- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
''સમ્યગ્દર્શન કહો કે સમ્યગ્દ્રષ્ટિ, તે દર્શનસપ્તકના ક્ષયથી યા ક્ષયોપશમથી પ્રાપ્ત થતો ઉત્તમ આત્મગુણ છે જે મોક્ષ તરફની યાત્રાનો મુખ્ય આધાર છે. આ પ્યોર શાસ્ત્રીય અર્થ ઉપરાંત આ સમ્યગ્દ્રષ્ટિ શબ્દનો એક સરલ અર્થ આપણે એ પણ કરી શકીએ કે સમ્યગ્ એટલે એવી સંસ્કારસુરભિત દ્રષ્ટિ જે સામાન્ય દ્રશ્યમાંથી પણ અસામાન્ય સંસ્કારો-અશુભ ગ્રહણ કરે. અરે ! અન્યોની અસમ્યગ્દ્રષ્ટિ જેમાંથી કુસંસ્કારો-અશુભ ગ્રહણ કરે એ જ દ્રશ્યમાંથી આ સમ્યગ્દ્રષ્ટિ સુસંસ્કારો-શુભ ગ્રહણ કરે.''
ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ વિચારીએ તો આંખ અને દ્રષ્ટિ, બન્ને સમાનાર્થી શબ્દો છે. પરંતુ ચોક્કસ સંદર્ભ હોય તો દ્રષ્ટિનો અર્થ આંખ કરતાં કૈંકગણો વિશેષ પણ હોઈ શકે છે. આપણે આવા સંદર્ભનું એક મસ્ત પ્રેરક વાક્ય નિહાળીએ કે ''આંખ તો પ્રાય: દરેક વ્યક્તિને જન્મતાની સાથે મળી જાય છે. પરંતુ દ્રષ્ટિસંપન્નતા દરેકને હાથવગી નથી હોતી. દ્રષ્ટિસંપન્ન બનવા માટે સદ્દગુરુની ઉપાસના જોઈએ.'' દ્રષ્ટિસંપન્નતા એટલે ? વસ્તુતત્ત્વને સમ્યક્પણે પામવાની સજ્જતા. સદ્દગુરુ વ્યક્તિને આ સ્તરે લઈ જતા હોવાથી જ એમના માટે લખાઈ છે આ પંક્તિ કે ''પ્રવચનઅંજન સદ્દગુરુ જો કરે, દેખે પરમ નિધાન.'' સદ્દગુરુ જો પ્રવચનનાં માધ્યમે આંખનું અંજન કરે તો વ્યક્તિ વસ્તુતત્ત્વને સમ્યક્ પામવાની દ્રષ્ટિસંપન્નતા જ નહિ, એથી ય વિશેષ પરમ નિધાન-પરમપદને ય આત્મસાત્ કરી શકે !
આમાં જે 'દ્રષ્ટિ' શબ્દનો ઉલ્લેખ થયો છે એનાં અનુસંધાનમાં આજે આપણે અહીં ત્રણ પ્રકારની દ્રષ્ટિની વિચારણા કરીશું :
(૧) ભ્રાંતદ્રષ્ટિ : આંખ જે બાબતોને નજરોનજર-પ્રત્યક્ષ નિહાળે છે એમાં ય કેટલીક બાબતો એવી હોય છે જેમાં ખરેખર ભ્રમ હોય. મતલબ કે જે દેખાય છે તે વાસ્તવિકતા ન હોય. કેટલાંક ઉદાહરણ આવા વિચારીએ. એક, પંખો ફુલ સ્પીડમાં ચાલતો હોય ત્યારે આંખને એનાં પાંખિયા અખંડ-કન્ટીન્યૂ હોવાનો ભ્રમ સ્પષ્ટ દેખાય છે. અરે ! દેખાવાની ક્યાં વાત ? અનુભવ પણ એવો જ હોય છે. કોઈ એ પાંખિયા જુદા છે કે અખંડ એનો નિર્ણય કરવા તે ફુલસ્પીડના પંખામાં અર્ધી સેકન્ડ પણ વચ્ચે આંગળી નાંખવા જાય તો તત્ક્ષણ કપાઈ જશે - લોહીલુહાણ થઈ જશે. આમ નજરથી અને અનુભવથી પાંખિયા અખંડ લાગતા હોવા છતાં વાસ્તવિકતા એ છે કે પંખાના ત્રણે ય પાંખિયા અલગ જ છે, અખંડ નથી.
