- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- 'અક્ષુદ્ર અર્થાત્ ગંભીર વ્યક્તિનું વ્યક્તિત્વ હોય છે સાગર જેવું. સાગરમાં એવું અગાધ ઊંડાણ હોય છે કે એમાં બધો કચરો સમાઈ જાય. સપાટી પર કાંઈ ન આવે. એમ ગંભીર સ્વભાવની વ્યક્તિમાં ય એવું ઊંડાણ હોય કે એમાં સામી વ્યક્તિના નિહાળવા મળેલ દોષો-અપરાધો-ગલત પ્રવૃત્તિઓ બિલકુલ ચૂપકીદીથી સમાઈ જાય. એ ન કોઈની પાસે એનો ઢંઢોરો પીટે, ન એની સાથે અવિચારી વર્તન કરે.'
પૂર્વ-લેખમાં જણાવાયું છે તેમ એક હજારથી વધુ વર્ષો પૂર્વે જેનું નિર્માણ થયું છે અને સાતસોથી અધિક વર્ષ પૂર્વે જેના પર સંસ્કૃતટીકાનું સર્જન થયું છે તે પ્રાકૃતભાષાનિબદ્ધ 'ધર્મરત્નપ્રકરણ' ગ્રન્થ. રત્ન જેમ આસાનીથી મૂલ્યાંકન ન કરી શકાય તેવું અણમોલ હોય છે તેમ આ ગ્રન્થમાં પ્રરૂપિત ધર્મનું વિશિષ્ટ સ્વરૂપ પણ અણમોલ છે કે જે સ્વર્ગ જ નહિ, અપવર્ગની પણ મોક્ષની પણ ઉપલબ્ધિ કરાવે. એ ગ્રન્થકારે ધર્મરૂપી રત્નની પ્રાપ્તિ માટે ભૂમિકાસ્વરૂપ જે એકવીશ ગુણોનો નિર્દેશ કર્યો છે તે તમામ ગુણો પર રસપ્રદ-સરલ વિવેચન કરવાનો નિર્દેશ આપણે ગત લેખમાં કર્યો હતો. એ પૈકી આજે પ્રારંભ કરીશું પ્રથમ ગુણ પર સરલ વિવેચન.
એ પ્રથમ ગુણનું નામ છે અક્ષુદ્રત્તા. આ ગુણ એમ જણાવે છે કે ધર્મક્ષેત્રે પ્રગતિ કરવા ઉત્સુક વ્યક્તિ ક્ષુદ્ર ન હોવી જોઈએ. ક્ષુદ્ર એટલે ? એના અલગ અલગ અનેક અર્થો છે. ક્ષુદ્ર એટલે તુચ્છ-હલકા સ્વભાવની વ્યક્તિ, તો ક્ષુદ્ર એટલે ક્રૂર-નિર્દય વ્યક્તિ : ક્ષુદ્ર એટલે દરિદ્ર- ગરીબ વ્યક્તિ, તો ક્ષુદ્ર એટલે સાવ નાની-મહત્વ ન ધરાવતી વ્યક્તિ. આમાંથી આ ગુણના સંદર્ભમાં 'ક્ષુદ્ર' એટલે તુચ્છ અગંભીર સ્વભાવ ધરાવતી વ્યક્તિ આ અર્થ લેવાનો છે. સ્વયં મૂલ ગ્રન્થકારભગવંતે આ અર્થઘટન કરતા મૂલ ગાથામાં લખ્યું છે કે ''ખુદ્દો ત્તિ અગંભીરો.''
