For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

છીપ અને સ્વાતિનક્ષત્રના સંયોગથી જલબુંદ મોતી બને...ધર્મકરણી અને સેવાના સંયોગથી જીવન જ્યોતિ બને...

Updated: Sep 21st, 2022

Article Content Image

- અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- જીવન ક્ષેત્રે નક્કર વાસ્તવિક્તા આ હોવાથી સંયોગ પરખવાની તાતી જરૂર છે. આથી જ જીવનને વરેલી અને 'સ્' અક્ષરથી શરૂ થતી જે પાંચ વિશિષ્ટતાઓ પર આપણે ચિંતનયાત્રા કરી રહ્યા છીએ તેમાં ચોથા ક્રમે અમે સ્થાન આપ્યું છે આ સંયોગને. 

પ્ર સિદ્ધ ઋતુઓ ત્રણ છે : શીત-ઉષ્ણ અને વર્ષા. જોકે આયુર્વેદ-સાહિત્યજગતના ગ્રન્થો વગેરે હજુ ઊંડાણમાં થઈ છ ઋતુ દર્શાવે છે : હેમંત-શિશિર-વસંત-ગ્રીષ્મ-વર્ષા અને શરદ. આ ઋતુચક્રની ઋતુ બદલાય એટલે પ્રકૃતિના-કુદરતના સંયોગો બદલાય. શિયાળાની થીજવી દેતી ઠંડીમાં જે સૂર્યકિરણો હૂંફ આપનાર-પ્રસન્નતાદાયક લાગે એ જ સૂર્યકિરણો ઉનાળાની અકળાવી જતી ગરમીમાં ત્રાસદાયક બને - જરા પણ પસંદ ન પડે. ઠંડી સામે રક્ષણ આપતા જે ગરમ વસ્ત્રો શિયાળામાં ખાસ પસંદ બની રહે, એ વસ્ત્રો ઉનાળામાં જરા પણ પસંદ ન આવે. એનું સ્થાન ઝીણાં-સુવાળાં વસ્ત્રો લે.

ઉનાળામાં જે આકાશમાંથી ગરમી વરસે, એ આકાશમાંથી ચોમાસામાં મૂશળધાર વર્ષા વરસે. આઠ માસમાં ક્યારેય છત્રી ન પકડનાર વ્યક્તિને ચોમાસામાં બહાર જતાં જ પહેલા છત્રી યાદ આવે. ઉનાળાની ભયાનક ગરમીનાં કારણે જે ધરતી સૂક્કી ભટ્ઠ થઈ ગઈ હોય એ ચોમાસામાં આર્દ્ર અને લીલીછમ બની જાય, તો ઉનાળામાં જે નદીઓ સુકાઈને નામશેષ થઈ ગઈ હોય એ નદીઓ ચોમાસામાં મદમસ્ત બની બેય કાંઠે હિલોળા લેતી હોય. ઋતુનાં કારણે પ્રકૃતિના સંયોગો કેવા કેવા બદલાતા હોય છે તે આ ઘટનાક્રમોમાં પ્રતિબિંબિત થાય છે.

જેમ ઋતુનાં કારણે પ્રકૃતિના સંયોગો બદલાય છે એમ શુભાશુભ કર્મોદયનાં કારણે જીવનના સંયોગો બદલાય છે. ફર્ક એટલો છે કે ઋતુજન્ય સંયોગો ક્રમાનુસાર બદલાતા હોય છે. એથી એની ધારણા પણ કરી શકાય છે અને એને અનુરૂપ તૈયારી પણ કરી શકાય છે. જેમ કે ઉનાળાની ભયાનક ગરમી પછી ચોમાસાનો વરસાદી માહોલ અષાઢ માસમાં સામાન્યત: સર્જાય. એથી 'હવે વરસાદ આવશે' એવી ધારણા ય થઈ શકે અને એને અનુરૂપ છત્રી-રેઈનકોટ વગેરેની તૈયારી ય થઈ શકે. પણ જીવનના પલટાતા સંયોગો ક્રમાનુસાર નથી હોતા. એ ઘણી વાર સાવ અણધાર્યા હોય છે. આજે જે સંયોગો હોય એના કરતા સાવ વિપરીત સંયોગો એક વર્ષ પછી હોય. અરે ! એક વર્ષ શા માટે ? એક માસ અને એક દિવસમાં પણ વિપરીત સંયોગો સર્જાતા વાર નથી લાગતી. અને બીજી મહત્વની વાત એ કે સંયોગો પલટાયા પછી ઘણી વાર એ સ્થિતિ સર્જાય છે કે વ્યક્તિ ચાહે તો ય એને અનુરૂપ તૈયારી ન શકે. જેમ કે આજે સવારે સાવ તંદુરસ્તપણે હરતી-ફરતી વ્યક્તિ બપોરે 'બ્રેઈન સ્ટ્રોક'નાં કારણે 'કોમા'માં જતી રહે ત્યારે પલટાયેલા વિપરીત સંયોગમાં એ કાંઈ જ કરી શકતી નથી હોતી.

