'મારું જ સાચું' આવો કદાગ્રહ મિથ્યાત્વનું સ્વરૂપ છે...'સાચું એ મારું' આવી વિવેકદૃષ્ટિ સમ્યક્ત્વનું સ્વરૂપ છે...
- અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ
'અ મૃતવેલ સજ્ઝાય'ના દુષ્કૃતનિંદાના આત્મશુદ્ધિકારક વિષયમાં આપણે અઢાર અઢાર પાપસ્થાનકો પર દીર્ઘ ચિંતનયાત્રા કરી રહ્યા છીએ. એમાં આજે વિચારણા કરીશું, સત્તરમા અને અઢારમા ક્રમનાં બે અંતિમ પાપસ્થાનકો અંગે. એમાં પ્રથમ આવે છે સત્તરમા ક્રમનું પાપ. એનું નામ માયામૃષાવાદ.
શાસ્ત્રકારો હો કે ચિંતકો હો: એમની કેટલીક પ્રરૂપણાશૈલી એવી વિશિષ્ટ હોય છે, કે જે આપણને નવો જ દિશાનિર્દેશ કરાવી શકે. એમાં શાસ્ત્રકારભગવંતની પ્રરૂપણાશૈલી નિહાળીશું 'કલ્પસૂત્ર' આગમની 'સંતે-પસંતે-ઉવસંતે' પંક્તિ દ્વારા. આ પંક્તિમાં ત્રણ શબ્દો સાથે સાથે એવા છે જે સમાનાર્થી જેવા લાગે: શાંત-પ્રશાંત-ઉપશાંત. શાસ્ત્રકારશ્રીએ એનું અર્થઘટન આવું કર્યું છે કે જે બાહ્યથી-મુખમુદ્રા વગેરેથી આવેશગ્રસ્ત ન હોય એ શાંત, જે અભ્યંતરથી-મનના વિચારોથી આવેશગ્રસ્ત ન હોય એ ઉપશાંત અને જે બાહ્ય-અભ્યંતર બે ય રીતે આવેશગ્રસ્ત ન હોય એ ઉપશાંત. આમાં એ વાત ખાસ નોંધપાત્ર છે કે પ્રથમના બે શબ્દમાં જે બે વિશેષતા અલગ અલગ છે એ જ બે વિશેષતા છેલ્લા શબ્દમાં સંયુક્ત છે અને એને વિશેષતાની દૃષ્ટિએ વધુ બળકટ-પાવરફુલ ગણી સ્વતન્ત્ર-અલગ સ્થાન અપાયું છે.
હવે વિચારીએ આવી જ પ્રરૂપણાશૈલી ચિંતકોની. પ્રભાતે ઊઠતાની સાથે મળત્યાગ થાય અને એનું નિરીક્ષણ કરાય તો એ આરોગ્ય-વૈરાગ્ય-સૌભાગ્યનું કારણ બને એવું ચિંતન રજૂ કર્યું છે વિનોબા ભાવેએ. એમનું સૂત્ર છે "પ્રભાતે મલદર્શનં આરોગ્ય-વૈરાગ્ય-સૌભાગ્યદાતૃ." એમનું અર્થઘટન એ છે કે સવારે ઊઠતાંવેંત પેટ સાફ થઈ જવાથી સ્ફૂર્તિ-સ્વસ્થતાદિરૂપે આરોગ્ય મળે, ગઈકાલે આરોગેલ સારામાં સારા મૂલ્યવાન મિષ્ટાન્નાદિ પદાર્થોને આજે મળસ્વરૂપે વિ-રૂપ પરિણમતા જોઈ વૈરાગ્ય પ્રગટે અને આ રીતે આરોગ્ય-વૈરાગ્ય સાથે પ્રગટે એ જ મોટું સૌભાગ્ય છે ! અહીં પણ નોંધપાત્ર બાબતત આ છે કે પ્રથમના બે શબ્દોમાં જે બે વિશેષતા અલગ શબ્દો દ્વારા રજૂ થઈ એ જ વિશેષતા છેલ્લા શબ્દમાં સંયુક્ત રજૂ થઈ અને એને વિશેષતાની દૃષ્ટિએ વધુ પાવરફુલ ગણી અલગ સ્થાન અપાયું છે.
