Get The App

હૃદયસ્થ કરવા જેવી ભાવના : પરોપકાર વાસ્તવમાં પર- ઉપકાર નહિ, સ્વ-ઉપકાર છે !

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
હૃદયસ્થ કરવા જેવી ભાવના : પરોપકાર વાસ્તવમાં પર- ઉપકાર નહિ, સ્વ-ઉપકાર છે ! 1 - image


- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- 'હમણાં, આ ચાતુર્માસ પૂર્વે કચ્છયાત્રા કરી ત્યારે ઠેર ઠેર નિહાળ્યું કે નાના નાના ગામોમાં પાંખી જૈન વસતિ છતાં મુખ્યત્વે જૈનો દ્વારા જીવદયાપ્રવૃત્તિરૂપે વિરાટ પાંજરાપોળ ચાલતી હોય. એમાં અબોલ પશુઓની નિ:સ્વાર્થ સેવા થતી હોય. અમે એમાં નિહાળી મનફરા પાંજરાપોળ. એક સાથે ચાર હજાર બસોથી વધુ પશુ-પંખીઓની ત્યાં જે શુશ્રૂષા થતી હતી, જે સ્વચ્છતા સાથે સંભાળ લેવાતી હતી એ કાબિલેદાદ હતી. માત્ર ચાર-પાંચ જૈન અગ્રણી કાર્યકર્તા એનું ધ્યાન રાખે છે અને કોઈ જ એફ.ડી. ન હોવા છતાં દાતાઓની અને સરકારી સહાયથી વર્ષે સાડા સાત ક્રોડ રૂ. ખર્ચીને પશુઆદિની સેવા કરે છે !'

કલિકાલસર્વજ્ઞા જૈન શાસનના પ્રભાવકશિરોમણિ શ્રીમાન હેમચન્દ્રાચાર્યે નવસો વર્ષ પૂર્વે રચેલ 'યોગશાસ્ત્ર' નામે ગ્રન્થમાં, માર્ગાનુસારી વ્યક્તિના પાંત્રીશ ગુણોના નિરૂપણસમયે એક ગુણ દર્શાવવા વિશેષણપંક્તિ રજૂ થઈ છે કે 'પરોપકૃતિકર્મઠ :' ભાવાર્થ કે માર્ગાનુસારી વ્યક્તિ પરોપકાર કરવામાં કર્મઠ હોય, કુશલ હોય, તન-મન-ધનનો ભોગ આપીને પરોપકાર કરનાર હોય.

ધ્યાનમાં રહે કે જૈન શાસ્ત્રોની દૃષ્ટિએ માર્ગાનુસારિતાની ભૂમિકા સમ્યગદર્શનાદિ વાસ્તવિક ધર્મપ્રાપ્તિથી પણ પૂર્વેની છે. ત્યારે પણ પરોપકાર કરવાની કર્મઠતા-જબરજસ્ત તત્પરતા હોય તે ખૂબ નોંધપાત્ર- ધ્યાનાકર્ષક બાબત છે. અમને આજે પણ એવી વ્યક્તિઓની પરોપકારપ્રવૃત્તિઓ કર્ણોપકર્ણ નહિ, બલ્કે તે વ્યક્તિ સાથે રૂ-બ-રૂ વાર્તાલાપમાં જાણવા મળતી રહે છે કે જેમાં પરોપકારનો વ્યાપ અને ઊંચાઈ અદ્ભુત લાગે. બહુ તાજા જ બે ઉદાહરણ ટાંકીએ : એક છે સામૂહિક અને બીજું છે વૈયક્તિક.

