Get The App

સદૈવ સ્મૃતિમાં રાખવા જેવી વાત : ક્રોધમાં જે ફસાય, એના ગુણો ઘસાય અને અંતે એ દુર્ગતિમાં ઘસડાય,

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
સદૈવ સ્મૃતિમાં રાખવા જેવી વાત : ક્રોધમાં જે ફસાય, એના ગુણો ઘસાય અને અંતે એ દુર્ગતિમાં ઘસડાય, 1 - image

- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- 'દરેક વ્યક્તિ પાસે વિવેકનું સ્તર ઉત્તમ હોય એમ બને નહિ. નાની નાની વાતોમાં કેટલા ય અવિવેકી જનો એવા હોય છે કે જે ઉશ્કેરાઈ જઈને ભયાનક ગલત વ્યવહારો- બેફામ શબ્દો પર ઊતરી જાય. કહેવત ભલે હોય કે 'ટીટ ફોર ટેટ.' પરંતુ એવા બની શકાતું નથી. નિર્વસ્ત્ર સામે જેમ નિર્વસ્ત્ર ન થઈ શકાય. એમ અનુચિત વ્યવહાર સામે અનુચિત વ્યવહાર ન કરાય. એ સમયે શાંત મક્કમતા જ ઉપાય બની રહે.

'અવર્ણ' થી શરૂ થતા ચાર નકારાત્મક-દોષરૂપ શબ્દોની ચિંનતયાત્રામાં આજે આપણે વિચારીશું 'આવેશ'ની આસપાસ. આ શબ્દમાં પણ સંસ્કૃતભાષાની કરામતનો કમાલ અનુભવ થાય છે. જેમકે આવેશનો એક અર્થ છે ગુસ્સો-ક્રોધ, તો આવેશનો બીજો અર્થ છે ભૂત-પ્રેતનો પ્રવેશ અર્થાત્ વળગાડ.'ભૂતાવેશ' શબ્દ સંસ્કૃત સાહિત્યમાં ખૂબ પ્રચલિત છે.

હવે સમજીએ આ બન્ને અર્થો યાદ કરવાનું રહસ્ય. ભૂતનો વળગાડ થાય ત્યારે શાણપણ ધરાવતી બુદ્ધિમાન વ્યક્તિ પણ પાગલ જેવું વર્તન કરે. એ વળગાડના પ્રભાવમાં ઘરની મૂલ્યવાન ચીજોની ભાંગફોડ કરી નુકસાન કરે, પોતાના જ સ્વજનો-સહાયકો સાથે મારામારી-હુમલો કરી એમને પોતાને શારીરિક હાનિ કરે, તો ગમે તેમ બકવાસ કરી લોકનજરમાંથી ઉતરી જાય. ભૂતનો આવેશ અર્થાત્ વળગાડ ધરાવતી વ્યક્તિની આ જ બધી વિલક્ષણ-વિચિત્ર ખાસિયતો આવેશ અર્થાત્ ગુસ્સો ધરાવતી વ્યક્તિઓમાં જોવા મળે છે. ફર્ક બે છે કે ભૂતનો વળગાડ ધરાવતી વ્યક્તિ લોકોમાં હમદર્દીને- અનુકંપાને પાત્ર બને છે, જ્યારે ગુસ્સો ધરાવતી વ્યક્તિ એની ઉપરોક્ત હરકતો બદલ તિરસ્કારને પાત્ર બને છે. બીજી વાત એ કે ભૂતનો વળગાડ ધરાવતી વ્યક્તિને એના ઉપરોક્ત વર્તાવ બદલ પશ્ચાત્તાપ- દુ:ખ નથી હોતું, જ્યારે ગુસ્સો ધરાવતી વ્યક્તિને એના વર્તાવ બદલ ગુસ્સો ઉતર્યા બાદ પારાવાર પશ્ચાત્તાપ હોય છે.

ગુસ્સારૂપ આવેશ ભૂતના વળગાડરૂપ આવેશથી ય બદતર હોવાથી, એનાથી બચવા આપણે ગુસ્સો-આવેશ આવવાના પાંચ કારણો પર વિચારણા કરીએ :

૧) દુષ્ટવાણી : કાળજે ઘા કરી જાય તેવા કઠોર-કડવા શબ્દો, મર્મઘાત કરે તેવા કાતિલ શબ્દો-કટાક્ષો, આવેશમાં વગર વિચાર્યે કરાતા બેફામ આરોપો- આક્ષેપો : આ બધી છે દુષ્ટ વાણી. આવી દુષ્ટ વાણી સામી વ્યક્તિમાં દીર્ઘકાળ વૈર-વિરોધ-આવેશની આગ જલાવે. એનું પ્રસિદ્ધ ઉદાહરણ લઈએ તો યાદ આવે મહાભારતનું યુદ્ધ. એનાં મૂળમાં હતી 'આંધળાના દીકરા તો આંધળા જ હોય ને' આ દ્રૌપદીની દુષ્ટ કટુ વાણી. દુર્યોધનના કાળજે એના ઘા એવા લાગ્યા કે એ ઠેઠ સુધી આ શબ્દો વીસરી ન શક્યો અને મહાભારતનો મહાવિનાશ સર્જાયો.