બસ, આ જ પ્રરૂપણાશૈલી નિહાળવા મળે છે સત્તરમા માયામૃષાવાદ નામે પાપ-સ્થાનકમાં. આ નામમાં બે શબ્દ છે: માયા અને મૃષાવાદ. આમાંથી મૃષાવાદને પૂર્વે બીજા પાપસ્થાનરૂપે દર્શાવીને એનું અર્થઘટન કરાયું છે જૂઠ-અસત્ય બોલવું. તો માયાને આઠમા પાપસ્થાનકરૂપે દર્શાવી એનો અર્થ કરાયો છે છળ- કપટ- દંભ કરવો. જ્યાં દંભ-પ્રપંચની પ્રબળ માયાજાળ રચીને પ્લાનીંગપૂર્વક- ઈરાદાપૂર્વક - ઊંડા આયોજનપૂર્વક જૂઠ બોલવું એ છે આ માયામૃષાવાદ નામે સત્તરમું પાપસ્થાનક. અહીં નોંધપાત્ર બાબત એ પરખાશે બે અલગ અલગ પાપસ્થાનકોમાં જે એકેક દોષ ગાઢ હતો તે જ બે દોષ સંયુક્તપણે આ સત્તરમા પાપસ્થાનકમાં પ્રગાઢપણે રજૂ થયા છે અને નુકસાનની તીવ્રતાની દૃષ્ટિએ એને અલગ સ્વતન્ત્ર સ્થાન અપાયું છે. આનો સાર એ થયો કે બીજા અને આઠમા પાપસ્થાનક કરતાં ય આ સત્તરમું પાપસ્થાનક વધુ ભયંકર- વધુ ખતરનાક છે.
માયા-દંભપૂર્વક મૃષાવાદ આચરનાર વ્યક્તિ ઘણીવાર કેવી દૂરગામી અસરો ધરાવતી ભયાનક પાપપરંપરા સર્જી બેસે એ જાણવું છે ? તો વાંચો જૈન સાહિત્યમાં મળતી આ કથા:
પંડિત ક્ષીરકદંબક ઉપાધ્યાય પાસે ત્રણ શિષ્યોએ સાથે અભ્યાસ કર્યો હતો. એમાં એક હતો એમનો પુત્ર પર્વત, બીજા હતા નારદમુનિ અને ત્રીજો હતો રાજકુમાર વસુ. વર્ષોનાં વહાણાં બાદ પંડિત સ્વર્ગે સીધાવ્યા. એમનાં સ્થાને પર્વતે અધ્યાપન સંભાળ્યું, તો રાજકુમાર વસુએ રાજ્ય સંભાળ્યું. વસુની ખ્યાતિ સત્યવાદીરૂપે હતી.
એક વાર નારદમુનિ પ્રવાસમાં પર્વતનાં ઘરે મહેમાન બન્યા. પર્વત ત્યારે શિષ્યોને અધ્યયન કરાવતો હતો. એમાં યજ્ઞાસંબંધી પંક્તિ આવી કે "અજૈર્જુહુયાત્." પર્વતે "અજ" શબ્દનો અર્થ બકરો કરી એની આહૂતિ યજ્ઞામાં આપવાનું વિધાન કર્યું. નારદજી આ સાંભળી ચમકી ગયા. કેમ કે એમને ખબર હતી કે ગુરુએ 'અજ'નો અર્થ 'ઉગી ન શકે તેવી જૂની ડાંગર' કર્યો હતો. નારદજીએ પર્વતને સત્ય અર્થ સમજાવ્યો. પરંતુ પર્વત માટે હવે એ 'અહં'નો પ્રશ્ન બની ગયો કે શિષ્યો સમક્ષ ભૂલ કબૂલવામાં મારી નાલેશી થાય. બન્ને વચ્ચે હુંસાતુસી થઈ. એમાં બન્નેએ નિર્ણય કર્યો કે આપણો સહાધ્યાયી વસુરાજા જેનો અર્થ સત્ય ઠેરવે એ વિજયી થાય.
