- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- જેને સમૃદ્ધિ-આરોગ્ય-બુદ્ધિમત્તા મળી છે એ પુત્રે નિશ્ચિતપણે પૂર્વકાળમાં પુણ્યકર્મ ઉપાર્જિત કર્યું છે અને જેને દરિદ્રતા-રોગ-મૂર્ખતા મળી છે તે પુત્રે અવશ્યપણે પૂર્વકાળમાં પાપકર્મ ઉપાર્જિત કર્યું છે. એમાં પણ જે પુત્રને જન્મજાત કેન્સર જેવો રોગ કે મૂર્ખતા મળી છે તેના કિસ્સામાં તો દીવા જેવું સ્પષ્ટ માની શકાય કે એનું જે પાપોપાર્જન પૂર્વજન્મનું-પરલોકનું જ છે. એટલે બીજી કક્ષાની વ્યક્તિ એમ માને છે કે સ્વર્ગ-મોક્ષ બધું અહીં જ છે-પરલોક જેવું કાંઈ નથી. એ માન્યતાનો આ ધારદાર તર્કોથી સંપૂર્ણ છેદ ઊડી જાય છે.
માત્ર હાથ-પગ-મસ્તક વગેરે શરીરનાં અંગો સરખા હોવાથી બધા માનવો એકસમાન નથી ગણાતા. બાહ્ય દેખાવ ભલે સહુનો ઉપરોક્ત સ્વરૂપે સમાન હોય, પરંતુ આંતરિક વ્યક્તિત્વ અર્થાત્ સ્વભાવ-આચાર-વિચાર વગેરેનાં કારણે માનવ-માનવ વચ્ચે આસમાન-જમીનનો ફર્ક સર્જાઈ જતો હોય છે. એથી જ એક ગુર્જર કાવ્યપંક્તિમાં માર્મિક લખાયું છે કે :-
આણદો કહે પરમાણદાને, માણસે માણસે ફેર;
એક લાખો દેતા ના મળે, ને એક ત્રાંબિયામાં તેર...
જેમ આ કાવ્યપંક્તિ માનવ-માનવમાં ફર્ક દર્શાવે છે તેમ શ્રી તત્વાર્થશાસ્ત્રની સંબંધકારિકા પણ છ પ્રકારો દર્શાવવા દ્વારા માનવ-માનવ વચ્ચે ફર્ક દર્શાવે છે. અલબત્ત, એના માપદંડો ચુસ્ત અને અલગ છે. આપણે એના છ પ્રકારો પર વિચારવિહાર આરંભ્યો છે ગત લેખથી. આજે એમાં બીજા અને ત્રીજા પ્રકારના માનવોની વિચારણારૂપે બે કદમ આગળ વધીએ :-
(૩) અધમ :- તત્વાર્થકારિકામાં એની વ્યાખ્યા શબ્દોમાં કરાઈ છે કે 'ઇહફલમેવત્વધમો'. જેઓનું વ્યક્તિત્વ આ અધમની કક્ષાનું છે તેઓનો તમામ પુરુષાર્થ-તમામ પ્રવૃત્તિઓનું ચાલક પરિબળ માત્ર વર્તમાન જીવનમાં ફળો મેળવવાનું હોય. એ ફળ સુખ-સમૃદ્ધિ-યશ-કીર્તિ વગેરે રૂપે હોય. ધ્યાનાકર્ષક બાબત એ છે કે એની પ્રવૃત્તિનાં-પુરૂષાર્થનાં લક્ષ્યમાં પરલોકનાં ફળોને કોઈ સ્થાનમાત્ર ન હોય. કારણ કે એ પરલોકને અને એનાં કારણરૂપ પુણ્ય-પાપ વગેરેને માનતો જ ન હોય. એની વિચારસૃષ્ટિ માત્ર આ લોકપૂરતી સીમિત હોય. આનું પરિણામ એ આવે કે પર લોકમાં શુભ ગતિ-શુભસ્થાનની પ્રાપ્તિ માટે એને પુણ્યોપાર્જનની-સત્કર્મની કોઈ આવશ્યકતા ન લાગે. બસ, આ જન્મમાં જે મળ્યું છે એને મન ભરીને માણો-લહેર કરો. પેલી ઇંગ્લીશ કહેવત છે ને કે 'ઈટ, ડ્રીંક એન્ડ બી મેરી'. ખાઓ-પીઓ અને મજા કરો. આ માન્યતા આ કક્ષાની વ્યક્તિઓની હોય.