હમણાં, આ ચાતુર્માસ પૂર્વે કચ્છયાત્રા કરી ત્યારે ઠેર ઠેર નિહાળ્યું કે નાના નાના ગામોમાં પાંખી જૈન વસતિ છતાં મુખ્યત્વે જૈનો દ્વારા જીવદયાપ્રવૃત્તિરૂપે વિરાટ પાંજરાપોળ ચાલતી હોય. એમાં અબોલ પશુઓની નિ:સ્વાર્થ સેવા થતી હોય. અમે એમાં નિહાળી મનફરાપાંજરાપોળ. એક સાથે ચાર હજાર બસોથી વધુ પશુ-પંખીઓની ત્યાં જે શુશ્રૂષા થતી હતી, જે સ્વચ્છતા સાથે સંભાળ લેવાતી હતી એ કાબિલેદાદ હતી. માત્ર ચાર-પાંચ જૈન અગ્રણી કાર્યકર્તા એનું ધ્યાન રાખે છે અને કોઈ જ એફ.ડી.ન હોવા છતાં દાતાઓની અને સરકારી સહાયથી વર્ષે સાડા સાત ક્રોડ રૂ. ખર્ચીને પશુઆદિની સેવા કરે છે ! અમે સ્વયં પણ અન્યત્ર એક પાંજરાપોળમાં એ જ દિવસોમાં રૂ. પચીશલાખનું દાન અપાવવાનું સ્વીકાર્યું. બીજી ઘટના બની અમદાવાદમાં પ્રવેશદિને. એક જૈન ભાવિક મળ્યા. નામ ન જાહેર કરવાની વિનંતિ સાથે કહ્યું કે  'સાહેબજી! રોજના દશહજાર રૂ. જરૂરિયાતમંદ સાધર્મિકબંધુઓ માટે વાપરવાનો આજીવન નિયમ સ્વીકાર્યો છે.' રોજના દશ હજાર એટલે એક વર્ષના છત્રીશ લાખ આવો આજીવનનો નિયમ! પરોપકારની ભાવનાની માત્ર ને માત્ર નિર્ભેળ અનુમોદના જ થાય ને ?

પરોપકારની આવી આવી વૈવિધ્યસભર પ્રવૃત્તિઓને ખૂબ સાર્થકતા બક્ષે તેવી ચાર બાબતો કુલ બે લેખમાં આપણે વિચારીશું. એ પૈકી પ્રથમની ત્રણ બાબતો પરોપકારપ્રવૃત્તિમાં ઉમેરવા જેવી-અપનાવવા જેવી છે અને અંતિમ એક બાબત જીવનમાં ઉમેરવા જેવી છે. આવો, આપણે એ ચાર બાબતો પર કરીએ વિચારવિહાર.

૧) અન્યોની દુ:ખમુક્તિ : જેઓ પીડિત છે, દર્દોથી- દુ:ખોથી - અભાવોથી ગ્રસ્ત છે તેવા માનવીઓ- પશુઓ આદિના દુ:ખો દૂર થાય યા હળવા થાય તે દરેક પરોપકારપ્રવૃત્તિનું ચાલક બળ રહેવું જોઈએ. જો આવો એપ્રોચ-આવો અભિગમ ચાલકબળરૂપે ન હોય તો એવું બની શકે વ્યક્તિ તે તે પરોપકારપ્રવૃત્તિમાં ગતાનુગતિકતાથી વ્યવહારપૂરતું અનુસંધાન- જોડાણ રાખે, એમાં ભીતરની દિલચશ્પી-જોડાણ ન હોય. એવું ય બને કે તે તે પરોપકારપ્રવૃત્તિમાં બેદરકારી- રેઢિયાળપણું રહે. અરે ! ક્યારેક તો વ્યક્તિગત હુંસાતુસીમાં- ખેંચતાણમાં તે તે પરોપકાર પ્રવૃત્તિનો સમૂળગો સોથ વળી જાય. આપણી પરોપકારપ્રવૃત્તિઓને આવાં નુકસાનો ન નડી જાય એ માટે દુ:ખી જીવોની દુ:ખમુક્તિની ભાવના હૈયે સતત ઘુંટાતી રહેવી જોઈએ. આવી ભાવના ઘુંટાય એ માટે ચિંતકો-વિચારકો કેવા સરસ વિચારો આપે છે એની આપણે એક ગુજરાતી અને એક સંસ્કૃત પ્રાર્થના ઝલકરૂપે નિહાળીએ :

- ગુજરાતી ગદ્ય પ્રાર્થનામાં આ શબ્દો લખાયા છે કે : - 'પ્રભુ! પીડિતની આંખમાંથી સરેલ આંસુઓ એનાં ગાલ પર સુકાઈ જાય એ પહેલાં હું એને લૂંછી શકું એટલી સંવેદના અને શક્તિ આપજે.'

પ્રસિદ્ધ સંસ્કૃત શ્લોકમાં જણાવાયું છે કે : ન ત્વહં કામયે રાજ્યં, ન સ્વર્ગ ન પુનર્ભવમ્; કામયે દુ:ખતપ્તાનાં, પ્રાણિનામર્તિનાશનમ્.

