- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ
રોગની ભયાનક પીડાના દિવસોમાં જે જે ઉપાયે રોગનું શમન થાય તે તે ઔષધરૂપ ગણાય, તેમ દોષોની પીડાના સમયમાં જે-જે પ્રવૃત્તિથી તે તે ક્રોધાદિ દોષોનું શમન થાય તે તે તેના ઉપાયો ગણાય. આવા વિવિધ ઉપાયો ઉપરાંત શાસ્ત્રોએ દર્શાવેલ સૌથી મોટા ઉપાયો છે પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત. એની નિષ્ઠાપૂર્વકની અજમાયેશ દોષનાશ માટેનું બીજું સોપાન છે.
જૈન પરંપરામાં ઝડપી આત્મવિશુદ્ધિ માટેના ત્રણ ઉપાયો પ્રસિદ્ધ છે : ચતુ:શરણસ્વીકાર, સુકૃત અનુમોદન અને દુષ્કૃતગર્હા. પંચસૂત્રગ્રન્થનું પ્રથમ સૂત્ર-અમૃતવેલસજ્ઝાય વગેરે કૃતિઓમાં એનું વિસ્તારભર્યું નિરૂપણ છે. છેલ્લા બે લેખોથી આપણે જે શબ્દો આધારિત ચિંતનયાત્રા કરી અને આજે અંતિમ લેખમાં ય કરવાના છીએ તે ત્રણેય શબ્દોનું પ્રત્યક્ષ યા પરોક્ષ કનેક્શન ઉપરોક્ત ત્રણ ઉપાયો સાથે છે.
આપણે પ્રથમ શબ્દ લીધો હતો અર્જન અર્થાત્ સંગ્રહ. સદ્ગુણોનો સંગ્રહ. અરિહંતાદિ ચાર પરમ શરણ્ય તત્વોની કૃપાથી થાય છે. બીજો શબ્દ લીધો હતો સર્જન. એમાં કરાયેલ સુકૃતસર્જનનું નિરૂપણ સ્પષ્ટપણે સુકૃતઅનુમોદન સાથે સંબંધિત છે. જ્યારે આજનો જે ત્રીજો શબ્દ છે એનું અનુસંધાન દુષ્કૃતગર્હા સાથે છે. આપણે વિચારયાત્રા કરીએ આજના શબ્દની આસપાસ.
(૩) વિસર્જન :- આ શબ્દનો અર્થ છે નાશ. દુન્યવી પદાર્થોની દ્રષ્ટિએ વિચારીએ તો વિસર્જન બહુ આસાન પ્રક્રિયા છે. ચિત્રનું સર્જન કરવામાં ચિત્રકારને ભલે મહિનાઓ લાગે, પરંતુ એનાં વિસર્જન માટે એક કૂચડો ફેરવી દેવો કાફી છે. નક્શીદાર કાચફૂલદાનીનાં સર્જન માટે કારીગરને ભલે દીર્ઘ સમય લાગે, પરંતુ એના વિસર્જન માટે લાકડીનો એક ફટકો કે ફૂલદાનીને લાગી જતો એક ધક્કો કાફી છે. ધરતીને પાકથી લબાલબ કરવામાં ખેડૂત ભલે મહિનાઓ પર્યંત રાત-દિવસની મહેનત કરે, એપાકને નિરર્થક બનાવી દેવા માટે એક જ માવઠું કાફી છે. અરે ! માનવીને શરીરનો સર્વાંગસંપૂર્ણ વિકાસ કરવા માટે જીવનમાં વીશ વર્ષો લાગે છે, પરંતુ એનાં ક્ષણમાં વિસર્જન માટે એક સીવીયર એટેક કે એક ખતરનાક અકસ્માત કાફી થઈ રહે છે. ઘણી ઘણી દુન્યવી બાબતોમાં આવું નિહાળવા મળતું હોવાથી એ બાબતો માટે એમ કહી શકાય કે વિસર્જન પ્રમાણમાં આસાન બાબત છે.
પણ.. સબૂર ! વિસર્જન જો આત્મામાં જામી ગયેલ દોષોનું હોય તો એ ચોક્કસ જ ખૂબ કઠિન-મુશ્કેલ સાધના બની રહે છે. આપણે આત્મિક ઉન્નતિનાં સાધનરૂપે ત્રણ શબ્દો લીધા હોવાથી વિસર્જન શબ્દને દોષોના નાશના સંદર્ભમાં જ ખાસ વિચારવાનો છે. ક્રોધ-કામ-લોભ-ઇર્ષ્યાદિ દોષોની જડ આત્મામાં એવી ઊંડી ઊંડી ઊતરી ગઈ છે કે એમ આસાનીથી ખતમ ન થાય. કેટલાયનો એવો અનુભવ છે કે સદ્વાચન યા ઉપદેશથી ક્રોધ નહિ કરવાનો અથવા કામવાસનાનો શિકાર નહિ બનવાનો સંકલ્પ તેઓ કરે. પરંતુ એનાં જોરદાર નિમિત્તો મળતાં જ એમના એ સંકલ્પનું બાષ્પીભવન થઈ જાય... આવું બને છે એ પુરવાર કરે છે કે ક્રોધ-કામ જેવા દુર્ગુણો-દોષોનું વિસર્જન કેવું અતિશય કઠિન છે. આ કઠિનતાને મજબુતાઈથી સમજાવવા ઉલ્લેખ કરવાનું મન થઈ જાય છે અમારી બાલ્યાવસ્થાની એક ઘટના.
