Get The App

સમુદાય ભેદ વિના શુદ્ધ સેવાવૃત્તિથી સંયમીઓની વૈયાવચ્ચ કરતું અદ્ભુત સ્થાન : ''મૈત્રી-વાત્સલ્યધામ''

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
સમુદાય ભેદ વિના શુદ્ધ સેવાવૃત્તિથી સંયમીઓની વૈયાવચ્ચ કરતું અદ્ભુત સ્થાન : ''મૈત્રી-વાત્સલ્યધામ'' 1 - image


- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- ''વૈયાવચ્ચ ગુણને સરસ આત્મસાત્ કરનાર વિવિધ વ્યક્તિઓ-વિવિધ સંસ્થાઓ વર્તમાનમાં નિહાળવા મળે છે. પરંતુ એમાં વ્યાપકતાની દ્રષ્ટિએ, વૈયાવચ્ચના લગભગ તમામ પાસા સર્વાંગીણરૂપે આવરી લેવાની દ્રષ્ટિએ અને ગચ્છ-પક્ષના ભેદ વિના સહુ ગ્લાન સંયમીઓનો સમાવેશ કરવાની દ્રષ્ટિએ અમદાવાદ ખાતે જૈનનગર વિસ્તારનું મૈત્રી-વાત્સલ્યધામ અમને બેજોડ-બેમિસાલ લાગ્યું છે.''

વ્યવહારજગતમાં પણ એક માન્યતા પ્રચલિત છે કે અન્ય સર્વ સુકૃતો-પરોપકાર પ્રવૃત્તિઓ કરતા સેવા કરવી અતિ કઠિન છે. પ્રસિદ્ધિના પ્લેટફોર્મ પર આરૂઢ થઈ સમાજને અગ્રિમ દોરવણી આપવી આસાન છે, લાખો-ક્રોડોનાં દાન આપી સુવર્ણાક્ષરીય તકતીમાં નામાંકન કરાવવું ય આસાન છે. પરંતુ જાતને ચંદનની જેમ ઘસી દઈને-ધૂપસળીની જેમ શક્તિ કુરબાન કરતા રહીને એક ખૂણે જાતવિલોપન કરવા જેવી સેવા આત્મસાત્ કરવી ખરેખર મુશ્કેલ છે. આથી જ એક સંસ્કૃત ઉક્તિ જણાવે છે કે ''સેવાધર્મ : પરમગહનો યોગિનામપ્યગમ્ય: ।' ભાવાર્થ કે સેવાધર્મ એવો ગહન-મુશ્કેલ છે કે જે યોગીજનોને પણ અગમ્ય છે.

આ સેવાનું એક ઉચ્ચતમ 'વર્ઝન' એટલે વૈયાવચ્ચ. જૈન ધર્મનો પારિભાષિક શબ્દ  છે આ વૈયાવચ્ચ. વૈયાવચ્ચનો અર્થ સેવા-સુશ્રુષા છે. પરંતુ એ સેવા-સુશ્રુષા પંચ મહાવ્રતધારી સર્વવિરતીધર સંસારત્યાગી સંયમી ભગવંતોની છે. સંયમી ભગવંતોની સેવાને કહેવાય છે વૈયાવચ્ચ. સર્વવિરતિધરની સેવાસ્વરૂપ આ વૈયાવચ્ચનો મહિમા જૈન શાસ્ત્રોમાં ખૂબ ગજબનાકરૂપે અંકિત છે. આપણે એ પૈકી બે 'હાર્ટટચ' નિરૂપણો નિહાળીએ :

* શ્રી ઉત્તરાધ્યયન આગમમાં ગણધર શ્રી ગૌતમસ્વામી પ્રભુમહાવીરદેવને પ્રશ્ન કરે છ ેકે ''વેયાવચ્ચેણ ભંતે જીવે કિં જિણયઈ ?'' પ્રભુ એનો સરલ-સ્પષ્ટ ઉત્તર આ આપે છે કે ''વેયાવચ્ચેણ જીવે તિત્થયરનામગુત્તં જિણયઈ.'' એ પ્રશ્નોત્તરનો સરલ શબ્દાર્થ આ છે કે ''હે પ્રભુ, વૈયાવચ્ચથી જીવનને શું લાભ થાય ?'' ''વૈયાવચ્ચથી જીવને તીર્થંકરનામકર્મ પ્રાપ્તિનો મહાન લાભ થાય.''