આ શ્લોકમાં એ ભાવના વ્યકત કરાઈ છે કે 'હું રાજ્યસુખની ઝંખના નથી કરતો, નથી સ્વર્ગસુખની ઝંખના કરતો કે નથી આગામી ભવની ઝંખના કરતો. હું માત્ર એક જ ઝંખના કરું છું કે જે દુ:ખસંતપ્ત જીવો છે એની પીડાઓ-દુ:ખો  દૂર થાય ! અન્યોની દુ:ખમુક્તિની આવી આવી વિચારધારાઓ હૈયે ઘુંટાય ત્યારે પરોપકારપ્રવૃત્તિ કેવી સંનિષ્ઠ બને એ જાણવું છે તો વાંચો આ સત્ય ઘટના :

'સર્વિસનાં તમામ વર્ષો એક જ સ્થળે વિતાવનાર એક પરદેશી વ્યક્તિ. એમનું કાર્યક્ષેત્ર 'ટ્રાફીક કંટ્રોલ' નું હતું. શહેરથી દૂર ભરચક વાહનવ્યવહારસભર માર્ગ એમનો કાર્યવિસ્તાર. દાયકાઓની સર્વિસ બાદ એ વ્યક્તિ રીટાયર્ડ થઈ. જ્યારે સર્વિસ હતી ત્યારે ઘડિયાળનાં કાંટે ચાલતું સમયબદ્ધ જીવન હતું. હવે નિવૃત્તિ બા સમય કેમ પસાર કરવો એ સમસ્યા આવી. ભાઈએ એના ઉપાયરૂપે નવી જીવનશૈલી અપનાવી. એના એક ભાગરૂપે નિત્ય સવારે એક કલાકની 'મોર્નીંગ વોક' એમણે શરૂ કરી. સ્થળ તરીકે એમણે પસંદ કર્યો પોતાનો સર્વિસવાળો વિસ્તાર. ત્યાં એમને અંદરથી લગાવ હતો. રોજ સવારે ઘરેથી સ્કૂટર લઈને નીકળે, એ માર્ગ પર અર્ધા કલાકે પહોંચે અને પછી એક કલાક એ માર્ગ પર એ ચાલે. વળી અર્ધા કલાકે ઘરે આવે. નિત્યનો બે કલાકનો આ કાર્યક્રમ થઈ ગયો. અલબત્ત, સ્વજનોને એમનું ચાલવાનું સ્થળ પસંદ ન હતું કે એ ભરચક ટ્રાફિકના વિસ્તારમાં ક્યાંક અકસ્માત્ થઈ જાય તો ? પરંતુ ભાઈ લગાવવશ આ વાત ગણકારતા ન હતા.

એક દિવસની વાત. રોજ બે કલાકમાં ઘરે પરત આવી જતાં ભાઈ ત્રણ કલાક પછી ય પરત ન આવ્યા. સ્વજનો ચિંતાતુર થઈ ગયા. એ યુગમાં મોબાઈલ તો હતા નહિ. એથી જેમ સમય વીતતો ગયો તેમ અમંગલની શંકા ઘટ્ટ થતી ગઈ. સ્વજનોએ સ્કૂટર વગેરે મેળવી સ્થળ પર જવાની તૈયારીઓ કરી. ત્યાં જ પેલા ભાઈ સ્કૂટર પર આવતા દેખાયા. સહુને હાશકારો થયો. ભાઈ આવતાંવેંત સહુ એમના પર તૂટી પડયા કે ' આટલી વાર લગાડી. એમાં અમને કેટલી ચિંતાઓ- અજંપો થયો. સમયનું કેમ ધ્યાન ન રાખ્યું ? જોખમી જગ્યાએ કેમ 'મોર્નીંગ વોક' કરો છો ?' ઇત્યાદિ. ભાઈએ સ્પષ્ટતા કરી કે ' આજે એ માર્ગ પર 'ટ્રાફિક પોલીસ' હાજર ન હતો અને મોટો અકસ્માત્ થતાં સાત વ્યક્તિઓ લોહીલુહાણ થઈ પડી હતી. એનાં કારણે ટ્રાફિક જામ થયો હતો. મેં તુર્ત મારો વર્ષોનો અનુભવ કામે લગાડયો. ઘાયલોને હોસ્પિટલ સુધી પહોંચાડયા. એમના જીવ બચાવ્યા અને ટ્રાફિક પણ પૂર્વવત્ કર્યો. આ બધામાં મારો સમય ઝાઝો ગયો.'