આ બીજી કક્ષાની વ્યક્તિઓની માન્યતાને હજુ વિશેષ સ્પષ્ટ કરતા એક પ્રાકૃતભાષાનું સૂક્ત જણાવે છે કે :-
જઈ લચ્છી વસઈ ઘરે, પિયાનુકૂલા સુકીત્તિ ભૂવલએ;
તા ઇત્થેવ નરાણં, સગ્ગો મુક્ખો અ સુહહેઉ.
ભાવાર્થ કે ઘરમાં જો સમૃદ્ધિ છે, પત્ની અનુકૂલ છે, લોકમાં પ્રસિદ્ધિ-કીર્તિ છે : તો સુખનું કારણ ગણાતા સ્વર્ગ-મોક્ષ બધું અહીં જ હાજરાહજૂર છે એમ સમજી લો ! બીજી કક્ષાની વ્યક્તિઓની આમાન્યતા વસ્તુત: નાસ્તિકતાના વિચારસરણી છે. એ વાસ્તવિકતા નથી, નિતાંત અવાસ્તવિક છે. કઈ રીતે ? એ તર્કથી સમજીએ.
એવું જોવાય છે કે એક જ પિતાનાં બે પુત્રો પૈકી એક અઢળક સમૃદ્ધિ મેળવે છે અને બીજાને આજીવિકાના વાંધા હોય છે. કેમ આમ? કોઈ કહેશે કે એકમાં આવડત-નસીબ છે અને બીજામાં નથી. તો અમારો પ્રતિપ્રશ્ન છે કે માતા-પિતાનો જીનેટિક વારસો એકસરખો હોવા છતાં એકમાં એ બે તત્વો છે અને બીજામાં એ નથી આવું કેમ ? આનો ઉત્તર કાંઈક અલગ જ છે... બીજી વાત. એવું નિહાળાય છે કે એક જ પિતાને બે પુત્રો પૈકી એકને જન્મતાની સાથે જ બે-ચાર દિવસમાં કેન્સર જેવો રોગ હોવાનું નિદાન થાય અને બીજો આજીવન આવા કોઈ રોગનો ભોગ નથી બનતો. કેમ એમ ? કોઈ કહેશે કે એની શારીરિક સંરચનાની એ ખામી છે. તો અમારો પ્રતિપ્રશ્ન છે કે માતા-પિતાનો જીનેટીક વારસો એકસરખો હોવા છતાં આ તફાવત કેમ સર્જાયો ? આનું સાચું કારણ અલગ છે... ત્રીજી વાત. એવું ય નિહાળાય છે કે એક જ પિતાને બે પુત્રો પૈકી એક પ્રખર બુદ્ધિમાન નીવડે અને બીજો બારાખડીના ચૌદમા અક્ષર 'ઢ' જેવો નીવડે. આમ કેમ ? કોઈ કહેશે કે એ મગજના કોશોના વિકાસમાં તર-તમતા છે માટે આમ બને. તો અમારો પુન: એ જ પ્રતિપ્રશ્ન છે કે માતા-પિતાને જીનેટીક વારસો સમાન હોવા છતાં આ ફર્ક કેમ સર્જાયો ? કારણ એના અલગ છે.
આ ત્રણેય ઉદાહરણનાં સાચા કારણ છે પુણ્ય અને પાપ. જેને સમૃદ્ધિ-આરોગ્ય-બુદ્ધિમત્તા મળી છે એ પુત્રે નિશ્ચિતપણે પૂર્વકાળમાં પુણ્યકર્મ ઉપાર્જિત કર્યું છે અને જેને દરિદ્રતા-રોગ-મૂર્ખતા મળી છે તે પુત્રે અવશ્યપણે પૂર્વકાળમાં પાપકર્મ ઉપાર્જિત કર્યું છે. એમાં પણ જે પુત્રને જન્મજાત કેન્સર જેવો રોગ કે મૂર્ખતા મળી છે તેના કિસ્સામાં તો દીવા જેવું સ્પષ્ટ માની શકાય કે એનું જે પાપોપાર્જન પૂર્વજન્મનું-પરલોકનું જ છે. એટલે બીજી કક્ષાની વ્યક્તિ એમ માને છે કે સ્વર્ગ-મોક્ષ બધું અહીં જ છે-પરલોક જેવું કાંઈ નથી. એ માન્યતાનો આ ધારદાર તર્કોથી સંપૂર્ણ છેદ ઊડી જાય છે.
