Get The App

કોઈના નિ:સાસા ન લેવાય એની સદા કાળજી રાખવી સહુના આશીર્વાદ લેવાય તેવી સદા પ્રવૃત્તિ રાખવી

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
કોઈના નિ:સાસા ન લેવાય એની સદા કાળજી રાખવી સહુના આશીર્વાદ લેવાય તેવી સદા પ્રવૃત્તિ રાખવી 1 - image


- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- 'નિ:સાસા એટલે સામી વ્યક્તિની આંતરડી કકળાવવી. ગરીબ વ્યક્તિનું શોષણ કરવું, વિધવા-અશક્તની હકની ચીજ પડાવી લેવી, કોઈનું જોડાણ જે ચીજો સાથે હોય તે એની પ્રિય ચીજો ધરાર ખૂંચવી લેવી વગેરે ગલત કાર્યો વ્યક્તિ કરે ત્યારે એને સંબંધિત વ્યક્તિઓની જે બદદુઆ મળે તે છે નિ:સાસા.'

એ હતો નસીબની ઉપરાઉપરી થપાટો અનુભવતો સામાન્ય ગજાનો માનવી. માર્ગે જતો હતો ત્યાં અચાનક એણે 'ફુટપાથ' પર બેસેલ જ્યોતિષી નિહાળ્યો. મામૂલી રકમમાં હાથ જોઈ આપતા એ જ્યોતિષી પાસે ભાવી જાણી લેવાનું એને ય મન થયું અને એણે હાથ લંબાવ્યો. બિચારો ગરજવાન ! એને ભવિષ્યની ક્યાં ખબર હતી કે અહીં પણ ખર્ચના ખાડામાં ઊતરવાનું છે.

જ્યોતિષીએ મામૂલી રકમમાં હાથ જોઈ આપ્યો. પણ રંગીન સ્વપ્ન બતાવ્યાં કે ' ફક્ત પાંચ હજારના ચાંદીનાં આભૂષણ બનાવી શનિમહારાજની વિશિષ્ટ વિધિ કરો. શનિદોષ દૂર થઈ જશે ને એકાદ સપ્તાહમાં જ પાંચગણી કમાણી થઈ જશે. મારું જ્યોતિષ અફર છે-સચોટ છે. તમને જે કાંઈ તકલીફ છે એ શનિના સંબંધની છે. વિધિ કરો એટલે તમને સફળતા સડસડાટ મળશે. પાંચગણી કમાણી તો પહેલા જ સપ્તાહની વાત છે. એ પછી નવું નવું મળશે એ અલગ.'

જ્યોતિષી જેના માટે 'ફક્ત' શબ્દપ્રયોગ કરતો હતો એ પાંચ હજાર રૂ. ભાઈ માટે બહુ મોટી રકમ હતી. પણ સપ્તાહમાં પાંચગણી કમાણી અને પછીની નવી નવી કમાણીના રંગીન સ્વપ્ને એણે દેવાની સ્થિતિમાં ય ઉધાર લેવાનું જોખમ લેવા પ્રેર્યો. એ ગયો સોની પાસે પાંચ હજારના આભૂષણો વગર મુડીએ ઘડાવ્યા અને પંદર દિવસમાં વ્યાજ સાથે પંચાવનસો રૂ. આપવાનો કરાર કર્યો. આભૂષણો આવી ગયા, શનિમહારાજની વિધિ ય થઈ ગઈ. હવે એ રાહ જોતો હતો કે રંગીન સ્વપ્ન સાકાર કયારે થાય છે !

પરંતુ પહેલું-બીજું-ત્રીજું સપ્તાહ વીત્યું. છતાં ન પાંચગણી કમાણી થઈ, ન નવી નવી કમાણી થઈ. ભાઈ ચિંતાતુર વદને જતો હતો. ત્યાં માર્ગમાં અચાનક પેલા જ્યોતિષીનો ભેટો થઈ ગયો. જ્યોતિષીએ પૂછયું : ' કેમ  ! હવે કેવું ચાલે છે ?' પેલો કહે : ' પહેલા માત્ર શનિમહારાજ નડતા હતા. હવે શનિમહારાજ અને સોનીમહારાજ, બે ય નડે છે !

