- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- ''ધરતી ભલે ફલદ્રૂપ હોય, પરંતુ બીજ જો સક્ષમ ન હોય તો ખેડૂત ધાર્યું ફળ પ્રાપ્ત ન કરી શકે. તેમ શરીર સ્વસ્થ હોય, પરંતુ મન શુભ વિચારોથી મંડિત ન હોય તો વ્યક્તિ ધર્મકરણી-શુભ કાર્યો કરી ન શકે. ધર્માનુષ્ઠાનો કરવા હોય કે પરોપકારનાં શુભ કાર્યો કરવા હોય : એમાં માત્ર સ્વસ્થ શરીરથી એ ઉપલબ્ધિ થતી નથી. એમાં બીજનાં સ્થાને શુભ વિચારો-ઉત્તમ મનોરથો જોઈએ જ જોઈએ. તો જ તે તે ધર્માનુષ્ઠાનો-શુભ કરણી શક્ય બને.''
વ્યક્તિ જ્યારે કાચવાળી બારીમાંથી બહારનાં વિશ્વનાં દ્રશ્યો નિહાળતી હોય ત્યારે એક વિ-લક્ષણ બાબત એ બને છે કે એને એમાંથી વૃક્ષ-નદી-આકાશ-પર્વત વગેરે બધું જ નજરે તરી આવે. પરંતુ જે એની સૌથી વધુ નિકટ છે તે બારીના કાચ પર એની નજર જતી નથી હોતી. આવું જ ચશ્માના કાચમાં ય બને છે કે જે ચશ્માનાં કાચથી વ્યક્તિ દૂર-સુદૂરનાં દ્રશ્યો નિહાળી શકે છે તે કાચ પર એની નજર જાણે ઠરતી જ નથી.
શું દર્શાવે છે આ ? એ જ કે ઘણી વાર સાવ નિકટની-હાથવગી બાબતો પ્રત્યે વ્યક્તિ બેદરકાર રહેતી હોય છે. એનાં કારણે વ્યક્તિને એનું સાચું મહત્ત્વ-મૂલ્ય સમજાય નહિ. છેલ્લા બે લેખોથી આપણે 'સ્લ્લ અક્ષરથી આરંભાતી જે પાંચ બાબતો પર વિચારયાત્રા શરૂ કરી છે તે દરેક બાબતો આવી છે કે જેનું મૂલ્ય-મહત્ત્વ અદ્દભુત છે, પરંતુ વ્યક્તિ એના પ્રત્યે બેદરકાર છે - દુર્લક્ષ ધરાવે છે. આજે એમાં આપણે ક્રમપ્રાપ્ત ત્રીજી બાબત પર વિચારણા કરીશું :
(૨) સામગ્રી : વ્યક્તિ ચાહે તેવી હોંશિયાર-ધગશયુક્ત હોય. પરંતુ પોતાનાં ક્ષેત્રમાં સફલ થવા માટે એને યોગ્ય સામગ્રીની આવશ્યકતા અવશ્ય રહે. આપણે કેટલાક ઉદાહરણો આ અંગે નિહાળીએ. પહેલું ઉદાહરણ એ કે વિદ્યાર્થી ગમે તેટલો હોંશિયાર હોય - ભણવાની તીવ્ર ધગશ ધરાવતો હોય. પરંતુ અભ્યાસક્ષેત્રે આગળ વધવા માટે એને શિક્ષક-પુસ્તક-અભ્યાસક્રમ મુજબનું શિક્ષણ : આટલી સામગ્રી તો જોઈએ જ. હા, બુદ્ધિપ્રતિભાની વિશિષ્ટતાનાં કારણે કોઈ વિદ્યાર્થી વિશેષને હજુ આમાંથી એકાદ સામગ્રી ન્યૂન હોય તો ય અભ્યાસમાં વાંધો ન આવે એમ બની શકે. જેમ કે કોઈ પ્રતિભાવંત વિદ્યાર્થી શિક્ષક વિના માત્ર પુસ્તકના આધારે સચોટ અભ્યાસ કરી શકે, તો કોઈ વિદ્યાર્થી પુસ્તક વિના માત્ર શિક્ષકથી સચોટ અભ્યાસ કરી શકે. યાદ આવે છે આ સંદર્ભમાં એક અદ્દભુત સત્ય ઘટના :