સ્વજનોને પૂરો સંતોષ ન થયો. એમાં એક વ્યક્તિ બોલી : 'અરે ભાઈ ! તું સર્વિસ પર હતો ત્યારે આ બધું કરે એ બરાબર છે. હવે તો તું રીટાયર્ડ છે. પછી આ જફામાં પડવાની શી જરૂર ? વળી તું જાણે છે કે અત્યારે તારી પાસે પોષ્ટ નથી. એમાં તું આ કામ કરે ને કોઈના મોત થાય તો તારે અદાલતના ધક્કા ખાવા પડે. એટલે શાણપણ એ છે કે 'રીટાયર્ડ' છે તો આમાં પડવું નહિ. અમને ય આવી ચિંતાઓ ન થાય.' ભાઈએ ક્ષણભર અટકીને એક જ વાક્યમાં અદ્ભુત ઉત્તર આપ્યો કે 'આઈ એમ રીટાયર્ડ, બટ નોટ એક્સપાયર્ડ !''

હૃદયને ટચ થઈ જાય એવા આ ઉત્તરમાં અન્યની દુ:ખમુક્તિની ઉદાત્ત વિચારણા ધબકે છે અને એ જ ભાઈની પરોપકારપ્રવૃત્તિને સંગીન-સંનિષ્ઠ બનાવતી હતી...

૨) સ્વહિતવૃત્તિ : વ્યવહરાજગતની એક વાત ખાસ માર્ક કરજો કે તમે બીજાના માટે જે કાર્ય કરવાના હો એના કરતાં પોતાના માટે જે કાર્ય કરવાના હો એમાં વધુ સમર્પિતતા- વધુ પ્રતિબદ્ધતા-  વધુ ચોકસાઈ રાખશો. ઉદાહરણરૂપે, સમાજમાં કોઈનો મનમેળ તૂટયો હોય એમાં મધ્યસ્થી તરીકે તમારે જવાનું હોય અને એ જ દિવસે- એ જ સમયે અચાનક તમારા વ્યવસાયના મોટા સોદાની મીટીંગ આવી ગઈ તો કઈ મીટીંગ પાછી ઠેલશો ? ચોક્કસ જ મધ્યસ્થી બનવાની મીટીંગ. કારણકે મધ્યસ્થી બનવામાં તમને કોઈ સંપત્તિનો લાભ થવાનો નથી, જ્યારે વ્યાવસાયિક સોદામાં સંપત્તિપ્રાપ્તિનો તમારો વ્યક્તિગત લાભ-સ્વાર્થ સિદ્ધ થાય છે.

બસ, આ જ નિયમ લાગુ પડે છે પરોપકારની દાનાદિ પ્રવૃત્તિઓમાં. એ બીજાના માટે કરવાની નથી, પોતાના માટે આત્માના લાભ માટે કરવાની છે. આવી સમજ કેળવાય તો એમાં સમર્પિતતા- પ્રતિબદ્ધતા ખૂબ વિશેષ સર્જાય. આ અપેક્ષાએ પહેલી વિચારણા કરતાં ય આ બીજી વિચારણા વધુ સશક્ત ગણાય. આ વિચારણાનાં બીજ ' અનુગ્રહાર્થ સ્વસ્યાતિસર્ગોદાનમ્ ' આ તત્ત્વાર્થસૂત્રની વૃત્તિમાં સરસ મળે છે. આવી વિચારણા પરોપકારપ્રવૃત્તિને કેવી સઘન-સુદૃઢ બનાવે એ નિહાળવા કચ્છયાત્રાના જ બે પાંજરાપોળપ્રસંગ સંક્ષેપમાં નિહાળીએ :

- અમે મનફરા આવ્યા ત્યારે મુંબઈના જે પુણ્યાત્માએ ત્યાં આવી સામૈયાં- સાધર્મિકવાત્સલ્યાદિ લાભ લીધો હતો એ નવીનભાઈ સાવલા. અમારી સાથે વાર્તાલાપમાં સાવ સહજતાથી બોલ્યા : ' પશુઓની દયામાં કદી ના કહેવાનું મન નથી થતું. છ માસમાં અલગ અલગ જગ્યાએ પચાસ લાખ રૂ. વાપર્યા. આ તો આપણા આત્મા માટે છે, પશુઓ માટે પછી છે !''

- અન્ય એક સ્થળે સંસ્થામાં આઠ હજાર ગાયોની વાત જાણી. કોઈ એફ.ડી.વિના એ ચાલે છે. એક ભાઈ કોઈ નામની શર્ત વિના રોજ જ, સવારે એક લાખ રૂ. સંસ્થાને આપે છે ! ક્યારે બને આ  ?  આ બધું પોતાના આત્મા માટે છે એવી સમજ કેળવાઈ હોય ત્યારે.

આપણે એ સમજ સ્થિર કરીએ કે પરોપકાર વાસ્તવમાં પર-ઉપકાર નહિ સ્વ-ઉપકાર છે !

Tags :