* આવી જ વાત પ્રકારાંતરે શ્રી તત્વાર્થશાસ્ત્રમાં મળે છે. એ શાસ્ત્રના છઠ્ઠા અધ્યાયમાં તીર્થંકરનામકર્મના જે બંધહેતુઓ દર્શાવ્યા છે એમાંનો એક હેતુ છે ''વૈયાવૃત્ત્યકરણ... સ્વ અને પરનાં આત્મકલ્યાણ માટે વિશ્વનું જે સર્વશ્રેષ્ઠ પદ ગણાય છે તે પરમાત્મપદની-તીર્થંકરપદની પ્રાપ્તિ અધ્યાત્મક્ષેત્રનું સર્વોચ્ચ લક્ષ્ય મનાય છે. એ પદ જેનાથી હાંસલ થાય તે વૈયાવચ્ચ કેવો મહાન-શ્રેષ્ઠ ગુણ છે એ સહજ કલ્પી શકાય છે.

આ વૈયાવચ્ચ ગુણને સરસ આત્મસાત્ કરનાર વિવિધ વ્યક્તિઓ-વિવિધ સંસ્થાઓ વર્તમાનમાં નિહાળવા મળે છે. પરંતુ એમાં વ્યાપકતાની દ્રષ્ટિએ, વૈયાવચ્ચના લગભગ તમામ પાસા સર્વાંગીણરૂપે આવરી લેવાની દ્રષ્ટિએ અને ગચ્છ-પક્ષના ભેદ વિના સહુ ગ્લાન સંયમીઓનો સમાવેશ કરવાની દ્રષ્ટિએ અમદાવાદ ખાતે જૈનનગર વિસ્તારનું મૈત્રી-વાત્સલ્યધામ અમને બેજોડ-બેમિસાલ લાગ્યું છે. અમદાવાદમાં નગરપ્રવેશ કર્યા બાદ અમે એકેક દિવસ અલગ અલગ સંઘોમાં પ્રવચનો-સ્થિરતાદિ કર્યા ત્યારે આ મૈત્રી-વાત્સલ્યધામની પણ રૂબરૂ મુલાકાત લઈ ત્યાંની વૈયાવચ્ચ વ્યવસ્થાની પ્રત્યક્ષ જાણકારી લીધી હતી તેમજ નજરોનજર એનું નિરીક્ષણ પણ કર્યું હતું. એનાથી એવી સહજ પ્રતીતિ થઈ કે સંયમીભગવંતો માટે મૈત્રી-વાત્સલ્યધામ નામ તેવા જ ગુણ ધરાવે છે અને અમદાવાદ ખાતે અલગ ભાત ઉપસાવે છે.

એના પ્રેરક-પ્રણેતા છે નમસ્કાર મહામન્ત્રના વિશિષ્ટ સાધક પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરના પરિવારના મૈત્રીભાવમંડિત પંન્યાસજી શ્રી વ્રજસેનવિજયજી ગણિવર તેમજ માર્ગદર્શક છે આ. શ્રી મનમોહનસૂરિજી-આ.શ્રી હેમપ્રભસૂરિજી મહારાજ. આની ઉદ્ગમકથા કાંઈક આવી છે :

ઇ.સ. ૨૦૧૪. પં. શ્રી વ્રજસેનવિજયજી ગણિને મેનેજાઈન્ટીસ રોગની સારવાર માટે અમદાવાદ આવવાનું થયું. હોસ્પિટલની ટ્રિટમેન્ટ અને તે પછીની સ્થિરતા દરમ્યાન એમને કેટલીક માહિતી મળી તેમજ પ્રત્યક્ષ ખ્યાલ પણ આવ્યો કે સંયમી શ્રમણીભગવંતોને અકસ્માત-રોગ-વૃદ્ધ અવસ્થા વગેરે પરિસ્થિતિમાં કેટકેટલી સમસ્યાઓ સહન કરવી પડે છે. એમાં મુખ્ય સમસ્યાઓ આવી હતી કે :- (૧) હાઈવે વગેરે પરના વિહારોમાં અકસ્માત બાદ ઘાયલ સાધ્વીજીને હોસ્પિટલમાં લવાય, ટ્રિટમેન્ટ બાદ ડિસ્ચાર્જ અપાય, પછી થોડા થોડા દિવસે ચેકઅપ માટે જવાનું આવે તે સ્થિતિમાં એમની સ્થિરતા ક્યાં ? અલબત્ત, શ્રી સંઘોના ઉપાશ્રયોમાં આવી વ્યવસ્થા થાય છે. પરંતુ દીર્ઘકાલીન વ્યવસ્થા આવે ત્યારે ત્યાં ઘણા પ્રશ્નો સર્જાતા હોય છે. આથી આ સમસ્યાનો સર્વવ્યાપી અને દીર્ઘકાલીન હલ અપેક્ષિત હતો (૨) અકસ્માદાતિ સમયે સાધ્વીજીના સાંસારિક સ્વજનો આવે, એમને બે-પાંચ દિવસ કે વધુ રહેવું પડે તેમ હોય તો શું ? દરેકને મોંઘી વ્યવસ્થા ન પણ પરવડે. (૩) જે સાધ્વીજી વૃદ્ધ-અક્ષમ હોય એમની કાયમી સ્થિરતા માટે શું કરવું ? એમને શિષ્યાપરિવાર ન હોય તો એમની ગોચરી-પાણી-કાપ-આવશ્યક સુશ્રુષા વગેરેનું શું ?