અમારાં સાંસારિક વતન દર્ભાવતી - ડભોઈ તીર્થની ભૂમિમાં આજથી એક હજાર વર્ષ આસપાસના સમયમાં એક મહાન જૈનાચાર્યનો જન્મ થયો હતો. પ્રભુમહાવીરદેવની મુખ્ય પટ્ટપરંપરામાં જેમનું નામ પ્રતિષ્ઠિત છે તે આ સૂરિભગવંતને પાંચસો શિષ્ય-પ્રશિષ્યોનો શ્રમણપરિવાર હતો, તો તેઓએ સંયમના તમમ છયાંશી વર્ષો અખંડ આયંબિલની ઘોર તપશ્ચર્યા કરી હતી. વર્ધમાનતપઓળીની પદ્ધતિએ ગણીએ તો તેઓએ છસોથી વધુ ઓળી થાય તેટલા અ...ધ...ધ આયંબિલ કર્યા હતા. આ આચાર્યભગવંતે ચૌદ વર્ષની વયે સંયમ સ્વીકાર્યો એના બે-એક વર્ષ પછી તેઓ ગુજરાતની તત્કાલીન રાજધાની પાટણમાં પધાર્યા.
તેઓ શુદ્ધ સંવેગી પક્ષના મુનિ હતા અને પાટણમાં ત્યારે ચૈત્યવાસી પરંપરાનું ખૂબ પ્રભુત્વ હતું. એમાં એક દિગ્ગજ વિદ્ધાન જૈનાચાર્ય હતા શ્રીમાન શાંતિસૂરીશ્વરજી મહારાજ. તેઓ એમના શિષ્યોને બૌદ્ધદર્શનના અતિ કઠિન પ્રમેયવાદનો અભ્યાસ કરાવતા હતા. મુનિચન્દ્રમુનિને તો પાટણમાં સ્થિરતાની ય મુશ્કેલી હતી. અભ્યાસની વ્યવસ્થા તો શક્ય જ શે બને ? એમાં તેઓ એક પ્રભાતે જિનાલયે દર્શનાર્થે પધાર્યા ત્યાં થોડે દૂર પ્રમેયવાદનું અધ્યયન કરાવાતું નિહાળ્યું. આવી તક ન ચુકાય એમ સમજી તેઓ દૂરથી ઊભા ઊભા શાંતિસૂરીશ્વરજી મ.ની વચનધારા તન્મયતાથી શ્રવી રહ્યા. પાસે ન તો એ અતિ કઠિન વિષયનો ગ્રન્થ હતો, ન તો એમને પ્રશ્નોત્તરીની તક હતી. માત્ર દૂરથી શ્રવણ જ હતું. તેર દિવસ સુધી આ ક્રમ ચાલ્યો. તેર દિવસનાં અધ્યયનના અંતે શાંતિસૂરીશ્વરજીએ એમના શિષ્યોની મૌખિક પ્રશ્નોતરીથી પરીક્ષા લીધી ત્યારે કોઈ સંતોષકારક ઉત્તરો ન આપી શક્યું. જૈનાચાર્યને નિરાશા થઈ કે શું મારું જ્ઞાન મારા સુધી જ સીમિત રહી જશે ? તે ક્ષણે દૂર રહેલ મુનિચન્દ્રમુનિ નિકટ આવ્યા અને વિદ્યાગુરુની રજા લઈ સંપૂર્ણ પાઠ અસ્ખલિત દલીલો સાથે બોલી ગયા ! વિના પુસ્તકે શ્રવણમાત્રથી આવું સરસ જ્ઞાન સંપાદન કરનાર એ મુનિ પર આચાર્ય આફ્રીન થઈ ગયા અને વિરુદ્ધ માન્યતા હોવા છતાં એમના માટે રહેવાની વ્યવસ્થા કરાવી એમને પોતાનું વિશદ જ્ઞાન અધ્યાપન દ્વારા અર્પણ કર્યું.