ઇ.સ. ૧૯૮૧. અમારી દીક્ષાનું એ ત્રીજું વર્ષ. મુંબઈ-ઘાટકોપરમાં ત્યારે કાંતિભાઈ નામે શ્રીમંત સજ્જન રહે. એમની કેટલીક વિશેષતાઓ અભિભૂત કરી દે એવી હતી. ગાંધી વિચારધારાથી પ્રભાવિત થઈ એમણે સર્વોદય હોસ્પિટલ સંપૂર્ણ સ્વદ્રવ્યથી શરૂ કરી હતી જે આજેય સેવારત છે. ગરીબ દર્દીઓ માટે ત્યાં સારવાર-દવા-ભોજન વગેરે બધું જ નિ:શુલ્ક અપાય. એ જે રકમ આ સેવામાં અને મંદિરો બનાવવામાં ખર્ચે એ તમામ રકમ એક નંબરની. બે નંબરનો વ્યવસાય એ કરે જ નહિ. જીવન એવું સાદગીભર્યું કે બારે માસ શ્વેત ધોતી-ઝભ્ભા સિવાય કોઈ વેરાઈટી વસ્ત્રોનું પરિધાન ન કરે. સમયપાલનની શિસ્ત એવી જબ્બર કે આપેલ સમયમાં એક મિનિટ પણ મોડા ન પડે.
આવી વિશેષતાઓની સાથે એમનામાં કેટલીક ખામી પણ માનવસહજ હતી. એમાંની મોટી ખામી હતી ક્રોધ. એમની ઇચ્છાથી જરાક વિપરીત થાય તો એ આગની જેમ ભભૂકી ઊઠે. ત્યારે એ ભલભલા ચમરબંધીની ય તમા ન રાખે. સામે કોણ છે એ તેઓ જુએ જ નહિ. જિનાલયનાં કાર્યો માટે એ સમયખંડમાં અમારા ગુરુદેવની સાથે એમની મુલાકાતો થતી. એમાં એમના ગુસ્સાના પ્રસંગો અમે નાની વયે ત્રણ-ચાર નિહાળ્યા હતા.
એક દિવસની વાત. અમે એમના સર્વોદય સંકુલમાં હતા. તક ઝડપી અમે એમને કહ્યું : 'કાંતિભાઈ ! તમને ખોટું ન લાગે તો એક વાત કહેવી છે.' કાંતિભાઈએ મોજથી કહ્યું : 'બોલો નાના મહારાજ ! તમારી વાતમાં માઠું નહિ લગાવું.' અમે કહ્યું : 'જુઓ, તમારી ઓફિસની બરાબર સામેની તરફ બે ફુટના મોટા અક્ષરે સૂચના તમે પેઈન્ટ કરાવી છે કે કભી ક્રોધ કરના નહિ અને બીજી તરફ તમે ગુસ્સો કર્યા વિના રહેતા નથી. એ બોર્ડ અને તમારો સ્વભાવ : પરસ્પર 'મિસ ફીટ' થાય છે. કાં તમારે સ્વભાવ બદલવો જોઈએ, કાં એ બોર્ડ દૂર કરવું જોઈએ.'
પ્રતિભાવમાં કાંતિભાઈની આંખમાંથી દડદડ આંસુ વહી રહ્યા. બે મિનિટ બાદ થોડા સ્વસ્થ થઈ એ ગદ્ગદ્ભાવે બોલ્યા : 'નાના મહારાજ ! હાઈ-વે પર સ્પીડબ્રેકર હોય છે માટે ગાડી ધીમી થાય છે. આ વાક્ય મારા સ્વભાવ માટે સ્પીડબ્રેકર જેવું છે. માટે અહીં એ રાખ્યું છે. એ વાંચ્યા કરીને હું એવરેજ સોમાંથી નેવું વાર ગુસ્સો જતો કરું છું, માત્ર દશ વાર મારાથી ગુસ્સો થાય છે. જો આ વાક્ય ન હોત તો હાલ કરતાં દશગણો ગુસ્સો વધુ કરતો હોત. શું કરું ? હું ક્રોધને પૂરેપૂરો કંટ્રોલ કરી શકતો નથી !'