આ અને આવી આવી સમસ્યાઓના સુરેખ ઉકેલરૂપે મેૈત્રી-વાત્સલ્યધામની પરિકલ્પના સાકાર થઈ કે જેમાં આ બધી સમસ્યાઓનો સચોટ-સાર્થક ઉકેલ છે. અહીં જે ગ્લાન સાધ્વીજી પધારે એમની સાથેના સુશ્રુષા કરનાર સાધ્વીજી માટે ય સ્થિરતાની વ્યવસ્થા છે. તેવા સહવર્તી સાધ્વીજી ન હોય તો એકલા ગ્લાન સાધ્વીજીની પણ સર્વ વૈયાવચ્ચ-સુશ્રુષા અહીં થાય છે. અહીં આઈ.સી.યુ. વિભાગ સાથેની હોસ્પિટલ પણ છે જે સાધ્વીજીની સારવારનું મુખ્ય આલંબન છે. આ ઉપરાંત તેવા કિસ્સાઓમાં બહારની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા-લાવવાની વ્યવસ્થા મૈત્રી-વાત્સલ્યધામ કરે છે. ત્યાંના વ્યવસ્થાપક કુમારભાઈએ એમને કહ્યું કે ''અમારે ત્યાં પધારેલ ગ્લાન સાધ્વીજીભગવંત અંતિમ શ્વાસ સુધી અહીં રહી શકે છે અને એમનો સારવાર ખર્ચ ચાહે તેટલો હો તો ય એમને એની કોઈ ચિંતા નહિ કરવાની.'' મૈત્રી-વાત્સલ્યધામના દરેક મજલે જિનાલયનું આયોજન એવું છે કે કોઈ પણ સાધ્વીજીને પ્રભુદર્શન-ભક્તિ માટે પગથિયાંની ચડ-ઉતર કરવી ન પડે.

મૈત્રી-વાત્સલ્યધામનું મુખ્ય કાર્ય ઉપરોક્ત રીતે સેવા-સુશ્રુષાનું છે. આમ છતાં ત્યાં નિરોગી-સ્વસ્થ સાધ્વીજીના ચાતુર્માસની અને શ્રુતાભ્યાસની પણ પ્રવૃત્તિ થાય છે. અમને ત્યાંની પ્રવૃત્તિઓની જે સૂચિ અપાઈ તેમાં ધ્યાનાકર્ષક બાબતો આ છે : (૧) ગ્લાન-નિરોગી મળી આજ સુધીમાં કુલ એક હજાર તોંતેર સાધ્વીજીની વૈયાવચ્ચ ત્યાં થઈ છે. (૨) ગ્લાન સાધ્વીજીના એકસો ઓગણસિત્તેર ઓપરેશનો તેમજ નવસો બ્યાશી સાધ્વીજીની દવાની ભક્તિ થયેલ છે. (૩) આઠસો છેંતાળીસ સાધ્વીજીએ પંડિતવર્યો પાસે અહીં અભ્યાસ કર્યો છે. (૪) આસપાસના ઉપાશ્રયોમાં પધારતા શ્રમણ-શ્રમણીભગવંતોના સેવક-સેવિકાઓને તથા સંસ્થાની સેવિકાઓને નિ:શુલ્ક ભોજન અપાય છે. તેમાં અદ્યાવધિ વીશ હજાર ત્રણસો ચાર સેવક/સેવિકાઓનો લાભ મળ્યો છે. (૫) આ જ રીતે દીક્ષાર્થી ભાઈ-બેનોની પણ ભોજનભક્તિ થાય છે જેમાં તેર હજાર પાંચસો છત્રીશ મુમુક્ષુઓનો લાભ મળ્યો છે. (૬) આ ઉપરાંત સાધર્મિકભક્તિ-હોસ્પિટલોમાં આદિમાં અનુકંપા-પાંજરાપોળદાન જેવી પ્રસંગોપાત્ત સેવાપ્રવૃત્તિઓ અલગ.