ક્ષુદ્ર અર્થાત્ અગંભીર વ્યક્તિનું વ્યક્તિત્વ હોય છે છિલ્લર એટલે કે ખાબોચિયા જેવું. છિલ્લરમાં કોઈ ઊંડાણ હોય નહિ. એમાં જે કચરો ઠલવાય એ તરત ઉપર તરી આવે- તરત દેખાય. એમ ક્ષુદ્ર વ્યક્તિ કોઈની કોઈપણ સાચી-ખોટી બાબતો જાણે-નિહાળે એટલે એ એનાં મનમાં રહે નહિ. એ ગલત બાબતો તુર્ત જ કોઈને કહેવારૂપે બહાર આવી જાય, યા ગલત કાર્ય કરનાર સાથે વગર વિચાર્યા વર્તનરૂપે બહાર આવી જાય. આના મુકાબલે અક્ષુદ્ર અર્થાત્ ગંભીર વ્યક્તિનું વ્યક્તિત્વ હોય છે સાગર જેવું. સાગરમાં એવું અગાધ ઊંડાણ હોય છે કે એમાં બધો કચરો સમાઈ જાય. સપાટી પર કાંઈ ન આવે. એમ ગંભીર સ્વભાવની વ્યક્તિમાં ય એવું ઊંડાણ હોય કે એમાં સામી વ્યક્તિના નિહાળવા મળેલ દોષો-અપરાધો-ગલત પ્રવૃત્તિઓ બિલકુલ ચૂપકીદીથી સમાઈ જાય. એ ન કોઈની પાસે એનો ઢંઢેરો પીટે, ન એની સાથે અવિચારી વર્તન કરે.
જે અક્ષુદ્ર-ગંભીર સ્વભાવની વ્યક્તિ છે એનું વર્તન દોષિત વ્યક્તિ પ્રત્યે પણ કેવું ઉમદા અને સુધારણાત્મક હોય એ નિહાળવું છે ? તો વાંચો આપણે કલ્પના પણ ન કરી શકીએ એવા અદ્ભુત સૌજન્યથી છલકાતી નિકટના ભૂતકાલીન આ ઘટના :
લગભગ પચાસેક વર્ષ પૂર્વે મુંબઈમાં જેમની દાનવીર તરીકે હાક વાગતી તે વિખ્યાત જૈન શ્રેષ્ઠી માણેકલાલ ચુનીલાલ શાહ. એ નિત્ય ધંધો શરૂ કરતા પૂર્વે તે કાળે રૂ. બે હજારનું દાન જીવદયામાં કરે. પછી જ ધંધો શરૂ કરે. ધંધા બાદ ઓફિસમાં હોય ત્યાં સુધીમાં કોઈ પણ જરૂરિયાતમંદ સાધર્મિક આવે તો ખાલી હાથે ન મોકલે. પાંચસો-હજાર-બે હજાર તેઓ આપે જ. શેઠનો મુંબઈના ધનાઢય વિસ્તાર વાલકેશ્વરમાં બંગલો હતો અને એમાં એક ગૃહજિનાલય હતું. શેઠ નિત્ય પ્રભાતે એમાંની ધાતુપ્રતિમાઓની પૂજા-ભક્તિ-આંગી કરે.
એક દિવસની વાત. શેઠ મંદિરમાં એક પ્રભુજી બાજોઠ પર રાખી આંગી કરી રહ્યા હતા. મૂલનાયક તરીકેના ધાતુપ્રતિમા એનાં સ્થાને બિરાજમાન હતા. એમાં એક ભાઈ મંદિરમાં આવ્યા. શેઠ તો તલ્લીનતાથી આંગી કરતા હતા. કોઈ આવ્યું એટલો જ ખ્યાલ એમને આવેલ. પરંતુ એમની દૃષ્ટિ આંગીમાં જ એકાગ્ર હતી. અચાનક શેઠની નજર મૂલનાયક પ્રભુ પર ગઈ અને ધ્રૂજી ઊઠયા. ત્યાં મૂલનાયક પ્રભુ હતા જ નહિ ! શેઠ ક્ષણાર્ધમા સમજી ગયા કે પેલો ભાઈ મૂર્તિ ચોરીને ભાગી છૂટયો છે. એક જ ક્ષણમાં જાત પર એમણે કાબૂ મેળવી લીધો. કોઈ બૂમાબૂમ કર્યા વિના એમણે ઇન્ટરકોમથી વોચમેનને સંદેશો આપ્યો કે ' હમણાં એક ભાઈ થેલી સાથે ગેટ તરફ આવી રહ્યો છે. એને જવા ન દેશો. જમવા બાલાવે છે કહીને પરત લાવો.' વોચમેનને સૂચનાનો બરાબર અમલ કર્યો. પેલા ભાઈને ભાગવું જ હતું. પણ એ છટકી ન શક્યો.