આ સમગ્ર વાદ-વિવાદ અભ્યંતર ભાગમાં સાંભળી રહેલ ગુરુપત્નીએ પાછળથી પુત્ર પર્વતને કહ્યું: "મને પણ નારદ કહે છે તે જ અર્થ કરાયાનો ખ્યાલ છે. તું હારી જઈશ." જીદે ચડેલ પર્વતે માતાને જણાવ્યું: "વસુરાજા મારી તરફેણ કરે એવું વચન તું એની પાસેથી લઈ આવ." પુત્રમોહમાં અંધ માતાએ વસુરાજાએ ગુરુદક્ષિણારૂપે પર્વતની તરફેણ કરવા તૈયાર કર્યો. વસુરાજે ઈરાદાપૂર્વક- પાકા પ્લાનીંગપૂર્વક જૂઠ બોલવાનું નિશ્ચિત કર્યું.
નિયત દિવસે રાજસભા ભરાઈ. સિંહાસન પર આરૂઢ વસુરાજ સમક્ષ પર્વત અને નારદજીએ પોતપોતાનો પક્ષ રજૂ કર્યો. સત્યને જ પુરસ્કૃત કરતો હોય એવો દંભી માયા મૃષાવાદભર્યો દેખાવ કરી વસુરાજે 'અજ'નો અર્થ બકરો સ્વીકાર્યો અને પર્વતને વિજેતા જાહેર કર્યો. તત્ક્ષણ દૈવી ઉત્પાત મચવા સાથે વસુરાજા સિંહાસન પરથી નીચે પટકાયો, લોહીનાં વમન સાથે મૃત્યુ પામી નર્કનો અતિથિ બની ગયો ! આ ભયાનક માયામૃષાવાદનું ખતરનાક દુષ્પરિણામ એ આવ્યું કે પશુહિંસાની દીર્ઘ પરંપરાનું ધર્મનાં નામે સર્જન થયું ! સ્વ અને પર, સહુને દુર્ગતિની પરંપરામાં ધકેલનાર આ માયામૃષાવાદનું પાપ જીવનમાં ક્યાં ય જામી ન પડે એનું લક્ષ્ય આત્મકલ્યાણના અભિલાષીએ રાખવું.
અઢારમું અને અંતિમ ક્રમનું પાપસ્થાનક છે મિથ્યાત્વશલ્ય. એક ધ્યાનાકર્ષક બાબત એ છે કે અઢારે ય પાપસ્થાનકોનાં નિરૂપણમાં શાસ્ત્રોએ તે તે પાપોનાં માત્ર નામ યથાવત્ રજૂ કર્યા છે, પરંતુ ક્યાં ય એ નામ સાથે તે પાપની ખતરનાકતા દર્શાવતું વિશેષણ રજૂ કર્યું નથી. ફક્ત આ અઢારમું પાપસ્થાનક જ એવું છે કે જ્યાં નામ સાથે એની ખતરનાકતા દર્શાવતું વિશેષણ પણ સાથે જ રજૂ થયું છે. એ વિશેષણનું નામ છે શલ્ય. શલ્ય એટલે ? એક એવો ધારદાર કાંટો કે જે પગમાં યા શરીરનાં કોઈ અંગમાં ઊંડે ઊંડે ખૂંપી ગયો હોય. જ્યાં સુધી એને કઢાય નહિ ત્યાં સુધી નડયા જ કરે અને સતત પીડયા-નડયા કરતું હોવાથી અહીં અઢારમાં પાપસ્થાનકમાં એના માટે શબ્દ પ્રયોગ કરાયો છે મિથ્યાત્વશલ્ય.