હવે આપણે સાધ્વીજીભગવંતોને રોગ-અકસ્માતાદિ સમયે અહીં મળતી સેવા-શાતા-સમાધિની એવી ઘટનાઓ નિહાળીશું કે જેમાં ગચ્છ-પક્ષના ભેદ વિનાનું વૈવિધ્ય હોય.

* વિમલગચ્છના સાધ્વીજી નયપ્રજ્ઞાશ્રીજી. એ આ સ્થાનમાં પધાર્યા ત્યારે બે ય આંખે અક્ષમ હતા. એમની નેત્રજ્યોતિ બુઝાઈ ગઈ હતી. વળી એમનો રોગ એવો હતો કે શરીરને હાથ લગાવો તો એમના દેહની ચામડી ખરે. કાચના વાસણથી પણ વધુ સાવધાનીથી એમની સુશ્રુષા કરવી રહે. નેત્રજ્યોતિ બિલકુલ ન હોવાથી પરાધીનતા પણ ખૂબ. આ છતાં એમની અંતિમ શ્વાસ પર્યંત પૂરેપૂરી સેવા-ભક્તિ અહીં થઈ. લગભગ અઢી વર્ષ તેઓ મૈત્રી-વાત્સલ્યધામમાં રહ્યા અને તા. ૨૬-૫-૨૪ના તેઓએ અહીંથી જ સમાધિપૂર્વક સદ્ગતિગમન કર્યું !

* આ.શ્રી ભક્તિસૂરીશ્વરજી સમુદાયના સાધ્વીજી પદ્મલતાશ્રીજી. વિકરાલ વ્યાધિ અને મોટું ઓપરેશન સમજી એમને આ ધામમાં લવાયા. પરંતુ 'ચેક-અપ' કરાવતા ખ્યાલ આવ્યો કે કેન્સર પૂરા દેહમાં પ્રસરી ગયું છે. 'ઓપરેશન' હવે શક્ય ન હોવાથી એમને અન્ય શક્ય ઉપાયોથી શાતા અપાતી રહી. સાધ્વીજી છ માસ ત્યાં રહ્યા અને અંતે સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા. એમની સમાધિ-સહિષ્ણુતા એવી અદ્ભુત હતી કે જોનાર પણ અભિભૂત થઈ જાય. મુખમાંથી વેદનાનો એક ઊંહકારો નહિ !

* ઉપરોક્ત સમુદાયના જ સાધ્વીજી ભાવદર્શિતાશ્રીજી. કલિકુંડતીર્થથી વિહાર કરી રહ્યા હતા ત્યાં રોડ પર અકસ્માત થયો. કલિકુંડ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ઘાટલ સ્થિતિમાં એમને મૈત્રી-વાત્સલ્યધામ લવાયા. અહીં સંપૂર્ણ સારવાર-સુશ્રુષા મળી. સાધ્વીજી પૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા. પછી વિહાર કરી સિદ્ધગિરિરાજનાં સાન્નિધ્યમાં-પાલિતાણા પધાર્યા.

* આ. રામચન્દ્રસૂરીશ્વરજી સમુદાયના સાધ્વીજી હિતધર્માશ્રીજી અમદાવાદની જૈન સોસાયટીમાં ગોચરીએ જતાં અકસ્માત થયો અને એમાં મગજમાં ઇજા થઈ. પહેલા મોટી હોસ્પિટલમાં સારવાર આપી આ ધામમાં એમને લવાયા. સુશ્રુષા મળી. સાધ્વીજી પૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા. આજે તેઓ સ્વયં ગોચરીએ જાય છે અને અન્ય સાધ્વીજીઓને અભ્યાસ પણ કરાવે છે.

અંતે, મૈત્રી-વાત્સલ્યધામની 'સેવા દ્વારા સમાધિ'ની પ્રવૃત્તિના સંદર્ભમાં સરસ સુવાક્યથી સમાપન કરીશું કે ''સદા ય આપવા અને લેવા ચીજ સમાધિ છે, કદી ય ન આપવા-ન લેવા જેવી ચીજ સંક્લેશ છે.''

Tags :