માત્ર તેર વર્ષની નાની વયે સાંભળેલ આ ઉત્તર આજે ય સ્મૃતિમાં અખંડ અંકિત છે. એ સમજાવી જાય તેમ છે કે ક્રોધ-કામાદિ દોષોનું વિસર્જન કેવું કપરું-કઠિન છે. દોષોનાં વિસર્જન માટે એવી બાબતો મજબુતાઈથી આત્મસાત્ કરવી જોઈએ કે જે દીર્ઘ કાળે પણ પરિણામ હાંસલ કરાવે. આપણે આવી ત્રણ બાબતો પર વિચારણા કરીએ.
પ્રથમ બાબત એ છે દોષો પ્રત્યે તીવ્ર તીરસ્કારભાવ યાવત્ ધિક્કારભાવ. એક નિયમ વ્યવહારજગતમાં ય એવો અનુભવાય છે કે જે બાબત પ્રત્યે વ્યક્તિને તીવ્ર અરુચિ-અણગમો-તિરસ્કાર હોય એ બાબતથી વ્યક્તિ દૂર જ રહે. નાના બાળકને કારેલા અને કરિયાતાં પ્રત્યે, એના કટુ સ્વાદનાં કારણે, તીવ્ર અરુચિ-અણગમો સામાન્યત: હોય છે. આનાં કારણે નાનો બાળક કારેલા અને કરિયાતાથી દૂર જ ભાગે. કોઈ પરાણે એને કારેલાં-કરિયાતું આરોગવાનો આદેશ કરે તો ય એ ન વાપરે. અને કદાચ વાપરવું પડે તો ભરપૂર નારાજગી-અણગમો એના ચહેરા પર-વર્તનમાં અનુભવાય જ. અલબત્ત, કારેલા અને કરિયાતું સ્વાદમાં કડવા હોવા છતાં પરિણમનમાં-શારીરિક સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. છતાં તીવ્ર અણગમાવશ બાળક એનાથી દૂર રહે છે, તો દોષો તો પરિણામની દ્રષ્ટિએ પણ અતિ ખતરનાક હોય છે. તીવ્ર અણગમો એના પ્રત્યે કેળવી દેવાય તો અચૂક એનાથી ક્રમશ: દૂર થવાય. અમે તો તિરસ્કારભાવ ઉપરાંત તીવ્ર ધિક્કારભાવની વાત કરીએ છીએ. રાજા વગેરેને એના જાની દુશ્મન પ્રત્યે હોય તે છે ધિક્કારભાવ. આ ધિક્કારભાવના કારણે રાજા જેમ શત્રુનો પડછાયો ય ન લે, એમ ધિક્કારભાવનાં કારણે દોષોનો પડછાયો લેવાનું મન ન થાય.
બીજી બાબત છે દોષનાશના યોગ્ય ઉપાયોની અજમાયેશ : રોગની ભયાનક પીડાના દિવસોમાં જે જે ઉપાયે રોગનું શમન થાય તે તે ઔષધરૂપ ગણાય, તેમ દોષોની પીડાના સમયમાં જે-જે પ્રવૃત્તિથી તે તે ક્રોધાદિ દોષોનું શમન થાય તે તે તેના ઉપાયો ગણાય. આવા વિવિધ ઉપાયો ઉપરાંત શાસ્ત્રોએ દર્શાવેલ સૌથી મોટા ઉપાયો છે પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત. એની નિષ્ઠાપૂર્વકની અજમાયેશ દોષનાશ માટેનું બીજું સોપાન છે. આમાં દોષનાશના નવા નવા ઉપાયોની શોધ અને પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત્તનાં આલંબનની વાત મુખ્ય છે.
ત્રીજી બાબત છે સતત પુરુષાર્થ. કોઈ પૂછે કે પાણી મજબૂત કે પથ્થર મજબૂત ? તો આપણે કહીશું પથ્થર. પરંતુ નળમાંથી પાણીનાં બુંદ પથ્થર પર સતત ટપક્યાં કરે તો વર્ષો બાદ એ પથ્થરમાં છિદ્ર સર્જાય જ સર્જાય. પ્રથમ દિવસે ભલે પથ્થરમાં પરિણામ ન દેખાય. પણ વર્ષોના અંતે પરિણામ દેખાય જ. શરત એટલી જ કે પુરુષાર્થ સતત હોવો જોઈએ. પૂર્વોક્ત કાંતિભાઈનાં ઉદાહરણમાં ય આપણને એ નિહાળવા મળે છે કે તેઓ એવરેજ સોમાંથી નેવું વાર ક્રોધ પર કન્ટ્રોલ કરી શક્યા હતા. એથી તેઓને કેટલે અંશે સફળ જ માનવા જોઈએ, નિષ્ફળ નહિ. આ સફળતા સતત પુરુષાર્થને આભારી હતી એમ અવશ્ય કહી શકાય.
છેલ્લે એક વાત : દેહમાંથી દર્દો જાય તેની ચિંતા ઘણી કરી.... આત્મામાંથી દોષો જાય તેની ચિંતા કરી ખરી ?