એક વાત તો હૃદયપૂર્વક સ્વીકારજો કે આ સૃષ્ટિમાં યોગ્ય કારણ વિના તેને યોગ્ય કાર્ય સંભવિત જ નથી. ધરતીમાં ધરબાતા બીજરૂપે જો ગોટલી છે, તો આમ્રવૃક્ષ જ સર્જાશે, લીમડો કદી નહિ. કેમકે ગોટલી આમ્રવૃક્ષ નામે કાર્યનું સુયોગ્ય કારણ છે. એથી વિપરીત ધરતીમાં ધરબાતા બીજરૂપે જે લીંબોળી છે, તો એમાંથી લીમડો જ સર્જાશે. આમ્રવૃક્ષ કદી નહિ. કેમ કે લીમડો નામે કાર્યનું સુયોગ્ય લીંબોળી જ છે. બસ, જીવનમાં શુભ યા અશુભ રીઝલ્ટ આપતાં કાર્યોનું સુયોગ્ય-સાચું કારણ ક્રમશ: પુણ્ય અને પાપ જ છે. એની સાથે પરલોક જેવી બાબતો જોડાયેલી જ છે. આ વાત નિ:શંકપણે હૃદયસ્થ કરી દેવાથી બે લાભ થશે. એક એ કે આપણો નંબર અધમની બીજી કક્ષામાંથી બાકાત થઈ જશે અને બીજો લાભ એ કે પરલોક-પુણ્ય-પાપ જેવી બાબતો માનવાથી, છાકટા-નિ:સંકોચ બનીને હિંસા-જૂઠ આદિ પાપો કરવામાં 'બ્રેક' લાગશે. કારણ કે પાપનો-પરલોકનો ડર રહેશે. ખબર છે પેલી વાત?
જૂનાગઢનો રાજવી રા'ખેંગાર. એનામાં શૂરવીરતા-પ્રજાવત્સલતા જેવા ગુણો હતા. પરંતુ એક મોટો દુર્ગુણ હતો શિકારનો. વારે-તહેવારે એ સૈનિકો લઈને જંગલોમાં શિકાર માટે નીકળી પડે. એની સંસ્કારી-અહિંસાપ્રેમી પ્રજાને રાજાનો આ દુર્ગુણ સંતાપ આપે. કિંતુ સિંહના મોઢે કહે કોણ કે તારું મોં ગંધાય છે ? એક સમયની વાત, રાજા સૈનિકો સાથે શિકાર માટે નીકળ્યો હતો. એમાં એક હરણની પાછળ એ દૂર દૂર સુધી એવો ખેંચાઈ ગયો કે એના તમામ સૈનિકોથી એ વિખુટો-એકાકી થઈ ગયો. અડાબીડ જંગલ અને સાવ એકાકી રાજા : એને કેમે કરી બહાર નીકળવાનો માર્ગ મળે નહિ. બહુ અથડાતા-કુટાતા એ કેડી જેવા માર્ગે પહોંચ્યો. ત્યાં સામે એક ગ્રામ્ય વ્યક્તિ મળી.
એણે પોશાક પરથી પિછાણી લીધું કે આ અમારો રાજા લાગે છે. એ શિકારે જતાં અટવાયો હોવાનું અનુમાન પણ એણે લગાવ્યું. ત્યાં રાજાએ એને પૂછયું : 'ભાઈ ! આ માર્ગ જૂનાગઢ જાય છે ?' ચતુર ગ્રામ્ય વ્યક્તિએ તક ઝડપીને રાજાને સુધારવા ગજબનાક ઉત્તર આપ્યો : 'માફ કરજો રાજાજી ! હું ફક્ત બે જ માર્ગ જાણું છું : સ્વર્ગનો અને નર્કનો. દયા સ્વર્ગનો માર્ગ છે અને હિંસા નર્કનો માર્ગ છે !' વાત એવા સમયે અને એવા શબ્દોમાં કહેવાઈ હતી કે એની સચોટ અસર રાજાના અંતરમાં થઈ. આ હિંસાથી પરલોકમાં પોતાની કેવી દુર્ગતિ થશે એ વિચારે રાજા થથરી ગયો અને એણે શિકારની હિંસા કાયમી ત્યજી દીધી ! કહેવુ જ જોઈશે કે આમાં પાપની-પરલોકની વિચારણા જ કારણરૂપ હતી.
