- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
એક મજાનું અન્યોક્તિ સુવાક્ય વાંચ્યું હતું ક્યાંક કે, 'માનવી આકાશી તારા પામવાની લ્હાયમાં એટલો વ્યસ્ત રહે છે કે એની સાવ બાજુમાં રહેલ, હાથવગા પુષ્પગુચ્છ તરફ એની નજર જ જતી નથી.' સૂચિતાર્થ આ સુવાક્યનો એ છે કે ઘણીવાર માનવી પોતે કલ્પી લીધેલ મહત્વની બાબત માટે એટલો ગૂંચવાયેલો રહે છે કે એની આસપાસમાં અને સાવ હાથવગી રહેલ અન્ય મહત્વની બાબત પ્રત્યે એ સાવ બેદરકાર-બેખબર રહે છે.
આ વિધાનને સાર્થક ઠેરવે એમ, મોટા ભાગના માનવીઓ 'સ્' અક્ષરથી શરૂ થતી પાંચ એવી બાબતો તરફ બેખબર બેદરકાર રહે છે કે જે મહત્વની પણ હોય અને એના માટે હાથવગી પણ હોય. છેલ્લા ત્રણ લેખોથી આપણે ક્રમશ: આવી એકેક બાબતો અંગે વિચારણા કરીએ છીએ કે જે અજ્ઞાથી સુજ્ઞા સુધી સહુ માટે ઉપલબ્ધ હોય. આજે વિચારીશું એ ક્રમમાં ચોથી બાબત.
(૪) સંયોગ :- સંયોગ શબ્દના અર્થ અલગ અલગ સંદર્ભ અનુસાર અલગ અલગ થઈ શકે. આપણે અહીં સંયોગનો અર્થ કરીશું પરિસ્થિતિ. ઉદાહરણરૂપે એક વાક્ય લઈએ તો, ઘણી વાર આપણે આવું વાક્ય બોલીએ છીએ કે, 'ત્યારે સંયોગો જ એવા હતા કે મારાથી કાંઈ બોલી શકાયું નહિ.' સમજાઈ શકે છે કે અહીં સંયોગ શબ્દનો અર્થ છે પરિસ્થિતિ.
આ સંયોગ અર્થાત્ પરિસ્થિતિ પ્રકૃતિ માટે યા વ્યક્તિ માટે ક્યારેય એકસરખી હોતી નથી. પ્રકૃતિની-કુદરતની અપેક્ષાએ વિચારીએ તો, જે સૂર્ય ગ્રીષ્મઋતુમાં મધ્યાહ્ને અંજાઈ જવાય તેવા ભરપૂર તેજે પ્રકાશે છે એ જ સૂર્ય વર્ષાઋતુમાં મેઘાડંબરથી-વાદળાંઓથી એવો ઘેરાઈ જાય કે એનાં તેજ સાવ ઝાંખા-પાંખા થઈ જાય ! બીજી વાત. વસંતઋતુમાં જે વૃક્ષ પર્ણો-પુષ્પો-ફળોથી લચી ઊઠતા હોય છે એ જ વૃક્ષો પાનખર ઋતુમાં સાવ શોભાવિહીન-પર્ણાદિથી રહિત હોય ! ત્રીજી વાત. રથના ચક્રની ધરીનો જે ભાગ ઉપર હોય એજ ભાગ ક્ષણાર્ધમાં સૌથી નીચે થઈ જાય.
જેમ ઉપરોક્ત રીતે પ્રકૃતિની અપેક્ષાએ સંયોગોમાં-પરિસ્થિતિમાં પરિવર્તન આવે છે તેમ વ્યક્તિનાં જીવનમાં ય સંયોગોમાં-પરિસ્થિતિમાં પરિવર્તન આવે છે. વ્યક્તિ ચાહે તેવી પુણ્યશાળી-નસીબદાર હોય તો પણ પ્રાય: એનાં જીવનમાં કેવળ સુખનાં બદલે ક્યારેક દુ:ખ આવે છે, અનુકૂલતાની ભરમાર વચ્ચે ક્વચિત્ પ્રતિકૂલતા આવે છે. એકાંત સુખ-અનુકૂલતામય પરિસ્થિતિ કાયમ કોઈની નથી હોતી. એથી વિપરીત જે વ્યક્તિ બદનસીબ છે એનાં જીવનમાં ય પ્રાય: કેવળ દુ:ખ નથી હોતાં. દુ:ખોની ભરમાર વચ્ચે થોડી સુખની ઝલક પણ આવે. પ્રતિકૂલતાની વચ્ચે અનુકૂલતા ય ક્વચિત્ આવી જાય. કારણ કે સંયોગો-પરિસ્થિતિઓ પરિવર્તનશીલ છે. એક સંસ્કૃત સૂક્તિમાં આ રજૂઆત બહુ પ્રબળ પણે કરાઈ છે કે :
कर्शैकान्तं सुखमपगतो दुंखमेकान्ततो वा, नीचैर्गच्छत्युपरि च दशा चक्र-नेमि- क्रमेण ।
ભાવાર્થ કે એકાંત સુખ કે એકાંત દુ:ખ પામનાર માનવી આ સૃષ્ટિમાં કોણ છે ? અર્થાત્ કોઈ નથી. અહીં તો સહુ રથની ધરીના ક્રમથી ઉપર-નીચેની ઉપર-નીચેની દશા પામે છે !