કબૂલ કે અઢારમું પાપસ્થાનક સૌથી ખતરનાક નડતરરૂપ હોવાથી એમાં 'શલ્ય' શબ્દ પ્રયોગ કરાયો. પરંતુ મુખ્ય શબ્દ મિથ્યાત્વ એટલે શું ? પહેલા સમજીએ એનો શબ્દાર્થ અને પછી સમજીએ એનો તત્વાર્થ. જ્યાં જે નથી ત્યાં તેનો ભ્રમ કરાવે છે તે છે મિથ્યાત્વ. 'અતસ્મિન્ તદ્બુદ્ધિર્મિથ્યાત્વમ્.' સત્તર પાપસ્થાનકો મુખ્યપણે દુષ્પ્રવૃત્તિરૂપ છે, જ્યારે આ અઢારમુસ્પાપસ્થાનક મુખ્યપણે દુર્બુદ્ધિરૂપ છે. દુર્બુદ્ધિ જેમ તમામ દુષ્પ્રવૃત્તિઓની જનેતા બની રહે, એમ આ મિથ્યાત્વ તમામ પાપસ્થાનકોનું મૂળ છે - જનેતા બની રહે છે. એથી જ એનાં વર્ણનમાં યથાર્થ પંક્તિ લખાઈ છે કે:-
સહુ પાપનું સહુ દુઃખનું સહુ દોષનું જે મૂલ છે,
મિથ્યાત્વ ભૂંડું શૂલ છે સમ્યક્ત્વ રૂડું ફૂલ છે...
હવે સમજીએ સંક્ષેપમાં મિથ્યાત્વનો તાત્વિક અર્થ. આત્મકલ્યાણના ઉપક્રમમાં સૌથી ઉત્તમ અસરકારક પરિબળ બની રહે છે શુદ્ધ દેવ-ગુરુ-ધર્મની પ્રાપ્તિ. એ જો પ્રાપ્ત થઈ જાય અને એનું શ્રેષ્ઠ શ્રદ્ધાપૂર્વક સેવન થાય તો આત્મકલ્યાણ અત્યંત આસાન બની જાય. દુર્બુદ્ધિ ઊભી કરતું આ મિથ્યાત્વ અશ્રદ્ધા-શંકા-કાંક્ષા વગેરે દ્વારા શુદ્ધ દેવ-ગુરુ-ધર્મની પ્રાપ્તિમાં અવરોધક બની આત્મકલ્યાણ અટકાવે છે. એ મિથ્યાત્વને મિટાવવા જોઈએ સમ્યક્ત્વ નામે સદ્ગુણ. એ શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ પરની શ્રદ્ધારૂપ છે.
બહુ સરલ રીતે સમજવું હોય તો એમ કહી શકાય કે 'મારું જ સાચું' આ કદાગ્રહ એ મિથ્યાત્વનું સ્વરૂપ છે અને 'સાચું એ મારું' આ વિવેકદૃષ્ટિ સમ્યક્ત્વનું સ્વરૂપ છે. દેવ-ગુરુ-ધર્મ બાબતે જૈન દર્શનની રજૂઆત 'આ જ સાચા' એવી નથી, બલ્કે 'આવા હોય તે સાચા' એવી છે. પછી ભલે ને નામ એમનાં કોઈપણ હોય. એનાથી નિસબત નથી. એ વ્યાખ્યા પણ સરલ કરે છે કે (૧) જે ઈચ્છા વિનાના છે એ સાચા દેવ છે (૨) જે મૂર્છા-આસક્તિ વિનાના છે એ સાચા ગુરુ છે અને (૩) જે હિંસા વિનાનો છે એ સાચો ધર્મ છે... જ્યાં ઈચ્છામાત્ર નથી ત્યાં રાગ-દ્વેષનો સંપૂર્ણ નાશ છે. દેવતત્વ આવું ઉત્તમ હોય. જો એનામાં ય રાગ-દ્વેષ હોય તો આપણી અને એમની વચ્ચે ફર્ક શો ?... ગુરુ ભલે હજૂ પૂર્ણ નથી બન્યા, પરંતુ પૂર્ણતા તરફ ગતિશીલ છે. એટલે એ ઈચ્છાની-રાગની ગાઢ અસરોથી તો મુક્ત રહે જ. એથી એમને જણાવાયા મૂર્છામુક્ત... ધર્મ સાચો એ છે જે અહિંસાની - આત્મૌપમ્યની બુલંદીથી પ્રતિષ્ઠા કરે. અન્યોના જીવન અધિકારની સુરક્ષાથી રૂડો પુરુષાર્થ અન્ય શું ?
આપણે 'મિથ્યા'થી મુક્ત થઈ 'સમ્યક્'થી યુક્ત થઈએ એ અઢારમા પાપસ્થાનકનાં વિવરણનું હાર્દ છે...