જેઓ જ્યોતિષમાં અંધશ્રદ્ધા દાખવીને જ્યાં ત્યાં હાથ બતાવવા દોડી જાય છે એમના હાલ-હવાલ કેવા થાય છે તે આ દૃષ્ટાંત બહુ સચોટ રીતે સમજાવી જાય છે. દૃષ્ટાંતનો સામાન્ય બોધ એ છે કે વ્યક્તિએ જીવનની ઉન્નતિ માટે પ્રારબ્ધ કરતાં પુરુષાર્થ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હાથ બતાવવા તરફ નહિ, હાથથી મહેનત કરવા તરફ લક્ષ્ય રાખવું જોઈએ. પુણ્યોપાર્જન કરાવનાર ધર્મકરણી પ્રથમક્રમે અને સુયોગ્ય પુરુષાર્થ બીજા ક્રમે : આ જીવનશૈલી હોવી જોઈએ. એમાં જ્યોતિષ માટેની હાથ બતાવવા વગેરેની દોડધામ ન હોવી જોઈએ. પુરુષાર્થનું મહિમામંડન કરતી એક શાયરી પણ આ જ વાત કરે છે કે :

સફલતા જિંદગીની કાંઈ, હસ્તરેખામાં નથી હોતી ;

ચણાયેલી ઇમારત કદી, નકશામાં નથી હોતી...

પણ સબૂર ! અમે જરા અલગ 'એંગલ' થી એમ કહેવા બે-તાબ છીએ કે વ્યક્તિએ હાથ જોવા જ જોઈએ ! હા, આ હાથ જોવા માટે જ્યોતિષી પાસે જવાની જરા ય જરૂર નથી. એટલે કે જ્યોતિષના દૃષ્ટિબિંદુથી હાથ જોવાની આ વાત નથી. વ્યક્તિએ જાતે જ પોતાના હાથ જોવાના છે. અમારા 'એંગલ'ને આપણી સંસ્કૃતિનું પણ સંપૂર્ણ સમર્થન છે. આપણી સંસ્કૃતિમાં એક સૂત્ર પ્રચલિત છે કે 'પ્રભાતે કરદર્શનમ્.' આ સંસ્કૃત સૂત્ર કહે છે કે સવારે પોતાના હાથનું દર્શન કરવું. અમે આ સૂત્રને અનુલક્ષી કુલ ચાર લેખ દ્વારા પ્રભાતે કરદર્શનના એક-બે નહિ, સાત-સાત લાભો દર્શાવીશું. આ લેખમાં નિહાળીએ એનો પ્રથમ લાભ.

૧) આ હાથ વડે કોઈના નિ:સાસા નહિ લઉં, બલ્કે આશીર્વાદ લઈશ : - હાથનું કાર્યક્ષેત્ર બહુ વિશાલ હોવાથી એના દ્વારા આમ તો ઘણાં ઘણાં કાર્યો થાય. જેમ કે હાથ પ્રહાર પણ કરે અને પ્રણામ પણ કરે, પૂજા પણ કરે અને પીડા પણ કરે, સેવા પણ કરે અને સંઘર્ષ પણ કરે, ભોજન પણ કરે અને ભોજનત્યાગ (એનાં પચ્ચક્ખાણ) પણ કરે. આમ ઘણું વિસ્તૃત કાર્યક્ષેત્ર આ હાથનું છે. આપણે એ પૈકી એક કાર્ય આ પ્રથમ લાભમાં વિચારીશું. એ છે લેવાનું કાર્ય. ના, લેવડ-દેવડ શબ્દમાં લેવાની જે વાત છે તે સંપત્તિ-સુવર્ણ-અલંકારો-મકાન વગેરે સ્થૂલ કક્ષાની ચીજો લેવા સંબંધી વાત અહીં નથી. અહીં છે માત્ર સૂક્ષ્મ કક્ષાની ચીજો લેવા સંબંધી વાત. એમાં એક છે 'નેગેટીવ' અને બીજી છે 'પોઝીટીવ'. નિ:સાસા લેવા એ 'નેગેટીવ' બાબત છે. કેમ કે એ દોષરૂપ છે. નિ:સાસા એટલે સામી વ્યક્તિની આંતરડી કકળાવવી. ગરીબ વ્યક્તિનું શોષણ કરવું વિધવા-અશક્તાની હકની ચીજ પડાવી લેવી, કોઈનું જોડાણ જે ચીજો સાથે હોય તે એની પ્રિય ચીજો ધરાર ખૂંચવી લેવી વગેરે ગલત કાર્યો વ્યક્તિ કરે ત્યારે એને સંબંધિત વ્યક્તિઓની જે બદદુઆ મળે તે છે નિ:સાસા. આ નિ:સાસા કેવા ખતરનાક- ભયંકર હોય એની ઝલક સંત તુલસીદાસની એક પંક્તિમાંથી મળી રહે છે કે :

તુલસી ! હાય ગરીબકી, કભી ન ખાલી જાય ;

મૂઆ ઢોર કે ચામસે, લોહા ભસ્મ હો જાય..