(૩) વિમધ્યમ : વિમધ્યમ એટલે મધ્યમ નહિ, પરંતુ મધ્યમની નજીકની કક્ષા. આ ત્રીજી કક્ષાની વ્યક્તિઓ આ લોક-પરલોક બન્નેનો સ્વીકાર કરે, પુણ્ય-પાપ, ધર્મ-કર્મ વગેરેમાં માને. પરંતુ એની ધર્મકરણી સમ્યગ્ ન હોય, એનો બોધ સમ્યગ્ ન હોય. મલિન હોય. પુરુષાર્થના સંદર્ભમાં આ વાત વિચારીએ તો, પહેલી બે કક્ષાના જીવો માત્ર અર્થ-કામપરસ્ત હોય. ધર્મ સાથે એને સ્નાન-સૂતકનો ય સંબંધ ન હોય. જ્યારે આ બીજી કક્ષાના જીવોને અર્થ-કામ ઉપરાંત ધર્મ સાથે ય સંબંધ હોય. પરંતુ એ ધર્મમાં એની પ્રવૃત્તિ એને આશય વગેરે અશુદ્ધ હોય. ધર્મમાં જોડાયેલ મોટો વર્ગ આ ત્રીજા અને હવે પછીના ચોથા પ્રકારમાં આવે એવો હોય છે. અર્થાત્ એમની ધર્મકરણી-આશયમાં શુદ્ધિ ન હોય. એક શ્લોક પણ કાંઈક આવો જ નિર્દેશ કરે છે કે :-
ધર્મસ્ય દુર્લભો જ્ઞાાતા, સમ્યગ્ વક્તા તતોપિ ચ;
શ્રોતા તતોપિ શ્રદ્ધાવાન, કર્તા કોપિ તત: સુધી:
ભાવાર્થ કે ધર્મના જ્ઞાાતા દુર્લભ છે, ધર્મના સમ્યગ્ વક્તા એથી દુર્લભ છે, તેવા શ્રોતા એનાથી પણ દુર્લભ છે અને સમ્યક્કર્તા આચરનાર તો સૌથી દુર્લભ છે. મોટા ભાગના ધર્મક્ષેત્રીય જીવો જાણતા-અજાણતા કેવી દૂષિત આશય-પ્રવૃત્તિ ધરાવતા હોય એની ઝલક નિહાળવી છે? તો વાંચો આ રમૂજકથા :
એક ભક્ત ગણાતો ભાઈ એના ભગવાનની ભક્તિ એવી સરસ-અદ્ભૂત કરે કે કોઈ નવી વ્યક્તિ એની ભક્તિ જુએ તો વિસ્મયચકિત જ થઈ જાય. અઢી-ત્રણ કલાક સુધી એ ભક્તિ કરે, એના પ્રભુની અવનવાં પુષ્પોથી જબરજસ્ત નિત્ય સજાવટ કરે અને ૨૫-૩૦ મિનિટ સુધી થોડે દૂર રહી સજાવાયેલ પ્રભુને ટગર ટગર નીરખ્યા જ કરે ! કેટલાક ને એમ થતું કે ચલો, ભક્તિમાં અઢી-ત્રણ કલાક પસાર કરે છે એ સારી વાત છે. પરંતુ પછી અર્ધો કલાક ટગર-ટગર નીરખવાનો શો અર્થ ? આ તો 'ટાઈમપાસ' જેવું છે. આખરે એક વ્યક્તિથી ન રહેવાયું. એણે પેલા ભક્તને પૂછી જ લીધું : 'આ ટગર ટગર શું જોયા કરો છો ?' 'વાત એમ છે કે મારો ધંધો આંકડા રમવાનો છે. હું પુષ્પસજાવટ પછી પ્રભુને એટલે નીરખ્યા કરું છું કે સજાવેલ પુષ્પોમાંથી જે પુષ્પ પહેલું નીચે પડે તે એની લાઈનમાં જેટલા નંબરે હોય એ આંકડો હું શુકનવંતો સમજી રમું છું અને એમ કરવામાં કાયમ કમાણી જ થઈ છે. તમે જ કહો, પહેલું પુષ્પ ક્યારે ખર્યું એ ધ્યાન રાખવા માટે ટગર ટગર જોવું જ પડે ને ?' પૂછનાર સ્તબ્ધ થઈ ગયો. ભક્તિની આ વિચિત્ર લાલસાથી-અશુદ્ધ આશયથી !
છેલ્લે એક વાત : 'ઓક્સીજનનું અસ્તિત્વ અપ્રત્યક્ષ હોવા છતાં નક્કર સત્ય છે તેમ પુણ્ય-પાપાદિનું અસ્તિત્વ પણ અપ્રત્યક્ષ હોવા છતાં નક્કર સત્ય છે...'