જીવન ક્ષેત્રે નક્કર વાસ્તવિક્તા આ હોવાથી સંયોગ પરખવાની તાતી જરૂર છે. આથી જ જીવનને વરેલી અને 'સ્' અક્ષરથી શરૂ થતી જે પાંચ વિશિષ્ટતાઓ પર આપણે ચિંતનયાત્રા કરી રહ્યા છીએ તેમાં ચોથા ક્રમે અમે સ્થાન આપ્યું છે આ સંયોગને. સાનુકૂળ સંયોગો પરખતા આવડી જાય તો વ્યક્તિ એનો સારામાં સારો ફાયદો-લાભ લઈ શકે. વિશેષપણે સુકૃતો-ધર્મકાર્યો-સેવાકાર્યોના સંદર્ભમાં વ્યક્તિએ સાનુકૂળ સંયોગોનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવો જોઈએ. આપણે આ પરિપ્રેક્ષ્યમાં અનેક પૈકી ત્રણ પ્રકારના સંયોગોની વિચારણા કરીએ : 

(૧) સ્વાસ્થ્યસંયોગ :- 'શરીર' શબ્દની સંસ્કૃત વ્યાકરણની દૃષ્ટિએ વ્યુત્પત્તિ આ કરાઈ છે કે 'શીર્યતે તચ્છરીરમ્'. ભાવાર્થ કે જે શીર્ણ થાય - ખતમ થાય તેનું નામ શરીર. ક્ષીણ થવું - ખતમ થવું એ તો શરીરનો સ્વભાવ છે. આ શરીરનું યન્ત્ર ક્યારે બગડી જશે ? એનો કયો ભાગ ક્યારે સાવ ખોટકાઈ જશે ? કે સમગ્ર શરીર ક્યારે સંપૂર્ણ નિષ્ક્રિય થઈ જશે એની કોઈ કલ્પના ન થઈ શકે.

- થોડા વર્ષો પૂર્વે વિહારયાત્રામાં અમે દશમા ધોરણમાં આવેલ એક એવી દીકરી જોઈ હતી કે 'વા'ની વિચિત્ર તકલીફનાં કારણે છ માસમાં તો એ સંપૂર્ણ પથારીવશ થઈ ગઈ હતી. છ માસ પહેલાં જે ઊછળતી-કૂદતી હરિણી સમી હતી અને શાળામાં ઉચ્ચ ક્રમાંક લાવતી હતી એ દીકરીની આ અવદશા સામે સહુ સ્વજનો લાચાર હતા : જાણે 'શીર્યતે તચ્છશરીરમ્'ની વ્યાખ્યા અહીં ચરિતાર્થ થતી હતી.

- મુંબઈ-કાંદિવલીમાં અમારો ધર્મપરિચિત યુવાન પરિવારની તમામ વ્યાવસાયિક જવાબદારી સફલતાપૂર્વક સંભાળતો હતો. એમાં એક વિલક્ષણ બિમારી એવી ઘર કરી ગઈ કે શરીર સાવ લાકડા જેવું નિશ્ચેષ્ટ થઈ ગયું. ચોવીસ કલાક 'બેડ' પર એક જ અવસ્થામાં પડયા રહેવાનું. વાચાશક્તિ સંપૂર્ણ જતી રહી હતી અને સમજશક્તિ સંપૂર્ણ સાબૂત હતી. માત્ર ઈશારાથી જરા જરા વ્યવહારો થાય એવી જીવતી લાશ જેવી અવસ્થા રહી : જાણે 'યહ તનકા હૈ કવણ ભરોસા' પંક્તિના શબ્દો અક્ષરશ: અહીં સત્ય ભાસે.