તુલસીજી જે વાત કાવ્યપંક્તિમાં કહે છે એ જ વાત સત્ય ઘટનામાં ચરિતાર્થ થતી નિહાળવી છે ? તો વાંચો આ સત્ય ઘટના:

મુંબઇના ઝવેરીબજારમાં વ્યવસાય કરતા બે વ્યાપારી મિત્રો. એકનું નામ ભાઈચંદ અને બીજાનું નામ ચુનીલાલ. મિત્રતાનાં કારણે બન્ને વચ્ચે વ્યાવસાયિક લેવડ-દેવડ પણ થતી. એક વાર ભાઈચંદ પાસેથી ચુનીલાલે હીરા ખરીદ્યા. રકમ ચૂકવી હીરાની ડબ્બી લઈ ચુનીલાલ ઘરે આવ્યો. ડબ્બી ખોલી ખરીદેલ હીરાઓની નીચેનો કાગળ બદલવા ગયો ત્યાં કાગળ નીચેથી નવા ચાર હીરા નીકળ્યા : એકદમ ઝગારા મારતા અને મૂલ્યવાન. આ હીરાની તો ખરીદી થઈ જ ન હતી. એ ભૂલમાં આવી ગયા હતા. ચુનીલાલનાં મનમાં આ મફતનો માલ પડાવી લેવાના દુષ્ટ વિચારો જાગ્યા. એણે એ ન વિચાર્યું કે આના નિ:સાસા કેવા ખોફનાક હશે. એ ચાર હીરા એણે અન્યત્ર છુપાવી દીધા અને કાગળ જેવો હતો તેવો રાખી ડબ્બી તિજોરીમાં મૂકી દીધી.

એ હીરાની હકીકત એ હતી કે કોઈ મુસ્લિમ વ્યાપારીએ પોતાના શુકનના હીરા મૂલ્ય આંકવા માટે ભાઈચંદને આપ્યા હતા અને ભાઈચંદની સરતચૂકથી એ ચુનીલાલના હાથમાં આવી ગયા હતા. થોડા દિવસો બાદ મુસ્લિમ વ્યાપારી હીરા લેવા આવ્યો ત્યારે ભાઈચંદને યાદ આવ્યું કે એ તો પેલી ડબ્બીમાં કાગળ નીચે હતા. એને ચિંતા તો થઈ. પરંતુ મિત્રના હાથમાં જ ગયા હોવાથી વાંઘો નહિ આવે એવી થોડી ધરપત પણ થઈ. તુર્ત એ ચુનીલાલના ઘરે ગયો અને હકીકત જણાવી. ચુનીલાલે ઠંડે કલેજે લુચ્ચાઈ દાખવી કે 'ચાલો, હમણાં જ તિજોરીમાંથી ડબ્બી મંગાવું છું. તું પણ જોઈ લે. એમાં હોય તો તું લઈ લેજે.' ડબ્બી આવી. પરંતુ કાગળ નીચેથી એક પણ હીરો ન નીકળ્યો. ચુનીલાલે એ જ શયતાની લુચ્ચાઈ સાથે કહ્યું : ' તે બીજી કોઈ ડબ્બીમાં હીરા મૂક્યા હશે. ઘરે-દુકાને તપાસ કરજે. બાકી આમાં હોત તો મળી જ જાત ને ?'

ભાઈચંદના પગ નીચેથી ધરતી ખસી ગઈ. એ સમજી ગયો કે ચુનીલાલ વિશ્વાસઘાત કરીને શયતાની શાણપણ બતાવી રહ્યો છે. પણ પુરાવા વિના થાય શું ? ભાઈચંદ ઘણું કરગર્યો. પણ ચુનીલાલે ' મેં હીરા જોયા પણ નથી' કહી હાથ જ ન મૂકવા દીધો. અત્યંત ચિંતા-ઉદાસીનતા સાથે ભાઈચંદે દુકાને જઈ મુસ્લિમ વ્યાપારીને સમગ્ર બીના કહી. એ વ્યાપારીએ કહ્યું : ' મારે તો શુકનના એ હીરા જ જોઈએ. એની કિંમત મળે એમાં મને ખાસ રસ નથી.' કોકડું ખૂબ ગુંચવાઈ ગયું. ભાઈચંદને ભયંકર દુ:ખ એ હતું કે આમાં લાખો રૂ.ય જશે અને પ્રામાણિકતાની છાપ પણ જશે. એ ય ચુનીલાલના પાપે.