બે, દૂર દૂર મેદાનની પેલે પાર નજર નાંખીએ તો ક્યારેક નરી આંખે એવું દેખાતુ હોય છે કે દૂર દૂર પહાડની ટોચ અને આકાશ એકમેકને સ્પર્શી ગયા હોય. અથવા દૂર દૂરની ધરતી અને આકાશ જાણે એક થઈ ગયા હોય. દૂરથી નજરે દેખાતી આ ઘટના માત્ર ભ્રમ છે, વાસ્તવિકતા નહિ. વાસ્તવિકતા તો એ છે કે આકાશ ધરતીથી-પહાડથી લાખો જોજન દૂર છે. ત્રણ, રેતાળ રણપ્રદેશ હોય અને મધ્યાહ્ને સૂર્યના કિરણો કાળઝાળ બની વરસતા હોય ત્યારે દૂરથી નિહાળતાં સૂર્યકિરણો અને રેતીના સંગમના કારણેસર સર જલ વહેતું હોય એવો દેખાવ સર્જાય છે. ચોક્કસ દૂરી હોય ત્યારે જ નરી આંખે આ દ્રશ્ય નિહાળાય. મૃગલાં એ જલ પાછળ ભટકીને-દોડીને તૃષાની પરાકાષ્ઠાએ જાન ગુમાવે. આ મૃગજલ નજરે નિહાળાતું હોવા છતાં માત્ર આભાસ છે, વાસ્તવિકતા નથી.
વ્યવહારજગતનું ઉદાહરણ આ અંગેનું લઈએ તો યાદ આવે રામચન્દ્રજી. મર્યાદાપુરુષોત્તમ તરીકે સુવિખ્યાત અને મહાન વિચક્ષણ હોવા છતાં સુવર્ણમૃગનાં ભ્રામક દર્શને એમની મતિ ભ્રાંત થઈ ગઈ. બાકી એ ચોક્કસ વિચારી શક્યા હોત કે 'આ સૃષ્ટિમાં સુવર્ણ મૃગ જેવું પ્રાણી હોતું જ નથી. આ જે દેખાય છે તે માયા છે - છળ છે.' એનાં બદલે તેઓએ એને સાચું મૃગ માની લીધું અને એને પકડવા પાછળ પાછળ દોડયા. પરિણામે સીતાજીનું અપહરણ થયું અને રામાયણયુદ્ધનો ભીષણ નરસંહાર સર્જાયો. પૂર્વકાલીન કવિએ એક શ્લોકમાં રામચન્દ્રજી અને સુવર્ણ મૃગનું ઉદાહરણ પ્રથમ આપીને પછી અન્યાન્ય એવી ઘટનાઓ ટાંકી છે કે તે તે મહાપુરુષોનાં જીવનમાં તે તે બાબતો બને એવું જલ્દી શક્ય ન લાગે. કવિ એનું કારણ એ દર્શાવે છે કે એ વ્યક્તિઓ ઉત્તમ-મહાન હોવા છતાં આવું એટલે બન્યું કે વિપરીત સમયે તેઓની પણ બુદ્ધિ ભ્રાંત થઈ જાય છે. કવિના મૂલભૂત શબ્દો આ છે કે ''પ્રાય : સત્પુરુષા વિનાશસમયે, બુદ્ધયા પરિભ્રશ્યતે.''
અધ્યાત્મની ભૂમિકાએ જેનું મહત્ત્વ અત્યંત છે તે તત્ત્વત્રતીયાં, ધર્મની ફિલોસોફીમાં, ઉત્તમ આચારોમાં જ્યારે આ ભ્રાંતદ્રષ્ટિ-ભ્રાંતબુદ્ધિ આવે ત્યારે એનાં આત્મિક નુકસાન બહુ ખતરનાક થાય. જૈન દર્શન આ અવસ્થાને મિથ્યાત્વ કહે છે. મિથ્યાત્વની એક વ્યાખ્યા આ પણ કરાઈ છે કે ''અતસ્મિન્ તદ્બુદ્ધિર્મિથ્યાત્ત્વમ્.'' અર્થાત્ જ્યાં જે નથી ત્યાં તે સમજવું-માનવું તે છે મિથ્યાત્ત્વ.
અધ્યાત્મની ભૂમિકાએ જેનું મહત્ત્વ અત્યંત છે તે તત્ત્વત્રયીમાં, ધર્મની ફિલોસોફીમાં, ઉત્તમ આચારોમાં જ્યારે આ ભ્રાંતદ્રષ્ટિ-ભ્રાંતબુદ્ધિ આવે ત્યારે એનાં આત્મિક નુકસાન બહુ ખતરનાક થાય. જૈન દર્શન આ અવસ્થાને મિથ્યાત્વ કહે છે. મિથ્યાત્વની એક વ્યાખ્યા આ પણ કરાઈ છે કે ''અતસ્મિન્ તદ્દબુદ્ધિર્મિથ્યાત્ત્વમ્.'' અર્થાત્ જ્યાં જે નથી ત્યાં તે સમજવું-માનવું તે છે મિથ્યાત્ત્વ.