શરીરનું સ્વાસ્થ્ય આવું તકલાદી-બિનભરોસાપાત્ર હોવાથી એના સાનુકૂળ સંયોગો પરખીને એનો ધર્મકરણી દ્વારા - સેવાકાર્યો દ્વારા શક્ય તેટલો વધુ લાભ ઉઠાવવો જોઈએ. 'દશવૈકાલિક' નામે ત્રેવીશ સોથી અધિક વર્ષ પ્રાચીન જૈન આગમગ્રન્થમાં આ દૃષ્ટિબિંદુ વિકસાવે તેવી સરસ રજૂઆત કરાઈ છે કે :-

જરા જાવ ન પીડેઈ, વાહી જાવ ન વડ્ઢઈ;

જાવિંદિયા ન હાયંતિ, તાવ ધમ્મં સમાયરે.

આ પ્રાચીન ગાથા એમ જણાવે છે કે જ્યાં સુધી વૃદ્ધાવસ્થાએ આ કાયાનો કિલ્લો હચમચાવી નાંખ્યો નથી, જ્યાં સુધી વ્યાધિઓનાં વિનાશક આક્રમણોથી દેહ જર્જરિત થયો નથી અને જ્યાં સુધી ઈન્દ્રિયશક્તિ ક્ષીણ થઈ ગઈ નથી ત્યાં સુધી ધર્મસાધના થાય તેટલી વધુ કરી લો...

(૨) સંપત્તિસંયોગ :- સંસ્કૃતસાહિત્યમાં લક્ષ્મીના-સંપત્તિના જે પર્યાયવાચી નામો મળે છે તેમાં એક નામ છે ચપલા. જે ખૂબ ચંચલ હોય- ક્યારે આવે ને ક્યારે ચાલી જાય એનો ભરોસો ન થાય તેવી હોય એને કહેવાય ચપલા. સંપત્તિ આવી ચપલ-અસ્થાયી હોવાથી યોગશાસ્ત્રકારે એના માટે લખ્યું છે કે "કલ્લોલચપલા લક્ષ્મી:". અર્થાત્ લક્ષ્મી જલતરંગ ચંચલતાનો અનુભવ ભલભલાને બહુ બૂરી રીતે થઈ જતો હોય છે. આ સ્થિતિમાં સંપત્તિના સંયોગો સાનુકૂળ હોય ત્યારે એના દ્વારા સુકૃતો-સેવાકાર્યો વધુને વધુ કરી લેવાય એ અભિગમ દાખવવો જોઈએ. જેઓ આ અભિગમ ધરાવતા હોય એમની વિચારધારા કેવી ઉત્તુંગ અને સન્નિષ્ઠ હોય એ જાણવું છે ? તો વાંચો આ રાજા ભોજની પ્રેરક જીવનઘટના :

પાંડિત્ય-પ્રભુત્વ અને પૈસાનો ત્રિવેણી સંગમ ધરાવતા રાજા ભોજને સંપત્તિની વિનશ્વરતા ખ્યાલમાં હતી. એથી સંપત્તિની કોઈ આસક્તિ રાખ્યા વિના એ દીન-દુ:ખી-યાચકોને ખોબે ખોબે દાન આપતો હતો. મન્ત્રીને રાજાની આ દાનવૃત્તિમાં ઉડાઉવૃત્તિનાં દર્શન થતા હતા. એ ચિંતિત હતો કે આ રીતે જો રોજ ખોબે ખોબે દાન અપાયા કરશે તો ભરપૂર ભંડારો ય ખાલી થઈ જતાં વાર નહિ લાગે. રાજાના દાનપ્રિય સ્વભાવથી પરિચિત મન્ત્રીએ સીધેસીધી સૂચના આપવાના બદલે રાજા સાનમાં સમજી જાય તે માટે એના શયનખંડના પ્રવેશદ્વાર પર ગૂપચૂપ એક પંક્તિ લખાવી કે "આપદર્થે ધનં રક્ષેત્". ભાવાર્થ કે આફતો આવી પડે ત્યારે કામમાં આવે તે માટે સંપત્તિ બચાવી રાખવી જોઈએ.