એ ડરતા ડરતા શેઠ પાસે આવ્યો. શેઠે જાણે કાંઈ જ જાણતા ન હોય એમ એને આવકાર્યો અને દશ મિનિટ બાદ પોતાની સાથે જમવા બેસાડયો. પેલા ભાઈને નિશ્ચિંતતા આવી ગઈ કે શેઠને કાંઈ ખબર નથી. જમ્યા બાદ શેઠે પૂછયું : 'કાંઈ મદદની જરૂર છે ?' ' હા, દીકરીના લગ્નનો ખર્ચ માથે છે. ત્રણેક હજાર રૂ.ની મદદ મળે તો સારું.' શેઠે એ જમાનામાં રૂ.૩૧૦૦૦ રોકડા આપ્યા. પછી કહ્યું : 'જોઈએ તો હજુ માંગી લે. પણ જીવનમાં કદી ચોરી ન કરીશ. આજે જે પ્રભુમૂર્તિ ચોરી છે એ પરત મૂકી દે !'
પેલાની હાલત 'કાપો તો લોહી ન નીકળે' એવી સજ્જડ થઈ ગઈ. શેઠ બધુ જાણવા છતાં આવો ઉમદા વ્યવહાર કરે છે એ જાણી એ રડતા રડતા શેઠના પગે પડી બોલ્યો : ' શેઠ ! તમે માણસ નહિ, મારા માટે તો ભગવાન છો. બીજું કોઈ હોત તો મને લાફા મારી જેલમાં મોકલત. તમે મારી ઇજ્જત બચાવી.' શેઠે એની પાસે કાયમ માટે ચોરી ન કરવાનો સંકલ્પ કરાવ્યો !
હૈયું હર્ષથી ગદ્ગદ્ થઈ જાય અને આંખો અશ્રુથી તર-બ-તર બની જાય તેવી આ સત્ય ઘટનામાં એ પ્રતિબિંબિત થાય છે કે અક્ષુદ્ર-ગંભીર વ્યક્તિનાં વિચાર-વાણી-વર્તન કેવા ઉમદા હોય ! આવી વ્યક્તિઓ શુધ્ધ ધર્મની પ્રાપ્તિની પ્રથમ યોગ્યતા ધરાવે છે એમ કહી શકાય.
ગ્રન્થકાર ભગવંતે ક્ષુદ્ર વ્યક્તિનો અર્થ સમજાવવા અન્ય એક શબ્દ પ્રયોગ કર્યો કે 'ઉત્તાનમતિ.' ટીકાકાર મહર્ષિએ આ શબ્દનો અર્થ ખોલતા લખ્યું છે કે 'અનિપુણધિષણ.' ભાવાર્થ કે ક્ષુદ્ર વ્યક્તિની-તુચ્છ સ્વભાવ ધરાવતી વ્યક્તિની બુદ્ધિ નિપુણ નથી હોતી. આ સંદર્ભમાં ઉપરોક્ત માણેકભાઈની ઘટનાનું જ વિશ્લેષણકરીએ તો સમજાશે કે માણેકભાઈની બુધ્ધિ-નિપુણ-પરિણામલક્ષી હતી. ધાર્યુ પરિણામ મેળવવા માટે એમણે એ વિચાર્યું કે પહેલા અપરાધી વ્યક્તિને ભોજનાદિથી સંતુષ્ટ કરું. એને અપમાનિત ન કરું બલ્કે મારા માટે માન વધે તેમ કરું અને પછી ભૂલ દર્શાવીશ તો એ આસાનીથી ભૂલ સ્વીકારશે-સુધરશે. આવી વિચારણા નિપુણ મતિનો પ્રતાપ છે.