એકંદર એમ કહી શકાય કે ભ્રાંતદ્રષ્ટિ-ભ્રાંતબુદ્ધિ વ્યવહારજગત અને અધ્યાત્મજગત બન્નેમાં નુકસાનો કરે.
(૨) વિવેકદ્રષ્ટિ : વિવેકનો અર્થ છે વિભાગીકરણ. સારા અને નરસા વચ્ચે ભેદ કરવો એ છે વિવેક, તો સત્ય અને અસત્ય વચ્ચે ભેદ કરવો એ છે વિવેક, કર્તવ્ય અને અકર્તવ્ય વચ્ચે ભેદ કરવો એ છે વિવેક, તો ભક્ષ્ય અને અભક્ષ્ય વચ્ચે ભેદ કરવો એ છે વિવેક. વિવેક દાખવનારનું કાર્ય હંસ જેવું છે. હંસ એકમેકમાં સંપૂર્ણ મિશ્રિત થઈ ગયેલ દૂધ અને પાણીને પણ પોતાની વિશિષ્ટ વિવેકશક્તિથી અલગ કરે છે, તેમ વિવેક દ્રષ્ટિ ધરાવનાર વ્યક્તિ પણ જલ્દી નિર્ણય ન કરી શકાય એવા સત્-અસત્નાં સારા - નરસાનાં મિશ્રણમાં ય ઉચ્ચત્તર વિવેક દ્વારા સત્ને-સારપને અલગ તારવે. માત્ર અલગ તારવે એમ નહિ, એને અમલમાં ય લે.
જૈન ઈતિહાસનું એક પ્રસિદ્ધ નામ છે દેદાશાહ. એ વિવેકદ્રષ્ટિસંપન્ન ધર્માત્મા હતા. પર્યુષણામહાપર્વના દિવસોમાં પ્રભુમહાવીરદેવનાં ચરિત્રવ્યાખ્યાનમાં એમણે એ વાત સાંભળી કે 'મધ્યરાત્રિએ ચૌદ મહાસ્વપ્નોનાં દર્શન બાદ જાગૃત થયેલ માતા ત્રિશલાદેવી અત્યંત હર્ષિત હૈયે એ સ્વપ્નોની જાણ પિતા સિદ્ધાર્થરાજાને કરવા પોતાના શયનખંડમાંથી નીકળી રાજહંસસમી ગતિથી સિદ્ધાર્થરાજાના શયનખંડમાં ગયા.' વ્યાખ્યાન બાદ ઘરે આવી એમણે આ પદાર્થ એમના ધર્મપત્નીને જણાવતા કહ્યું : ''કલ્પસૂત્રઆગમશાસ્ત્રની આ વાતથી એ સમજાય છે કે તે કાળે પતિ-પત્ની પણ અલગ અલગ શયનખંડમાં સૂતા હશે. દાંપત્યજીવનમાં ભોગસંબંધ ભલે હો, પરંતુ આજના કાળ કરતા પૂર્વકાળમાં એ સંબંધ વધુ સંયમિત હશે. માટે પતિ-પત્ની અલગ શયનખંડમાં સૂતા હશે.'' આ હતી સત્-અસત્ વચ્ચેની ભેદરેખા સમજાવતી વિવેક દ્રષ્ટિ. માત્ર વિવેક દર્શાવી એ વિરમી ન ગયા. બલ્કે એ વિવેક અમલમાં ય લીધો. ધર્મપત્નીને સંમત કરી એ દિવસથી એ બન્નેએ અલગ શયનખંડમાં સૂવાનો નિયમ સ્વીકાર્યો ! એમના કાળમાં આવી જીવનશૈલી ન હોવા છતાં સ્વેચ્છાએ એમણે જે આ કર્યું એને કહી શકાય વિવેકસંપન્ન પરાક્રમ.