છેલ્લા મરણિયા ઉપાયરૂપે મુસ્લિમ વ્યાપારીના વૃદ્ધ પિતાએ બન્નેને પોતાના ઘરે બોલાવ્યા અને શુકનના હીરા હોવાથી પરત આપવાની ભારપૂર્વક વાત કરી. ચુનીલાલે સચ્ચાઈ જતાવવા તુર્ત કહ્યું : 'મારા એકના એક દીકરાના સોગંદ ખાઉં છું કે મેં હીરા જોયા પણ નથી.' વૃદ્ધ પિતા બોલ્યા : 'અરે ! આમાં સોગંદ ન ખવાય. ચાલો, આ વાત અહીં પૂરી કરીએ.' ભાઈચંદે હીરાની બજારકિંમત આપી દીધી ને વાત પૂરી થઈ. પરંતુ એનું મન પૈસો અને પ્રતિષ્ઠા બન્ને ગુમાવવાનાં કારણે મણ મણના નિ:સાસા નાંખવા માંડયું.

કુદરતના દરબારમાં નથી દેર હોતી, નથી અંધેર હોતું. નિ:સાસાનું ખતરનાક પરિણામ એ આવ્યું કે ખોટા સોગંદ ખાનાર ચુનીલાલનો એકનો એક દીકરો ચોવીશ કલાકમાં મૃત્યુ પામ્યો. મુસ્લિમ વ્યાપારીને ખાતરી થઈ ગઈ કે હીરાચોર ચુનીલાલ જ છે. એણે મફતના રૂ.પચાવી પાડયા, તે સામે પુત્ર અને પ્રતિષ્ઠાનો પૂરો ખાતમો બોલાઈ ગયો..

નિ:સાસા જો 'નેગેટીવ' બાબત છે, તો આશીર્વાદ 'પોઝીટીવ' બાબત છે. હાથથી લેવા જેવી બાબત છે આશીર્વાદ. દીન-દુ:ખી-ગરીબનાં દુ:ખ હરવા માટે એમને મદદ કરવી, મુશ્કેલીમાં ફસાયેલાને મુશ્કેલીમાંથી બહાર લાવવા, ઉપકારીઓ-વડીલો-ગુરુજનોની સેવા કરવી વગેરે કાર્યો જો હાથ દ્વારા થાય તો આશીર્વાદ મળે. કોઈનાં અંતરનાં ઊંડાણમાંથી પ્રગટેલ એ આશીર્વાદ જીવનને બધી રીતે હરિયાળું બનાવે, સમૃદ્ધ બનાવે, સુખ-શાંતિમય બનાવે. આની પ્રતીતિ કરાવે છે થોડા દાયકાઓ પૂર્વે થઈ ગયેલ અમદાવાદના લબ્ધપ્રતિષ્ઠ શ્રીમંત શ્રેષ્ઠી શ્રી મનસુખભાઈ ભગુભાઈનું જીવન.

એ યુગમાં તેઓ પ્રતિવર્ષ બહુ મોટી રકમનાં ગુપ્ત દાન કરે. એમનાં એ ગુપ્તદાનોનો તમામ વહીવટ વિખ્યાત નાટયકાર ડાહ્યાભાઈના પિતા ધોળશાજી કરે. એકેક પૈસાનો અણિશુદ્ધ હિસાબ ધોળશાજી રાખે. એકવાર એ કહે : 'શેઠ ! કોને કોને મદદ મળી છે એના 'લીસ્ટ' પર નજર તો કરો. ' શેઠે ઇન્કાર કર્યો : 'મારે નામાવલિ નથી વાંચવી. ક્યારેક એમાંનો કોઈ મળી જાય અને ભૂલમાં ય મદદ બોલાઈ જાય. એના કરતાં શ્રેષ્ઠ એ છે કે મદદ કોને કોને થઈ છે તે મારે જાણવું જ નહિ.' હજારોનાં મૂક આશીર્વાદથી  અનાયાસે જ મનસુખભાઈનું જીવન પરાકાષ્ઠાની જાહોજલાલીમય બન્યું.

છેલ્લે એક વાત : કોઈના નિ:સાસા ન લેવાય તેની સદા કાળજી રાખવી.. સહુના આશીર્વાદ મળે તેવી સદા પ્રવૃત્તિ રાખવી.

Tags :