જે ક્ષુદ્ર વ્યક્તિ છે તેની બુદ્ધિ અનિપુણ છે. તેથી એ આવી વિચારણા-સમ્યગ્ પર્યાલોચન ન કરી શકે. એ ઉપર ઉપરથી વિચારણા કરીને પગલાં ભરે. જેમ કે પૂર્વોક્ત ઘટનાની મૂર્તિચોર વ્યક્તિ માટે એ એવો અભિગમ સર્જે કે 'આણે ચોરી કરી છે. તો મારો, વગોવો અને પછી જેલને હવાલે કરી દો.' આવો અભિગમ અપરાધીને મોટા ભાગે નફ્ફટ-બેશરમ બનાવે. અલબત્ત વ્યવહારજગત અભિગમ સ્વીકારવા જલ્દી તૈયાર ન થાય અને આ હમણાનો જ અભિગમ સ્વીકારે. પરંતુ ધર્મજગતની વાત ન્યારી છે. એ પહેલા નિપુણ બુદ્ધિથી વ્યક્તિસુધારણાનો જ પ્રયાસ કરવાનું ફરમાવે.
'અષ્ટકપ્રકરણ' નામે સંસ્કૃત ગ્રન્થમાં શ્લોકબદ્ધરૂપે એક માર્મિક દૃષ્ટાંત અપાયું છે. આપણે એને સંક્ષેપમાં ભાવાર્થરૂપે જોઈએ : નાનકડા ગામમાં વર્ષો બાદ પ્રથમવાર શ્રમણભગવંતો ચાતુર્માસ પધાર્યા. સદ્ગુરુની ધર્મવાણી ઝીલવાનો ગામજનોમાં જબરદસ્ત ઉત્સાહ હતો. એથી ચાતુર્માસપ્રવેશની ધર્મસભામાં જ અનેક ભાવિકોએ જાત-જાતના ધર્મનિયમો સ્વીકાર્યા. ચાતુર્માસમાં એણે એ નિયમો અમલમાં ય લીધા. જોતજોતામાં ચાતુર્માસ પૂર્ણ થતા શ્રમણોએ વિહાર કર્યો. ધર્મનો રંગ આ ગુરુભગવંતોએ પ્રગટાવ્યો હોવાથી ગામજનો વિહારમાં મોટી સંખ્યામાં વળાવવા આવ્યા. ગુરુવિયોગથી ખિન્ન મને અને રડતી આંખે સૌએ શ્રમણોને વિદાય આપી.
પરંતુ એક ભાઈ તો એ પછી ય વિહારમાં ચાલતો રહ્યો અને ધ્રૂસકે ધ્રૂસકે રડતો રહ્યો. ગુરુભગવંતે આમાં કાંઈક વિશેષ કારણ લાગવાથી એને પૂછયું. એ કહે : 'ગુરુદેવ ! ચાતુર્માસ પ્રવેશની સભામાં મેં એ નિયમ લીધો હતો કે ' આ ચાતુર્માસમાં કોઈ સાધુ માંદા પડે તો એની તમામ સારવારના ખર્ચનો લાભ હું ળઈશ. મને આ લાભની ખૂબ ઝંખના હતી. પણ શું કરું ? કોઈ સાધુ માંદા જ ન પડયા. માટે મારો નિયમ અધૂરો રહ્યો. બસ, એટલે હું રડું છું !' શ્રમણો સ્તબ્ધ થઈ ગયા આ ભાઈની ક્ષુદ્રબુદ્ધિથી કે એ સારવારના લાભ માટે સાધુ માંદા પડે એમ ઇચ્છતો હતો.
છેલ્લે એક વાત : વ્યવહાર ક્ષેત્રે સફલ થવા માટે બુધ્ધિની તીવ્રતા ઉપયોગી બને.. ધર્મ ક્ષેત્રે સફલ થવા માટે બુદ્ધિની અક્ષુદ્રતા ઉપયોગી બને...