વાસ્તવિકતા જો આ છે તો નિશ્ચિત થઈ જાય છે કે સામાન્ય માનવીનાં જીવનમાં ય ક્યારેક અનુકૂલ સંયોગો-અનુકૂલ પરિસ્થિતિઓ આકાર લેતી હોય છે. તક કહો કે અનુકૂલ પરિસ્થિતિ : એને એ કેવી તત્પરતાથી ઝડપે છે એના પર એ સંયોગોની સાર્થકતાનો આધાર રહે છે. અનુકૂલ સંયોગોનો તત્પરતાથી યોગ્ય ઉપયોગ થાય તો પરિણામ કેવું અદ્ભુત આવે એ જાણવું છે ? તો વાંચો જૈન ઇતિહાસની આ અદ્ભુત સત્ય ઘટના :
શાલિગ્રામ નામે નાનકડું ગામ. ત્યાં ધન્યા નામે વિધવા સ્ત્રી એના સંગમ નામે આઠ-દસ વર્ષના પુત્ર સાથે રહે. આસપાસનાં ઘરોમાં કચરાં-પોતાથી જીવન ગુજરાન કરતી ધન્યાએ એના પુત્રને ક્યારેય રોટલો-મરચું જેવા સામાન્ય ખાદ્ય પદાર્થથી વિશેષ આપ્યું ન હતું. કેમકે એની આર્થિક ગુંજાયેશ જરા ય ન હતી. સંગમને ય કોઈ વિશેષ અપેક્ષા ન હતી. એની આસપાસ થોડા જૈન પરિવારો વસતા હતા. એથી જૈન શ્રમણો-એમની ભિક્ષાચર્યાની એને થોડી થોડી માહિતી હતી ખરી.
એક દિવસની વાત. સમવયસ્ક મિત્રો સાથે રમતા સંગમને ખબર પડી કે આજે તહેવારનો દિવસ હોવાથી મોટા ભાગના મિત્રોનાં ઘરે મોંઘા મિષ્ટાન્ન બન્યા હતા. સંગમને મનમાં ચોટ લાગી ગઈ કે ગમે તે થાય, આજે મારાં ઘરે ખીર બનવી જ જોઈએ. એણે મા પાસે રડતા રડતા જીદ કરી કે, 'તું આજે મને ખીર નહિ બનાવી આપે તો હું કાંઈ જમીશ નહિ.' બિચારી મા ! એ સમજતી હતી કે દૂધ-ચોખા-સાકર-બદામ લાવીને ખીર બનાવવાની એની હેસિયત નથી. પણ જીદે ચડેલ નાદાન બાળકને એ સમજાવવું શી રીતે ? પોતાની અસહાયતા પર ધન્યા મુક્ત મને રડી પડી. આસપાસના પરિવારોને બાળકની જીદની ખબર પડી એટલે એમણે સહૃદયતાથી ધન્યાને દૂધ-બદામ વગેરે આપ્યા. આશ્વસ્ત થયેલ ધન્યાએ, બાળકે જીવનમાં પ્રથમવાર કરેલ જીદ પૂર્ણ કરવા સરસ ખીર તૈયાર કરી. બાળકને ખીરની તપેલી આપી એ પાણી ભરવા સરોવરતટે ગઈ. એ અરસામાં માસક્ષમણ (સળંગ ત્રીસ ઉપવાસ)ના તપસ્વી જૈન શ્રમણ 'ધર્મલાભ' કહી ધન્યાની ઝૂંપડીમાં પ્રવેશ્યા.