બીજું ઉદાહરણ લઈએ વ્યવસાયનું. એમાં વ્યક્તિને જરૂરી મૂડીરોકાણ-ધંધાનો થોડો અનુભવ-ગ્રાહકોનો સંપર્ક થાય તેવું સ્થાન અર્થાત્ ઓફિસ-દુકાન જેવી સામગ્રીની જરૂર પડે જ. ખૂબ વીલપાવર અને હોંશિયારી ધરાવતી વ્યક્તિને કદાચ આમાંથી એકાદ સામગ્રી ઓછી હોય તો ય વાંધો ન આવે એ મંજૂર. પરંતુ તો ય એને પણ કોઈ ને કોઈ સામગ્રીની આવશ્યકતા રહે જ... ત્રીજું ઉદાહરણ લઈએ ખેડૂતનું. ખેતી માટે એને ધરતીની-બીજની-પાણીની અને પુરુષાર્થની આવશ્યકતા રહે જ. આ સામગ્રી વિના ખેડૂત ખેતી ન કરી શકે.
જેમ ઉપરોક્ત જેવી બાબતોમાં સામગ્રીનું મહત્ત્વ છે એમ જીવનની અન્યાન્ય મહત્ત્વની બાબતોમાં ય સામગ્રીનું મહત્ત્વ છે. આપણે હવે દરેક સરેરાશ વ્યક્તિને મળેલ ચાર એવી સામગ્રી પર વિચારણા કરીએ કે જે મુખ્યત્વે ધાર્મિક અને આનુષંગિક સામાજિક-પારિવારિક ક્ષેત્રોમાં ય ખૂબ મહત્ત્વપૂર્ણ પુરવાર થાય.
પહેલી બાબત છે સ્વસ્થ શરીર. ધર્મદ્રષ્ટિએ વિચારીએ તો, તપ કરવો હોય કે ક્રિયાનુષ્ઠાનો વગેરે કરવા હોય ત્યારે સ્વસ્થ શરીર સૌથી અગત્યની બાબત બની જાય છે. તપના ભાવ ચાહે તેવા હોય, પરંતુ રોજ જ તત્રણ ટંક ટેબ્લેટ્સ લેવાનું ડૉક્ટરનું ફરમાન હોય ત્યારે તપ લગભગ શક્ય નથી બનતો. એ જ રીતે પેરાલીસીસ જેવો રોગ હોય તો ક્રિયાનુષ્ઠાનો યથોક્ત રીતે થઈ ન શકે. દશવૈકાલિક આગમમાં એટલે જ એક સરસ ગાથા પ્રસ્તુત કરાઈ છે કે :
જરા જાવ ન પીડેઈ, વાહી જાવ ન વડ્ઢઈ
જાવિંદિયા ન હાયંતિ, તાવ ધમ્મં સમાયરે.
ભાવાર્થ કે જ્યાં સુધી વૃદ્ધાવસ્થાએ શરીરના ઘેરો ઘાલ્યો નથી, જ્યાં સુધી રોગોએ શરીર પર ડેરા-તંબુ તાણ્યા નથી, અને જ્યાં સુધી ઈન્દ્રિયો ક્ષીણ થઈ નથી ત્યાં સુધીમાં થાય તેટલી ધર્મસાધના કરી લેવી.