સાવધાન ! આવેશથી દૂર થવું હોય તો એના આ પ્રથમ કારણથી મુક્ત બનો. દુષ્ટ શબ્દો ન બોલો કે જેનાથી સામી વ્યક્તિ આવેશગ્રસ્ત બની જાય. અને...કોઈ દુષ્ટ શબ્દો બોલી જાય તો જાત પર એટલો સંયમ કેળવવો કે મન આવેશગ્રસ્ત ન બને. દુષ્ટ- ખરાબ શબ્દો સાંભળ્યા પછી ય મન સ્વસ્થ રાખનાર  વ્યક્તિઓ રમૂજ દ્વારા સામી વ્યક્તિને કેવી મહાત આપી શકે એ જાણવું છે ? તો વાંચો આ મસ્ત  સત્ય ઘટના :

બંગાળના પ્રસિદ્ધ વિદ્વાન ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગર એક વાર  ટ્રેઇનપ્રવાસ માટે ગયા. ડબ્બામાં પ્રવેશ્યા પછી એમણે જોયું કે ત્યાં ચિક્કાર ભીડ હતી. ઘણા પ્રવાસીઓ ઊભા ઊભા જ પ્રવાસ કરતા હતા. જે બેસેલ હતા તેમાં બે અંગ્રેજ પ્રવાસીઓ જરૂર કરતા ખૂબ જગ્યા રોકીને બેઠા હતા. ઉપરાંત એ બે વચ્ચેની નીચેની જગ્યામાં અસ્ત-વ્યસ્ત વર્તમાનપત્રો એમણે નાખ્યા હતા. ઇશ્વરચન્દ્રે એ વર્તમાનપત્રોની વ્યવસ્થિત થપ્પી કરી અને જે જગ્યા મળી ત્યાં બે યની વચ્ચે નીચે બેસી ગયા.

ભારત જેવા ગુલામ દેશના નાગરિકની આ હિંમત જોઈ પેલા બે અંગ્રેજો નારાજ થઈ ગયા. એકે તુમાખીથી કહ્યું 'ગધેડો'. બીજાએ એથી ય આગળ વધી ઓર દુષ્ટ શબ્દ ઉચ્ચાર્યો 'શયતાન'. જરા ય વિચલિત-અસ્વસ્થ થયા વિના ઇશ્વરચન્દ્રે કહ્યું : 'અત્યારે હું એ બે યની વચ્ચે છું !' ડબ્બાના તમામ પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા ઇશ્વરચન્દ્રની આ ઠંડી તાકાત પર.

ખરાબ શબ્દોની સામે ખરાબ શબ્દો કે ઉગ્રતા સાચો ઉપાય નથી, સ્વસ્થતા અને અવસરે રમૂજ એ જ ખરાબ શબ્દોનો સાચો ઉપાય છે...

૨) સ્વાર્થહાનિ : સ્વાર્થ એટલે પોતાનો લાભ. એને હાનિ-નુકસાન પહોંચે ત્યારે વ્યક્તિ જલ્દી આવેશગ્રસ્ત બની જતી હોય છે. વિશેષપણે જેણે એ નુકસાન કર્યું હોય એના પર એને ગુસ્સો આવે. વસ્તુત : ગુસ્સો એનો ઉપાય નથી. એનો જ નહિ કોઈ પણ સમસ્યાનો સાચો ઉપાય ગુસ્સો નથી. ગુસ્સાથી મહંદશે સમસ્યા વકરે ને સંબંધો છાપ બગડે. બની શકે કે એ નુકસાન કરનારે કાયદાની નજરે કે લોકનજરમાં ગુનો ન ગણાય એવી સિફતથી કાર્ય કર્યું હોય. આવી સ્થિતિમાં સાચો ઉપાય એ જ કે નુકસાનનાં કારણોનો અભ્યાસ કરી  એ દૂર કરવાનો યા બીજીવાર એ નુકસાન ન થાય એવો પ્રયાસ કરવો. અને સૌથી મહત્ત્વની વાત એ કે શાસ્ત્રદૃષ્ટિએ નુકસાનનું સૌથી મોટું કારણ આપણું કર્મ છે. એટલે જો સ્વાર્થહાનિની સ્થિતિમાં જવાબદાર જાતને ગણીએ તો ગુસ્સો કરવાનું જ કારણ ન રહે..