રાત્રે શયન માટે આવેલ રાજાએ આ પંક્તિ વાંચી. વિચક્ષણ રાજા સમજી ગયો કે કોઈ વ્યક્તિએ મારી દાનવૃત્તિ પર 'બ્રેક' લગાવવા આ પંક્તિ લખી છે. એના ઉત્તરરૂપે વિદ્વાન રાજાએ નીચે બીજી પંક્તિ લખી કે "ભાગ્યભાજાં ક્વ ચાપદ:". મતલબ કે ભાગ્યશાળી-પુણ્યવાન છે એને આફતો આવે જ ક્યાંથી ? એને તો રણમાં ય ઝરણ અને જંગલમાં મંગલ હોય... બીજા દિવસે મન્ત્રીએ આ પંક્તિ વાંચી અને એ તાજુબ થઈ ગયો. છતાં હજુ એક વાર જોરદાર 'બ્રેક' લગાવવા એણે નવી પંક્તિ લખાવી કે "કદાચિત્ કુપિતે દૈવે". આનો અર્થ એ હતો કે ક્યારેક ભાગ્ય રૂઠે તો પુણ્યશાળીઓને પણ આફતો આવી શકે છે. રામ-પાંડવ વગેરે પુણ્યશાળી હોવા છતાં એમને મોટી આફતો આવી જ હતી... રાત્રે શયન માટે આવેલ રાજાએ આ નવી પંક્તિ વાંચીને એનો પણ માર્મિક ઉત્તર આપતી પંક્તિ લખી કે "સંચિતમપિ નશ્યતિ". ભાવાર્થ કે જો ભાગ્ય જ રૂઠશે તો સંચિત કરેલ સંપત્તિ પણ નષ્ટ થઈ જશે. નિધાનરૂપે દાટી હશે તો તે ય નષ્ટ થઈ જશે અને ક્યાંય થાપણ મૂકી હશે તો થાપણદાર એ ય પચાવી પાડશે.

આ અંતિમ ઉત્તર વાંચી મન્ત્રી ચૂપ થઈ ગયો.

(૩) શુભભાવ સંયોગ :- રાજા ભોજનાં ઉપરોક્ત પ્રસંગમાં રાજાના દાન આપવાના જે અખંડ ભાવ નિહાળવા મળે છે એ 'રેર કેસ'માં બને છે. બાકી મહદંશે એવું બનતું હોય છે કે ઉત્તમ નિમિત્તો - ભાવોલ્લાસ પ્રસરાવતો પ્રબળ માહોલ વગેરે હોય ત્યારે વ્યક્તિના શુભ ભાવો ઊંચકાય અને તે તે નિમિત્તો-માહોલથી દૂર થવાય ત્યારે એ શુભભાવો દૂધની તપેલીમાં આવેલ ઉભરાની જેમ શમી જાય. શું દાન કે શું તવ, શું બ્રહ્મચર્ય કે શું વિવિધ વ્રત-નિયમો : આ તમામ શુભ ભાવોમાં સામાન્યપણે આ નિયમ લાગુ પડે છે. એટલે જ એવી પણ પ્રેરણા કરાય છે કે જ્યારે જે શુભ ભાવ હૈયે પ્રગટયો હોય તેનો તુર્ત અમલ કરી દેવો. બાકી લંબાવવા જતા એ શુભ ભાવનો સંયોગ ખંડિત થતાં વાર નહિ લાગે. આ જ તર્જ પર "વૈરાગ્યશતક" ગ્રન્થમાં લખાયું છે કે "જં કલ્લે કાયવ્વં, તં અજ્જ ચિય કરેહ તુરમાણા". ભાવાર્થ કે જે શુભકાર્ય તું કાલે કરવાનું કહે છે તે ઉતાવળ કરીને આજે જ કરી લે. કેમ કે કાલનો ય ભરોસો નથી અને કાલ હશે તો શુભ ભાવ ટકશે તેનો ય ભરોસો નથી. 

છેલ્લે એક વાત : છીપ અને સ્વાતિનક્ષત્રના સંયોગથી જલબુંદ મોતી બને... ધર્મકરણી અને સેવાના સંયોગથી જીવન જ્યોતિ બને...

Gujarat