બીજી સામગ્રી છે શુભ વિચારધારા... ધરતી ભલે ફલદ્રૂપ હોય, પરંતુ બીજ જો સક્ષમ ન હોય તો ખેડૂત ધાર્યું ફળ પ્રાપ્ત ન કરી શકે. તેમ શરીર સ્વસ્થ હોય, પરંતુ મન શુભ વિચારોથી મંડિત ન હોય તો વ્યક્તિ ધર્મકરણી-શુભ કાર્યો કરી ન શકે. ધર્માનુષ્ઠાનો કરવા હોય કે પરોપકારનાં શુભ કાર્યો કરવા હોય : એમાં માત્ર સ્વસ્થ શરીરથી એ ઉપલબ્ધિ થતી નથી. એમાં બીજનાં સ્થાને શુભ વિચારો-ઉત્તમ મનોરથો જોઈએ જ જોઈએ. તો જ તે તે ધર્માનુષ્ઠાનો-શુભ કરણી શક્ય બને.
ત્રીજી સામગ્રી છે સહાયક સ્વજનો. ધર્મકરણી કે પરોપકારાદિ શુભ કાર્યોમાં વ્યક્તિનું શરીર ભલે સક્ષમ હોય અને શુભ મનોરથો પણ ભલે ઉત્તમ હોય, પરંતુ જો સ્વજનો સહાયક થવાનાં સ્થાને વિરોધક બનતા હોય તો ઘણી બધી વ્યક્તિઓ કલેશ-કંકાસથી ડરીને ધર્મકરણીથી-શુભ કાર્યોથી વિરમી જતી હોય છે. એથી વિપરીત, વ્યક્તિને ધર્મકરણીમાં-શુભ કાર્યોમાં સ્વજનોનો મજબૂત ટેકો મળતો હોય તો એ હોંશે હોંશે ઉલ્લાસથી તે કાર્યોમાં જોડાવા તત્પર થઈ જતી હોય છે.
ચોથી સામગ્રી છે સંપત્તિ. ધર્મક્ષેત્રે દાન કરવું હોય કે પરોપકારાદિ ક્ષેત્રે ધનથી ઉપયોગી થવું હોય તો સંપત્તિ નામે સામગ્રી હોવી જરૂરી છે. જો કે, જૈન શાસ્ત્રો આ અંગે મહત્ત્વની સાવધાની દર્શાવે છે કે 'હુ દાન આપી શકું. માટે ઘણી બધી કમાણી કરી લઉં.લ્લ આ વિચારધારા બરાબર નથી. આ તો દાનનાં નામે પરિગ્રહના પાપોનાં પોટલાં બાંધવાની વાત છે. યોગ્ય બાબત એ છે કે પુણ્યાનુબંધી પુણ્યના યોગે સંપત્તિ પ્રાપ્ત થઈ હોય તો એને વધુમાં વધુ ધર્મમાં-શુભમાં વાપરવી.
આ ચાર પૈકી પ્રથમની ત્રણ સામગ્રીના સંદર્ભમાં અમારું ઉદાહરણ લઈએ તો સ્વસ્થ શરીરની સંપદા અને એમાં વળી દશ વર્ષની ચડતી વય હતી, સંયમધર્મ સ્વીકારવાના શુભ મનોરથો હતા અને માતા-પિતાદિ પરિવારનો એમાં સરસ સહયોગ હતો. પરિણામ ? આજે અડતાળીસ વર્ષોથી મસ્ત સંયમજીવનની સાધના થાય છે. એમાં પ્રેરણારૂપે વિરાટ દાનોપૂર્વકના શાસનકાર્યો-જીવદયાદિ કાર્યો થાય છે એ અલગ.
છેલ્લે એક વાત : સારી સામગ્રી છતાં ધંધો ન કરી શકે એ સાચો વ્યાપારી ન ગણાય, એમ શુભ સામગ્રી છતાં ધર્મ ન કરી શકે એ સાચો ધર્મી ન કહેવાય.