મુનિને જોતાં સંગમની વિચારધારા બદલાઈ કે 'આવા જૈન મુનિઓ મારા બાળમિત્રોનાં ઘરે આવે છે. મારાં ઘરે તો પહેલી જ વાર આવ્યા છે અને કુદરતી આજે મારે ત્યાં સંયોગો-પરિસ્થિતિ અનુકૂલ છે. ખીર જેવું શ્રેષ્ઠ મિષ્ટાન્ન બન્યું છે. તો હું શા માટે સુપાત્રદાનનો લાભ ન લઉં ?'
એણે સ્વયંસ્ફૂર્ત ભાવનાથી અતિ ઉલ્લાસપૂર્વક શ્રમણનાં પાત્રમાં ખીર અર્પણ કરી. તપસ્વી મુનિવર 'બસ બસ' કહેતા રહ્યા અને સંગમે તો તમામ ખીર શ્રમણના પાત્રમાં સમર્પી દીધી. સંગમ સાવ સામાન્ય દરિદ્ર બાળક હતો. એણે જીવનમાં પ્રથમવાર સાંપડેલ અનુકૂલ સંયોગની તક ત્વરિત ઝડપીને આ અણધાર્યું સુકૃત કર્યું. પરિણામ ? પરિણામ એ આવ્યું કે એનાથી ઉપાર્જિત પ્રબળ પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે એ, પછીનાં જન્મનાં રાજગૃહીનગરનો દંતકથા સમો મહર્દ્ધિક શ્રીમંત શાલીભદ્ર બન્યો. માનવદેહમાં દેવતાઈ સુખ ભોગવનાર આ એક જ વિરલ પુણ્યવાન ઇતિહાસનાં પાને અંકિત થયો છે. એ રોજ જ નવાં દિવ્ય વસ્ત્રો અને નવાં સુવર્ણાલંકારો પરિધાન કરે. એક વાર જે અતિ મૂલ્યવાન સુવર્ણાલંકારો એણે પરિધાન કર્યા હોય તે ફરીવાર એ ક્યારેય પરિધાન ન કરે. આનાથી ય અદ્ભુત અને વંદનીય વાત એ બની કે શાલિભદ્રે એ દોમદોમ સાહ્યબી સંપૂર્ણત: ત્યાગીને સર્વવિરતિધર્મ-શ્રમણધર્મ સ્વીકાર્યો અને કર્મમુક્ત સિદ્ધ ભગવાન બન્યા.
આ ઐતિહાસિક નમસ્કરણીય ઘટનામાં એ વાત આંખે ઊડીને વળગે એવી જણાશે કે સામાન્ય વ્યક્તિએ પણ સાનુકૂલ સંયોગની તક ઝડપી લીધી તો એનું જીવન અસામાન્ય ઉન્નત બની ગયું.
હવે આ સંદર્ભમાં બે નવી વાત. એક, શુભ કાર્યનાં-ધર્મકાર્યનાં ક્ષેત્રે સંયોગ જ્યારે અનુકૂલ સર્જાય ત્યારે તે તે કાર્યો : 'કાલે કરીશ-પછી કરીશ' જેવી વૃત્તિ દાખવી મોકૂફ ન રાખવા. બલ્કે શક્ય તેટલા ત્વરિત કરવા : જેમ સંગમે ત્વરિત સુપાત્રદાનરૂપ ધર્મકૃત્ય કર્યું એમ. જો એ શુભ કાર્યો આગળ પણ મોકૂફ રાખશો તો બની શકે કે સંજોગ પુન: વિપરીત થાય અને એ કાર્ય સાવ અટકી જ જાય. આ પ્રેરણા કરતાં એક ગુર્જર કાવ્યકંડિકા સરસ વાત કરે છે કે :
જો ધર્મકેરું શુભ હોય કાજ, કાલે કર્યાથી કરી લેવું આજ;
તાળી પડે તો બદલાય તાલ, કોણે દીઠી છે પછી કેવી કાલ.
બીજી વાત. શુભ કાર્યો-ધર્મકાર્યો માટે જો મન 'પોઝેટીવ' હશે તો સંયોગ કદાચ સાનુકૂલ ન પણ હોય તો ય વ્યક્તિ શુભકરણી-ધર્મકરણી માટે મન બનાવી લેશે. જૈન ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલ બાહડમન્ત્રી દ્વારા થયેલ શત્રુંજયમહાતીર્થપુનરુદ્ધારની ઘટના આનો પુરાવો છે.
છેલ્લે એક વાત : ઠંડે પ્રહરે આગળ નહિ વધો તો ભરબપોરે હેરાન થશો... આ જન્મમાં જો આરાધના નહિ કરો તો આગામી જન્મમાં હેરાન થશો.