૩) અનુચિત વ્યવહાર : દરેક વ્યક્તિ પાસે વિવેકનું સ્તર ઉત્તમ હોય એમ બને નહિ. નાની નાની વાતોમાં કેટલા ય અવિવેકી જનો એવા હોય છે કે જે ઉશ્કેરાઈ જઇને ભયાનક ગલત વ્યવહારો બેફામ શબ્દો પર ઊતરી જાય. કહેવત ભલે હોય કે 'ટીટ ફોર ટેટ.' પરંતુ એવા બની શકાતું નથી. નિર્વસ્ત્ર સામે જેમ નિર્વસ્ત્ર ન થઇ શકાય, એમ અનુચિત વ્યવહાર સામે અનુચિત વ્યવહાર ન કરાય. એ સમયે શાંત મક્કમતા જ ઉપાય બની રહે..

૪) ગેરસમજ : આવેશનું એક સૌથી મોટું કારણ આ છે. જ્યારે ગેરસમજ થાય ત્યારે તાબડતોબ ગુસ્સો ન કરતાં વાતને વિશદતાથી સમજવાની કોશિશ કરવી જોઈએ. બની શકે કે એમાં આપણી સમજ ખોટી હોવાનું પ્રતીત થાય અને ગુસ્સો થતો અટકે. આ સંદર્ભમાં નિહાળીએ એક પ્રાચીન ઘટના:

મહાભારતના યુદ્ધ બાદ શ્રીકૃષ્ણ એક વાર રથમાં મરુભૂમિમાંથી પસાર થતા હતા. ત્યાં ઉત્તંકઋષિની નાનકડી કુટિર આવી. ઋષિએ શ્રીકૃષ્ણનું દૂરથી અભિવાદન કર્યું. શ્રીકૃષ્ણ પણ ઋષિને મળવા ગયા. ઋષિને પૂર્વે એટલા સમાચાર મળ્યા હતા કે પાંડવો-કૌરવો વચ્ચે યુદ્ધનો મહોલ છે અને શ્રીકૃષ્ણ એમાં વિષ્ટિકાર બન્યા છે. પછીની એમને કાંઈ ખબર ન હતી. એમણે શ્રીકૃષ્ણની આવડત પરની શ્રદ્ધાથી પૂછયું : ' કેમ ? તમારા પ્રયત્નોથી યુધ્ધ તો અટકી જ ગયું હશે ને ?' શ્રી કૃષ્ણે વાસ્તવિકતા જણાવી કે 'યુદ્ધ તો ભયાનકસ્વરૂપે થયું. લાખો સૈનિકોના કચ્ચરઘાણ થયો, ફક્ત પાંચ પાડવો જ બચ્યા કહીએ તો ચાલે : 'પંચૈવ પાંડવા: શિષ્ટા: આ સ્થિતિ થઈ.

આ સાંભળતા જ ઉત્તંકઋષિ ગુસ્સે ભરાયા કે 'તો તમે શું કર્યું ? તમારી બુદ્ધિ ક્યાં ગઈ ? તમારો જ વાંક છે એમાં.' ગુસ્સામાં એ શ્રીકૃષ્ણને શ્રાપ આપવા તૈયાર થઈ ગયા. શ્રીકૃષ્ણે સ્વસ્થભાવે કહ્યું : 'ઋષિ ! પહેલા તમે શાંત થાવ. તો તમારી ગેરસમજ દૂર થશે. એ પછી શ્રીકૃષ્ણે વિસ્તારથી પોતાના પ્રયાસો પોતે કરેલ માત્ર પાંચ ગામ આપવાની ઓફર-સોયની અણી જેટલી ય ભૂમિ આપવાનો દુર્યોધનનો ઇન્કાર વગેરે વાત જણાવી. ઋષિની ગેરસમજ દૂર થઈ અને એ શાંત થઈ ગયા.

૫) તીવ્ર વિચારભેદ-રુચિભેદ : ધર્મ જૈનનો અપનાવવો કે શૈવનો એ વિચારભેદ છે, તો શાક કારેલાનું ગમે કે કંકોડાનું એ રુચિભેદ છે. રુચિભેદમાં ખાસ આગ્રહ રાખવા જેવો નથી અને વિચારભેદમાં પ્રામાણિક આગ્રહ જરૂર રાખીએ. પરંતુ એને આવેશનું ઝઘડાનું રૂપ ન આપીએ. યાદ કરીએ આ માટે પરસ્પર વિરોધી દેશના નેતાઓની મીટીંગ. કોઈ જ પારસ્પરિક સંમતિ ન હોવા છતાં મીટીંગના અંતે તેઓ નિવેદન આપે કે 'અમે ફરી મળવા સંમત થયા છીએ. આ છે વિચારભેદ છતાં સંવાદ- આવેશશૂન્યતા.

છેલ્લે યાદ રાખવા જેવી એક વાત : કષાયમાં જે ફસાય, એના ગુણો ઘસાય અને અંતે એ દુર્ગતિમાં ઘસડાય..