(૩) સમ્યગ્દ્રષ્ટિ :- સમ્યગ્ એટલે એવી ઉત્તમ-એવી સંસ્કારિત દ્રષ્ટિ કે જે ધર્મના ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રગતિની પાયાની બાબત બની રહે. જૈન ધર્મની શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો આ સમ્યગ્દ્રષ્ટિ એ સમ્યગ્દર્શનનો પર્યાય છે. સમ્યગ્દર્શન કહો કે સમ્યગ્દ્રષ્ટિ, તે દર્શનસપ્તકના ક્ષયથી યા ક્ષયોપશમથી પ્રાપ્ત થતો ઉત્તમ આત્મગુણ છે જે મોક્ષ તરફથી યાત્રાનો મુખ્ય આધાર છે. આ પ્યોર શાસ્ત્રીય અર્થ ઉપરાંત આ સમ્યગ્દ્રષ્ટિ શબ્દનો એક સરલ અર્થ આપણે એ પણ કરી શકીએ કે સમ્યગ્ એટલે એવી સંસ્કારસુરભિત દ્રષ્ટિ જે સામાન્ય દ્રશ્યમાંથી પણ અસામાન્ય સંસ્કારો - ઉત્તમ શુભ ગ્રહણ કરે. અરે! અન્યોની અસમ્યગ્ દ્રષ્ટિ જેમાંથી કુસંસ્કારો-અશુભ ગ્રહણ કરે એ જ દ્રશ્યમાંથી આ સમ્યગ્રદ્રષ્ટિ સુસંસ્કારો-શુભ ગ્રહણ કરે. નિહાળવી છે આવી અદ્દભુત કમાલ? તો વાંચો આ મજાની કથા :
નાનકડા ગામમાં સવાર સવારમાં એક ઘટના ચર્ચાનો વિષય બની ગઈ હતી. ગામ બહાર નદીતટે એક અત્યંત સુંદર યુવાન સ્ત્રીનો મૃતદેહ પડયો હતો. એના દેહ પર સુવર્ણાલંકારો હતા. નદીની રેતમાં એ દેહ એવી રીતનો હતો કે જાણે કોઈ સૂતું છે. ઈજાનું જરા ય નામનિશાન ન હતું. લોકો ભાતભાતની ચર્ચા કરતા હતા કે ઈજા નથી, સુવર્ણાલંકારોની લૂંટ નથી, તો આ મૃત્યુ થયું શી રીતે ?
એ સમૂહમાં એક ચોર પણ હતો. એને વિચાર આવ્યો કે આ સ્ત્રીના દેહ પર કેટલા મૂલ્યવાન સુવર્ણાભરણો છે ! જો હું આ સ્થળે એક કલાક પૂર્વે આવી ગયો હોત તો અહીં કોઈ ન હોત અને હું આસાનીથી આ તમામ આભૂષણો હાથવગા કરી લઈ છૂમંતર થઈ ગયો હોત. અત્યારે તો ચિક્કાર લોકો છે. એથી ચોરીનો વિચારમાત્ર ન થાય... એ જ સમૂહમાં એક વ્યભિચારી લંપટ યુવાન હતો. એ મનોમન વિચારી રહ્યો હતો કે કેવી અપ્સરા જેવી સુંદર યુવતી છે ! અગર જો એ જીવંત હોત અને આ સ્થળે હું કલાક પૂર્વે એકાંતમાં હોત તો એના રૂપ - યૌવનને માણ્યા વિના ન રહેત. પણ શું થાય ? એ મૃત છે અને અહીં એકાંત નથી... એ નદીના સામે કિનારે એક શિયાળ ખડું હતું. સ્ત્રીનો મૃતદેહ નિહાળી એ વિચારતું હતું કે આ લોકટોળું અહીંથી વિદાય થઈ જાય તો સારું. પછી હું એ મૃતદેહની મિજબાની પેટ ભરીને માણી શકું. એક દિવસ નહિ, ત્રણ-ચાર દિવસનો ખોરાક મને એમાંથી મળી રહેશે !
બરાબર એ સમયે એક ગુરુ એમના શિષ્યો સાથે નદીતટ પાસેથી નીકળ્યા. યુવતીનો મૃતદેહ નિહાળતા એમણે શિષ્યોને તત્ત્વબોધ આપ્યો : ''આયુષ્ય ક્ષણભંગુર છે એનો પ્રત્યક્ષ પુરાવો આ મૃતદેહ છે. ભરયુવાનીનું આ મૃત્યુ જોઈ નક્કી કરી લો કે જે ધર્મસાધના કરવી હોય તે અત્યારે જ કરી લેવી, ભાવિ પર સ્થગિત ન રાખવી. કેમ કે ક્યારે કોનું આયુષ્ય ખતમ થઈ જશે એ નિશ્ચિત નથી !'' એક જ નિમિત્ત, છતાં વિચારણામાં કેટલો ફર્ક? કારણ કે પેલા ત્રણ પાસે અસમ્યગ્દ્રષ્ટિ હતી, જ્યારે ગુરુ પાસે સમ્યગ્દ્રષ્ટિ હતી.
છેલ્લે એક વાત : ''દ્રષ્ટિ અસમ્યગ્ હોય તો શુભમાં ય અશુભ નિહાળાય... દ્રષ્ટિ સમ્યગ્ હોય તો અશુભમાં ય શુભ નિહાળાય...''


