્ય ભગવંતોની વ્યાખ્યા બની રહે એવી એક પંક્તિ સુપ્રસિદ્ધ છે કે, ''આચાર્યા જિનશાસનોન્નતિ કરા:.'' મતલબ કે આચાર્ય ભગવંતો જૈન શાસનની ઉન્નતિ કરનારા હોય છે. પરમગુરુદેવ માટે આ પંક્તિનો એકેક અક્ષર સાર્થક હતો એમ કહી શકાય. મુંબઈના દૂર દૂરના ઉપનગરોમાં વિચરીને સંઘોની સ્થાપના, ભાવિ પરિસ્થિતિ પરખીને પહેલેથી જ જિનાલય- ઉપાશ્રયાદિ માટે વિશાલ ભૂમિસંપાદન, સંઘોના જિનાલયો તો ખરા જ - ઉપરાંત ઉપાશ્રય-પાઠશાળા- આયંબિલખાતું જેવા સાધારણદ્રવ્યોથી સર્જાતા સ્થાનોની પણ સંપૂર્ણ જવાબદારી : આ બધી બાબતો ધર્મસૂરી દાદાએ એવી રીતે વહન કરી કે સંઘોને કોઇ ચિંતા ન રહે. એકસો પાંત્રીસ જિનાલયો-ચોર્યાશી ઉપાશ્રયો આદિ દ્વારા તેઓ શાસન માટે કલ્પવૃક્ષ બન્યા, તો સંઘોની બધી જવાબદારી પોતાના શિરે લઇ તેઓ સંઘો માટે આહલાદક શીતલતાની અનુભૂતિ કરાવતા શિયાળો બન્યા.

બોરીવલી-જામલીગલી, શાંતાક્રુઝ, પાયધુની-ગોડીજી વગેરે ઉપાશ્રયો એવા છે કે જે આજે બસો ક્રોડ રૃા.ના ખર્ચે ય ન બની શકે. તે કાળે આવાં વિરાટ સ્થાનો કરાવી એમાં સાધારણનું એક રૂપિયાનું દેવું ન રહે તેવી તત્પરતા દાખવી. ક્યાંક સ્વયં ઘીની બાધા લઇ અને ટ્રસ્ટીઓને આપી એ જવાબદારીઓ અદા કરી, તો ક્યાંક પુણ્યપ્રભાવશાળી પરમગુરુદેવની હાજરીમાત્રથી એ ભગીરથ કાર્યો થયા. જામલીગલી સંઘમાં પરમગુરુદેવે કદી ચાતુર્માસ કર્યું નથી. માત્ર આઠ દિવસની સ્થિરતામાં ત્યાંના આલીશાન ઉપાશ્રયનું આયોજન અને ફંડ થયું હતું. ભાયંદરમાં તો તેઓએ માત્ર એક જ દિવસની સ્થિરતા કરી. છતાં ત્યાં વિરાટ બાવન જિનાલયતીર્થનું આયોજન સાકાર થયું. તીર્થાધિરાજ શત્રુંજયગિરિરાજના છાયાવર્તી પાલિતાણામાં સાધ્વીજી ભગવંતોને સ્થિરતાની તકલીફ નિહાળી, તો તેઓએ ગચ્છ-પક્ષના ભેદમુક્ત શ્રમણીવિહારનું નિર્માણ કરાવ્યું કે જેમાં એક સાથે બસો શ્રમણી ભગવંતો સ્થિરતા કરી શકે.

(૩) જાત માટે કડક ઉષ્ણતા :- ગ્રીષ્મઋતુની લાક્ષણિકતા છે ઉગ્ર ગરમી-બફારો. પરમ ગુરુદેવ જાત પ્રત્યે એવા કડક હતા કે ત્યાં આપણને ઉગ્ર ગરમી કઠોરતા સહેવાતી અનુભવાય. વિ.સં. ૧૯૯૦માં પૂ. સાગરજી મ. પાસે અભ્યાસ માટે તેઓ ભરઉનાળે અમદાવાદની ભયંકર ગરમીમાં નિત્ય છ માઇલ જવા-આવવાનો પગપાળા વિહાર ખુલ્લા પગે કરતાં, તો રોગગ્રસ્ત શ્રાવકને સમાધિ આપવા ઉનાળામાં બપોરે બાર કલાકે તેઓ ચાલીને ચેમ્બુરથી ઘાટકોપર પધાર્યા હતા. આવી અઢળક ઘટનાઓ જાત પ્રત્યે ઉષ્ણતાના એમના અભિગમની દ્યોતક છે.

છેલ્લે ગુરુદેવ માટે એક સરસ વાત : ''હોકાયન્ત્રનો કાંટો જેમ ઉત્તર દિશા જ દર્શાવે, તેમ ગુરુદેવનું જીવન માત્ર ઉત્તમ દિશા જ દર્શાવે છે!''

Tags :